For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

થયેલ પાપનાં પ્રાયશ્ચિત માટેના છ ઉપાયો કયા?

Updated: Apr 23rd, 2024

થયેલ પાપનાં પ્રાયશ્ચિત માટેના છ ઉપાયો કયા?

- એક જ દે ચિનગારી-શશિન્

- માણસ દ્વારા જાણે-અજાણે પવિત્ર ઇરાદાથી કોઈ પાપ થઇ જાય તો એ પાપ ક્ષમ્ય છે. ઘણીવાર માણસે પવિત્ર પાપ કરવાની સ્થિતિમાં મૂકાવું પડે છે

'પ્રા યશ્ચિત' કે પસ્તાવાનું માનવજીવનમાં મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. કલાપીના શબ્દોમાં 'પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે' પ્રાયશ્ચિત શબ્દમાં 'પ્રાયઃ' શબ્દનો અર્થ 'તપ' અને 'ચિત્ત'નો અર્થ નિશ્ચય ઘટાવવામાં આવ્યો છે. 'તપ' અને દ્રઢ નિશ્ચયથી સાચું પ્રાયશ્ચિત થાય છે.

પશ્ચાતાપ એ કોઈ યાંત્રિક ક્રિયા નથી પણ હૃદયને વલોવી નાખી માણસને નૂતન જન્મ આપનારી ક્રિયા છે. પ્રાયશ્ચિતનું થાણું બુધ્ધિ નથી પણ અંતઃકરણ છે. જો માણસ અંતઃકરણને શુધ્ધ બનાવી બીજાને થયેલી પીડા, વેદના, દુઃખ કે દર્દ પોતાને થાય એવી લાગણી ઉદ્દભવે તો જ પશ્ચાતાપનું પવિત્ર ઝરણું વહે. સાચા અર્થમાં પશ્ચાતાપી થવું મુશ્કેલ છે. કારણ કે પશ્ચાતાપ કર્યા છતાં મન કે હૃદયમાંથી જે કાંઈ થઇ ગયું એનો દંશ જતો નથી. કોઈ સંત કે ધર્મગુરૂ આગળ કરેલું નિર્મળ કે પવિત્ર 'કન્ફેશન' માણસના મનમાંથી પાપનો બોજ હલકો કરે છે. જેસલ બહારવટીઓ અને તોળાંદે રાણીનું ગીત જાણીતું છે. તોળાંદે જેસલને કહે છે ઃ 'પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે, તારી બેડલીને બૂડવા નહીં દઉં' રવિશંકર મહારાજે જે બહારવટીઆનું હૃદય પરિવર્તન કરાવ્યું હતું તે મોતી બહારવટીઆએ કહ્યું હતું કે હવે મારો આત્મા જાગી ગયેલો છે. હું ઇચ્છું તો પણ મારાથી લૂંટ-ફાટ, હિંસા, હત્યા થઇ શકે નહીં. આવુ પ્રાયશ્ચિત એ સાચું પ્રાયશ્ચિત છે. કાકા સાહેબ કાલેલકરે એક સરસ વાત કરી છે ઃ માણસને પશ્ચાતાપ થાય છે એને બદલે પૂર્વતાપ થતો હોત તો કેવું સારું. મહાભારતમાં એટલે જ કહેવામાં આવ્યું છે કે જે માણસ પોતાની જાતિ, આશ્રમ અને કુલધર્મનો ત્યાગ કરે છે તેની શુદ્ધિ કોઈ પણ પ્રાયશ્ચિત નથી થતી. મનુષ્ય જીવનમાં એવો એક પણ માણસ નહીં હોય જેણે પશ્ચાતાપનાં કડવાં ફળ ચાખવાનો વારો ન આવ્યો હોય જેમનાં પૂર્વ જન્મનાં કૃત્યો સારાં નથી હોતાં તે વર્તમાન જીવનમાં પણ પશ્ચાતાપ કરી શક્તો નથી. દુર્યોધન, રાવણ, કંસ વગેરે તેનાં ઉદાહરણો છે. પ્રાયશ્ચિત તો જ સાર્થક બને જો પશ્ચાતાપને કારણે માણસ જીવન ઉર્ધ્વગામી વિચારો સેવતો થઇ જાય. વાલીઆમાંથી વાલ્મીકિ બનેલા રામાયણના રચયિતા તેનું એક પ્રેરક ઉદાહરણ છે. શેક્સપિયરે સાચું જ કહ્યું છે કે પસ્તાવો હૃદયની વેદના છે અને નિર્મળ જીવનનો ઉદય. સંત કબીરે સાચું જ કહ્યું છે કે ઃ

કરતા થા તો ક્યોં કિયા,

અબ કરિ ક્યોં પછિતાય

બોવે પેડ બબૂલ કા

આમ કહાં સે ખાય ?

શિવપુરાણના શ્લોકોમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચાતાપ જ પાપ કરનારા પાપીઓ માટે મોટું પ્રાયઃશ્ચિત છે. તેના થકી પાપો ભસ્મીભૂત થાય છે. સંતોએ સઘળાં પાપોના નાશ થકી આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિતનો ઉપદેશ આપ્યો છે. પશ્ચાતાપ ટેમ્પરરી નહીં, સદા માટે કુવૃત્તિઓના વિદાયનો નિમિત્ત બનવા જોઇએ. અહીં પુણ્યશાળી પાપનું એક દ્રષ્ટાન્ત ધ્યાનમાં લેવા જેવું છે તદનુસાર ઃ

એક માણસે ૫૧ (એકાવન) ખૂન કર્યા પછી મનોમન નક્કી કર્યું કે મારે હવે પવિત્ર બનવું છે. સત્કર્મો થકી મારાં પાપો ધોઈ નાખવા છે. તે એક સંત પાસે ગયો અને કહ્યું કે મારે મારાં પાપો ધોઈ પવિત્ર બનવું છે. પણ મને કેવી રીતે ખબર પડે કે મારાં પાપો ધોવાઈ ગયાં છે અને હું પવિત્ર બની ગયો છું.

 અંતે તેને બહુ સમયજાવ્યો કે પાપ પ્રજ્જવલિત થવાની સાબિતી ન હોય. એટલે દરરોજ સત્કર્મ કરતા રહેવું જેથી પાપની બાદબાકી અને સતકાર્યોએ ઉદય થાય. છતાં પણ પેલો પાપી જિદ છોડવા તૈયાર થતો નહોતો. એ માગણી કરી રહ્યો હતો કે મારાં પાપો નષ્ટ થયાં છે એની મને પ્રતીતિ ક્યારે થાય ! સંતે તેને એક કાળું કપડું આપ્યું અને કહ્યું કે આ કપડું કાળાને બદલે ધોળું થઇ જાય ત્યારે તારે માનવું કે તારાં પાપો નષ્ટ થઇ ગયાં છે. પેલા ખૂનીના મનમાં એ વાત બેસી ગઈ. એ મંદિરે જતાં, પ્રાયશ્ચિત કરતો, દાન દક્ષિણા આપતો ઉપવાસ કરતાં અને ચોવીસે કલાક ભગવાનના નામની માળા કરતો. એમ લાંબો સમય ચાલ્યું. પેલો માણસ દરરોજ સવારે ઉઠીને કપડું જુએ પણ તે કાળું જ રહ્યું અંતે કંટાળીને એણે સંત પાસે જઇને કહ્યું ઃ 'લો, આ આપનું કાળું કપડું. મારાં પાપો એટલાં બધાં છે કે કપડું કદી ધોળું થવાનું નથી.'

સંતે કહ્યું ઃ 'બે દિવસ પછી મને મળવા આવજે.'

પેલા માણસને ટાઢક વળી. એ એકવાર નદીએથી સ્નાન કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે એણે જોયું કે ચાર ગૂંડાઓ કોઈ સ્ત્રીની છેડતી કરી રહ્યા છે. એણે પેલા ગુંડાઓને કહ્યું કે પર સ્ત્રી માત સમાન રે - એ બાઈને છોડી દો.

ગુંડાઓ ઉશ્કેરાયા એણે પેલી સ્ત્રીને ભાગી જવાની સૂચના આપી અને ગુંડાઓને કહ્યું ઃ 'ભાઈ, હિંસા એ પાપ છે. સ્ત્રીની છેડતી કરવી એ પાપ છે. મેં પ્રતિજ્ઞા કરી છે કે મારે કોઈ પાપ ના કરવું. બાકી આપણે બંદા પણ મોટા કલાકાર છીએ.'

ગુંડાઓએ તેને બે રહમીથી મારવાનું શરૂ કર્યું. ચપ્પુ ઉગામી તેની પર હિંસક હુમલો કર્યો ત્યારે પેલા પાપીએ મનોમન વિચાર્યું. આમેય આપણે ૫૧ ખૂન કર્યાં છે. મારાં પાપો ધોવાવાનાં નથી તો એક પવિત્ર ખૂન કરી દઉં અને એણે પેલા ગુંડાના હાથમાં ચપ્પુ છીનવી લઇ તેના પર ચાકૂ હુલાવી દીધું અને સંત પાસે જઇને કહ્યું કે મેં આજે મોટું પાપ કર્યું છે. લો આપનું આ કાળું કપડું !

પણ એ પાપીએ જોયું તો કાળું કપડું ધોળું થઇ ગયું હતું !

મતલબ કે પવિત્ર ઇરાદાથી માણસથી જાણે અજાણે કોઈ પાપ થાય તો એ પાપ ગણાતું નથી. ઇરાદાપૂર્વક પાપ કરવામાં આવે તો એ પાપકર્મ બને છે.

આજકાલ હિંસા-હત્યા-સ્ત્રીઓની છેડતી, ચોરી વગેરેની ઘટનાઓ પારાવાર પ્રમાણમાં થઇ રહી છે. વધી રહી છે. અને એવા ગુંડા કે પાપીઓના ચહેરા તરફ નજર કરશો તો જણાય છે કે તેમને દુષ્કૃત્ય બદલ લેશમાત્ર દુઃખ નથી હોતું. પવિત્ર પાપ હોઈ શકે ? થયેલ પાપના પ્રાયશ્ચિત માટેના છ ઉપાયો કયાં ?

૧. બુદ્ધિથી નહીં પણ અંતઃકરણથી પ્રાયઃશ્ચિત કરવું.

૨. પોતાનાથી થયેલા દુષ્કૃત્ય બદલ મનોમન પારાવાર વેદના અનુભવવી.

૩. પ્રાયશ્ચિતએ માનસિક તપ છે. તેને માટે દ્રઢ નિશ્ચય જરૂરી છે.

૪. દરરોજ મનમાંથી દુષ્કર્મો ઉલેચતા જવું.

૫. કોઈ પવિત્ર કારણસર આવેગમાં પાપ થઇ જાય તો સાચા દિલથી માફી માગી લેવી.

૬. મનને સંયમની સતત તાલીમ આપવી.

Gujarat