For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમારી જાતને પૂછો કે શું હું ઝિંદાદિલ ઈન્સાન છું ?

Updated: Mar 19th, 2024

તમારી જાતને પૂછો કે શું હું ઝિંદાદિલ ઈન્સાન છું ?

- એક જ દે ચિનગારી-શશિન્

- ઝિં દાદિલ વ્યક્તિનાં છ લક્ષણો ક્યાં? ઝિંદાદિલીને 'જો' અને 'તો' સાથે સંબંધ નથી. જો અને તો એ ગણિતનો વિષય છે, માનવતાનો નહીં. બિનશરતી સત્કર્મ એ જ ઝિંદાદિલી

એ ક માણસ સંત પાસે જઈને પૂછે છે. આ જગત કેમ આટલી બધી વિકૃતિઓથી ભરેલું છે ? સજ્જનોની સંખ્યામાં ઓટ આવી રહી છે અને દુર્જનોની બોલબાલા છે. ચહેરા પરથી જાણે પ્રસન્નતા લુપ્ત થઈ ગઈ છે. કોઈનું દુ:ખ કોઈને સ્પર્શતું નથી. શું માણસ ઝિંદાદિલી ખોઈ બેઠો છે ? સંતે તેને આશ્વસ્ત કરતાં કહ્યું : ''ભાઈ, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે તમારી જાતને પૂછો. તમે કેટલા અંશે સંવેદનશીલ છો ? તમે મોટરબાઈક પર સવાર થઈ અહીં મળવા આવ્યા. ૮ કિલોમીટરના માર્ગ પર તમે શું-શું જોયું ?''

પેલા માણસે કહ્યું : ''મારી ગાડીની હડફેટે એક શ્વાન આવ્યું. એ ઘાયલ થઈને દૂર ફેંકાયું. થોડેક આગળ જતાં એક બાઈની ગુંડાઓ છેડતી કરતા હતા. ત્રણ ગુંડાઓ હતા એમની સામે હું એ બાઈને બચાવવા દોડું તો સામેથી મોતને નોંતર્યું ગણાય. આગળ વધતાં બે ગાડીઓનો એકિસેડેન્ટ થયેલો નજરે પડયો. જે પૈકી એક માણસ ઘાયલ થઈને તરફડતો હતો. એને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરું તો પોલિસનું લફરું ઉભું થાય. આપને મળવાની મને ઉતાવળ હતી. એટલે આજુબાજુ જે કાંઈ બની રહ્યું હતું તેની મેં ઉપેક્ષા કરી.''

''હવે તમે જ કહો : તમે ઝિંદાદિલ કહેવાઓ કે મુર્દાદિલ ?'' સંતે પૂછ્યું ઝિંદાદિલી એ ફારસી શબ્દ છે જેનો અર્થ છે : હ્ય્દય જીવતું-જાગતું ઉત્સાહિત હોવું તે. ઝિંદા એટલે જીવતું. દિલ એટલે હ્ય્દય. ઝિંદાદિલ એટલે ખુશમિજાજી, પેલા માણસને ઝિંદાદિલીનો સાચો અર્થ સમજાયો. વિનોદપ્રિય, લાગણી અને સંવેદનશીલતાના અર્થમાં પણ ઝિંદાદિલી શબ્દ પ્રયુક્ત થાય છે. ઈશ્વરે માણસને ધબકતું હ્ય્દય આપ્યું છે. એ માત્ર જીવી ખાવા માટે નહીં પણ બીજાને જીવાડવા માટે, બીજાના સુખ:દુ:ખમાં ભાગીદાર બનવા ઝિંદાદિલ માણસ પ્રસન્ન ચિત્ત હોય. સેવાભાવી હોય, ત્યાગ અને સમર્પણમાં માનતો હોય. પોતે ખુવાર થઈને પણ બીજાને મદદરૂપ થતો હોય. ઝિંદાદિલ માણસ જિંદગીનું મૂલ્ય સમજે છે એટલે વણમાગી મદદ માટે તે તત્પર રહે છે. ઝિંદાદિલ રોદણાં નહીં રડે. એ ભગવાનને 

કહેશે : 

દિલ દે તો ઈસ મિજાજકા

પરવર દિગાર છે.

દો રંજકી ઘડીકો

ભી ખુશી મેં ગુજાર દે.

એવા માણસનું મુખ જો કોઈને જોઈને પ્રસન્નતા ન અનુભવતું હોય એ જોવા લાયક ન જ ગણાય.

ઝિંદાદિલ માણસ પ્રસન્નચિત્ત હશે. ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે ઝિંદાદિલ માણસોએ જ સભ્યતા અને સંસ્કૃતિની રક્ષા કરી છે. ત્યાગ અને બલિદાન દ્વારા માનવધર્મ દીપાવ્યો છે. એમણે સ્વાર્થનું માન્યું નથી, પણ પર માર્થ અને દેશપ્રેમ, માનવતા અને કર્તવ્યને સર્વસ્વ ગણ્યું છે. ભગતસિંહ અને તેમના સાથીઓ, સુભાષચંદ્ર બોઝ, શહીદ થએલા અનેક કર્મવીરો અને ધર્મવીરોએ મોતને મીઠું કરવામાં પાછી પાની કરી નથી. કાનૂનની ઈજ્જત ખાતર સોક્રેટિસની જેમ વિષનો પ્યાલો ગટગટાવી ગયા છે. પન્ના ઘાઈની જેમ સ્વામીના સંતાનની રક્ષા માટે પોતાના લાડકા પુત્રનો ભોગ આપ્યો છે. મુર્દાદિલ કહેશે :

''ઝિંદા હૂં ઈસ-તરહ જૈસે

ઝિંદગી નહીં,

જલતા હુ આ દિયા હું

મગર રોશની નહીં''

અહીં ઝિંદાદિલ લોકોની ભાવના અને કર્તવ્ય કેવું મહાન હોય તેના ઉદાહરણો ધ્યાનમાં લેવા જેવાં છે. એક ચિત્રકારના પડોશમાં એક મુસ્લિમ પરિવાર રહેતું હતું. એકાએક આગ લાગતાં ચિત્રકાર અને મુસ્લિમ પરિવારની સઘળી મિલ્કત ભસ્મીભૂત થઈ ગઈ. મુસ્લિમ બાઈ પણ પોતાનો પતિ ગુમાવી બેઠી હતી. ચિત્રકારે વીમો ઉતરાવ્યો હતો. એટલે ઠીક-ઠીક મોટી રકમ વીમા કંપનીએ તેને ચૂકવી આપી. પૈસા હાથમાં આવતાં પેલો ચિત્રકાર મુસ્લિમબાઈ પાસે ગયો અને કહ્યું : લો, આ મારા વીમાની રકમ. હું હજી હયાત છું એટલે ચિત્રો દોરીને કમાઈ શકીશ. પણ તમે નિરાધાર છો. આ રકમ તમારી જીવાદોરી માટે કામમાં આવશે. પેલી મુસ્લિમ બાઈની આંખમાં આંસુ ઉભરાયા. એણે નમાજ પઢ્યા બાદ કહ્યું : 'યા, અલ્લાહ આપને મુઝે જન્નત કા દર્શન કરાયા ચિત્રકાર જૈસે ઝિંદાદિલ લોગો કી બદોલત તો યે ઘરતી ટિક રહી હૈ !'

ઈશ્વરચંદ્ર વિદ્યા સાગર એકલા વિદ્વાન નહોતા પણ માનવતાથી ઉભરાતી દરિયાદિલીને વરેલા ઈન્સાન હતા. નમ્રતા, સાદગી અને પરોપકાર એમના વ્યક્તિત્વનાં ઉજળાં પાસાં હતાં.

એક રાત્રે એક માણસે તેમના બારણે ટકોરા મારી તેમને જગાડયા અને કહ્યું : ''માફ કરજો, મોડી રાત્રે આપને તકલીફ આપવા બદલ. પણ લાચાર છું. આવતી કાલે અદાલતમાં મારે કેસ ચાલશે. મેં લીધેલ લોનના પૈસા અદા કરી શક્યો નથી એટલે હું હારી જઈશ અને મારી મિલકતની હરાજી થઈ જશે. આપ કૃપા કરો.''

ઈશ્વરચંદ્રે કશું બોલ્યા વગર તેને વિદાય કર્યો. તે માણસ નિસાસા નાખતો વિદાય થયો. એણે બધું ઈશ્વર પર છોડી દીધું.

પણ એ માણસ કોર્ટમાં પહોંચે એ પહેલાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કોર્ટમાં પહોંચી ગયા. પેલા માણસની લહેણી રકમની જાણકારી મેળવી સંપૂર્ણ રકમ તરત જ ભરપાઈ કરી દીધી અને કોર્ટમાંથી નીકળી ગયા. પેલા માણસ કોર્ટમાં ચિંતાગ્રસ્ત સ્થિતિમાં પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેની લહેણી રકમ ભરપાઈ કરી દીધી છે ! અને એ માણસ આભાર માને એ પહેલાં કોર્ટમાંથી વિદાય થઈ ગયા હતા. 

આનું નામ ખરી ઝિંદાદિલી. કોઈના આંસૂ નિસ્વાર્થ ભાવે લૂછનાર ઝિંદાદિલ લોકોને જોઈને જ પરમાત્મા આનંદિત થતો હશે કે મનુષ્યનું મારું ઘડતર સર્વદા નિષ્ફળ ગયું નથી.

એક કુલપતિનો આશ્રમ હતો. તેમાં પચાસેક વિદ્યાર્થી રહેતા હતા. કુલપતિએ લાંબા સમય સુધી આશ્રમની એવા કરી શિક્ષકધર્મ નિભાવ્યો, પણ વૃદ્ધા વસ્થાને લીધે તેમનું શરીર કમજોર થઈ રહ્યું હતું. એક દિવસ પ્રાર્થના બાદ તેમણે જાહેર કર્યું : ''મારા જમણા પગમાં અસહ્ય પીડાજનક એક ચાંદુ પડયું છે. એ ચાંદાને પોતાના મુખથી ચૂસી લેશે એને હું કુલપતિ બનાવવા ઈચ્છું છું.'' ચાંદાને ચૂસવાની વાત આવી એટલે પચાસમાંથી ઓગણ પચાસ વિદ્યાર્થીઓએ મોં મચકોડયું. પણ પચાસમો વિદ્યાર્થી આગળ આવ્યો. તેણે કહ્યું : ''ગુરુદેવ, આપની પીડામુક્તિ માટે હું ગમે તે કરવા તૈયાર છું.''

ગુરૂએ યોગ દ્વારા કૃત્રિમ ચાંદુ ઉભું કર્યું હતું. બાકીના વિદ્યાર્થીઓ પેલો ચાંદુ ચૂસવા તૈયાર થએલો વિદ્યાર્થી શું કરે છે તે જોવા રોકાયા. પેલા વિદ્યાર્થીએ ચાંદા પર મોં મૂકવાની તૈયારી કરી કે તરત જ કુલપતિ ગુરુદેવે ચાંદુ અદ્રશ્ય કરી દીધું અને ત્યાંથી એક પાકી કેરી ખરી પડી. ગુરૂદેવે કહ્યું કે આજથી આ જ વિદ્યાર્થી કુલપતિ પદે વિરાજશે. બીજાના દુ:ખદર્દ પીવા તત્ત્પર રહે એજ ઝિંદાદિલ ઈન્સાન બાકીના વિદ્યાર્થીઓએ કહ્યું : ''જો અમને પહેલેથી જ ખબર હોત કે ચાંદાની જગાએ કેરી ખરી પડવાની છે તો અમે પણ ચાંદુ ચૂસવાનો પ્રયત્ન કર્યો હોત. ઝિંદાદિલીને 'જો' અને 'તો' સાથેનો સંબંધ નથી. 'જો' અને 'તો' ગણિતનો વિષય છે, માનવતાનો નહી.'' બિનશરતી સત્કર્મ એટલે ઝિંદાદિલી ઝિંદાદિલ વ્યક્તિનાં છ લક્ષણો ક્યાં ?

૧ તે સદાય બધાં જ કર્મો પ્રસન ચિત્તે કરે છે.

૨. કોઈનાય આંસુ લૂછવા એ સદાય તત્પર રહેશે. કોઈ પણ પ્રકારની શરત વગર.

૩. ઝિંદાદિલ વ્યક્તિ માટે સેવા, પરોપકાર અને માનવતા એ જ મોટો ધર્મ છે.

૪. બીજાના ભલા માટે તે સર્વસ્વનું બલિદાન આપવા તૈયાર હોય છે.

૫. પોતાનું બૂરું થવાની ભીતિ મનમાં રાખ્યા સિવાય ઈન્સાન અને દેશના ભલા ખાતર પોતાની જાતને હોમી દેવા સંકલ્પબધ્ધ હોય છે.

૬. સાચી ઝિંદાદિલી વાળા માણસને વાહવાહી કે પ્રશંસાની પરવા હોતી નથી.

Gujarat