For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મને એજ સમજાતું નથી કે આવું શાને થાય છે?

Updated: Apr 16th, 2024

મને એજ સમજાતું નથી કે આવું શાને થાય છે?

- એક જ દે ચિનગારી-શશિન્

દેવડીએ દંડ પાસે, ચોર મૂઠી જારના

લાખ ખાંડી લૂંટનારા, મહેફિલે મંડાય છે!

- આવું શાને 

થાય છે?

મને એ જ સમજાતું કે નથી કે...

મને એજ સમજાતું

નથી કે, આવું શાને

થાય છે :

ફૂલડાં ડૂબી જતાંને

પથ્થરો તરી જાય છે.

ટળવળે તરસ્યાં ત્યહાં

જે વાદળી વેરણ બને,

તે જ રણમાં ધૂમ મુશળધાર વરસી જાય છે.

ઘરહીણાં ઘૂમે હજારો

ઠોકરાતાં ઠેર-ઠેર

ને ગગનચુંબી મહાલે,

જન સૂના રહી જાય છે

દેવડીએ દંડ પાસે,

ચોર મૂઠી જારના;

લાખ ખાંડી લૂંટનારા

મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળેના

એક સૂકું તણખલું,

ને લીલાંછમ ખેતરોને

આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં

તેલ ટીપુંય દોહયલું

ને શ્રીમંતોની કબર પર

ઘીનો દીવો થાય છે !

મને રોજ સમજાતું

નથી કે શાને આવું

થાય છે ?

- કરસનદાસ માણેક

(વીસમી સદીની 

ગુજરાતની કાવ્ય મુદ્રા)

સ્વ. કરસનદાસ માણેક એક સંવેદનશીલ કવિ છે. એમનું હૃદય ભાવનાથી છલકાતું છે, પણ એમના વિચારો ક્રાન્તિકારી છે. દંભ અને ડૉળ એમને ગમતાં નથી. માનવતાથી મોટો કોઈ ધર્મ કે દેવ પણ નથી, એમ તેઓ માને છે એટલે 'એક દિ હરિના લોચનિયાં મેં દીઠાં'માં ગરીબો પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત થઈ છે. કવિના મનમાં વિસંગતતાની ઝડીઓ છે. આમ કેમ ? સમાજમાં આર્થિક, સામાજિક વિષમતા માટે કોણ જવાબદાર ? શા માટે આવી વિષમતાઓ જોવા મળે છે. કામધેનુ જેવા ગરીબો ભૂખે મરે અને લીલાંછમ ખેતરોને આખલા ચણી જાય એ કેવી વિચિત્રતા ? ક્યાંક પાણી માટે તરસ્યાં લોકો અને રણમાં મુશળધાર વરસાવતાં ! ગગનચૂંબી મકાનો તૈયાર કરવામાં પરસેવો પાડનાર લોકોના નશીબ રહેવા માટે ઝુંપડુંય નથી ! મોટા-મોટા ભ્રષ્ટાચારીઓ પૈસાને બળે નિર્દોષ છૂટી જાય અને પેટનો ખાડો પૂરવા મુઠ્ઠીભર જુવારની ચોરી કરનારાઓને સજા થાય એ ક્યાંનો ન્યાય ?

ઘણીવાર આવા બધા પ્રશ્નોને સમજવામાં સમાજ અને રાજકારણ મૌન સેવે છે અને તેના ઉકેલમાં રસ લેતા નથી ! એટલે તો ફૂલડાં ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે ! માત્ર કવિ માણેકના મનમાં જ નહીં ચિંતનશીલ અને ભાવનાશીલ અન્ય અનેક કવિઓના મનમાં માણસના દુ:ખ-દર્દોની વેદના અને કુદરત તરફથી માણસને થયેલા અન્યાય બદલ પણ તેઓ આક્રોશ ઠાલવે છે :

''આકાશે તારાની ભાત,

ધરતી હૈયે ફૂલ બિછાત,

સર્જી તો કાં સર્જી તાત

માનવના મનમાં મધરાત ?

સામાજિક વિષમતાઓ પ્રત્યેનો પલાયનવાદ એ પણ એક પાપ જ છે. દિલ્લીમાં જોએલું એક દ્રશ્ય યાદ આવે છે. એક દુબળો-પાતળો નિસ્તેજ ચહેરાવાળો પેડલ રીક્ષા ચલાવી રહ્યો હતો. પતિ તમામ તાકાત રેડી એ રીક્ષાને ગતિમાન રાખવા મથતો હતો. રીક્ષામાં એક દમ્પતિ બેઠેલું હતું. બન્નેની કાયા જાણે ૧૪૦-૧૪૦ કિલોગ્રામની ! એટલામાં ઢાળ આવ્યો. એ ઢાળ ચઢાવવાનું મુશ્કેલ હતું. રીક્ષાવાળાએ કહ્યું : ''સાહેબ, આપ નીચે ઉતરી પેડલ રીક્ષાને સહેજ ધક્કો મારો તો ઢાળ ચઢાવી શકાય. પણ પેલા 'સાહેબે' કહ્યું : ''તને પૂરું ભાડું મળવાનું છે એટલે ઢાળ ચઢાવવાની જવાબદારી પણ તારી છે અને રીક્ષાને ધક્કો મારવો એ અમારી 'ડિગ્નિટી'નો સવાલ છે.'' બિચારા રીક્ષાવાળાએ પોતે રીક્ષાને પૂરી તાકાતથી ઢાળ પર ચઢાવવાનો પ્રયત્ન કર્યો. એ પછી એ પાંચ મિનિટ સુધી હાંફતો રહ્યો. એની દયા ખાવાને બદલે પેલા સાહેબે કહ્યું : ''આમ આરામ કરીશ તો અમને નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં મોડું થશે ! ચાલ હાંફવાનું નાટક બંધ કર અને રીક્ષા ચલાવ !'' આ છે ગરીબી અને અમીરીની ભેદરેખા. એક ખાવું છે પણ અન્ન નથી અને બીજાને દાબી-દાબીને ખાધેલી વાનગીઓ પચાવવાનો પ્રોબ્લેમ છે. કેટલાક માણસો ઘણી વાર બીજાને દુ:ખી જોઈ ગત જન્મનાં પાપોની વાત કરતા હોય છે. પેલો રીક્ષાવાળો આ જન્મની તો અનેક પ્રકારની પીડા ભોગવતો 

હોય છે અને ઉપરથી એને એવું કહેવામાં આવે કે તારા પૂર્વજન્મનાં કર્મો સારાં નહીં હોય એટલે આવાં દુ:ખો સહન કરવા પડે છે. શું આને પડયા પર પાટવું ન કહેવાય. કષ્ટ ભોગવનારને ગત જન્મનો દુરાચારી કહેવો એ પણ અમાનવીયતા છે.

અમેરિકા, યુરોપ વગેરે ધનાઢય દેશોના નાગરિકને આર્થિક દુર્દશા કે ભૂખમરાનો સામનો કરવો પડતો નથી તો શું પરમાત્માએ એમને ગત જન્મનાં સત્કર્મોનો લાભ આપી રહ્યો છે એમ માનવું ? હકીકતમાં સામાજિક દુ:ખો ભગવાન સર્જિત નથી પણ માનવસર્જિત છે. 

ેએક માણસ પાસે ઢગલાબંધ રૂપિયા અને બીજો માણસ પૈસા-પૈસા માટે તડપે એ સ્થિતિમાં સમાજમાં શાન્તિ સ્થપાવાનું મુશ્કેલ છે. સંપત્તિની સમાન રીતે વહેંચણી થાય અને અમીરી-ગરીબીનો ભેદ ટળે તો જ માનવજીવન સુખી બની શકે ! કવિ કરસનદાસ માણેકની પણ એ જ વેદના છે કે કેમ આવી વિષમતા જોવા મળે છે ? એકના નશીબે કાંટા જ કાંટા અને બીજાને નશીબે ફૂલોના ઢગલા ! સમાજમાં પૈસાદારોનું મહેફિલોમાં માન-સન્માન થાય અને ગરીબો હડધૂત થાય, એવી ગેરવ્યવસ્થા કેમ ? કવિની મુંઝવણ છે કે કેમ આવું જોવા મળે છે. કોઈ માત્ર પરસેવો પાડીને અમીર બન્યો હોય એ શક્ય નથી. અને પરસેવો પાડનાર અમીર બની ગયો હોય એ પણ જોવા મળતું નથી. સમાજકારણ, રાજકારણ, વેપાર વાણિજ્ય કે બિઝનેસમાં માણસ જાણે-અજાણે પણ ભ્રષ્ટાચાર આચરતો હોય છે. ભષ્ટાચારની દુર્ગંધથી આ દુનિયા ક્યારેય મુક્ત રહી નથી એટલે સમાજમાં કે રાષ્ટ્રોમાં 'રામરાજ્ય' તથા 'કામરાજ્ય' અને 'દામરાજ્ય' તથા 'નામરાજ્ય'ની બોલબાલા છે. માણસે પોતે સુખી થવું છે પણ બીજાને સુખી કરવો કે સુખી જોવો નથી. એટલે પ્રસન્નતા પ્રગટતી નથી ! સર્વત્ર અશાન્તિ, અરાજક્તા, લૂંટફાટ, હિંસા-હત્યા, ચોરી વગેરેના મૂળમાં હકીકતમાં ગરીબી છે. 'બુભુક્ષિતં કિમ્ ન કરોતિ પાપં'. મતલબ કે ભૂખ્યો માણસ કયું પાર કરતો નથી ? ઈશ્વર ઘેર અંધારું હોય કે ના હય પણ માણસના મનમાં રહેલા ઘનઘોર અંધકારે આ દુનિયાને જીવવા લાયક રહેવા દેવામાં ખતરા ઉભા કર્યા છે, એ પણ હકીકત છે.

હકીકતમાં ઈશ્વરને પરિભાષિત કરવાનું કામ અત્યંત કપરું છે કબીર કહે છે -

''ભારી કહું તો બહુ ડરૌ,

હલકા કહું તો જૂઠ,

મૈં ક્યા જાનૂં રામ કો,

નૈનૂ કબ હું ન દીઠ''

એટલે દરેક માણસે પોતાનામાં ઈશ્વરત્વ પ્રગટાવી ઈશ્વર પ્રસન્ન થાય એવું વ્યક્તિત્વ ખિલવવું જોઈએ. બાકી તો ''હરિ અનંત, હરિ કથા અનંતા'' વર્તમાન જગતની વિકૃતિઓ સમજવી હોય તો કેવી સાત દ્રષ્ટિ વિકસાવવી જોઈએ ?

૧. મનુષ્ય માત્રને સમાન માનવાની મનોવૃત્તિ.

૨. નરમાં જ નારાયણના દર્શનની ભાવના.

૩. સંપત્તિની સમાન વહેંચણી.

૪. માનવતાપૂર્ણ દ્રષ્ટિ.

૫. ભ્રષ્ટાચાર અને બેઈમાનીની કમાણીથી દૂર રહેવાની વૃત્તિ.

૬. દયા અને કરૂણાનો વિકાસ.

૭. જીવનમાં પવિત્રતા અને સદાચારનો સતત વિકાસ, આત્મદર્શન.

Gujarat