For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Wish (ઈચ્છા) ને બદલે 'ઈશ' નું રાજ્ય બનાવવાના પાંચ આદર્શો

Updated: Mar 12th, 2024

Wish (ઈચ્છા) ને બદલે 'ઈશ' નું રાજ્ય બનાવવાના પાંચ આદર્શો

- એક જ દે ચિનગારી-શશિન્

- 'બાવળિયા' વાવીને તમે 'આંબા' ની કેરીની આશા કેવી રીતે રાખી શકો? માણસ હિસાબ માંડશે તો હેબતાઈ જશે કે મેં જિંદગીમાં 'આંબા' કરતાં વધારે 'બાવળિયા' વાવ્યા છે.

'ઈ શાવાસ્ય ઉપનિષદ' ઈશનું રાજ્ય છે આખું જે જે આ જગતી વિશે - એનું આપણે રટણ કરીએ છીએ પણ ખરેખર જગતને ઈશનું રાજ્ય બનાવવાને બદલે આપણ વિશ (ઈચ્છાઓ) નું રાજ્ય બનાવીએ છીએ. ઈશ્વરેચ્છાને બદલે સ્વચ્છાને જ મહત્વ આપીએ છીએ. સ્વેચ્છા કોઈ 'બૂરી ચીજ' નથી પણ સ્વેચ્છા શુધ્ધ અને સાત્વિક હોવી જોઈએ. આપણે આશાવંત રહેવાને બદલે નિરાશાવંત રહીએ છીએ. શુભત્વ અને શિવત્વમાં શ્રધ્ધા રાખવાને બદલે નિષ્ફળતાના વિચારોમાં રાચીએ છીએ. આપણી મનોવૃત્તિઓ, આપણામાં રહેલી પરિશ્રમની ઉણપ, ધૈર્યનો અભાવ, 'બર્નિંગ ડિઝાયર', ગંતવ્ય વિશેના સ્પષ્ટખ્યાલથી દૂર રહેવાની મનોદશા, અને સબળ અને પ્રબળ સમર્પણ વૃત્તિ આપણા પરાજયનું કારણ બને છે. કુદરતનો નિયમ છે કે તમે માગશો તે જ મળશે જેની ઈચ્છા રાખશો તે જ તમને સાંપડશે. સફળતાની જન્મભૂમિ માણસનું મન છે. માણસ આવેશમાં, ઉતાવળમાં, લોભમાં, મોહમાં, ક્રોધમાં, ઈર્ષ્યામાં જે કાંઈ કરે  છે એને માટે એ પોતે જ જવાબદાર છે. કોઈ પણ કાર્યનું વિપરીત પરિણામ આવે પછી માણસ પશ્ચાતાપ કરે છે. કબીરે સાચું જ કહ્યું છે કે

કરતા થા તો ક્યોં કિયા,

અબ કરિ ક્યોં પછતાય ?

બૌવૈ પેડ બબૂલકા

આમ કહાંસે ખાય ?

બાવળિયા વાવીને તમે આંબાની કેરીની આશા કેવી રીતે રાખી શકો ?માણસે આત્મદર્શન કરવાની જરૂર છે કે મેં જિંદગીમાં કેટલા આંબા વાવ્યા અને કેટલા બાવિયા ઉછેર્યા ? એનો હિસાબ માંડશે તો માણસ હેબતાઈ જશે કે પોતે જિંદગીમાં આંબા કરતાં વધારે બાવળિયા વાવ્યા છે. આપણે કોઈને મળીએ ત્યારે 'કેમ છો' તો કહીએ છીએ પણ તેનું મુખ કે મૂડ જોઈને આપણને લાગે કે તેની તબિયત બરાબર નથ ીતો આપણે અનારોગ્ય વિશે, બીમારી વિશે પૂછીએ છીએ. ઘણા લોકો પોતાના વિચારો વગર વિચારે વ્યક્ત કરતા હોય છે અને માણસના મનમાં ખળભળાટ મચાવી મૂકે છે. આવા દુષ્પ્રેરિત વિચારોની પણ માણસ પર જબર્જસ્ત અસર થતી હોય છે. માણસના પ્રેરિત વિચારો તેની વિચાર શક્તિને અમુક પ્રકારનું વર્તન કરવા પ્રેરે છે. આ બાબતમાં પેરિસના એક અધ્યાપક ડેબોના વિચારો ધ્યાનમાં લેવા જેવા છે. તેમણે સેન્ટ એન્ડ્રાલની હોસ્પિટલમાં એક પ્રયોગ કરી બતાવ્યો હતો. એક દર્દીના હાથમાં પાણીનો પ્યાલો આપીને કહ્યું કે આ પ્યાલામાં ઉત્તમ પ્રકારનો દારુ છે. દર્દીએ તેમની વાત માની લીધી અને પાણીનો પ્યાલો દારુ માની મોજથી ગટગટાવી ગયો. ત્યાર બાદ તેમણે બીજા એક દર્દીના હાથમાં ચાંદીનો ઠંડો ચમચો આપીને કહ્યું કે આ ચમચો ખૂબ જ ગરમ છે. અને તે માણસ જાણે દાઝતો હોય તેવી રીતે ચમચો દૂર ફેંકી દીધો!

જેઓ ઈશ્વરમાં શ્રધ્ધા રાખે છે અને તેને ચાહે છે તેનું ઉદાહરણ 'પ્રેરિત વિચારોની અસર' માં એક ધર્મગ્રંથમાં ઉદાહરણ સહિત આપ્યું છે. તે શબ્દો છે. પ્રભુ કહે છે :

મારા શબ્દો પ્રત્યે લક્ષ્ય આપો જેઓ શોધ કરે છે તેને માટે જીવનરૂપ છે અને તેમનાં અંગો માટે આરોગ્યરૂપ છે.

જેઓ પ્રભુની ભક્તિ કરે છે તેમને નવીન બળ પ્રાપ્ત થશે. તેઓ ગરુડ જેવી પાંખો વડે ઉડશે. તેઓ દોડશે પણ થાકશે નહી. ''બોજો ઉપાડશે છતાં બે શુધ્ધ થશે નહીં''

''તેણે પોતાનો શબ્દ મોકલ્યો અને તે માણસને રોગમુક્ત કર્યો''

''મેં તારા પ્રત્યે પોકાર કર્યો અને તેં મને સાજો કર્યો.''

''તારું શરીર બાળક કરતાં પણ વધુ સારું થશે.''

''હું તને પુન: આરોગ્ય આપીશ. અને તારા ઘાવ રુઝવીશ''

તારા હૃદયમાં મારી આશા રાખ. હું તારો રોગ નિવારક છું''

હવે તને મૃત્યુ, શોક, રુદન કે કોઈપણ પ્રકારનું દુ:ખ રહેશે નહીં, કારણ કે એ વસ્તુઓ ચાલી ગઈ છે.

''તારા હૃદયમાં મારી આજ્ઞાાઓ રાખ કારણ કે તેના થકી તને દીર્ઘાયુષ્ય અને શાંતિ મળશે.''

આવા પ્રેરક વિચારો માણસના મનને દિલાસો આપે છે. આશાવંતુ બનાવે છે અને મન-હૃદયમાં એક અદ્ભુત પ્રભાવ સર્જે છે.

આપણાં ઘરો દેવમંદિર બનવાને બદલે 'કલેશ સદન' બને તો પ્રભુને પણ ત્યાં રહેવાનું મન નહીં જ થાય. આજે જે પ્રકારે ઘરોમાં પ્રેમ, લાગણી અને ઐકયનો હરણફાળ ગતીએ વધારો થઈ રહ્યો છે, એ જોતાં કદાચ 

પરમાત્માના મનમાં પણ દુ:ખ થતું હશે કે મારા સંતાન તરીકે ઉત્તમ રીતે માણસો વર્તશે જ એવી આશા ઠગારી નીવડી.

માણસે નક્કી કરવું પડે છે કે મારે ભાગ્યનો ભોગ બનવું છે કે ભાગ્યને બદલવા માટે જરૂરી આત્મશ્રધ્ધા કેળવવી છે ? જિંદગીના નાટકનું આપણે એક પાત્ર છીએ. અને દિગ્દર્શકે આપેલી સૂચના મુજબ રોલ કરનારે હસવું, રડવું, જીતવું કે હારવું એ પ્રમાણે વર્તવું, પડે છે. પણ જિંદગીના નાટકનો ખરો દિગ્દર્શક તો ઉપરવાળો એટલે કે ભગવાન છે. એ તમને વિજેતાનો જ રોલ આપશે. અને તેના અને તેવા વિચારો કરવાની પ્રેરણા આપશે. પણ આપણે અણઘડ રહીએ, ઈશ્વર રૂપી દિગ્દર્શકની સૂચના અને અપેક્ષાઓનો અનાદર કરીએ તો આપણો રોલ સફળ થશે નહીં.

કાર્ય માટેની મજબૂત શ્રધ્ધા માણસમાં ઉત્સાહ પ્રેરે છે. જે કામ કરવા ઈચ્છતા હોઈએ તેના દ્રઢ વિચારો સાથે ઈશ્વરના આશીર્વાદ માગીએ તો ઈશ્વર કંજૂસ નથી, ઉદાર છે. એ કહે છે કે પહેલાં તમે તમારા પોતાના મિત્ર બનો પછી હું તમારો મિત્ર થવા તૈયાર છું. તમારી જિંદગીમાંથી 'કદાચ' અને ''પ્રયત્ન કરી જોઈશ'' શબ્દને હાંકી કાઢો હું જાણું છું કે આ કાર્ય અવશ્ય કરી શકીશ, એમ વિચારશો તો સફળતાના મોજાં તમારા મન-હૃદયમાં રેલાશે. આપણે આ જગતને 'ઈશ' નું રાજ્ય કેવી રીતે બનાવી શકીએ, એના પાંચ આદર્શો.

૧. આત્મશ્રધ્ધા, પવિત્ર અને સાત્વિક વિચારો થકી. રંકતાના વિચારોને જાકારો આપીને.

૨. મનને મંદિર બનાવીને, 'કલેશ સદન બનાવીને નહીં ત્યાગ અને સમર્પણ અપનાવીને.'

૩. મનને સદાય પ્રસન્ન રાખી નિરાશાવાદી અને નકારાત્મક વિચારોથી મુક્ત રાખીને.

૪. પરાજયને બદલે વિજયને જ મજબૂત મનોબળ અને પરિશ્રમનો પાલવ મજબૂત રીતે પકડી રાખીને.

૫. ઈશ્વરમાં શ્રધ્ધા રાખવા માટે પોતાના હૃદયમાં ઈશ્વરત્વ પ્રગટાવીને તુજને બદલે ઈશ્વરને ગમતા ઉત્તમ માનવી બનીને તૃષ્ણાઓનું નિયમન કરીને.

Gujarat