For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીવન 'અગ્નિપથ' છે કે 'ફૂલોની શૈયા'

Updated: Apr 9th, 2024

જીવન 'અગ્નિપથ' છે કે 'ફૂલોની શૈયા'

- એક જ દે ચિનગારી-શશિન્

- જીવનના ''બેતાજ બાદશાહ'' બનવા માટે કયા સાત ગુણો આવશ્યક? 

જી વનની વ્યાખ્યા કરતાં કવિ હરિવંશરાય બચ્ચન કહે છે, જીવન એ ફૂલોની શૈયા નથી, પણ 'અગ્નિપથ' છે. 'લાગ' નહીં પણ 'આગ' છે. પણ મનુષ્યની ખુમારી એમાં છે કે એ વૃક્ષની છાયાનાં ભિખારી ન બને, વૃક્ષ પાસે છાયા માટે એક પાંદડું પણ તું માગીશ નહીં, કારણ કે જીવન એ વીરતાનો વિષય છે, કાયરતાનો નહીં, એટલે કવિ બચ્ચનજી માણસને કહે છે : ('હે મનુષ્ય') તું જીવનના પડકારો સામે થાકીશ નહીં, રોકાઈશ નહીં, તું પાછો વળીશ નહીં, એવી પ્રતિજ્ઞાા કર.

કારણ કે જીવન એ અગ્નિપથ છે. કવિને આફતો સામે લડતા મનુષ્ય માટે ખૂબ જ માન છે. આંસુ, પરસેવો અને રકતથી લથપથ માણસ ગતિ-પ્રગતિ કરતો આગળ વધી રહ્યો છે. આ એક મહાન દ્રશ્ય છે. કારણ કે જીવન અગ્નિપથ છે. એમ માનનાર વ્યક્તિ જ મહાન છે. 'હું હારવા જન્મ્યો નથી'- એવી ખુમારીમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. દરેક માણસને કુદરતે અમુક પ્રકારના સદ્ગુણોથી ભૂષિત-વિભૂષિત બનાવી આ ધરતી પર મોકલ્યો છે. કવિ રામધારી સિંહ 'દિનકર' ના શબ્દોમાં,

''ગુણ બડે એક સે એક પ્રખર

છિપે હૈ માનવ કે ભીતર, મેંહદી મેં જૈસે લાલી હો,

વર્તિકા બીચ ઉજિયાલી હો, દીયા જો નહીં જલાતા હૈ,

રોશની નહીં વહ પાતા હૈં''

મતલબ કે મનુષ્યની અંદર એક એકથી ચઢિયાતા ગુણો રહેલા છે. જેમ મેંદીના પાંદડાને સ્પર્શવાથી હાથ લાલ નથી થતા, પણ મેંદીને લસોટવાથી-પીસવાથી અંદર રહેલી લાલિમા બહાર આવે છે. વર્તિકામાં જ્યોત છૂપાયેલી હોય છે પણ જે દીવો પ્રગટાવતો જ નથી એના હાથમાં રોશની ક્યાંથી આવે ?

પડકારને પહોંચી વળવા માટે આંધળૂકિયા સાહસની જરૂર નથી પણ અડગ આત્મ વિશ્વાસની જરૂર છે. જિંદગી પાંચ 'ઘ' થી શરૂ થતા ગુણોને સફળતાના માર્ગે દોરી જાય છે.

૧ Desire - પ્રબળ ઈચ્છા

૨ Determination દ્રઢ નિર્ધાર

૩  Destination ગંતવ્ય

૪  Devotion સમર્પણ

૫  Dscipline અનુશાસન

 IF We face our tasks with resolution to solve them, who shall say that any thing is impossible ?

અર્થાત્ જો આપણે પોતાની મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવાનો દ્રઢ સંકલ્પ, દ્રઢ નિશ્ચય કરીએ, તો કોણ કહે છે કે કોઈ પણ વસ્તુ અશક્ય છે ?

જેમને પણ મહાનતા ઉપલબ્ધ થઈ છે, તેને માટે તેમનામાં રહેલી કોઈ વિશિષ્ટ શક્તિ જ કામ કરતી હોય છે. 'નીતિ મંજરી'માં ઉચિત કહેવામાં આવ્યું છે કે ખ્યાતિ પામનાર બધા જ સર્વજ્ઞા હોય એવું હોતું નથી. શું કેવડાના ઝાડને ફળ આવે છે ? (નહીં જ) શું ફણસના ઝાડને સારાં ફૂલો હોય છે ? (ના) અને શું નાગરવેલ ફૂલો અને ફૂલોવાળી હોય છે ? (નહીં જ) છતાં તેઓ એમની એક પ્રકારની વિશેષતાને કારણે લોકોમાં પ્રખ્યાત થયાં છે. હાન્સ એન્ડર સને એટલે જ કહે છે કે પ્રત્યેક જીવન ઈશ્વરની આંગળીએ લખાએલી પરી કથા છે. (પંચામૃત) 'જીવવું'શીર્ષક પ્રકરણમાં શાયર 'અમૃત ઘાયલ'ની આ પંક્તિઓ કેટલી શાનદાર છે -

''તફાવત એ જ છે તારા અને મારાં વિશે જાહિદ, વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું'' જીવન વિશે વિચાર કરતાં કરતાં જીવન આઘું ખસી જાય અને આપણે આપણા વિચારોના ભાર હેઠળ દબાઈ જઈએ, એ ઈશ્વરને પણ મંજૂર નથી. એટલે એણે (ભગવાને) મનુષ્યના લાલટને કોરું ધાકોર રાખ્યું છે. તમે જે બનવા માગતા હો તે લલાટે લખી રાખો. ઈશ્વર એમાં ઝાઝો ફેરફાર કરી આપણને દુભાવવા માગતો નથી. કારણ કે આપણે મનુષ્ય તરીકે તેના લાડકા પુત્ર છીએ, એનું ફરજંદ છીએ, કયો બાપ પોતાના સંતાનને દુઃખી કરવાનું પસંદ કરે છે ?

જમાનો કોઈનોય અનુપાલક હોતો નથી. એ માણસ ધન્યવાદને પાત્ર છે જે જમાનાની તાસીર અને તસ્વીર બદલવા કૃત સંકલ્પ છે. એટલે સાચી વસ્તુ તો એ છે કે મનુષ્ય પોતાના મનથી હારે છે અને મનથી જ જીતે છે. જીવનમાં પડકારો ઝિલીને પ્રયત્ન થનાર આનંદ એ અમૃત કરતાં પણ અધિક છે. પણ જીવન કોઈને ઉતાવળે જીવી ખાવાની સલાહ આપતું નથી. જે શાન્તિથી જીવે છે એને એક નહીં બે જિંદગીનો આનંદ મળે છે.

જીવનના બેતાજ બાદશાહ બનવા કયા સાત ગુણો આવશ્યક ?

૧. દ્રઢ મનોબળ, અપરાજય આત્મશક્તિ. ૨. જરૂરી સમજણ, સંયમ, શીલ અને સંસ્કારિતા ૩. અર્જુનની પેઠે માત્ર લક્ષ્ય તરફ નજર

૪. પરાજયને ઉત્કર્ષની સીડી બનાવવાની કોઠાસૂઝ ૫. આત્મદર્શન અને ઉચિત સમયે ઉચિત નિર્ણય લેવાની દક્ષતા. ૬. ગુલાબમાં કાંટા તરફ નહીં પણ સુગંધ તરફ નજર રાખવાની મનોવૃત્તિ

૭. 'જીવી ખાવાની' નહીં પણ 'જીવી જાણવાની' ભાવના.

Gujarat