- રજનીગંધા-વિભાવરી વર્મા
- શ્વેતાએ જ્યારે હાથ મિલાવ્યા ત્યારે તો હિતેનભાઈના શરીરમાં બત્રીસે કોઠે દીવા થઈ ગયા હતા
શ્વે તાની સાથે પહેલી મુલાકાત એક મોલમાં જ થઈ હતી. હિતેનભાઈ ત્યાંના ચેન્જીંગ રૂમમાંથી નવું જિન્સ અને ટી-શર્ટ પહેરીને હજી અરીસામાં જોતા હતા ત્યાં વારંવાર દરવાજે ટકોરા પડવા લાગ્યા.
સ્હેજ અકળાઈને હિતેનભાઈ હજી દરવાજો ખોલીને બહાર નીકળે છે ત્યાં તો એક રૂપાની ઘંટડી જેવા અવાજે કોમ્પ્લીમેન્ટ્સ સંભળાયા :
'વાઉ ! તમને આ નેવી બ્લુ કલર બહુ સૂટ થાય છે હોં !'
'થેન્કયુ' કહેતાં જ હિતેનભાઈની નજર એ રૂપાની ઘંટડીના ઉદ્ગમ સ્થાન યાને કે એ સ્વર્ગની અપ્સરા જેવી યુવતીની ઉપર પડી હતી. પણ...
હિતેનભાઈની એ પડેલી નજર ત્યાં જ ચોંટી ગઈ હતી ! પુરી ૪૫ સેકન્ડ સુધી એ યુવતીની માંસલ દેહયષ્ટિ ઉપર સરકતી રહી હતી...
'એકસક્યુઝ મિ...'
એ યુવતી ચેન્જીંગ રૂમમાં જવા માગતી હતી. હિતેનભાઈ ખસીને જગ્યા આપે એ પહેલાં જ તેમના શરીરને ઘસાઈને તે અંદર જતી રહી ! એટલું જ નહીં, જતાં જતાં ફરી બોલી :
'સોરી હોં ! પણ તમે એટલા હેન્ડસમ લાગો છો કે મારાથી કોમ્પ્લીમેન્ટ્સ આપ્યા વિના રહેવાયું નહીં !'
આ સાથે જ હિતેનભાઈના આખા શરીરમાં ઝણઝણાટી ફરી વળી હતી ! અને શા માટે ના ફરી વળે ? ૪૦ વરસની ઉંમરે હિતેનભાઈનું શરીર ફીટ-એન્ડ-ફાઈન તો હતું જ. સ્હેજ પણ ફાંદ નીકળી નહોતી. પોતે હંમેશાં ટાઇટ ફીટીંગવાળાં ટી-શર્ટ પહેરતા હતા. છતાં...
કોઈ અપ્સરા જેવી યુવતી એમને આ નજરથી જોતી હશે એવું તો મનમાં પણ ના હોય ને ?
ફરી એ જ છોકરી પેમેન્ટના કાઉન્ટર ઉપર મળી ગઈ. આવતાંની સાથે જ એણે કહ્યું :
'સોરી હોં ! પણ તમે મને થોડી હેલ્પ કરી શકો ? મારું ક્રેડિટ કાર્ડ કોઈ કારણસર ચાલતું નથી. તમે મને ફક્ત ફોર થાઉઝન્ડ રૂપિઝની હેલ્પ કરી શકો ? હું તમને કાલે જ રિટર્ન કરી દઈશ... આઈ એમ સો સોરી, પણ-'
'સોરી કહેવાની કંઈ જરૂર નથી. હું પેમેન્ટ કરી દઉં છું, ઓકે ?'
ત્યાર બાદ જ્યારે હિતેનભાઈએ પોતાનું વિઝિટીંગ કાર્ડ આપ્યું કે તરત એ જોતાંની સાથે શ્વેતા બોલી ઊઠી :
'વાઆઆઉ ! પેલા ફેમસ જોલી બિલ્ડર્સના માલિક તમે જ છો ? સો ગ્લેડ ટુ મીટ યુ...'
શ્વેતાએ જ્યારે હાથ મિલાવ્યા ત્યારે તો હિતેનભાઈના શરીરમાં બત્રીસે કોઠે દીવા થઈ ગયા હતા.
બીજા દિવસે શ્વેતા હિતેનભાઈની ઓફીસમાં ચાર હજાર રૂપિયા પાછા આપવા આવી ત્યારે બે ડઝન વાર 'થેન્કયુ... થેન્કયુ...' કહેતાં તેણે ધીમે રહીને મમરો મુકી દીધો કે : 'સર, મારે લાયક કોઈ જોબ હોય તો કહેજો ને ? હું કોમર્સ ગ્રેજ્યુએટ છું...'
'જોબ ?' હિતેનભાઈએ તરત જ તક ઝડપી લીધી 'મારે ત્યાં જ જરૂર છે, તમારા જેવી સ્માર્ટ અને ગુડ લુકીંગ ગર્લની..'
***
બસ, ત્યારથી હિતેનભાઈની ૪૦ વરસે 'બીજી ઈનિંગ' શરૂ થઈ ગઈ...
શરૂઆતમાં લન્ચ, ડિનર પછી બહારગામની ટ્રીપ... એમ કરતાં કરતાં શ્વેતા સાથે હિતેનભાઈના શારીરિક સંબંધો ક્યારે બંધાઈ ગયા તેની તેમને પણ ખબર નહોતી પડી.
શ્વેતાએ હિતેનભાઈના શુષ્ક લગ્ન જીવનમાં નવા પ્રાણ ફૂંકી દીધા હતા. હિતેનભાઈની જુવાની ૪૦ વરસે નવા અવતાર સાથે પાછી ફરી હતી.
જોકે આ સંબંધને સામાજિક દરજ્જો તો આપી શકાય તેમ નહોતું છતાં તેમણે શ્વેતાને પોતાની નાની મોટી ચાર કંપનીમાં ૫૦ ટકાની પાર્ટનર બનાવી દીધી... એક શાનદાર ફલેટ એના નામે કરી આપ્યો... આ ઉપરાંત એક ઓનલાઇન સ્ટાર્ટ-અપના બહાને આશરે બે કરોડ જેવી રકમ શ્વેતાના બેન્ક એકાઉન્ટમાં પહોંચી ગઈ હતી.
પરંતુ ચારેક વરસ પછી...
***
'ડેડી ! આ બધું શું છે ?'
અમેરિકામાં ભણીને પાછો આવેલો હિતેનભાઈનો દિકરો ધૂવાંપૂવાં હતો. તેણે મોબાઈલમાં તેના પપ્પા અને શ્વેતાના ફોટા બતાડતા
પોતાનો ગુસ્સો ઠાલવ્યો :
'ડેડી ! આ ઉંમરે તમને આ બધું શોભે છે ! એન્ડ વોટ અબાઉટ મોમ ? તમે તમારી મમ્મી જોડે આવડો મોટો દગો કર્યો ? આઈ હેટ યુ, ડેડી આઈ હેટ યુ...'
એ રાત્રે હિતેનભાઈને પહેલો હાર્ટ-એટેક આવ્યો...
***
બરાબર પંદર દિવસ પછી જ્યારે હિતેનભાઈ ઓફિસે જવા માટે નીકળતા હતા ત્યારે એમની પત્નીએ ધુ્રસકે ધુ્રસકે રડતાં રડતાં એમના પગ પકડી લીધા :
'સાંભળો, આ તમારી શ્વેતા શું કહે છે... એ રીતસર મને ધમકી આપે છે કે મારા હિતેનને તું છૂટાછેડા નહીં આપે તો ગુંડા મોકલીને તારા ટાંટિયા ભંગાવી નાખીશ...'
હિતેનભાઈ એ વિડીયો જોઈને હચમચી ગયા... એ રાત્રે હિતેનભાઈને બીજો હાર્ટ એટેક આવી ગયો.
***
બે મહિના પછી 'સૌ સારાં વાનાં થશે' એવી હૈયાધારણ રાખીને હિતેનભાઈએ પોતાના દિકરાનાં ધામધૂમથી લગ્ન ગોઠવ્યાં હતાં.
દરમ્યાનમાં શ્વેતાની ધમકીઓ તો ચાલુ જ હતી. 'હિતેન, તને હજી કહું છું, સમજી જા ! તારી બૈરીથી બને એટલો જલ્દી છૂટો થઈ જા ! નહીંતર હું તને સમાજમાં મોં દેખાડવાને લાયક નહીં રાખું ! યાદ રાખજે, હું તારી માત્ર બે પાંચ કંપનીઓમાં પચાસ ટકાની પાર્ટનર નથી... હવે તો હું તારી બાકી બચેલી આખી જિંદગીની પચાસ ટકા પાર્ટનર છું !'
'શ્વેતા પ્લીઝ...' હિતેનભાઈએ શ્વેતાને સમજાવવાની કોશિશ કરી 'બસ, મારા દિકરાનાં લગ્ન થઈ જવા દે... એટલા દિવસ શાંતિ રાખ... પછી હું બધું ગોઠવી દઈશ...'
'ના ! પછી તો તું શેનો હાથમાં આવે ? મને તો એ પહેલાં જ ફેંસલો જોઈએ ! નહીંતર તારા દિકરાના લગ્નમાં જ આવીને તાયફો કરીશ ! પેલા મોટા સ્ક્રીન ઉપર જ્યાં તારા બાબલાની અને એની થનારી વાઈફના પ્રિ-વેડિંગ ફોટા ચાલતા હશે ને... ત્યાં જ હું આપણાં ખાનગી વિડીયો ચાલુ કરી દઈશ ! પછી જોજે મજા...'
બસ, એ રાત્રે હિતેનભાઈને ત્રીજો હાર્ટ-એટેક આવ્યો, જે જીવલેણ નીવડયો.


