જંગ જીતે તે સાલાર જંગ મ્યુઝિયમ

- રસવલ્લરી-સુધા ભટ્ટ
સંગ્રહાલય - જ્ઞાનનો મહાસાગર
કોઈ પણ દેશે જો ઈતિહાસ સાચવી રાખવો હોય, ભૂતકાળમાંથી શીખવું હોય, આગેકૂચ કરવી હોય તો એની પાસે અનેક સંગ્રહાલયો હોવા જોઈએ. જે જુદા-જુદા વિસ્તારોની આમ જનતાને જગતની વાસ્તવિકનાથી અવગત કરી શકે. મ્યુઝિયમ એ ફક્ત કલાવીથિકાઓ ધરાવતું મકાન નથી. એ જ્ઞાન પ્રદાન કરતી, વિશ્વવિદ્યાલય જેવી ધરખમ સંસ્થા છે. બસ, જરૂરિયાત માત્ર એટલી જ છે કે સંગ્રહાલયને સમજવાનો અને ઓળખવાનો દ્રષ્ટિકોણ સૌ કોઈ કેળવે. ગેલેરીમાં ડાબી બાજુથી પ્રવેશી જમણી કોર નીકળી જવાના માર્ગમાં કાચના કબાટોમાં મૂકેલી - પ્રદર્શિત કરેલી વસ્તુઓ પાસેથી પસાર થઈ જવું અને સ્હેજસાજ નજર કરી લેવાથી સંગ્રહાલયની શક્તિને પામી શકાય નહિ. સંગ્રહાયેલી વસ્તુઓ શા માટે એ સ્થાને છે એ વિચારવું જરૂરી છે. સંગ્રહ કોણે અને ક્યારે કર્યો એ પણ અગત્યનો મુદ્દો છે. આમ, મ્યુઝિયમ સમયના તકાજાનો પણ પરિચય કરાવે છે. વળી, અહીં મૂકાયેલી કલાકૃતિઓમાં રહેલું નાવીન્ય (એ પ્રાચીન હોવા છતાં) તત્કાલીન સમયમાં કેટલું મહત્વનું હશે - જે સાંપ્રત સમયમાં પણ ઉત્સુકતા જગાડે છે એ અતિ અગત્યનું પાસું છે. ગૂગલ, એ.આઈ. અને જેમિનીના જાદુના અતિ આધુનિક વર્તમાન સમયમાં ગત યુગના વર્ષોના કલાકારો, વૈજ્ઞાનિકો, શિક્ષકો, સંશોધકોએ કરેલાં ઝીણવટ ભર્યાં કાર્યોની કોઈ જોડ મળી શકે ખરી ? ટાંચા સાધનો વડે રચાયેલી સ્થાપત્ય સંરચનાઓ, તેની કારીગરી, વિગતસભર કળા આજે અખૂટ સગવડો અને ટેકનોલોજી હોવા છતાં શક્ય છે ? પ્રાચીન-મધ્યકાલીન યુગમાં સર્જાયેલાં ચિત્રો (પેઈન્ટિંગ)નાં રંગ-તેની રેખા આજે પણ સંગ્રહાલયોમાં સચવાયેલાં છે તેનો ચિતાર મ્યુઝિયમ્સ આપે છે!
ભારતનું ત્રીજું - સૌથી મોટું ભવ્ય મ્યુઝિયમ
તો, પહેલું અને બીજું કયું છે વળી ? એ છે કલકત્તાનું ઈન્ડિયન (વિક્ટોરિયા) મ્યુઝિયમ - પ્રથમ સ્થાને અને દ્વિતીય સ્થાને નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ ત્રીજા સ્થાને છે તેલંગાણા-હૈદ્રાબાદનું સાલાર જંગ મ્યુઝિયમ-જેની સોડમાં આપણે આજે ઊભાં છીએ. ભારતના વારસાને જાળવી રાખનાર આ કલા સંગ્રહાલય મુસિ નદીના દક્ષિણકાંઠાના વિસ્તાર દર-ઉલ-શિફા ખાતે સ્થિત છે. ભારતનું એ એક નોંધપાત્ર સંગ્રહસ્થાન છે. મૂળ તો એ સાલાર જંગ પરિવારનો અંગત સંગ્રહ હતો. સાલાર જંગ ત્રીજા (૧૮૮૯ થી ૧૯૪૯) - નવાબ મિર યુસુફ અલીખાન હૈદ્રાબાદના વડાપ્રદાન હતા. હૈદ્રાબાદના નિઝામના સમકાલીન એવા આ સાલાર જંગ પાંત્રીસ વર્ષો દરમ્યાન પોતાની આવકનો ઘણો મોટો હિસ્સો દેશ સહિત વિશ્વભરમાંથી કલાકૃતિઓનો સંગ્રહ કરવા સારું વાપર્યો હતો. નવાબના મૃત્યુ પછી પૂર્વજોના મહેલ ''દિવાન દેવડી'' માં પ્રસ્તુત સંગ્રહ ઉપરાંત સાલાર જંગ પહેલા અન બીજાની પણ અંગત કલાસંગ્રહ ભેળવવામાં આવ્યો અને એ સંગ્રહનું લોકાર્પણ ૧૬ ડિસેમ્બર ૧૯૫૧માં તત્કાલીન વડાપ્રધાન નહેરુજીએ કર્યું. રાજ્ય સરકારે આ મ્યુઝિયમને વધુ મોટી જગ્યામાં ફેરવવાનું ઠેરવ્યું. તેની સ્થાપત્ય ડિઝાઈન માટે ખુલ્લી સ્પર્ધા યોજી અને મુખ્ય સ્થપતી તરીકે મહંમદ ફયાઝુદ્દિનની પસંદગી થઈ પાયાનો પથ્થર ૧૯૬૩માં નંખાયો અને ૧૯૬૮માં મ્યુઝિયમે ઘર બદલ્યું - જેમાં સ્થળફેર દરમ્યાન અનેક કલાકૃતિઓની ચોરી થઈ. અડધો અડધ કૃતિઓને સેવકોએ તહસ-નહસ કરી નાખી. હજુરિયાઓએ નમકની કિંમતની પરવા ન કરી. કેટલું ક સાધન પરદેશ પગ કરી ગયું! તોય… તોય… આજે અહીં અધધ.. વૈવિધ્યપૂર્ણ કલાવૈભવ શોભી રહ્યો છે.
અગિયાર લાખ ત્રણસોનું આસામી છે સાલાર જંગ મ્યુઝિયમ
એક વિહંગાવલોકન મુજબ અહીં શિલ્પો, ચિત્રો નક્શીદાર-કોતરણીયુક્ત કલાકૃતિઓ, જાજમો, ઘડિયાળો, રાચરચીલું, સિક્કા, હાથીદાંતની કૃતિઓ, પોર્સિલિનની વિશાળ શ્રેણી ઈત્યાદિથી આ સ્થળ સમૃધ્ધ છે. હસ્તપ્રતોની જાળવણીનું એ કેન્દ્ર બન્યું. આ કૃતિઓ ભારતીય કળા ઉપરાંત મધ્ય-પૂર્વની કળા, દૂર પૂર્વની કળા, યુરોપિયન કળા અને બાળ વિભાગ પણ ધરાવે છે. ભોજપત્રો, લઘુચિત્રો, કાગળ, અને કાપડ ઉપરનાં ચિત્રોનું વૈવિધ્ય અહીં માણવા મળે. વિવિધ વસ્તુઓ અને રત્નોથી બનેલ કૃતિઓનું તો શું કહેવું ? આ વૈભવ અહીં મુઘલ સંગ્રહમાંથી, રાજસ્થાન, થાંમવુર અને માળવાથી પધાર્યો છે. તેમાં ડેકકન (દક્ષિણ) શૈલીનોય પ્રભાવ જોવા મળે. ઉપરાંત રાજાઓ હોય એટલે અસ્ત્ર-શસ્ત્રો-બખસ્ત પણ ખરાં જ! આ નૂતન અર્ધગોળાકાર ઈમારતમાં આડત્રીસ વીથિકાઓ (ગેલેરીઝ) છે. - જે બે માળમાં સમાવાઈ છે. મૂળ સંગ્રહમાંથી અમુક કૃતિઓ જ પ્રદર્શિત કરી શકાઈ છે. વિષય મુજબ ગેલેરી ફાળવાઈ છે જેમાં રાજા લૂઈ પંદરમાં પાસેથી લીધેલ ફર્નિચરની ૪૩,૦૦૦ કૃતિઓ છે. ૫૦,૦૦૦ પુસ્તકનો અને હસ્તપ્રતો છે તેમાંના કેટલાક નમૂનાઓ ઉપરાંત જાપાનીઝ કલાકર્મ, સમુરાઈ તલવારો, ચીની શિલ્પો અને જાપાન, તિબેટ અને બર્માનાં પણ શિલ્પો છે. વિજયનગર રાજવંશના ૬૦૦ સિક્કાઓ છે. જે બહમાની રાજને મળેલા. કેટલાક સિક્કાઓ તો ૨૩૦૦ વર્ષો પુરાણાં છે. કુશાન વંશના 'પંચમાર્ક' સિક્કા, ચાંદી, તાંબુ અને સીસાના બનેલા છે. રત્ન (જેડ) સંગ્રહમાં ૯૮૪ નમૂનાઓ બોલે છે. માયસોરના કલાકારનો એક માત્ર હાથીદાંત કોતરણીવાળો પીસ- લેમ્પ અહીં ઝગારા મારે છે. કેટલાંક લઘુચિત્રો પર્શિયન અને મુઘલ પારંપરિક કળાનાં - મુઘલ અસર ધરાવતા વિવિધ વિષયો સાથે અહીં દેખા દે છે. જેમાં ભારતીય અસર છે તે એક રાજકુમારનું ચિત્ર છે - જેમના હાથમાં બાજ પક્ષી દેખાય છે.
-: લસરકો :-
અહીં સાયકામોર નામક વૃક્ષનાં અખંડ કાષ્ટમાંથી કોતરાયેલ જોડિયા શિલ્પને દર્પણમાં જોવું પડે. પુરુષ મેફિસ્ટોફિલિસ રાક્ષસ-સમયને પાબંદ. માર્ગારિટા નામે સ્ત્રી શુધ્ધ, નિર્દોષ અને ઠાવકી થીમ જર્મન નાટકની કલાકાર અજાણ્યો ફ્રેન્સ સૂચક સંદેશો…''આ સમય પણ ચાલ્યો જશે.''
પથ્થરમાં કોતરાયેલાં કાવ્યો જેવી કલાકૃતિઓ અહીં વિલસે
મહત્વના અવસરોને આવરી લેતા આદિ ચિત્રો કલાત્મક છે જેમાં પાત્રોનાં મુખારવિંદ પર પર્શિયન અસર છે. રાજાઓ અને દરબારીઓની ભવ્ય સભાઓમાં લઘુચિત્રોની પૂર્ણ વિકસિત શૈલી જોવા મળે છે. ગોલકોંડા અને બીજાપુરની મિશ્ર શૈલીનું યુધ્ધ કરતા હાથીનું ચિત્ર પાનો ચડાવે તેવું છે. ચોંસઠ જોગણીઓનાં લઘુચિત્રો રાગમાલામાંથી ઉતરી આવ્યાં છે - રાજા રવિ વર્માનાં બે ચિત્રો - 'સ્ટોલન ઈન્ટરવ્યુ' અને 'ધ કેરાલાબ્યુટી' અહીં અલગ જ ઉઠાવ લાવે છે. રવીન્દ્રાનાથ ટાગોર, અવનીન્દ્રનાથ ટાગોર સાથે નંદલાલ બોઝનાં ચિત્રો બાંગલા શેલીમાં આનંદ કરાવે. હાથીદાંતવાળી શ્રેણીમાં ખુરશી, ચોપાટ, ચેસ, પણ રસપ્રદ છે. વિશાળ વીથિકામાં ચોથી સદીનું કાળા પથ્થરનું શિવલિંગ અને બારમી સદીના કાળા પથ્થરના નંદી અહીં બિરાજે છે. અઢારમી સદીના ગરૂડજી અંજલિ મુદ્રામાં - કાળા પથ્થરમાં શોભે - ને સાથે સાથે સફેદ માર્બલના ફ્રાન્સના 'વેઈલ્ડ રિબેકા' ૧૮૬૩નો સમય બતાવે છે. લૂઈ સોળમાએ ટીપુ સુલતાનને ઝૂલ-ઝાલરવાની હાથીદાંતની ખુરશી આપી એ અહીં રાજ કરે છે. સાથે સાથે રાજવી હાથી અને મયુરપંખ પણ લ્હેર કરે! ચોપાટ રમતા પાત્રો અને લણણી કરતા ખેડુના ચિત્રો અલગ છાપ ઊભી કરે. ગાંધાર અને ચોલા રાજવંશના શિલ્પો અહીં શોભે અગિયારમી સદીના કાળા ગ્રેનાઈટના 'અનંત શયન વિષ્ણુ' અને 'લક્ષ્મી નારાયણ' પંદરમી સદીના વિજયનગરની ભેટ છે. પ્રાંગણમાં લીલોતરી ઉપરાંત રાજાનું શિલ્પ અને તેમની રાજમુદ્રા આપણું સ્વાગત કરે.




