Shatdal

રૂડા પ્રતાપ હજો પ્રતાપગઢના

By GS Team
24 Nov 20265 mins read
રૂડા પ્રતાપ હજો પ્રતાપગઢના
  • રસવલ્લરી-સુધા ભટ્ટ

મહાબળેશ્વરનાં બળ છે - સ્ટ્રોબેરી અને પ્રતાપગઢ
ગઢ, કિલ્લો, કોટ, કોટની રાંગ, બુરજ, ટાવર, દ્વાર, તોપ, સોપાન, પર્વત, ખડક, ડોકાંબારી, કાંગરા, કમાન, મહેલ, મંદિર, ધ્વજ, કાર્યાલય, જળભંડાર, (હવે તો) સંગ્રહાલય આદિ શબ્દોનો સરવાળો આપણને કોઈક જાણીતી ઈમારત તરફ ઈશારો કરે, હા, આ શબ્દોને ભૂતકાળનો ઈતિહાસ - એની રીતિ-નીતિ એવી રીતે પોષે છે કે આપણને કાનમાં, મનમાં, હૃદયમાં રણશિંગુ સંભળાય ! વ્યૂહરચના કરતા રાજાઓની મનોમન ઝાંખી થાય. સૈનિકોની પરેડ, તેમની શિસ્ત, તેમની કર્તવ્યપરાયણતા બંધ આંખે પણ દ્રષ્ટિગોચર થાય અને જો અનાયાસે જ એકાદ સલામી દઈ દેવાય તોય કાંઈ નવાઈ નહિ. આ ઐતિહાસિક દ્રશ્યો વિશે જાણીને, મનની આંખે માણીને આપણે કૃતાર્થ થઈ જઈએ. ''એ દિવસો તો જતા રહ્યા'' એવો અફસોસ કરવાને બદલે જો આપણે ઈતિહાસ - એની નક્કર હકીકતોને સમજીએ, એમાંથી બોધપાઠ લઈએ તો સામાન્ય જ્ઞાનને સરાણે ચડાવી શકીએ. એમાંય જો ભવ્ય ભૂતકાળની કોઈ નિશાની બચી હોય તો - ભલેને પછી તે ભગ્નાવશેષો કેમ ન હોય ! - એને રૂબરૂ થવાનો રોમાંચક અનુભવ તો લેવો ઘટે. જ્યારે ગઢ-કિલ્લાને દિલ દઈ જ બેઠા છીએ ત્યારે મહારાષ્ટ્રના ખૂબ જાણીતા અને સદ્ધર પ્રતાપગઢની ખાસિયતોને સમજવાની કોશિશ કરીએ. આમ તો એ મહાબળેશ્વર - મહારાષ્ટ્રના વિખ્યાત હિલ સ્ટેશનથી માત્ર ચોવીસ જ કિ.મી. દૂર સાતારા જિલ્લામાં આવેલો છે પણ પ્રવાસીઓની ભીડ માટે તો એ એક 'સાઇટ સિઈંગ' છે. પ્રવાસન સ્થળોની ગણતરીમાં કિલ્લાઓ માત્ર 'જોવા' અને ફોટા પાડવાના કામમાં આવે છે. ખરેખર તો આપણી એ બહુમૂલ્ય વિરાસતોને આપણે ''યુનિવર્સિટી'' જેવાં માન-સ્થાન આપવાં જોઈએ.
યુનેસ્કો વૈશ્વિક ધરોહરની હરોળમાં પ્રતાપગઢ
છત્રપતિ શિવાજી મહારાજે મહારાષ્ટ્રમાં અગણિત કિલ્લાઓ સ્થાપ્યા એમાં મહાબળેશ્વરની પશ્ચિમે આવેલા પ્રતાપગઢનું નામ તત્કાલીન રાજનૈતિક નકશામાં જડબેસલાક છપાઈ ગયું. બીજાપુર સલ્તનતના જનરલ અફઝલખાનને યુક્તિપૂર્વકની બુદ્ધિશક્તિ વડે શિવાજી મહારાજે પરાસ્ત કર્યો અને પછી પ્રતાપગઢની તળેટીમાં એની સ્મૃતિમાં મકબરોય બનાવ્યો. યુદ્ધની વ્યૂહરચનાના ભાગરૂપે ઘટેલ આ ઘટનામાં ભારતની અનેકવિધ - બહુરંગી રાજનીતિએ છાપરે ચડીને બાંગ પોકારી. ખેર ! આપણે તો કિલ્લાને સ્થાપત્યકળાના દ્રષ્ટિકોણથી ઓળખવાની કોશિશ કરીએ. શિવાજી મહારાજે પોતાની સલ્તનતના વડા પ્રધાન મોરોપંત ત્રિબક પિંગળેને આ કિલ્લાની સંરચનાની જવાબદારી સોંપી. સ્થપતિ હતા હીરોજી ઈન્દુલકર. નીરા અને કોયના નદીનાં નીરને તેના કાંઠાને હરાવીને કબજો લઈ ૧૬૫૬માં મિલિટરીએ પ્રસ્તુત સ્થળનો કબજો લીધો અને ૧૬૫૯માં મરાઠા એમ્પાયરનો પાયો નંખાયો. દેશમાં મુઘલ સામ્રાજય અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મુનસફી વચ્ચે દ્વન્દ્વ યુદ્ધ ખેલાતું એવામાં આ ઐતિહાસિક ગઢનું ચણતર થયું. વીરતા, આયોજનપૂર્વકની યુદ્ધનીતિ, લડાઈની વ્યૂહ રચના અને કાવાદાવાના ખેલ માટે પ્રસિદ્ધ આ પ્રતાપગઢ કિલ્લે સાંસ્કૃતિક મહત્વનું પણ સીલ લાગેલું. એ સમયે યુદ્ધકળા (!)ને વરેલી મિલિટરીનો ઉચિત ઉપયોગ અને લાભ લેવાતો. ગિરિમુર્ગ દરિયાઈ સ્તરથી આ સજ્જડ-મજબૂત સ્થાપત્યની ઊંચાઈ ૧,૦૮૦ મીટર છે. તળેટીથી કિલ્લે ચડવા માટે પથ્થરના ૪૫૦ થી ૫૦૦ જેટલાં પગથિયાં છે. વાસ્તુશૈલી અને ઈતિહાસની દ્રષ્ટિએ આ એકમેવ બેનમૂન ઈમારત મહારાષ્ટ્રના સૈન્ય માટે વાસ્તુકલાનું નજરાણું છે. મરાઠા રાજાઓનાં શૌર્ય અને એમના સામ્રાજયની અદ્ભૂત રક્ષણાત્મક કળા જોવા માટે મહારાષ્ટ્રના કિલ્લાઓ ઉત્કૃષ્ટ ઉદાહરણો છે - મરાઠા મિલિટરી નિસર્ગ ચિત્રનો શ્રેષ્ઠ ભાગ છે. આ ગઢ ૭૯.૩ હેક્ટર જમીન ધરાવે છે.
અડીખમ પ્રતાપગઢ સ્વાભિમાન અને સ્વરાજની ગાથા
પશ્ચિમ ઘાટની સહ્યાદ્રિની ગિરિમાળા ભારતીય ઈતિહાસ, મરાઠા શૌર્ય, રાજનીતિક કુશળતાના અદ્ભુત પ્રતીક પ્રતાપગઢને સાચવીને ટટ્ટાર ઊભી છે. સોળમી સદીના અનન્ય દેશપ્રેમી છત્રપતિ શિવાજી મહારાજે આ વિસ્તારના જાવળીના ખોરડા અને પારઘાટ પર નિયંત્રણ મેળવી, જાહોજલાલી વધારી કિલ્લાઓની સંરચના કરાવડાવી. લડાકુ રણનીતિને કારણે કદાચ કળારાણીને પણ જુસ્સો ચડયો અને એના સાથ-સહકારથી ડુંગરનો નીચેનો કિલ્લો સાડા સાતસો ફૂટ નીચે ઢોળાવ પર ફેલાયેલો દેખાય છે. મજબૂત બુરજો, લાંબા અંધારા રસ્તાઓ, ગુપ્ત માર્ગો એની વિશેષતા છે. દુશ્મનોને ભાન ભૂલાવે એવી આશ્ચર્યચક્તિ કરી દે એવી રચના છે આ દુર્ગની. પ્રસ્તુત કિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે. ઉપલા કિલ્લાને ''બલે કિલ્લા'' કહે છે. તેની રચના જ એવી કે દુશ્મનો પ્રવેશી ન શકે, આક્રમણ કરી ન શકે. કિલ્લાની સુરક્ષા ભેદી ન શકે. મહાબળેશ્વરની આ પહાડીની અને આસપાસના ગામોની સુરક્ષા અર્થે વેપારી માર્ગો પર નિયંત્રણ અર્થે આ કિલ્લાની રચના કરાવાઈ. સ્થાપત્ય શૈલી રક્ષણાત્મક ! મધ્યયુગીન ભારતીય એન્જિનિયરિંગનો એ ઉત્તમ નમૂનો છે. પર્વતીય ભૂપ્રદેશ (હિલફોર્ટ)ની ભૌગોલિક સ્થિતિનો ઉપયોગ કરી આ કિલ્લો દુર્ભેદ્ય બનાવાયો. ઊંચા મજબૂત બુર્જ, કિલ્લા ફરતે વિશાળ પથ્થરોની મજબૂત દીવાલો ચણવા ટાણે ડુંગરની કુદરતી ખીણો, ઊંડાણ, ધાર અને ઊંચાઈનો ભરપૂર ઉપયોગ દીવાલ તરીકે કર્યો. તેનાથી ખર્ચ અને મહેનત બચ્યા. સુરક્ષા વધુ મજબૂત બની. ઉપલા કિલ્લામાં તે સમયે અને આજે પણ દેખાયા તે બાંધકામ હતાં - સરકારી કાર્યાલયો, પાણીના ટાંકા, મહાદેવનું મંદિર આદિ ચણતરકામ. પહાડીની ટોચ પરનું આ છે કિલ્લાનું મુખ્ય કેન્દ્ર. ઉપલા કિલ્લાની પૂર્વ દિશામાં લગભગ ૨૫૦ ફૂટ નીચે - તેની આસપાસ લાંબી સંરક્ષિત દીવાલો, મજબૂત દ્વારો, સૈનિકોના આવાસો અને સુરક્ષા ચોકીઓ છે.
લસરકો :
પ્રતાપગઢ માત્ર પથ્થરોનો સમૂહ નથી પરંતુ કલા-સ્થાપત્યનું જીવંત પ્રતીક છે. અહીં ભવાની માના આશિષ અને તલવાર છે. લીલાંછમ જંગલો, ધુમ્મસ, વાદળો છે. ઝરણાં ઉતર-ચડ કરતા ઢોળાવો પર અલ્લડ નૃત્ય કરી મનભાવન દ્રશ્ય ઊભું કરે છે.

નિસર્ગ ચિત્રોનો સ્વામી છે આ ગઢ
ઉપલા કિલ્લે અનેક ઇમારતો છે. બે મુખ્ય પ્રવેશદ્વારોમાં થઈને બન્ને વિભાગમાં ભ્રમણ કરતાં જ વિશિષ્ટ સ્થાપત્યો નજરે ચડે. ઉપર અનેક વોચ ટાવર્સ, બુરજ, અગાશીએ ગોળાકાર હિસ્સો - જાણે કે વ્યૂઈંગ ગેલેરી જેવો લાગે - જ્યાં મુલાકાતીઓ એકઠા થઈ ૩૬૦ં એ કુદરતને માણી શકે. મુક્ત આકાશના ખાલીપાને ભરી દે ભવાની માતાનું મંદિર તુળજા ભવાની નામે ઓળખાતી આ માતાની અહીં અષ્ટભુજ પ્રતિમા છે. એમનું સુંદર સ્વરૂપ ભક્તોનાં મનને શાતા આપે. પથ્થરોથી બનેલ આ મંદિર સ્થાપત્ય પરંપરાગત મરાઠી શૈલીમાં થયું છે. એ જ રીતે ગઢને જ્યારે ''લશ્કરી ગઢ'' નામ મળ્યું છે ત્યારે એ સાબિત થાય છે કે રાજાઓને મન સૈન્યનું કેટલું મહત્ત્વ હતું ! રૈયતની રક્ષા કાજે દેશાભિમાન માટે શિવાજી મહારાજ કટિબદ્ધ હતા.
અન્ય એક સ્થાપત્ય અફઝલ ટાવર (બુર્જ) છે. કિલ્લાના નીચલા ભાગે આવેલ આ જગ્યાએ શિવાજી મહારાજ સાથેના યુદ્ધમાં માર્યા ગયા બાદ અફઝલખાન શરીરના અવશેષોને મહારાજે સંપૂર્ણપણે ક્ષત્રિયોને છાજે એવા સંસ્કારસહ આ બુરજ હેઠળ દાટેલા અને ઉપર સ્મારક પણ બનાવેલું. કિલ્લાના દરવાજાનું નિર્માણ જટિલ છે.
રસ્તાઓ વાંકાચૂંકા અને સાંકડા છે જે દુશ્મનો અચાનક હુમલાને ખાળતા. પહાડી વિસ્તાર હોવા છતાં કિલ્લામાં જ અસંખ્ય સોઈ હતી. પાણીની રેલમછેલ કુદરતી ઝરણાં અને વિશાળ તળાવોને કારણે હતી. પથ્થરોને કોતરીને બનાવેલા ટાંકા. અદ્ભૂત ઈજનેરીકળા ! આધુનિક હાઈડ્રોલિક સિસ્ટમની પુરોગામી ! આ સ્થાપત્યના કણેકણમાંથી વીરરસના વીંઝણાં વાય - એ તો કેવી અજબ જેવી વાત છે !