ચોમાસામાં વણસતા દમના ઉપાય

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- એક ગ્લાસ પાણીમાં એક ચપટી સૂંઠ આવે એ માપથી પાણી ઉકાળી તૈયાર કરી રાખવું. દિવસ દરમ્યાન આ પાણી નવશેકું પીવું
દ મ-અસ્થમા જેવો એલર્જીજન્ય રોગ કેમ થાય છે અને રોગના લક્ષણો વિષે આ રોગના દર્દીઓ સુપેરે પરિચિત હોઈ એ વિષે વિસ્તૃત ન કરતાં, રોગને કાબુમાં લાવવા અને રોગીને દમ-અસ્થમાનો હુમલો આવતા જ તુરંત રાહત મળે તે માટેના હાથવગા ઉપાયની સૂચિ ટાંકું છું. અનુકૂળ આવે તે ઉપાય પ્રયોજી શકાય. પમ્પ-નેબ્યુલાઇઝર લેવાની ટેવવાળા દર્દીઓ ધીરજપૂર્વક આ ઉપાય અજમાવી જુએ. એમ કરવાથી પમ્પ કે નેબ્યુલાઇઝર લેવાની માત્રામાં ઘટાડો થઈ શકે તો કવચિત તેમાંથી મુક્તિ પણ
મળી શકે.
ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોઈ દમના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડવી સ્વાભાવિક છે. તેવા વખતે (૧) કપૂર સૂંઘવું, (૨) ભોજન પછી મુખવાસરૂપે નમક, હળદર અને લીંબુનો રસ મેળવી શેકેલા સુવાદાણા અને અજમો ચાવી ચાવીને ખાવા. (૩) રાત્રે ભોજન કર્યાના બે કલાક પછી પાંચ મી.લી. (આશરે એક નાની ચમચી) દેશી દિવેલ હુંફાળુ ગરમ કરી પીવું. એની ઉપર એક નંગ ડીટું કાઢેલું કપુરી પાન એક નંગ લવિંગ સાથે ખૂબ ચાવીને ખાવું. (૪) સરસિયું કે રાઇનું તેલ ગળા અને છાતી પર લગાવવું. (૫) જ્યારે દમનો હુમલો આવે ત્યારે દિવેલમાં શેકેલી કાયફળની છાલનું ચૂર્ણ (અડધાથી એક ગ્રામ જેટલું) મધ સાથે મેળવી ચાટવું. આ વિષે એક ચોખવટ - કાયફળની છાલનું ચૂર્ણ વધુ માત્રામાં લેવાથી કેટલીક વ્યક્તિઓને વમન (વોમિટ) કે ઉબકા આવી શકે તેથી માત્રા વિવેક રાખવો. અડધા એક ગ્રામથી વધુ ચૂર્ણ લેવું નહીં. (૬) દમ-અસ્થામાના રોગીના રૂમના બારી બારણા ખુલ્લા રાખી, ધતૂરાના સૂકા પાન સળગાવી એની ધૂણી ફેરવવી. ધૂમાડો ઓરડાની બહાર નીકળી ગયા પછી રોગીએ ઓરડામાં પ્રવેશ કરવો. (૭) દમ કે શ્વાસના ઉગ્ર હુમલા વખતે દસ ગ્રામ જેઠીમધનું ચૂર્ણ, પાંચ ગ્રામ અરડૂસીનું ચૂર્ણ, બે ગ્રામ મરી તથા બે ગ્રામ નમક મેળવી, એનો ઉકાળો બનાવી ગરમ-ગરમ સૂપની જેમ લેવું. (૮) દમના હુમલા વખતે બહેડાની ચાલ મોઢામાં મૂકી ચૂસવી. (૯) વીસ નંગ આકડાના ફૂલની કળીને સો મી.લી. દેશી દિવેલમાં ઉકાળી, ગાળી, સ્વચ્છ શીશીમાં ભરી લેવું. સવાર-સાંજ આ દિવેલના બે-બે ટીપાં હુંફાળા કરી નાકના બંને નસ્કોરામાં પાડવા. (૧૦) દમ-અસ્થમાના ઉગ્ર હુમલા વખતે પાંચ નંગ ઈલાયચી સોયમાં પરોવી, ઘીના દીવાની જ્યોત પર બાળી, એની રાખ કરી મધ સાથે મેળવી ચાટવી. (૧૨) હરડે, નાગરમોથ તથા સૂંઠના બારીક ચૂર્ણ સમભાગે લેવા. ચૂર્ણથી બમણો જૂનો દેશી ગોળ મેળવી ચણા જેટલી ગોળી બનાવી રોજ દિવસમાં એકાદ વખત ખાવી. (૧૩) એક ગ્લાસ પાણીમાં એક ચપટી સૂંઠ આવે એ માપથી પાણી ઉકાળી તૈયાર કરી રાખવું. દિવસ દરમ્યાન આ પાણી નવશેકું પીવું.
આ ઉપરાંત દમ-અસ્થામાના રોગીઓએ હંમેશા ભૂખ કરતાં ઓછો ખોરાક ખાવો તથા તેલ-ઘી યુક્ત ભારે ખોરાક, મીઠાઈ, ગળપણ અને ખાટા પદાર્થો ત્યાગવા.




