Get The App

રીગ્રેટ એટલે ખેદ પણ આ પ્રીગ્રેટ શું છે?

Updated: May 4th, 2022

GS TEAM

Google News
Google News
રીગ્રેટ એટલે ખેદ પણ આ પ્રીગ્રેટ શું છે? 1 - image

- શબ્દ સંહહિતા ઃ પરેશ વ્યાસ

- રીગ્રેટ હોય તો બીજી વાર એવી ભૂલનું પુનરાવર્તન ન કરવાનું નક્કી થઈ શકે પણ પ્રીગ્રેટ હોય તો ફરી ફરીથી એવી ભૂલ થાય

અફસોસ કેટલાય મને આગવા મળ્યા

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા

ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

- ભરત વિંઝુડા

બોલચાલની ભાષામાં પંદર નવીન શબ્દો વિષેનાં એક તાજા સમાચારમાંથી અમને આ શબ્દ જડયો. મઝા પડી. રીગ્રેટ (ઇીયિીા) શબ્દ તો આપણે જાણીએ. દિલગીર થવું, દુઃખ, શોક, પસ્તાવો, ખેદ, મનસ્તાપ. ભૂલ ભૂલથી થઈ હોય કે જાણી જોઈને પણ પછી વસવસો થઈ આવે કે અરેરે... આ તે મેં શું કર્યું? એ રીગ્રેટ. દૂરદર્શનનાં જમાનાનાં લોકોને પૂછી જો જો. તેઓ કહેશે કે તે સમયનાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પર પિક્ચર વારંવાર અટકી જાય અને લખાણ આવી જાય કે રૂકાવટ કે લિયે ખેદ હૈ- એ રીગ્રેટ!  આપણે કશુંક એવું કરીએ અથવા કશુંક કરવા જેવું હોય પણ નહીં કરીએ અને પછી પસ્તાવો થાય, અફસોસ થાય કે કાશ, આવું ન કર્યું કે કર્યું હોત તો.. 

હવે આજનો શબ્દ પ્રીગ્રેટ (ઁિીયિીા) એટલે પ્રી+રીગ્રેટ. પ્રી એટલે પૂર્વેનું અને રીગ્રેટ એટલે પસ્તાવો. આ એવો પસ્તાવો છે જે કશું ખોટું કર્યા/સાચું ન કર્યા પહેલાં થાય છે. દારૂ પીઓ અને પછી ચઢી જાય અને પછી ડગમગ થતાં પગ ગટરમાં લપસી જાય. પછી જ્યારે નશો ઉતરે ત્યારે એવા તો લફરાં થાય કે વાત ન પૂછો. અને ત્યાર પછી જે પસ્તાવો થાય કે અરેરે દારૂ ન પીધો હોત તો સારું હતું-એ રીગ્રેટ. પણ હજી તો મેં દારૂ પીધો નથી. મને બધી ખબર જ છે કે પી જઈશ તો હંગામા બરપા ચોક્કસ થશે. અને પછી ન થવાનું થશે. મને અત્યારથી જ પસ્તાવો થાય છે. અને છતાં.... હું ઢીંચી લઉં છું, પીને છાકટો થઈ જાઉં છું અને ગટરમાં ગબડી પડું છું! પ્રીગ્રેટ એટલે કશુંક ખોટું કરતા પહેલાં થતો ખેદ, રંજ કે પશ્ચાત્તાપ. મઝાની વાત એ કે એ આગોતરા પશ્ચાતાપ છતાં.. છતાં હું એવું ખોટું કામ કરું તો ખરો જ. ટૂંકમાં પ્રીગ્રેટ એવું વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે ભવિષ્યનો પાપી એમાં ડૂબકી દઈને આગોતરો પુણ્યશાળી બને છે! ટૂંકમાં રીગ્રેટ પશ્ચાત્તાપ છે, પ્રીગ્રેટ એ પૂર્વત્તાપ છે! 

રીગ્રેટ એવી નકારાત્મક લાગણી છે કે કાશ, મેં આવું કર્યું હોત તો.. કારણ કે અત્યારે જે વિકલ્પ પસંદ કર્યો એનું પરિણામ ખરાબ આવ્યું છે. પ્રીગ્રેટ એટલે ખબર છે તેમ છતાં હું કુહાડા પર પગ તો મારીશ જ- એનો આજે થતો વસવસો. પસ્તાવો સાપેક્ષ હોય છે. એની તીવ્રતા સમય જાય એમ બદલાતી જતી હોય છે. રીગ્રેટ હોય તો બીજી વાર એવી ભૂલનું પુનરાવર્તન ન કરવાનું નક્કી થઈ શકે પણ પ્રીગ્રેટ હોય તો ફરી ફરીથી એવી ભૂલ થાય. દારૂ છોડી દેવો એમાં શું મોટી વાત? મેં કેટલી ય વાર છોડી દીધો! 

એક એના જેવો બીજો શબ્દ છે રીમોર્સ (ઇીર્સજિી). અર્થ એ જ. પણ થોડો ફેર. રીગ્રેટ એવી વાતમાં ય થાય જે સ્થિતિ કે સંજોગ આપણાં કન્ટ્રોલમાં ન હોય. કુદરતી આપત્તિમાં લોકો મરી જાય તો રીગ્રેટ થાય એ રીમોર્સ ન કહેવાય. કોઈ માણસ મારી કાર સામે કૂદીને આપઘાત કરે તો મારો વાંક નથી પણ તો ય મને રીગ્રેટ થાય. રીગ્રેટ એ ડિસપોઇન્ટમેન્ટ (ઘૈજર્ચૅૅૈહાસીહા) પણ નથી. નિરાશા, નાઉમેદી નથી. ડિસપોઇન્ટમેન્ટ પારકીજણી હોય છે. બંને લાગણીઓ સામેની આપણી પ્રતિક્રિયા પણ જુદી હોય છે. અફસોસ એ નિરાશા નથી. ગાલિબને મારા શેર વાંચવા મળ્યા નથી એ કવિનાં કંટ્રોલ બહારની વાત છે. કવિને એનો અફસોસ છે પણ કવિ નિરાશ નથી. ઈશ્વર ફક્ત ધારવા મળ્યા એનો પણ અફસોસ છે. પણ નાઉમેદી નથી.  

મૂળ તો આ પસ્તાવો છે. આવું નહોતું કરવું પણ... થઈ ગયું. તાજેતરમાં લોકોને પૂછવામાં આવ્યું કે તમે જીવનમાં એવું તે શું કર્યું કે હવે તમને એમ કર્યા-નું રીગ્રેટ થાય છે? એક એરહોસ્ટેસે કહ્યું કે દુનિયા જોવી'તી તો એરલાઇન્સમાં જોડાઈ પણ હવે થાકી જવાય છે. બધું એકનું એક. કંટાળી ગઈ. એક શહેરી યુગલને કુદરતનાં ખોળે ગામડામાં રહીને જીવન ગુજારવાની ઈચ્છા થઈ. એમ કર્યું પણ એમનાં સંતાનો દુઃખી થઈ ગયા. હવે તેઓને અફસોસ થાય છે. મારે તે ગામડે એક વાર આવવા જેવું પણ વસવા જેવું નહીં. એક રીગ્રેટ આધુનિક જમાનાની એક દેન બાબતે રજૂ થયો. ઓપન રીલેશનશિપ! ઉઘાડાં સંબંધ. આમ હું અને તું પણ...કોઈ ઓલો કે કોઈ ઓલી સાથે છૂટક સંબંધની છૂટ. ટૂંકમાં બેઉ પક્ષે 'વોહ'ની છૂટ. પણ તકલીફ વધી. કલોઝ્ડ રીલેશનશિપ હતી તો સારું હતું. કિતના સુખ હૈ બંધનમેં-વાળી વાત સાવ સાચી છે. એક જણે  કીધું કે મને માનસિક બીમારી હતી. દવાઓ ચાલુ હતી. ફાયદો ય હતો. પણ અચાનક દવા બંધ કરી. પછી મારી હાલત કથળી. 'દવાખાના પણ કહે છે કે દવા ખા ના..'- એ કહેવત ખોટી ઠરી. મારે દવા ખાતી રહેવી જોઈતી હતી. અન્ય એક કિસ્સામાં એક વરકન્યાનું સપનું હતું કે મોટું ઘર હોવું જોઈએ. પણ પછી એનાં મેઈન્ટેનન્સ અને લોનનાં હપ્તાએ મારી નાંખ્યા. આવા તો ઘણાં રીગ્રેટ છે. મને ખબર પણ હતી કે હું ય આવું કરવા જઇશ તો દુઃખી થઈશ, પાછો પડીશ. મને પ્રીગ્રેટ ય થયું હતું. પણ તોય મેં એવું કર્યું, ધરાર કર્યું.ખોટું કરવામાં ય મઝા આવતી હોય છે. જીવનમાં એનો ય લહાવો લેવો જોઈએ. ખોટું કરવું એક અગમ્ય રીતે ગમતી વાત છે. હેં ને?!! 

મરણ પથારીએ થતાં ટોપમોસ્ટ રીગ્રેટ છે-'કાશ, બીજા કહે તેમ નહીં પણ હું મારી મરજી મુજબ જીવ્યો હોત.' 'કાશ, મેં આટલું બધું હાર્ડ વર્ક (ગધ્ધાવૈતરું!) ન કર્યું હોત.' 'કાશ, મેં મારી લાગણીને વાચા આપી હોત.' 'કાશ, મેં મિત્રો સાથે સંપર્ક જાળવી રાખ્યો હોત.' 'કાશ, મેં મને વધારે ખુશ રાખવાની પરવાનગી આપી હોત.' 

મને કોઈ વાતનો અફસોસ નથી, મને એનો ય અફસોસ છે. લો બોલો! અફસોસ ફોરએવર!

શબ્દશેષ :

'તમારા ચહેરા ઉપર જે સ્મિત લઈ આવે એવી કોઈ પણ વાતનો ક્યારેય પણ અફસોસ ન કરવો.' -અમેરિકન લેખક હાસ્યકાર માર્ક ટ્વેન (૧૮૩૫-૧૯૧૦)