Shatdal

પ્રેગ્મેટિક એરર : વ્યવહારની ભૂલ

By GS Team
8 Sep 20265 mins read
પ્રેગ્મેટિક એરર : વ્યવહારની ભૂલ
  • શબ્દસંહિતા-પરેશ વ્યાસ
  • અક્ષરની સમજ ઓછી હોય એ અક્સર ચૂપ રહે પણ જે ભાષાનાં જાણકાર હોય એ ભારેખમ ભાષા બોલીને વ્યવહારિક ભૂલ ચૂક કરી નાખે છે.

रहिमन जिहवा बाबरी, कहि गर्ई सरग पताल
आपु तो कहि भीतर रही, जुती खात कपाल- रहीम
જીભ બેબાકળી છે, વિચાર્યા વગર સ્વર્ગ-પાતાળની ગમે તેવી ઊંધી-ચત્તી વાતો બોલી દે છે. ને બોલીને તરત મોઢાની અંદર સંતાઈ જાય છે. એની આ ભૂલની સજા બિચારા કપાળને ભોગવવી પડે છે. જૂતાં પડે છે. વ્યાકરણની કે શબ્દકોશની દ્રષ્ટિએ શબ્દો ગમે તેટલા સાચા હોય, પણ જો હું સામાજિક વાતાવરણ, યોગ્ય સમય અને સાંભળનારની મન:સ્થિતિને ધ્યાનમાં રાખ્યા વગર બોલું તો એનાથી થયેલું નુકસાન મારે સાષ્ટાંગ ભોગવવું પડે. જીભમાંથી નીકળેલા કડવા શબ્દો કાયમી નુકસાન પહોંચાડે. માફી ભલે માંગો, શબ્દોને બદલી નાખો પણ એની કાયમી અસર રહી તો જાય. સમાચાર છે કે શશી થરૂરની બેબાકળી કલમ સોશિયલ મીડિયા પર એવું લખી બેઠી કે માથે જોડા પડયા. પછી ખેદ તો વ્યક્ત કર્યો પણ…
વાત જાણે એમ છે કે નેપાળમાં ભયાનક પૂર આવ્યું. જાનમાલની ભારે ખુવારી થઈ. શશી થરૂરે એક્સ ઉપર લખ્યું કે, 'પહાડોમાં સર્જાયેલા ડ્રામા (નાટક) અને તેનાથી થયેલા વિનાશથી બ્લિસફુલી (સુખપૂર્વક) અજાણ છું.' શું આ આપદા કોઈ નાટક છે ? અને તેઓ અજાણ છે એનો તેઓને આનંદ છે ? સોશિયલ મીડિયાએ આ ટિપ્પણીને સંવેદનહીન અને અપમાનજનક ગણાવી. આ ઘટના કોઈ નૌટંકી છે ? શબ્દોનાં મહારથી ભાષાની ભૂલ કરી કઈ રીતે બેઠા ? તેઓએ જો કે બચાવ કર્યો કે લોકોએ મારા શબ્દોના ખોટા અર્થ કર્યા. ડિક્સનરી મુજબ 'ડ્રામા' નો અર્થ માત્ર 'નાટક' - એવો થતો નથી. ડ્રામાનો એક અર્થ થાય 'તીવ્ર પરસ્પર વિરોધી પરિસ્થિતિઓ વચ્ચેની ગંભીર ઘટના'. તેઓએ જો કે જેનો સહેલાઈથી ખોટો અર્થ કાઢી શકાય એવા શબ્દની પસંદગી બદલ ખેદ વ્યક્ત કર્યો. લો બોલો ! વાંક આપણો કે આપણને ડિક્સનરીનું જ્ઞાન નથી !
કોઈ પણ ભાષાના શબ્દો, શબ્દસમૂહો કે વાક્યોના શાબ્દિક અર્થને સેમેન્ટિક્સ (Semantics) કહેવાય. જેમ કે 'બહાર વરસે છે શ્રાવણનાં ફોરાં'. એનો અર્થ એટલો જ કે શ્રાવણ માસમાં વરસાદનાં ટીપાં કે છાંટા પડી રહ્યાં છે. પણ શાબ્દિક અર્થને પેલે પાર એક વ્યવહારલક્ષી ભાષાશાસ્ત્ર પણ છે, જેને કહેવાય પ્રેગ્મેટિક્સ (Pragmatics). એમ કે માત્ર વરસાદ છે એટલું જ નથી. પ્રેમ થઈ શકે, છત્રી લઈને ન નીકળો ભીંજાઈને માંદા પડાય કે પછી ભજિયાં ખવાય વગેરે. આ વ્યવહારની ભાષાનો અર્થ. બીજી પંક્તિમાં કવિ શ્રી ભાસ્કર ભટ્ટ લખે છે કે… 'ને તો ય અમે ભીતર બેઠાં છે સાવ કોરાં….' આ પ્રેગ્મેટિક્સ છે. વરસાદ છે પણ શુષ્ક વિરહ પણ છે. પ્રેગ્મેટિક્સ ચોક્કસ સંદર્ભ કે પરિસ્થિતિમાં શબ્દોના શાબ્દિક અર્થની પેલે પાર જઈને બોલનારનો સાચો ઇરાદો સમજવામાં મદદ કરે છે. શશી થરૂર જરૂર પ્રેગ્મેટિક ભૂલ કરી બેઠાં છે. કુદરતી મહાઆફતને નાટક કહેવું બિલકુલ વ્યવહારિક નથી, ભલે પછી ભાષાનાં અર્થવિજ્ઞાન અનુસાર તેઓ સાચા છે. ટૂંકમાં, સેમેન્ટિક્સ એ શરીર છે જે દેખાય છે, જ્યારે પ્રેગ્મેટિક્સ આત્મા છે જે અનુભવાય છે.
એક ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછાયો કે તમારી સૌથી મોટી નબળાઈ શું છે ? એણે જવાબ આપ્યો કે મને સિમેન્ટિક્સ સમજાય છે પણ પ્રેગ્મેટિક્સ સમજવામાં મારી ભૂલ થઈ જાય છે. ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું કે 'કોઈ ઉદાહરણ આપી શકો ?' તો ઉમેદવારે કહ્યું કે 'હા, હું આપી શકું.' …. અને આ જવાબ સાચો છે !
પ્રેગ્મેટિક શબ્દની ઉત્પત્તિ મુખ્યત્વે પ્રાચીન ગ્રીક ક્રિયાપદ 'પ્રસેઈન' અથવા 'પ્રટેઈન'માંથી થઈ છે. જેનો અર્થ થાય છે કંઈક કરવું, કાર્ય કરવું અથવા પ્રદર્શન કરવું. પ્રેગ્મેટિક એટલે વ્યવહારુ, વાસ્તવવાદી અથવા પરિણામલક્ષી. અને એરરનો અર્થ તો આપણે જાણીએ. ભૂલ. કોઈ શબ્દાર્થ સાચો હોય પણ વ્યવહારુ ન હોય તો ભાષાશાસ્ત્રમાં એ ભૂલ ગણાય. પ્રેગ્મેટિક એરર પણ બે પ્રકારની હોય છે. એક પ્રેગ્મેલિંગવાસ્ટિક એરર. એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ ભૂલભરેલો હોય એ. જેમ કે છોકરો પરીક્ષા આપીને બાપને કહે કે આજનું પેપર તો કેકનો ટુકડો હતું. અલ્યા, પેપર સહેલું હોય તો ઇંગ્લિશમાં 'પીસ ઓફ કેક' ભલે કહેવાય. ગુજરાતીમાં કહો તો એ ભૂલ ગણાય. એક ભાઈએ ઓફિસમાં રજા લેવા માટેની અરજીમાં લખ્યું કે હું ઓફિસ નહીં આવી શકું કારણ કે માય આઈઝ હેવ કમ. હું નોકરીમાં આવી શકીશ જ્યારે માય આઈઝ વિલ ગો ! બીજા પ્રકારની ભૂલ સોશિયોપ્રેગ્મેટિક એરર છે. એ ભૂલ જે શશી થરૂરે કરી. શબ્દનો અર્થ સાચો, વ્યાકરણ પણ સાચું પણ સામાજિક કે સાંસ્કૃતિક સંદર્ભ ખોટા. કયો શબ્દ કઈ સમાજિક પરિસ્થિતિમાં સામેવાળી વ્યક્તિ પર કેવી ભાવનાત્મક અસર કરશે, તે ન સમજી શકવું ગંભીર ભૂલ ગણાય. વ્યક્તિના દેખાવ કે વજન પરની ટિપ્પણી કે પછી પગાર કે ઉંમર વિષેની પંચાત આવી જ ભૂલ છે. જતી વખતે કોઈ 'આવજો' કહે એટલે આમ ફરી પહોંચી જવાનું નહીં. વાતે વાતે થેન્ક્યૂ અને વાતે વાતે સોરી પણ ન કહેવાય. સાસુને સસરાની બૈરી ન જ કહેવાય, ભલે ટેકનિકલી એ વાત સાચી હોય.
દુ:ખના પ્રસંગે બોલતા ન આવડે તો ચૂપ રહેવું જોઈએ. અક્ષરની સમજ ઓછી હોય એ અક્સર ચૂપ રહે પણ જે ભાષાનાં જાણકાર હોય એ ભારેખમ ભાષા બોલીને વ્યવહારિક ભૂલ ચૂક કરી નાખે છે. 'ભૂલ' એટલે કંઈક ખોટું કરવું. 'ચૂક' એટલે કંઈક કરવાનું ભૂલી જવું/છોડી દેવું. શબ્દો એ જ ગેરસમજનું મૂળ છે. માનવ વ્યવહારની કરૂણતા એમાં નથી જ્યારે શબ્દો વિશે ગેરસમજ થાય, પરંતુ એમાં છે જ્યારે મૌનને સમજવામાં ન આવે. અમને હેન્રી ડેવિડ થોરો થોડો થોડો સમજાય તો છે!
શબ્દશેષ
''બોલાય છે પણ એનો કોઈ અર્થ નથી અને જે અર્થપૂર્ણ છે તે બોલાતું નથી, બસ આ બે સ્થિતિ વચ્ચે જ મોટા ભાગનો પ્રેમ ખોવાઈ જાય છે.'' - ખલિલ જિબ્રાન