Shatdal

અધ્યાત્મના રસ્તે ચાલનારાઓ માટે શરીર સ્વાસ્થ્યનું ઘણું મૂલ્ય છે

By GS Team
18 Aug 20263 mins read
અધ્યાત્મના રસ્તે ચાલનારાઓ માટે શરીર સ્વાસ્થ્યનું ઘણું મૂલ્ય છે
  • શરીર અને ચિત્ત વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. શરીર પર ચિત્તની અને ચિત્ત પર શરીરની અસર પડે જ છે. જ્યાં સુધી શરીરની સપ્તધાતુનું સામ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી ચિત્તની વૃત્તિઓ શાંત થાય નહીં
  • સાત્ત્વિક જીવન દ્વારા જીવનમાં યથાર્થ શાંતિ ફલિત થાય છે. સાત્ત્વિક જીવનપદ્ધતિ દ્વારા સામાજિક સુખાકારી સિદ્ધ થાય છે.

ભા ણદેવ હિન્દુ અધ્યાત્મવિદ્યાના મર્મજ્ઞા છે. એમણે હિન્દુ ધર્મના પ્રમુખ ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો છે. અનુભવ, સત્સંગ, ચિંતન અને અધ્યયન આ ચારેય માધ્યમો દ્વારા એમણે હિન્દુ ધર્મનાં રહસ્યો સમજાવ્યા છે. એમણે અધ્યાત્મ પર સોએક જેટલાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે, જેમ કે, 'આપણો વહાલો હિન્દુ ધર્મ', 'શ્રી અરવિંદનું અધ્યાત્મદર્શન', 'અધ્યાત્મ રહસ્ય', 'જીવનવિકાસની વિદ્યા', 'સંપૂર્ણ યોગાસન' વગેરે. મોરબી નજીક સરસ્વતી નિકેતન નામનો તેમનો આશ્રમ છે. અધ્યાત્મ સંબંધિત કેટલાક સરળ અને મૂળભૂત પ્રશ્નોના એમણે અહીં સચોટ ઉત્તર આપ્યા છે.
૧. સૌથી પહેલાં તો, અધ્યાત્મ શા માટે ?
આત્મપ્રાપ્તિ, ભગવતપ્રાપ્તિ કે પરમ સત્યનો સાક્ષાત્કાર એ જીવનનું યથાર્થ લક્ષ્ય છે. તે ધ્યેયની સિદ્ધિમાં જ જીવનની યથાર્થ કૃતાર્થતા છે. આ પરમ ધ્યેયની સિદ્ધિ માટેનો જે પથ તે જ અધ્યાત્મપથ છે. અધ્યાત્મ એટલે જીવનની કૃતાર્થતાનો યથાર્થ માર્ગ. જીવનની પરમ કૃતાર્થતાનો બીજો કોઈ વિકલ્પ નથી.
૨. આધ્યાત્મિક દષ્ટિથી સુખ, દુ:ખ અને આનંદ શું છે ?
સુખ એટલે આત્માના આનંદનો આભાસ.
દુ:ખ એટલે આત્માના આનંદ અને આનંદના આભાસનો અભાવ.
આનંદ એટલે આત્મસ્વરૂપનો સ્વભાવગત ગુણધર્મ.
૩. આધ્યાત્મિક દષ્ટિથી પાપ અને પુણ્ય શું છે ?
૧. ઋતના નિયમનું પાલન તે પુણ્ય છે.
૨. અન્યને દુ:ખ આપવું તે પાપ છ. જે કર્મ ભગવાનથી દૂર રાખે તે પાપ છે.
૩. જે કર્મ ભગવાન તરફ દોરી જાય તે પુણ્ય છે. અન્યને સુખ આપવું તે પુણ્ય છે.
૪. અધ્યાત્મયાત્રા માટે સાત્ત્વિક જીવનપદ્ધતિ શા માટે જરુરી છે?
૧. સાત્ત્વિક જીવનપદ્ધતિ દ્વારા અધ્યાત્મયાત્રા સુકર અને પ્રશસ્ત બને છે.
૨. સાત્ત્વિક જીવન દ્વારા જીવનમાં યથાર્થ શાંતિ ફલિત થાય છે.
૩. સાત્ત્વિક જીવનપદ્ધતિ દ્વારા સામાજિક સુખાકારી સિદ્ધ
થાય છે.
૫. અધ્યાત્મયાત્રી માટે સત્યનું પાલન શા માટે?
ઋતુની વ્યવસ્થાનો સર્વોચ્ચ નિયમ છે - સત્ય. સત્યને છોડીને કોઈ પરમાત્માને અર્થાત્ પરમ સત્યને પામી શકે નહીં. અંધકારના ઘોડા પર બેસીને સૂર્યની યાત્રા ન થઈ શકે.
सत्यमेव जयते नानृतं આ વિધાન જીવનનું સનાતન સત્ય છે.
૬. અધ્યાત્મપથના પથિક માટે શરીર સ્વાસ્થ્યનું મૂલ્ય શું છે?
શરીર અને ચિત્ત વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. શરીર પર ચિત્તની અને ચિત્ત પર શરીરની અસર પડે જ છે. જ્યાં સુધી શરીરની સપ્તધાતુનું સામ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી ચિત્તની વૃત્તિઓ શાંત થાય નહીં. આમ અધ્યાત્મપથના પથિક માટે શરીર સ્વાસ્થ્યનું ઘણું મૂલ્ય છે. તેથી જ કહ્યું છે - शरीरमाधं खलु धर्मसाधनम्
૭. અધ્યાત્મપથ અને ચમત્કાર વચ્ચે શો
સંબંધ છે?
ચમત્કારો અધ્યાત્મનું અનિવાર્ય લક્ષણ નથી. સમર્થ અધ્યાત્મસિદ્ધોમાં ચમત્કારો ન હોય તેમ પણ બને. દાખલા તરીકે, રમણ મહર્ષિ. ચમત્કારોની શક્તિ હોય છતાં આધ્યાત્મિક વિકાસ ન હોય તેમ પણ બને.
અધ્યાત્મયાત્રામાં કવચિત્ ચમત્કારોની શક્તિ આડપ્રેદાશરૂપે આવે પણ ખરી કે ન પણ આવે.
૮. પરમાત્માની પ્રાપ્તિનો
ઉપાય શો ?
પરમાત્માની પ્રાપ્તિના પ્રધાન ઉપાય બે છે - જ્ઞાન અથવા પ્રેમ. પ્રેમ એટલે ભગવાન પ્રત્યે હ્ય્દયની પ્રીતિ, સ્નેહ. જ્ઞાન એટલે જીવ-બ્રહ્મની એકતાનું જ્ઞાન અર્થાત્ સ્વરૂપનું જ્ઞાન.
૯. પરમાત્માના અસ્તિત્વનું પ્રમાણ
શું છે ?
પરમાત્મા પ્રમાણથી પર છે. આમ છતાં વેદ, ઉપનિષદ, ગીતા આદિ પ્રમાણ છે. સમર્થ અધ્યાત્મસિદ્ધોનો અનુભવ પ્રમાણ છે. સૃષ્ટિનો સ્રષ્ટા અને સંચાલક કોઈક હોવો જોઈએ - આ પ્રમાણ છે.
૧૦. મોક્ષ એટલે ?
મોક્ષ એટલે અવિદ્યા અને તજ્જન્ય રાગદ્ધેષાદિમાંથી મુક્તિ. મોક્ષનાં પાંચ સ્વરૂપો છે - કૈવલ્યમુક્તિ, સાલોક્યમુક્તિ, સામીપ્યમુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાર્ષ્ટિ મુક્તિ.