Shatdal
માત્ર સ્મરણ જ અંજવાળું પ્રગટાવી શકે...
By GS Team
25 Aug 20265 mins read

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જીવનના સત્યોને કોઈ સાંભળવા તૈયાર નથી. બધાને રોચક રસ પડે તેવી વાર્તાઓ જ ગમે છે
સાંજ પડતા બસ, સ્મરણ તારું થયું,
ને પછી, અંધારું ઝળહળતું થયું.
આ સ્મરણ છે કે કોઈ સંજીવની ?!
ઝંખનાનું શબ ફરી બેઠું થયું.
આપણાથી છેટાં શખ્સોને લીધે,
આપણી વચ્ચે જરી છેટું થયું.
હર વખત નડતી શરમ જેની તને,
બોલ, અંતે કોણ એ તારું થયું ?
કંઈ પ્રસંગોપાત હો તો ઠીક છે,
દર્દ આ તે કેવું રોજિંદું થયું !
નામ લેતાં પણ ડરું છું સૂર્યનું,
એવું માથાભારે અંધારું થયું.
આંખથી કાજળ ગયું બસ, તારું તો…
મારું તો આખું જીવન કાળું થયું.
- પંકજ વખારિયા
અં ધારું બ્હારનું હોય કે ભીતરનું. એને હટાવી શકે છે માત્ર અને માત્ર સ્મરણ. આ સ્મરણ એટલે ભીતરના પ્રવાસીઓ જેને સુમિરન કહે છે, સૂરતા કહે છે, તે સાંજ પડતાં કોઈનું સ્મરણ થાય અને અંધારું દૂર ના થાય અંધારું ઝળહળતું થાય ત્યારે સ્મરણનું અને શ્વાસનું મહત્વ સમજાય છે. અંધારા ઓરડામાં દીવો બળતો હોય તો એ દીવાના તેજથી અંધારું ઝળહળતું હોય છે. અંધારું ઝળહળવું અને અંધારું દૂર થવું એ બે અલગ વાત છે. સૂરજ ઊગે અને અંધકારનો નાશ થાય છે. સૂરજ ઊગતાની સાથે જ અંધારું જડતું જ નથી. અંધારું ગૂમ થઈ જાય છે એટલા માટે ઓશો જેવા સદ્ગુરૂઓ અંધારાને પ્રકાશનો અભાવ કહે છે. ઉપનિષદોમાં પણ આ વાત જણાવી છે પણ જ્યાં સુધી યોગની ભાષામાં સૂર્ય અને ચંદ્ર નાડીનો ખેલ ના સમજાય, ભક્તિની ભાષામાં એના અંજપા જપનો સૂર્ય ના ઊગે ત્યાં સુધી સ્મરણના કોડિયે જીવનના અંધારાને ઝળહળતું જોવાનું છે. ત્યાં સુધી સતત એનું સ્મરણ થાય, થયા કરે એના પ્રયત્નો કરવાના છે. જીવનનું અંધારું આપણને ક્યાંય જીવવા દે તેવું નથી. સ્મરણથી એને ઝળહળ કરવાની કલા આવડી જાય તે જરૂરી છે.
પંકજ વખારિયાના ગઝલ સંગ્રહ અથ શ્રીમદગઝલ સંગ્રહમાંથી પસાર થઈ રહ્યો છું અને કોઈ ભીતરનો યાત્રી ગઝલ દ્વારા કશુંક પ્રગટાવવા મથે છે કે ગઝલ દ્વારા પ્રગટવા મથે છે એમ લાગ્યું.
સત્ય સીધું કોણ સાંભળવા સમર્થ ?
પહેલાં થોડી વાત રોચક માંડ તું!
આ બધું દેખાય છે બસ, છે નહીં,
ચિત્રપટને ચીર, ત્રાટક માંડ તું !
જીવનના સત્યોને કોઈ સાંભળવા તૈયાર નથી. બધાને રોચક રસ પડે તેવી વાર્તાઓ જ ગમે છે. મરીઝનો શેર યાદ આવે.
જીવનની સત્ય
બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું.
આપણે બધા જીવનને કલ્પના અને કલ્પનાને જીવન માની લેનારા છીએ. ટોકીઝમાં કે ટીવીની સામે બેસીને ધુ્રસકે ને ધુ્રસકે રડી લેનારા છીએ, ગુસ્સે થનારા છીએ. આપણો ક્રોધ પણ નપુસંક છે અને લાગણીઓ વાંઝણી છે. તમે ટીવીમાં ફિલ્મ જોઈ રહ્યા છો અને પછી એટલું તાદાત્મ્ય અનુભવી રહ્યા છો કે હીરો-હીરોઈનને પડતા દુ:ખ જાણે તમારા જીવનમાં સાચ્ચે સાચ પડતા હોય એમ રડી પડો છો. આપણે ભૂલી જઈએ છીએ કે સફેદ પડદા ઉપર, ટીવીના કાળા સ્ક્રીન ઉપર ઊભી થયેલી રંગોની આ માયાજાળ છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે દ્રષ્ટા છીએ.
વિશ્વોદય પ્રલય નાટક નિત્ય સાક્ષી (ગુરૂગીતા)
આપણે તો દ્રષ્ટા છીએ વિશ્વના ઉદય અને પ્રલયનું જે નાટક ચાલે છે એના નિત્ય સાક્ષી છે. પરંતુ માયા રડાવ્યા કરે છે. બધાં જ ખેલ માયા કરાવ્યા કરે છે. કેવી ગહન અને ગૂઢ વાત છે. ખરેખર જો આ વાત સમજાઈ જાય તો સુખ-દુ:ખ બહુ ના સ્પર્શે. જે દેખાય છતાં ના હોય એને માયા કહી છે જે હમણાં છે અને હમણાં નહીં હોય એને માયા કહી છે. ચારેબાજુનું આ જે જગત દેખાય છે એ દેખાય છે ખરું પણ છે નહીં કવિ કહે છે તારી ભીતરનાં પેલા દ્રષ્ટાને જગાડ તું ત્રાટક કર. તું દ્રશ્યોની આરપાર જા. એ પછી આ જગત જેવું લાગે છે એવું નહીં લાગે. પંકજ વખારિયાની ગઝલો વાહ વાહની ગઝલો નથી. શુષ્ક ચિંતનની ગઝલો નથી, અનુભૂતિના રસાયણમાંથી રસાયેલી ગઝલો છે.
ઝંખનાના જીવનમાં ઝૂરવાનું જ હોય છે. પણ આ ઝંખના સતત ધબકતી રહે છે એનું એકમાત્ર કારણ સ્મરણ પોતે નવેય રસ દ્વારા સંજીવની છાંટયા કરે છે તે છે. સ્મરણને માત્ર આંસુ સાથે જ નહીં સ્મરણને તો નવેય રસ સાથે
સંબંધ છે.
આપણાથી દૂર રહેતા એવા ઘણાં માણસો હોય છે જેને લીધે આપણા જે હોય ને એની વચ્ચે આપણે અંતર અનુભવતા હોઈએ છીએ. આ શેર ઘણી અર્થછાયાઓ ધરાવે છે. દૂર રહેનારાઓને આપણને પાસે આવવા ના દીધા. સંસારના કેવા-કેવા પરિબળો કામ કરતાં હોય છે. સંસારમાં જેની આંખોની શરમે આપણે ઘણું સહન કર્યું હોય છે, ઘણું જતું કર્યું હોય છે, ઘણી ખોટ ખાધી હોય છે એમાંનું કોઈ અંતે આપણું થતું નથી. સંસાર એટલે જ જાણે સૌ સગા સ્વાર્થના. હૃદયમાં ઘણાં દર્દ એવા હોય છે જે ક્યારેક થતા હોય, પ્રસંગોપાત થતા હોય તો સહન પણ કરી શકાય અને જીવી પણ જવાય. પણ કરુણતા તો એ છે કે એવા દર્દો રોજ થતાં હોય છે, રોજ જીવવું પડે છે, રોજ સહન કરવું પડે છે અને છતાંય આપણે એ દર્દોથી ટેવાયાં નથી હોતા. સૂર્યનું નામ હોઠે આવે અને જીવનમાં અંધારું ઓર વધી જાય એ કેવી પરિસ્થિતિ ? અને અંતે માણસ સૂર્યનું નામ લેવાનું ય છોડી દે છે. અંધારોનો સહજ સ્વીકાર કરવો પડે છે. આંખનું કાજળ આંસુથી ધોવાઈ જાય છે પણ જેનું જીવન આખું કાળું થઈ ગયું હોય એને કઈ રીતે ધોવાય ? પ્રિય પાત્રએ તો રડીને એ કાળાશ દૂર કરી દીધી પણ એ કાળાશ કોઈનું તો આખું જીવન બની ગઈ. પંકજ વખારિયાની એક બીજી સુંદર ગઝલ જોઈએ.
બધી જ વ્યર્થ છે તારી કમાલ, છોડી દે !
ન ટહુકે મિત્રનું પંખી, ખયાલ છોડી દે.
ન રાખ એની કને આશરાની આશા તું,
ઘડીમાં ઘર આ થશે કાટમાલ, છોડી દે
ગજા બહારનાં સપનાંઓ મૂકી દે પડતાં,
અમસ્તા કર નહીં તું ભાવ-તાલ, છોડી દે.
સફરમાં એ જ તો સંગાથે રહેશે અંત સુધી,
તરસને રાખ તું સાથે, પખાલ છોડી દે.




