Shatdal

ઓ કઠિયારા! કાપ તું મારા પડછાયાને...

By GS Team
13 Oct 20263 mins read
ઓ કઠિયારા! કાપ તું મારા પડછાયાને...
  • શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • મરણ બાદ મુક્તિ નથી. કર્મ પીછો છોડતો જ નથી

પડછાયો
‘o, wood cutter,
cut my shadow.*
હિન્દુ બનું
બુધ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.
કુુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો છૂટતો નથી
મારાથી.
નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છૂટતો નથી.
ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો છૂટતો નથી.
સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.
‘o, wood cutter,
cut my shadow."

  • પ્રવીણ ગઢવી
    (* સ્પેનિશ કવિ લોરકાની પંક્તિ)
    તમે તમારાથી કદી છૂટી શકો ખરા ? કદાચ કોઈનાથી પણ છૂટી જવું સાવ સહેલું હોઈ શકે, પણ આપણે આપણી જાતથી કદી છૂટી નથી શકતા. ક્યારેક ડરપોક કે કાયર માણસ જીંદગીથી કંટાળીને આપઘાત કરવાનો કે મરવાનો વિચાર કરે છે પરંતુ મૃત્યુ એ ઉકેલ નથી. અમૃત ઘાયલનો એક શેર આ સંદર્ભે જોઈએ.
    તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે !
    રહે છે કેદ એની એ ફક્ત દીવાલ બદલે છે.
    મરણ બાદ મુક્તિ નથી. કર્મ પીછો છોડતો જ નથી. માત્ર શરીરની દીવાલો બદલાય છે. નવો દેહ, નવી દીવાલો મળે છે પરંતુ કેદ તો એની એ જ હોય છે. ત્યારે આ કર્મથી કઈ રીતે છૂટવું ? પ્રવીણ ગઢવીની કવિતા સાવ સીધી-સરળ છે. સ્પેનિશ કવિ લોરકાની પંક્તિ પ્રેરણારૂપ બની છે. અને સમગ્ર કવિતામાં વાત એક જ કહેવામાં આવી છે કે આ પડછાયાનું શું કરવું ? પડછાયો કપાતો નથી, પડછાયો છૂટતો નથી, પડછાયો તૂટતો નથી, પડછાયો ભૂંસાતો નથી. અને આથી છેવટે થાકીને કવિ આરંભમાં મૂકેલી પંક્તિઓ ફરી અંતે મૂકે છે અને કહે છે કે ઓ કઠિયારા, તું મારો આ પડછાયો કાપ. મારા પડછાયાને વ્હેરી નાંખ. મારે મારા પડછાયાથી છૂટવું છે.
    પડછાયાથી છૂટવું સહેલું નથી. તમે હિંદુ બનો, મુસલમાન બનો કે પછી બૌધ્ધ ધર્મ અંગિકાર કરો એનાથી પડછાયાને કાપી શકાતો નથી. એટલે કે પડછાયાને ધર્મ સાથે સંબંધ નથી. કૂલડી અને સાવરણીની પરંપરા વિદાયલઈ ગઈ તો પણ પડછાયો છૂટતો નથી. અર્થાત્ પડછાયાને પરંપરા સાથે સંબંધ નથી. તમે નામ બદલી નાંખો, તમારું કામ બદલી નાંખો, તમારા રહેવાના સ્થળ બદલી નાંખો, તમારી જાત અને અટક બદલી નાંખો તો પણ પડછાયાથી છૂટી નથી શકતા. અર્થાત્ પડછાયાને નામ, કામ, ઠામ કે જાત સાથે પણ સંબંધ નથી.
    તમે તમારી ભાષા બદલી નાંખો, ભારતને બદલે પરદેશ રહેવા ચાલ્યાજાવ, વેશ બદલી નાંખો અરે ઈતિહાસ પણ ધારો એમ નવેસરથી લખાવી લો છતાંય પડછાયો જરાય તૂટતો નથી. નવસેરથી શાસ્ત્રો રચો, દેશનું બંધારણ નવું બનાવો, નવા કાયદાઓ કરો છતાં કોઈ કાળે, કોઈ પમ રીતે તમે તમારા પડછાયાથી છૂટા પડી શકતા નથી. તમારા પડછાયાને ભૂંસી શકતા નથી. આ કયો પડછાયો છે, પાપનો ? કર્મનો ? મનનો ? આત્માનો ? ભાગ્યનો ? વિચારોનો ? નામ ગમે તે આપીએ આપણે બ્હારની કોઈ પણ વસ્તુથી પડછાયાને બદલી શકતા નથી.
    કર્મ સારા હોય કે ખરાબ એનો પડછાયો પડે જ છે. પડછાયાની એ વિશેષતા છે કે એ હંમેશા કાળો જ હોય છે. લાલ, પીળા કે બીજા કોઈ રંગના પડછાયા હોતા નથી. જ્યાં સુધી મન છે ત્યાં સુધી વિચારો અને કર્મો છે. અને જ્યાં સુધી મનનું રૂપાંતર નથી થતું ત્યાં સુધી મન દરેક જગ્યાએ તેની પ્રતિછાયા તેનો પડછાયો જોયા કરે છે.
    અહમદ મકરાણીનો એક શેર છે.
    ભાગ્યરેખાને સુધારે તો જુઓ,
    આયના પર હાથ મારી તો જુઓ.
    આયના ઉપર, કાચ ઉપર હાથ મારવો એ એટલું પીડાદાયક નથી હોતું, પરંતુ ભાગ્યને સુધારવું એ એથીય અનેક ગણું પીડાદાયક અને અશક્ય છે. વૃક્ષો કાપનારને કઠિયારો કહે છે. કઠિયારાને માટે આખું જંગલ કાપી શકવું સહેલું હોઇ શકે પરંતુ પોતાના ભાગ્યને કાપવું, પોતાના દુ:ખને અને કર્મને કાપવું સહેલું તો નથી જ. પડછાયો કવિતામાં અનેક રૂપે આવેલો છે. પડછાયા ઉપર લખાયેલી ગઝલ જોઈએ.
    જીવનમાં ના કદી છૂટ્ટો પડયો પળવાર પડછાયો,
    બધા સુખદુ:ખ મહીં હમ્મેશ હારોહાર પડછાયો.
    કદી લાંબો કદી ટૂંકો ધરે આકાર પડછાયો,
    રહ્યો એ બ્હારથી અંદરનો હિસ્સેદાર પડછાયો.
    ઝબોળ્યો મ્હેંકમાં ને રંગમાં કૈંવાર પડછાયો,
    છતાં ના થૈ શક્યો રંગીન ખૂશ્બુદાર પડછાયો.
    હતો એ વ્હેમ રાતે એ જતો સંતાઈ મારાથી,
    હકીકતમાં બની જાતો હતો અંધાર પડછાયો.
    કહે છે દેવને મિસ્કીન પડછાયા નથી પડતા,
    રહે છે માનવીમાં મન રૂપે હુંકાર પડછાયો.