Shatdal

ઓહ, આઈ નીડ અ બ્રેઈન ડમ્પ!

By GS Team
22 Sep 20263 mins read
ઓહ, આઈ નીડ અ બ્રેઈન ડમ્પ!
  • નેટ-બોલી
  • બ્રેઈન ડમ્પ સુઘડ કે વ્યવસ્થિત હોવું જરૂરી નથી. તમારે તમારા વિચારોને એડિટ કરવાના નથી, કે તેનું મૂલ્યાંકન પણ કરવાનું નથી. બસ, મનમાંથી બહાર ઠાલવી નાખવાના છે.

'બ્રે ઈન ડમ્પ' શબ્દ સાંભળવામાં થોડો આકરો લાગે છે, પરંતુ તેનો અર્થ એકદમ સરળ છે - મગજમાં જે કંઈ પણ ઘૂમરાઈ રહ્યું હોય તે બધું જ કાગળ પર કે સ્ક્રીન પર ઠાલવી દેવું. મનમાં આવતા વિચારો, આઈડિયા, બાકી કામો, ચિંતાઓ, વિગતો કે અડધા-અધૂરા વિચારોને કોઈ પણ પ્રકારના ફોર્મેટ કે ભાષાની ચિંતા કર્યા વિના ફટાફટ કાગળ પર, કમ્પ્યુટરની ફાઇલમાં, મોબાઇલની 'કીપ નોટ્સ' જેવી એપમાં યા તો ખુદને જ કરવામાં આવતા વોટ્સએપમાં લખી લેવા. કોલિન્સ ડિક્શનરી મુજબ, વિચારોને કોઈ ક્રમ આપ્યા વિના ઝડપથી નોંધી લેવા એટલે બ્રેઈન ડમ્પ.
તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? આ શબ્દ નામ (નાઉન) અને ક્રિયાપદ (વર્બ) એમ બંને રીતે વાપરી શકાય છે. ઉદાહરણ જુઓ:
'મારી પાસે નવી વાર્તા માટે પાંચ આઈડિયા છે. પહેલાં મને બધું કાગળ પર ઉતારી લેવા દો.' (લેટ મી ડુ અ બ્રેઈન ડમ્પ ફર્સ્ટ).
'લેખ લખવાનું શરૂ કરું તે પહેલાં બધા મુદ્દા મારે મગજમાંથી ઠાલવી દેવા પડશે.' (આઈ નીડ ટુ બ્રેઈન-ડમ્પ).
'આ અઠવાડિયે મારે જે કામો પતાવવાનાં છે, તેનું મેં આખું લિસ્ટ રફ્લી નોંધી લીધું છે.' (આઈ ડીડ અ બ્રેઈન ડમ્પ).
'મારું માથું ભારે ભારે થઈ ગયું છે. મન હળવું કરવા મારે બધું લખી નાખવું પડશે.' (આઈ નીડ અ બ્રેઈન ડમ્પ!)
સૌથી મહત્વની બાબત એ છે કે બ્રેઈન ડમ્પ સુઘડ કે વ્યવસ્થિત હોવું જરૂરી નથી. તમારે તમારા વિચારોને એડિટ કરવાના નથી, પદ્ધતિસર કેટેગરીમાં વિભાજિત કરવાના નથી કે તેનું મૂલ્યાંકન પણ કરવાનું નથી. બસ, મનમાંથી બહાર ઠાલવી નાખવાના છે. એકવાર બધું સામે દેખાવા લાગે, પછી તમે તેને વ્યવસ્થિત લખાણ, ટુ-ડુ લિસ્ટ, રૂપરેખા કે પ્લાનમાં ગોઠવી શકો છો.
તમને આને મળતા આવતા કેટલાક શબ્દો પણ જોવા મળશે-
માઇન્ડ ડમ્પ: આ પણ એ જ વસ્તુ છે - મનના વિચારો કાગળ પર ખાલી કરી દેવા.
બ્રેઈન ડમ્પિંગ: આ પ્રક્રિયા કે પ્રવૃત્તિ માટે વપરાય છે. લખતા પહેલાં મેં દસ મિનિટ બ્રેઈન ડમ્પિંગમાં વિતાવી.
નોલેજ ડમ્પ: કોઈ એક વિષય વિશે તમે જે જાણતા હો તે બધું જ એક જગ્યાએ મૂકી દેવું.
ઇન્ફોર્મેશન ડમ્પ: ખાસ કરીને કામના સ્થળે, કોઈ અન્ય વ્યક્તિને એકસાથે બહુ બધી માહિતી સોંપવી.
ટેકનોલોજીની દુનિયામાં 'બ્રેઈન ડમ્પ'નો એક જૂનો અર્થ પણ છે - કોઈ પ્રોજેક્ટ કે સોફ્ટવેરની જવાબદારી બીજા સાથીદારને સોંપતા પહેલાં તેના વિશેની તમામ માહિતી તેને જણાવી દેવી. આ શબ્દ કમ્પ્યુટિંગના 'કોર ડમ્પ' (કમ્પ્યુટરની મેમરીમાંથી મોટા પાયે માહિતી સેવ કરવી) ખ્યાલ સાથે જોડાયેલો હતો.
આ શબ્દ ક્યાંથી આવ્યો?
આ શબ્દ ક્યારે જન્મ્યો તે વિશે પૂરી સ્પષ્ટતા થઈ શકતી નથી. ૧૯૮૦ના દાયકા સુધીમાં આ શબ્દ ટેકનોલોજી અને બિઝનેસના સંદર્ભમાં વપરાવા લાગ્યો હતો. ૧૯૮૯ના 'પીસી' મેગેઝિનના એક ઉદાહરણમાં 'બ્રેઈન ડમ્પ' આ જ અર્થમાં વપરાયો હતો. ત્યારબાદ તે ટેકનોલોજીની દુનિયામાંથી બહાર નીકળીને પ્રોડક્ટિવિટી (કાર્યક્ષમતા વધારવા), લેખન અને સામાન્ય બોલચાલની ભાષામાં આવી ગયો. આજે બ્રેઈન ડમ્પનો અર્થ રાત્રે સૂતા પહેલાં મન હળવું કરવાથી લઈને નવલકથા લખતા પહેલાં પ્લોટના તમામ વિચારો કાગળ પર ઉતારી લેવા સુધીનો કંઈ પણ હોઈ શકે છે. કદાચ એટલે જ આ શબ્દ આટલો પોપ્યુલર બન્યો છે. તમારું મગજ ગૂંચવાયેલું હોઈ શકે છે, પણ તમારી નોટબુક ગૂંચવાયેલી રહેવી જરૂરી નથી.
એક લીટીમાં કહેવું હોય તો, બ્રેઈન ડમ્પ એટલે, પહેલાં મનમાંથી બધું કાગળ પર ઠાલવી દો, પછી એને વ્યવસ્થિત કરજો.