Shatdal

''ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા''- ખબરદાર

By GS Team
25 Aug 20264 mins read
''ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા''- ખબરદાર
  • વિશ્વના સૌથી પહેલાં ગ્રંથ ऋग्वेदનો બીજ મંત્ર છે : आ नो भद्रा क्रतवो यन्तु विश्वत :
    (વિશ્વભરમાંથી ભદ્ર કલ્યાણકારી વિચારો અમોને આવી મળો.)

વિ શ્વભરમાં ભારત જ એક એવો દેશ છે કે જ્યાં વિશ્વની તમામ પ્રકારની વનસ્પતિઓ મળી આવે છે, તેવી જ રીતે વિશ્વના તમામ ધર્મો પણ અહીં પ્રફુલ્લિત બન્યા છે.
જ્યારે પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ હતાં, ત્યારે મિનાઝ મર્ચન્ટનો 'ધ ટાઇમ્સ ઓફ ઈંડીયામાં એક લેખ હતો તેમાં લખ્યું હતું કે આ દેશ છે, જ્યાં રાષ્ટ્રપતિ એક હિન્દુ છે. ઉપ-રાષ્ટ્રપતિ એક મુસ્લીમ છે. (હમીદ કુરૈશી) વડાપ્રધાન એક શિખ છે (ડો. મનમોહન સિંહ) શાસક પક્ષનાં નેતા એક ખ્રિસ્તિ છે. (સોનિયાજી) અને વિપક્ષી નેતા એક હિન્દુ છે (સુષ્માજી - સુષ્મા સ્વરાજ) વિશ્વમાં આવું અદ્વિતિય સંયોજન કંયાય જોવા મળશે નહીં.'
માતા ભારતીએ કોને નથી સ્વીકાર્યા ? ભારતના મૂળ વતનીઓ, ભીલો, મુંડા અને સંથાલોના મૂળ દેવ ગણપતિને તો પ્રથમેશ કરી આર્યોએ સૌથી પહેલા પૂજ્યા છે. સિંધુ ખીણના લોર્ડ પશુપતિ અને તેઓનાં અર્ધાંગનાને પશુપતિનાથ (ભગવાન શિવ) અને પાર્વતી કહી. 'જગત પિતરૌ' તરીકે પૂજ્યા છે, આર્યોની જ એક શાખા પાર્થિયન્સ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી વસી, તેઓ અસામાન્ય બાણાવળી હતા. તેઓ માટે એચ.જી.વેલ્સે 'પાર્થિઅન્સ વિથ સિંગિંગ એરોઝ' જેવો શબ્દ પ્રયોગ કર્યો છે. તેઓના પુત્ર 'પૃથા' (કુંતા) રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ બાણાવળી 'પાર્થ'ના માતા હતા.
વિશ્વના સૌથી પહેલાં ગ્રંથ ऋग्वेद નો બીજ મંત્ર છે : आ नो भद्रा क्रतवो यन्तु विश्वत : (વિશ્વભરમાંથી ભદ્ર કલ્યાણકારી વિચારો અમોને આવી મળો.)
આપણે આસન્ન યુગની વાત કરીએ તો, ૧૦મી સદીના પ્રારંભે પારસિકો, ઈરાન છોડી ભારતમાં ગુજરાતનાં સંજાણ બંદરે આવી વસ્યા, ત્યારે તેના શાસકે છલોછલ દૂધ ભરેલો કટોરો તેઓના દસ્તૂર સાહેબને મોકલ્યો. દસ્તૂર સાહેબે સાકર વાટી તેનો ઝીણો ભૂકો દૂધમાં નાખ્યો. જેમ દૂધમાં સાકર ભલે તેમ અમો તમારી સાથે ભળી જઈશું અને મીઠાશ ફેલાવશું તેવો તેનો અર્થ હતા. આ પાસીઓ આર્યવંશીય છે. તેઓ ખરા અર્થમાં ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા, માતા ભારતીયે તેઓને સંતાન તરીકે સ્વીકાર્યા, તેઓએ માતૃભાષા પણ ગુજરાતી રાખી, તેઓમાં થયેલા એક કવિ 'ખબરદારે' લખ્યું 'ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારાં કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા.'
યાદ રહે કે પારસીઓ દુનિયાની સૌથી નાની લઘુમતિઓ પૈકીની એક છે.
યહૂદીઓ તો ઇ.સ. પૂર્વે ૧૫૦૦ કે તે પહેલાં ભારતમાં આવી વસ્યા. તેઓ મુખ્યત્વે કેરળમાં વસ્યા હતા. ૧૯૪૮માં જ્યારે પેલેસ્ટાઇન અને ઈઝરાયલ તેમ બે જુદા જુદા રાજ્યોને અંગ્રેજોએ સ્વતંત્ર કર્યા ત્યારે ઈઝરાયલના પહેલા પ્રમુખ બેન ગુરીયને દુનિયાભરમાં પથરાયેલા યહૂદીઓને ઈઝરાયલમાં બોલાવ્યા ત્યારે ભારતમાં પણ રહેતા યહૂદીઓને લેવા પ્લેન મોકલ્યાં. તેઓએ જતી વખતે ભારતની ભૂમિને માથું લગાડી આંસુ સાથે વિદાય લીધી ત્યારે તેઓને વિદાય આપવા ત્રિવેન્દ્રમમાં એરપોર્ટ પર અનેક હિન્દુઓ પણ હતા. તેમને ભેટી તે યહૂદીઓ ખભે માથું ઢાળી રડી રહ્યા… આ છે ભારતની સંસ્કૃતિ, તેણે કદીએ અન્ય વિચારધારાને અનુસરનારાને જુદા ગણ્યા નથી, ત્યાં તેઓને મારવાની તો વાત જ ક્યાં આવે ?
પારસીઓની વાત લઈએ તો તેઓનું પ્રદાન અદ્ભૂત છે. જમશેદજી તાતાએ લોખંડનું સંકુલ સ્થાપી ભારતને વિશ્વના ઔદ્યોગિક નકશામાં સ્થાન આપ્યું. સર ફીરોઝ શાહ મહેતાએ મુંબઈ નગરપાલિકાને દેશની સર્વશ્રેષ્ઠ નગરપાલિકા બનાવી, ગૌરવવંતા સ્થાને મૂકી. દાદાભાઈ નવરોઝજીએ 'થીયરી ઓફ ઈકોનોમિક ડ્રેઇન' આપી અંગ્રેજો કઈ રીતે ભારતનું શોષણ કરે છે, તે આંકડા સાથે દર્શાવ્યું.
પૂજ્ય બાપુએ ૪૨નું હિન્દ છોડો આંદોલન વિચાર્યું ત્યારે પટણા પાસે સદાકત આશ્રમ સંભાળતા, મૌલાના આઝાદને વર્ધા બોલાવ્યા. (ત્યારે બાપુ ત્યાં હતા) તેઓને એક માત્ર તેઓને જ આ આંદોલનની વાત કરી. મૌલાના આઝાદ સહમત થયા પછી તે આંદોલનની રૂપરેખા પણ મૌલાના સાથે ચર્ચી.

આ તો આસન્ન ભૂતકાળની વાત થઈ. આપણે ટાઇમ મશીનમાં બેસી પાછા ભૂતકાળમાં જઈએ તો સલ્તનન યુગમાં અમદાવાદમાં ઝૂલતા મીનારા રચાયા, જેવા ઝૂલતા મીનારા એક માત્ર ઈસ્ફહાન (ઈરાન) સિવાય બીજે ક્યાંયે નથી તેમજ બીજાપુરનો ગોળ ગુંબજ જ્યાં એક સ્થળે તાળી પાડો તો તે આખા ગુંબજમાં બીજે ક્યાંય નહીં સંભળાય તે અવાજ ગુંબજમાં અથડાતો અથડાતો પાછો તાળી પાડનારને જ સંભળાય…
ખ્રિસ્તીઓની વાત લઈએ. તો ખ્રિસ્તીઓએ પણ ભારતમાં અદ્ભૂત પ્રદાન કર્યું છે. એની બીસેન્ટે સૌથી પહેલાં ભારતમાં થિયો સો ફિકલ સોસાયટીની સ્થાપના કરી. બાળ ગંગાધર તિલેક પણ તેઓને સાથ આપ્યો હતો. સ્પેનમાં જન્મેલાં પરંતુ પછીથી કલકત્તામાં સ્થિર થયેલા મધર થેરેસાની દીન-દુ:ખિયા પ્રત્યેની કરૂણા દેશ ભૂલી શકે તેમ નથી. તેઓને તો પછીથી 'સેન્ટ-હૂડ' આપવામાં આવતાં તેઓ સેન્ટ-થેરેસા કહેવાય છે. આટલી ઊંચી પદવી મેળવનાર માતાને નમસ્કાર કરીએ તેટલા ઓછા છે.
એલન ઓકટોલિયન હ્યુમે ૧૮૮૫ ની ૨૮મી ડીસેમ્બરે બપોરે ૧૨ વાગે મુંબઈના સર તેજમાલા હોલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. આ રાજકીય પક્ષનું નેતૃત્વ લઈ બાપુએ ભારતને આઝાદ કર્યું. દિવસ હતો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭નો ૭મી ઓગસ્ટે બ્રિટિશ પાર્લામેન્ટે ભારતને આઝાદ કરવા માટેનું વિધેયક પસાર કર્યું. ૮મીથી ભારત હીલોળે ચઢ્યું. ૧૨મી ઓગસ્ટથી તો છલોછલ આનંદ છલકાતો હતો. વિભાજન સાથે પાકિસ્તાનમાં થયેલા અમાનુષ હત્યાકાંડોના શોક વચ્ચે પણ આનંદની લ્હેરખી વહી રહી.
ફરી પાછું ટાઇમ મશીન મુઘલ યુગમાં આપણને લઈ જાય છે. બાબર હુમાયું, અકબર, જહાંગીર અને શાહજહાંએ પહોંચીએ. શાહજહાંએ રચાયેલો 'તાજમહલ' આજે પણ વિશ્વનું અજોડ સ્થાપત્ય બની રહ્યાં છે. પાયોનિયર-૧, અનંત અવકાશમાં એક તરફ જઈ રહ્યું છે. બીજી તરફ પાયોનિયર-૨નું અવકાશયાન વહી રહ્યું છે. તેની ઉપર સોનાનાં પતરામાં કંડારાયેલી પુરૂષની ૬ ફીટની આકૃતિ છે. પાસે ૫'-૬'' ની મહીલાની પણ નિર્વસ્ત્ર આકૃતિ છે. ડીજીટલી સમુદ્રના ઘૂંઘવાટ નદીના પ્રવાહ, વનોનું સંગીત છે. નીચે આધુનિક યુગનું શ્રેષ્ઠ સ્થાપત્ય મનાય છે. તેમાં સીડનીનાં ઓપેરા હાઉસની પ્રતિકૃતિ છે, તો ઉપર તાજમહાલની સોનાના પતરામાં કોતરેલી પ્રતિકૃતિ ભારતની ભવ્યતાનું યશોગાન ગાતી, અનંત અવકાશમાં વહી રહી છે.

  • દિનેશ દેસાઈ