હવે No Exit?

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- આપણી આસપાસ, આપણા નિવાસ સ્થાનની બહાર કશે શાંતિ જેવું ખરું?
કં ઈક બધે જ, લગભગ બધું જ બદલાતું લાગે છે. આવા બદલાવને દરેક વખતે પરિવર્તનમાં પણ ખપાવી શકીએ તેમ નથી. બદલાવ ખરો પણ કેમ ? શા માટે ? તેવા પ્રશ્નો પણ થઈ શકે તેમ નથી. આપણી બહાર, આપણી આસપાસ અને આપણી અંદર પણ આવો બદલાવ આવી રહ્યો છે. ક્યારેક એવું થાય શંકા સાથે - શું આપણે વિકસી રહ્યા છીએ ? તો જોડાજોડ તરત એવો પ્રશ્ન પણ થાય અરે, આપણે બધી રીતે ખૂટી તો નથી રહ્યાને ? કરોળિયાના જર્જરિત જાળા જેવું તો નથી ઘટી રહ્યું ને ? થાય છે કે પેલા આપણા મહાન ઋષિઓ 'હું કોણ છું ?' તેવો પ્રશ્ન કરતા હતા તેજ આ ભૂમિ છે ? જો એ જ ભૂમિ છે તો પછી હવે 'હું શું છું' કે 'હું ક્યાં છું ?' એવા પ્રશ્નો કેમ કેન્દ્રમાં આવી રહ્યાં છે ? આ પ્રશ્નો તો આખાય જીવનનું કેન્દ્ર જ બદલી નાખે છે. કારણ કે આ પ્રશ્નો પાછળ કશી મહત્ ભૂમિકા નથી, ઉડ્ડયન-ઉન્નયન નથી. એ તો ભૌતિકતા અને ચૈતસિક રકાસ કંઈક જુદી રીતે દર્શાવે છે.
ફોડ પાડીને કહું તો આ કે તે બધાંને હવે 'હું કંઈક છું' એ સાબિત કરવું છે. 'હું અહીં અને બધે જ છું' એવી આણ-શાન ઊભી કરવામાં માણસ ખર્ચાઈ રહ્યો છે. ભદ્રતાના ઊંચા આંકની વાત કરવાની તો પરિસ્થિતિ રહી જ નથી. પેલી બે બાબતો, ઉપર નોંધી છે એ પુરવાર કરવા માણસ બધાં જ પગથિયાં નીચે ઊતરવા તૈયાર થઈ ગયો છે. સુંદર-અસુંદર, સારું-ખોટું, યોગ્ય-અયોગ્ય વચ્ચેનો ભેદ પણ લોપાતો જાય છે. જૂઠ કે સત્યની સીમાઓ જ બદલાઈ ગઈ છે. સત્ય કારાગારમાં કેદ છે અને જૂઠની ઝાકમઝોળ છે. છેક નીચેથી ઉપરના સ્તર સુધી બધો ખેલ દલા તરવાડીની વાડી જેવો થઈ ગયો છે. એક-બે રીંગણાં શું કામ, લે ને દસ-બાર આવું સહજ થઈ ગયું છે. અને હવે કોઠે પડી ગયું છે.'મેકબેથ' નાટકમાં બને છે તેમ પાપાચારમાં લેડી મેકબેથની જેમ આપણે એટલા આગળ વધી ગયા છીએ કે પાછા જવું અતિ મુશ્કેલ જણાય છે.
મનુષ્ય જાણે બધી ડિઝાઈન બધી આકૃતિઓ કે બધું સૌંદર્ય ભૂંસી નાખવા તૈયાર થયો હોય તેવું તેનું ઘાતક રૂપ નજર સામે આવી રહ્યું છે. શાસન સત્તા કે સત્તાની સાથે જોડાયેલ પણ અનુશાસનના સાચા મર્મ સુધી પહોંચવા તૈયાર છે કે કેમ એ એક પ્રશ્ન સાથે સમસ્યા પણ છે. ઠેર ઠેર વિરોધી જોડકાં જોવા મળે છે. તેમાં તર્ક જરૂર હોય છે પણ તથ્ય હોતું નથી. તર્ક પણ ખુદના બચાવ માટે પોતાને ઉગારી લેવા માટે કે સારા ઠેરવવા માટે થતો હોય છે. પરિણામે એવા તક ભાષાને પણ દોદળી કરી દીધી છે. પાર વિનાના અર્થવ્યત્યયો જોવા મળે છે. ભાષાના નિમ્ન સ્તર સુધી એ બધું પહોંચી જતું હોય છે. સત્યના સ્વીકાર માટે જાણે કોઈ તૈયાર જ નથી, જૂઠાણા માટે ગિલ્ટ કે પ્રશ્ચાતાપ પણ થતો નથી. કહો કે known to unknown અને unknown to known બંને તરફનાં બારણાં જ ભીડાઈ ગયાં છે. માણસ ચારે તરફથી નર્યો સંકોચાઈ રહ્યો છે, નર્યો જર્જરિત થઈ રહ્યો છે ત્યારે એણે પોતાને ઊલટાનું, વાઘ માર્યો હોય એવું લાગે છે ! ઈજ્જત, લજ્જા, શરમ અને શરત જેવા શબ્દોને માણસ ઘોળીને પી ગયો છે. કહો કે એવો જણ એક અર્થમાં અનાત્મ બની રહ્યાં છે. આત્માના લય કે ગુંજની તો ત્યાં પછી વાત જ ક્યાંથી હોય ?
પરિણામે માનવનું આવું ખોખલાપણું આપણી સદીની ઓળખ બન્યું છે. આવો ખોખલો માણસ કોની સાથે સંવાદ કરે ? ન જાત સાથે કે ન અન્ય કોઈ સાથે. માનવ માનવ વચ્ચેનો સેતુ એમ લગભગ તૂટી ગયો છે. એથી-બે આંખની શરમ-જેવી કહેવત સાવ આજે અપ્રસ્તુત બની ગઈ છે. અસત્યને પ્રકટ કરવા ને સત્યને ઢાંકવા ઉગ્રતા, કટ્ટરતા, અભદ્રતા કે બૂમ બરાડાની એક નવી પધ્ધતિ નજર સામે આવી રહી છે. અને આવી આ માનવપ્રકૃતિ પરિણામે જ્યાં જ્યાં પોતાને જોતરતી રહી છે ત્યાં ત્યાં બધે જ પરિણામો નકારાત્મક અને દુ:ખદ આવતાં રહ્યાં છે. આપણી નજર સામે એનાં પાર વિનાનાં જીવતાં-જાગતાં દ્રષ્ટાંતો મળી રહે તેમ છે.
કહો કે આપણે પાર વિનાના લાઉડ થઈ ગયા છીએ. કલ્પના બહારનો દેખાડો કરતા થઈ ગયા છીએ. અધીર બની ગયા છીએ. આપણો 'વ્યવહાર' શબ્દ જ આખો ને આખો મૂળથી ઉચ્છેદાઈ જઈ 'અવ્યવહાર' પાસે જઈને અટક્યાં છે. કહો કે આપણી આજની જીવનશૈલી આવા 'અવ્યવહાર' ની છે. કશું જ સમુંસૂતરું નહીં, બધું આંટીઘૂંટીવાળું, જટિલ, કદરૂપું અને અસુન્દર પણ. ક્યારેક જેઓની પાસે હજી આત્મા રહ્યો છે તેવાઓને પૂછશો તો જવાબ મળશે - આપણી આસપાસ, આપણા નિવાસ સ્થાનની બહાર કશે શાંતિ જેવું ખરું ? દૂર નજરે પડતાં વૃક્ષો, ઉદ્યાનો કે જ્યાં તમે નિરાંતનો શ્વાસ ભરતાં હતા તેવું હવે અનુભવો છો ? તમારી આંખને હવે અવરોધી રહેતી તોતિંગ ઈમારતો તેની દીવાલો શો બોધ કરાવે છે ? તૂટી જતા રસ્તાઓ, તૂટી જતી પાણીની ટાંકાીઓ, પુલો, બંધાતા મકાનો તમને અંદરથી ઉદ્ધિગ્ન નથી કરી મૂકતાં ? તમે જે તંત્ર વચ્ચે શ્વાસ ભરો છો એ તંત્ર તમને હવે સુખકર લાગી રહ્યું છે કે પછી જડત્વનો અનુભવ કરાવી રહે છે ? અરે, ખુદ, તમારા પોતાના જ ઘરમાં, અસબાબ વચ્ચે બેઠા હો ત્યારે તમે એ અસબાબ વચ્ચે હાશકારો અનુભવી કશુંક સુંદર ગાન ગણગણવા માટે થનગની રહો છો કે પછી તમે જ નિર્જીવ થઈ તેની નિર્જીવતાને જીરવી રહો છો ?
હા, હવે બધું, 'ગઈકાલ' બનતું જાય છે. આપણી હથેલીમાંથી સુન્દરતાને કોઈકે ઝૂંટવી લીધી છે, આપણી શાલીનતાને સામે હવે અભદ્રતાએ ડોળા કાઢીને તેના મૂળિયાંને હલબલાવી મૂક્યાં છે. તમે પરિતૃપ્ત કરી રહે એવા માહોલથી ઘણે દૂર નીકળી ગયા છો. તમારી આખી જીવનશૈલી જ શીર્ષાસન કરતી જણાય છે. જ્યાં સ્થાયીત્યની નહીં અસ્થાયી નહિ વાહવાહી છે. તમે તમારું પહેરવું - ઓઢવું, તમારી વાતચીતની ભાષા, તમારી અન્યો સાથેની વર્તણૂંક અને સંબંધ, તમારું ખાવા-પીવું અને અરે, જીવવું સુધ્ધાં કોઈ નિરંતર ભજવાતા નાટક જેવું થઈ ગયું છે. જ્યાં ભપકો જ્યાં અસૌંદર્ય, જ્યાં કદરૂપતા - અભદ્રતા, કટ્ટરતા, યુદ્ધખોરી, હિંસા કે દ્વૈષ એવું-તેવું જ હવે એક નવી જીવનશૈલી રૂપે જોવાય છે. આ આપણાં આજનાં 'મૂલ્યો છે' છે. આજનુું નવું 'નીતિશાસ્ત્ર' છે. આ બધું અગાઉ કહ્યું તેમ , સાચ્ચે જ પ્રશ્ન કરવા પ્રેરી રહે છે : 'હું ક્યાં છું' કે પછી સાત્રનાં એક નાટકનું શીર્ષક સૂચવે છે તેમ ‘No Exit' હવે ?




