Shatdal

રાત એટલે પ્રભાતનું પ્રતીક્ષાલય

By GS Team
15 Sep 20264 mins read
રાત એટલે પ્રભાતનું પ્રતીક્ષાલય
  • એક જ દે ચિનગારી-શશિન્
  • રાત તો છે, માણસની વત્સલ માતા, જેની ગોદમાં પારાવાર અમૃત અને શાંતિ છે. દિવસને વશ કરવાનું પરિબળ આપનારી એ મહાશક્તિ છે

રા ત્રિ એ દુ:ખી થવા માટેનો માનસિક વ્યાયામ કરવાનો અખાડો નથી, પણ મનને સુદ્દઢ બનાવવાની વ્યાયામ શાળા છે. સ્વસ્થ રહેવાની પ્રતિજ્ઞા અને મનોકવાયત કરીને સૂનારની સવાર સુધરે એમાં નવાઈ શી ?
આપણા શયનકક્ષની ભીંત પર એક વાત વંચાય એવી રીતે લખી રાખીએ કે, હું આધિ-વ્યાધી-ઉપાધિમાં, આંધી અને પ્રલયમાં, દગા અને પ્રપંચોની પળોમાં, વિશ્વાસઘાત અને વિનાશની ઘડીઓમાં, વેર, વિદ્વેશ અને બદલાની બદબૂભરી ક્ષણોમાં, પરાજિત થયા વગર હું આનંદી અને સ્વસ્થ મગજના માનવી તરીકેનું મારું કૌવત સાચવી રાખીશ. કારણ કે હું રંક નથી. નાની-નાની પ્રતિકૂળતાઓથી હું વિચલિત થવાને બદલે જીવન સંગ્રામનો અડીખમ સેનાની બની વિજયનો અધિકારી બનીશ. ઉન્નત વિચારોની કંગાલિયતે સમાજમાં સ્વાર્થના ધાડપાડુઓની સંખ્યા વધારી મૂકી છે.
એક માણસ પોતાની ડાયરીમાં લખે છે : 'મારી પથારી મને ઊંઘ, આરામ અને બીજા દિવસ માટેની સ્ફૂર્તિ અને તાજગી આપે છે. પણ મેં મારી પથારીને શું આપ્યું તેનો મેં ક્યારેય વિચાર નથી કર્યો,… શું આ મારો અપરાધ નથી ?'
નિસાસા સાથે સૂવું કે ઉદ્દેશની દ્દઢતા સાથે, એ આપણા હાથની વાત છે. આપણને પ્રાપ્ત થતો કામ કરવા માટેનો બીજો દિવસ એ આપણી પથારીએ બક્ષેલી નિદ્રાનો શ્રેષ્ઠ પુરસ્કાર બને એ રીતે ઊંઘવાનું અને જાગવાનું મહત્વ આપણે જાણતા-પિછાણતા નથી, એટલે જ આપણે જીવનની હોડમાં 'કંગાલ' સાબિત થઈએ છીએ.
આપણી શૈયા, પલંગ કે પથારી એ નિસાસા-હતાશા-આંસુ કે શિકાયતનો વાસી માલ મનની ગેલેરીમાં ગોઠવીને દુ:ખી થવાનું સ્થાન નથી, પણ પ્રાર્થનાલય કે દેવાલય જેવું પવિત્ર સ્થાન છે, જ્યાંથી માણસને પવિત્રતા શક્તિ અને તાજગી પ્રાપ્ત થાય છે. નિદ્રાની ગોદમાં નિરાશા સાથે જવું અને સવારે હતાશા સાથે ઊભા થવું એ જીવનનની બિન આવડતનો નમૂનો છે.
શયનકક્ષ એ વિલાસકક્ષ નથી, શયનકક્ષ એ સમૃદ્ધિનો શોરૂમ પણ નથી, શયનકક્ષ એ બિમારીના આરામનું સ્થળ માત્ર પણ નથી, પરંતુ એ તો છે ઉન્નત વિચારો સંચિત કરવાની મનોરમ ભૂમિ ! એવું સ્થાન જ્યાં તમે તમારી જાત સાથે વાત કરી શકો, એવું દર્પણ જ્યાં તમે તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ નિહાળી શકો અને તમારી જાતને ઉન્નત બનાવવા માટે સંકલ્પબદ્ધ બની શકો.
રાત એ અંધકારને વાગોળવાનું કારાગૃહ નથી પણ સુમધુર પ્રભાતનું પ્રતીક્ષાલય છે. નિદ્રાને એટલે જ દેવી કહી છે. રાત એ ચારણી છે, નકામું દૂર કરનારી અને કામનું સંઘરી રાખવાની તક આપનારી. જે રાતનો જાગૃત રખેવાળ બની શકે તે જ પ્રભાતનો પ્રેરક પયગામ સાંભળી શકે. રાત નથી શિકાર કે નથી શિકારી, રાત તો છે માણસની વત્સલ માતા, જેની ગોદમાં પારાવાર અમૃત છે.
અબ્રાહમ લિંકન પોતાની ખોલીમાં સૂતા છે. ઉત્તમ વક્તાઓનાં ભાષણો સાંભળવા માટે એ પાંચ-પાંચ છ-છ માઈલ પગે ચાલીને તે સ્થળે પહોંચે છે. એકવાર ગ્રેહામ નામના એક શિક્ષક તેમને સલાહ આપે છે : 'અબ્રાહમ, ઉત્તમ વક્તવ્ય માટે વ્યાકરણનું જ્ઞાન હોવું જરૂરી છે, તું વ્યાકરણનો અભ્યાસ કર.'
'પણ વ્યાકરણનું પુસ્તક ખરીદવાની મારામાં શક્તિ નથી.' અબ્રાહમ પોતાની લાચારી વ્યક્ત કરે છે.
'અહીંથી છએક માઈલ દૂર અમુક વ્યક્તિ પાસેથી વ્યાકરણનું પુસ્તક તને મળી રહેશે.' શિક્ષકે કહ્યું.
અને અબ્રાહ્મ દોડી જાય છે, એ વ્યક્તિ પાસેથી વ્યાકરણનું પુસ્તક મેળવવા ! આખી રાત એ પુસ્તક વાંચે છે, જરૂરી ગોખે છે, શિક્ષક ગ્રેહામની મદદથી ન સમજાય તે સમજવાની કોશિશ કરે છે. અબ્રાહમ નાનકડી ખોલીમાં વ્યાકરણ નિપુણ બને છે, ત્યારે જ એમને ચેન પડે છે.
ઇર્ષા, દ્વેષ, ચિંતા, સંતાપ કે ભયગ્રસ્તના આપણા જીવનમાં જાતજાતના અતરાયો ઉભા કરતા હોય છે. અને એ બધાએ જન્માવેલી વેદનાઓ લઈને આપણે દિવસ પૂરો કરતાં હોઈએ છીએ. રાત્રે પથારીમાં પડીએ ત્યારે એ બધી ચીજોને આપણે સ્વૈરવિહાર કરવા દઈએ છીએ. પરિણામે આપણે ઉઠીએ ત્યારે 'તાજા માણસ' નથી હોતા. વાસ્તવમાં દિવસને વશ કરવાનું પરિબળ આપનારી મહાશક્તિ રાત્રિ છે. દિવસમાં વેઠેલી વેદનાઓ વિષે રાત્રે આત્મમંથન કરીએ તો મન પરિશુદ્ધ બની જાય છે અને ઊગતા દિવસને સત્કારવાની ઉર્જા પ્રાપ્ત થાય છે. રાત્રિ એ વિચારશુદ્ધિ માટેનું ડાયાલિસિસ છે.
રાત્રિનો મહિમા જાણો
૧. રાત્રિ એ વિચારશુદ્ધિ માટેનું ડાયાલિસિસ છે.
૨. શયનકક્ષ એ સમૃદ્ધિનો શો રૂમ નથી એ તો છે ઉન્નત વિચારો સંચિત કરવાની મનોરમ ભૂમિ.
૩. રાત્રિ એ દુ:ખ-દર્દને વાગોળવાનું કારાગૃહ નથી. પણ સુમધુર પ્રભાતનું પ્રતીક્ષાલય છે.
૪. રાત્રિ એ દેવાલય જેવો પવિત્ર અવસર છે. જ્યાંથી માણસને ઉર્જા અને તાજગી પ્રાપ્ત થાય છે.
૫. રાત્રિ એ ચારણી છે, નકામું દૂર કરનારી અને કામનું સંઘરી રાખવાની તક આપનારી.
૬.રાત તો છે માણસની વત્સલ માતા, જેની ગોદમાં પારાવાર અમૃત અને શાંતિ છે.
૭. દિવસને વશ કરવાનું પરિબળ આપનારી મહાશક્તિ રાત્રિ છે.