નાના પાટેકર : ભૂખ, અપમાન અને દર્દમાંથી પ્રગટેલા પ્રકોપનો પ્રભાવશાળી પ્રહાર!

- અનાવૃત-જય વસાવડા
- સમય મુજબ તમારા સુખ દુખ બદલતા રહેવા જોઈએ. મતલબ, તમે જીવાતી જિંદગીના નજદીકી સંપર્કમાં રહો એ જરૂરી છે.
'૧૩ વર્ષની ઉંમરે, ૧૯૬૩માં મેં નોકરી કરવાનું શરૂ કર્યું. બપોરે શાળા છૂટયા પછી બે કિલોમીટર ચાલીને ઘરે પહોંચવાનું - ત્યાં જે પણ લુખ્ખુંસૂખું મળ્યું તે જમી લેવાનું. ફરીથી આઠેક કિલોમીટર ચાલીને કામ પર જવાનું. કામ પરથી પાછા ફરતા ક્યારેક રાતના બાર પણ વાગી જતા. સવારે ઊઠીને પાછું સ્કૂલે જવાનું. આ નોકરીના દર મહિને ૩૫ રૂપિયા અને એક સમયનું જમવાનું મળતું. આવતા-જતા રસ્તામાં સ્મશાન પાસેથી પસાર થવું પડતું. ભૂત તો ક્યારેય જોયું નહીં, પણ પેટની ભૂખ એ ભૂત કરતાંય વધુ ડરામણી હતી. આ સંજોગો મને એવા પાઠ ભણાવી રહ્યા હતા જે દુનિયાની કોઈ શાળામાં નહોતા મળતા.
મરવું તો હતું નહીં. આવનારી દરેક મુશ્કેલ પળોનો હું બિન્દાસ સામનો કરી રહ્યો હતો, મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. રાત્રે પાછા ફરતી વખતે રસ્તો સૂમસામ અને ડરામણો રહેતો. રસ્તામાં કોઈ દારૂડિયો સામે ભટકાઈ જાય, તો હું ચાલતા ચાલતા તેની ગાળો ચૂપચાપ સાંભળી લેતો અને પછી થોડે દૂર જઈને પાછળ ફરીને તેને મા-બહેનની ગાળો આપતો. એ સમયે મારું વજન સાવ ઓછું હતું, એટલે હું સલામત અંતર રાખીને જ હિસાબ બરાબર કરતો. ક્યારેક તો રસ્તા પર પડેલા પથ્થરને પણ વગર વિચારે હું ફંગોળી દેતો. પરિણામની કોઈ બીક નહોતી. આવતીકાલનો કોઈ વિચાર જ નહોતો.
અજાણતા જ સામેવાળી વ્યક્તિનો સામનો કરવાની તાકાત મારી આંખોમાં આવી ગઈ હતી. અડધી રાત્રે ઘરે પાછા ફરતી વખતે, ફૂટપાથ પર મેકઅપ કરીને ઊભેલી સ્ત્રીઓને જોઈને મનમાં ગભરામણ અને એક અજીબ ધુ્રજારી બંને થતાં. નજર એ છોકરીઓના ચહેરા પરથી સરકીને નીચે જતી. પણ ખબર નહીં કેમ, પેટની ભૂખ સામે બીજું બધું વામણું લાગતું. બપોરના ધોમધખતા તાપમાં ચાલતી વખતે, ઉડુપી હોટલમાંથી આવતી ભોજનની સુગંધ મારા પગલાં ધીમા પાડી દેતી. એકવાર હું જરા વધુ સમય ઊભો રહી ગયો, તો અંદરથી એક છોકરાએ મારા હાથમાં બે ઈડલી મૂકી દીધી અને મેં ચીસ પાડી, 'હું ભિખારી નથી!'
ત્યાંથી નીકળ્યા પછી આગળનો રસ્તો સાવ ધૂંધળો થઈ ગયો હતો. રાત્રે ઊંઘમાં હું ખૂબ રડયો હતો, રજાના દિવસે પરિવાર સાથે જમવાનું થતું. બે રોટલી અને દાળ. સાથે લીલા મરચા ખાવાના. અને પછી ખૂબ બધું પાણી પીવાનું જેથી પેટ ભરાઈ જાય. તીખું ખાવાની એ ટેવ આજે પણ છૂટી નથી. દુનિયાના કોઈપણ ફૂલમાં એવી સુગંધ નથી હોતી, જેવી ગરમ રોટલીમાંથી આવે છે. તહેવારોના દિવસોમાં પડોશીના ઘરમાંથી આવતી મીઠાઈની સુગંધ મનને લલચાવતી. એ સમયે બરાબર જમવાના ટાઈમે 'કેમ છો?' કરવાના બહાને હું ઘણીવાર મારા મિત્રોના ઘરે જતો.
મારી સૌથી વહાલી મિત્ર એટલે મારી 'ભૂખ'. આ મિત્રએ મને શું નથી આપ્યું? એણે મને ડગલે ને પગલે કેટલું બધું શીખવ્યું! જીવનનું બધું જ જ્ઞાન આ ખાલી પેટે જ આપ્યું છે. મારી એકલતાની એ રાતોમાં આ એક જ મિત્ર હતી જે મારી પડખે સૂતી. ખરેખર તો હું થાકીને કંટાળીને સૂઈ જતો, પણ એ (ભૂખ) હંમેશા જાગતી રહેતી. મને ખાતરી છે કે નાસમજ ઉંમરે જેને આ (ભૂખરૂપી) પ્રેમિકા મળી ગઈ, તે પોતાના આવનારા જીવનમાં ખૂબ સુખી થશે. કોઈ બીજાને ખાતા જોઈને મેં કેટલીય વાર થૂંક ગળીને સંતોષ માન્યો છે. 'આપણે જમી રહ્યા છીએ' એવો વિચાર માત્ર એ વખતે બહુ સુખદ લાગતો. આખરે એક્ટિંગ એટલે શું? કલ્પના જ તો કરવાની ને! સંજોગો જ મને એક શ્રેષ્ઠ અભિનેતા બનાવી રહ્યા હતા.
જ્યારે ગળામાં દફ્તર ભરાવીને, ખાલી પેટે અને ઉઘાડા પગે હું ક્લાસમાં જતો, ત્યારે ગુરુજી હંમેશા 'અંગૂઠા પકડીને ઊભા રહેવાની' (કૂકડો બનવાની) સજા આપતા, એટલે મેં કાળા પાટિયા પર લખેલા સુવાક્યો ઊંધા રહીને જ વાંચ્યા છે. આ ઉંમરે પણ મને ક્યારેય કમરનો દુખાવો નથી થતો. હું એ શિક્ષકોનો આભારી છું જેમણે મને અંગૂઠા પકડતા શીખવ્યું. આંખની સૌથી નજીકનુંઅંગ કયું? જો આવો પ્રશ્ન પૂછવામાં આવે, તો લોકો સામાન્ય રીતે નાક, મોં કે કાન કહેશે. પરંતુ મારા શાળાકાળમાં મારી આંખની સૌથી નજીકનો અવયવ મારા પગના અંગૂઠા!
હું મારી ભૂખને લાડ નહોતો લડાવી શકતો. તે જાણે કંઈક ખાવાનું માંગતી રહેતી, પણ હું એને ઘાસ નાખતો નહીં. હું મારા ખાલી પેટને જુઠ્ઠું આશ્વાસન આપતો રહેતો. પછી તો એ (ભૂખ) એક અજાણી વ્યક્તિની જેમ મારી સામે જોયા કરતી અને ચૂપચાપ આંખો બંધ કરી લેતી. એનો ફાયદો એ થયો કે મારું શરીર એકદમ પાતળી સોટી જેવું થઈ ગયું. ગાલના હાડકા ઉપસી આવવાને કારણે હું બાળપણમાં અબ્રાહમ લિંકન જેવો દેખાતો હતો. ગળા પાસેનું કંઠમણિ (એડમ્સ એપલ/હૈડિયો) કોઈ અણીદાર ટેકરીની જેમ બહાર ઉપસી આવ્યું હતું. ખાલી પેટે પાણી પીવાની એવી આદત પડી ગઈ કે કિડનીના બધા રોગો દૂર ભાગી ગયા. આંખો ઊંડી ઊતરી જવાને કારણે ચહેરા પર એક અલગ જ પ્રકારની ઉદાસી છવાઈ ગઈ હતી.
મારી આ 'ભૂખ'નો એક મિત્ર પણ હતો. એનું નામ 'અપમાન'. જ્યારે તે આવે, ત્યારે ઊંડી ગયેલી આંખોના બધા જાળા સાફ થઈ જાય. એટલે આંખો એકદમ સ્પષ્ટ થઈ ગઈ. દૂર સુધીનું લક્ષ્ય સ્પષ્ટ દેખાવા લાગ્યું. રોજના લાંબુ ચાલવાથી સ્વાસ્થ્ય પણ સુધર્યું. ઓછું ખાવાને લીધે પાચનતંત્રને પણ આરામ મળતો. આ બધાનું પરિણામ એ આવ્યું કે પડખા ઘસવા છતાં ઊંઘ સારી આવતી અને મગજ એકદમ સતર્ક રહેતું.
હું મારા આ મિત્રને જ્યાં પણ લઈ જઉં, ત્યાં મારું 'અપમાન' તો નક્કી જ હોય. શરૂઆતમાં એનાથી બહુ ડર લાગતો. પણ પછી વારંવાર મળવાથી તેની આદત પડી ગઈ. તેણે જ મને ચિંતન કરતા શીખવ્યું. ખરેખર, આ અપમાન તો સર્વવ્યાપી છે. તે કોઈપણ સ્થળે, કોઈપણ સમયે તમારી સાથે એક કરોડરજ્જુની જેમ ટટ્ટાર ઊભું જ હોય છે. દરેક જગ્યાએ બંને સમાન રીતે મારી સાથે જતાં. મેં તેમની સાથે ઘણો લાંબો સમય વિતાવ્યો છે. એકવાર તમે આ જોડી (ભૂખ અને અપમાન) સાથે તાલમેલ બેસાડી લો, પછી જાણે તમને યોગસિદ્ધિના સાક્ષાત્કાર થઈ જાય છે!
અપમાન તમને કોઈપણ પરિસ્થિતિને એક ત્રીજા દ્રષ્ટિકોણથી જોતા શીખવે છે. સવાર-સાંજ મળતા અપમાનના ઘૂંટડાને જો પાણી સાથે ગળી જવાય, તો ભૂખ પણ સંતોષાઈ જાય છે. એક બેહતરીન નશો ચઢે છે. અપમાન ગળતી વખતે શરૂઆતમાં થોડું દર્દ થાય છે, આંખોમાં આંસુ પણ આવી જાય છે. પરંતુ એકવાર તમને તેની આદત પડી જાય, પછી એક મીઠી શાંતિ અનુભવાય છે. એકવાર એ પચાવતા આવડી ગયું, પછી ચહેરા પર મીણ જેવી એક અજબ પ્રકારની ચમક ને ફ્લેક્સીબિલીટી આવી
જાય છે.
દિવસો વીતતા ગયા. 'અપમાન અને ભૂખ' નામની આ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવીને હું બહાર આવ્યો. હવે દુનિયાની કોઈ પણ વસ્તુ મને હરાવી કે ડરાવી શકે તેમ નહોતી. મને ગમે તેટલી ઊંચાઈ પરથી ફેંકવામાં આવે, હું ચારેય પગ પર હેમખેમ પડતી બિલાડી જેવો બની ગયો હતો. મારા ચહેરા પર હંમેશા એક મસ્તીભર્યું, લુચ્ચું સ્મિત રમતું રહેતું. દરેકની અંદર ભૂખની આદત છુપાયેલી હોય છે,અપમાનની કોઈ જાતિ નથી હોતી. પોતાના પગ પર ઊભા રહેતા પહેલાં દરેકે કોઈ લાઈનમાં તો ઊભા રહેવું જ પડે છે, એ જ જીવનનુ
ં તથ્ય છે.
ઉત્કૃષ્ટતા સુધી પહોંચવાના પ્રાથમિક પગથિયાં 'ભૂખ અને અપમાન' જ છે. હવે હું કિનારાની પેલે પાર પહોંચી ગયો છું. મારા આ ગુરુઓ પેલે કિનારે જ રહી ગયા છે. હવે તેઓ મારા રસ્તામાં નથી આવતા. જાણે કે મારી સાથે તેમની કોઈ ઓળખાણ જ ન હોય, એવું વર્તન કરે છે. પરંતુ, હું તેમને ક્યારેય ભૂલ્યો નથી.'
મરાઠી પ્રકાશન 'વિવેક'માં નાના ઉર્ફે વિશ્વનાથ પાટેકરે ૨૦૧૪માં લખેલા લેખનો આ ટૂંકાવીને ગુજરાતી અનુવાદ કર્યો છે. નાના પાટેકર અચ્છા સાહિત્યરસિક વાચક. સ્વાન્ત: સુખાય લખતા પણ ખરા. કવિતાઓ પણ. છપાવવાને બદલે બધું છુપાવીને રાખતા. પણ એ માનતા જ કે ઘૂટન અને આક્રોશ જ માણસને સારો કલાકાર બનાવે. કારણ કે એની આસપાસની સ્થિતિ બાબતની કે જીવનના જખ્મો બાબતની વેદના અને ક્રોધ એ ક્યાંય થૂંકી ના શકે એટલે એ આર્ટમાં ટ્રાન્સફર કરે. અને પછી થાય એ વિસ્ફોટ હોય.
ક્રોધ. અમિતાભ કરતા કે સની દેઓલ અજય દેવગણ સલમાન વગેરે કરતા નાનાનો ક્રોધ અલગ લાગતો. એ ગુસ્સાએ જ એમને આગવી ઓળખ આપી. દરેક રોલમાં લોકો કઈ રીતે ને ક્યારે એનો જ્વાળામુખી ફાટશે એની રાહ જોતા. અંગાર હોય કે અંકુશ, વજૂદ હોય કે યશવંત, તિરંગા હોય કે ક્રાંતિવીર, પ્રહાર હોય કે અગ્નિસાક્ષી, ગુલામે મુસ્તફા હોય કે પરિન્દા, અબ તક છપ્પન હોય કે શક્તિ ધ પાવર, ટેક્સી નંબર નૌ દો ગ્યારાહ હોય કે કોહરામ… યાદી લંબાતી જશે. પણ એટેક ઓફ ૨૬/૧૧ ફિલ્મનો ક્લાઈમેક્સ યાદ કરો. જેહાદી ત્રાસવાદી અજમલ ક્સાબને મુંબઈના જોઈન્ટ સીપી તરીકે નાના જે રીતે ઘઘલાવી નાખે છે એમાં ગાળો પણ સ્વાભાવિક લાગે છે. અવાજ દરેક વખતે ઉંચો નથી થતો. પણ ઇસ્લામના નામે નિર્દોષોના જાન લેવાનું જહન્નુમ ધરતી પર થયું છે, એની વાત કરતા નાનામાં એકસાથે તમને દર્દ અને અધિકાર બેઉ દેખાશે.
નાના પાટેકરના અભિનયની સૌથી મોટી એસેટ જ આ હતી. સંજય ભણસાલીએ તાળીમાર ડાયલોગથી સ્ટાર બનેલા આ માણસને જયારે ખામોશી ભજવવા માટે આપી ત્યારે સંવાદો વગર પણ એ છવાઈ ગયેલો. પણ એ ધાણીફૂટ ડાયલોગ બોલે એવી ફિલ્મમાં પણ ઘણી વાર ખામોશ જ દેખાય. જાણે કોઈ યોગીની જેમ પોતાના શબ્દોની નિરર્થકતા સમજી લીધી હોય એમ. યુવાન વયે પણ અંકુશ કે સલામ બોમ્બે જુઓ તો એની આંખો યુવા ના લાગે, એકદમ અનુભવી લાગે જેણે જિંદગી ઘોળીને પી લીધી હોય! પ્રતિઘાત ફિલ્મમાં એટલે જ પાગલ પ્રૌઢનું પાત્ર પણ એ અંકુશ પછી તરત ભજવી નાખે.
કારણ કે નાનાનો ગુસ્સો કેવળ વિદ્રોહ નહોતો. કે આક્રમકતા નહોતી. એમાં ઉગ્રતા પાછળ પણ એક ઠંડું કલેજું દેખાતું. એ કાયમ પડદા પર એવો નાયક કે પ્રતિનાયક લાગે જે આસપાસના જગતને કોન્ફિડન્ટલી મુઠ્ઠીમાં રાખી નફકરાઈથી બેઠો હોય. જાણે બધું એક રીતે નકામું છે, એવો એક વૈરાગ એના આક્રોશની જોડાજોડ પેરેલલ ચાલતો હોય. એટલે એ બોલે એમાં આવેશ ઓછો ને ઓથોરિટી વધુ લાગતી! એક એવો અભિનેતા જે એના કિરદારને વજનદાર પોતાની હાજરીથી જ બનાવી દે. એ ક્રોધ કરે એમાં પણ જાણે મનોમન કેટલોય હિસાબ કરીને, પછી સ્પષ્ટ નિર્ણય લઈને પછી જ ગુસ્સો વહેતો મુક્યો હોય એવું લાગે. એક એવો માણસ જેણે અગાઉ બધું જોઈ જ લીધું છે, એટલે એને અંગત રીતે કોઈ ફરક નથી પડતો પણ છતાં એ માત્ર ભીતરનાં પુણ્યપ્રકોપને લીધે એક્શન મોડમાં છે. ને બિલકુલ ધીરગંભીર, સ્થિર અવિચળ રીતે. રાજ ઠાકરેએ નાના પાટેકરને અંજલિ આપતા એટલે જ લખ્યું કે 'નાના ભારતના મોર્ગન ફ્રીમેન હતા. એને જોઇને જ લાગે કે આ માણસે જીવનમાં ઘણું સહન કર્યું છે.'
પોતે ડિરેકટ કરેલી પ્રહાર ફિલ્મ બાબતે એટલે જ નાનાએ એક વાર કહેલું કે જો તમે મહાન મજબૂત હીરો બતાવો છો તો પછી એકના એક વિલન સામે એનું ઢીશૂમ ઢીશૂમ લાંબુ કેમ ચાલે. હીરોના એક કે બે ફટકામાં જ સામો ભોંયભેગો થઇ જાય એ તો હીરોગીરી છે. નાનાએ એક્શન ના કર્યું હોય ખાસ એવી ફિલ્મોમાં પણ આ 'રોલો'એનો દેખાય. હુતુતુ જુઓ,કૃષ્ણ જેવું પાત્ર ભજવેલું એ રાજનીતિ જુઓ,સ્ટ્રીટસ્માર્ટ ગાઈડ બનેલા ભોળા જીવના એવું રાજુ બન ગયા જેન્ટલમેન જુઓ,અમોલ પાલેકરનું સંગીતમય થોડા સા રૂમાની હો જાયે જુઓ…શાગીર્દ જુઓ. તિગ્માંશુ ધુલીયાએ ટ્રેનિંગ ડે પરથી બનાવેલી આ ફિલ્મમાં ડેન્ઝલ વોશિંગ્ટનવાળો રોલ નાનાને આપેલો. પણ એમાં એણે પર્સનલ ટચ જૂના હિન્દી ફિલ્મી ગીતોના શોખનો ઉમેરેલો.
નાના પાટેકરને વાંચવાનો શોખ આજીવન રહ્યો. એમની દ્રઢ માન્યતા કે સમય મુજબ તમારા સુખ દુખ બદલતા રહેવા જોઈએ. મતલબ, તમે જીવાતી જિંદગીના નજદીકી સંપર્કમાં રહો એ જરૂરી છે. મોટા સ્ટાર થયા પછી લોકો ઝાકઝમાળમાં રિયલ લાઈફથી કટ થઇ જાય છે એટલે એક્ટિંગમાં પણ જુનું જ રિપીટ કરે છે એવું નાના પાટેકરનું ઓબ્ઝેર્વેશન હતું. દોસ્ત સ્મિતા પાટીલ પુરુષ જેવું નાટક જોઇને પરાણે આજ કી આવાઝ ફિલ્મમાં અભિનય કરવા એને ખેંચીને લઇ ગઈ, ત્યારે એક બળાત્કારીનું પાત્ર જોઇને ગુસ્સામાં નાનાએ ના પાડી દીધી.
એની દલીલ હતી રોલ ભલે નાનો હોય પણ સરખી રીતે લખાયેલો તો હોવો જોઈએ ને. પછી જાતે જ એ પાત્ર ને સંવાદ લખ્યા. નેશનલ એવોર્ડ મળ્યો એ પરિંદામાં પહેલા અનિલના ભાઈનો રોલ નાના કરે ને ખલનાયક અન્ના નસીરુદ્દીન શાહ બને એમ નક્કી થયેલું. પણ અનિલે કહ્યું કે નાના મારો સગો ભાઈ કેવી રીતે લાગે? (જો કે નાનાએ રિશી કપૂરના સ્ટેપબ્રધરનો રોલ શફી ઈનામદારની 'હમ દોનો'માં કરેલો!) પછી એ રોલ જેકીએ ને અન્ના નાનાએ કર્યો એમાં આગથી ડરવાનું ને એવા લેયર્સ એમણે ઉમેરેલા જેથી ઈમ્તિયાઝ હુસેનના ધારદાર સંવાદો પડદા પર કાતિલ લાગતા વિલનની માથું કૂટવાની સાયકોગીરી એડ થતા! એમાં તો સાચુકલા બળી જતા મહિનાઓ હોસ્પિટલમાં રહેવું પડેલું.અનીસ બઝમીએ માં કસમ દઈને વેલકમમાં કોમેડી રોલ કરાવ્યો એમાં લોકોએ નાનાનો નવો અવતાર જોયો. પણ એ સફળ એટલે થયો કે નાનાએ ડોન કાર્ટૂન ના બનવા દીધો. ખોફ રાખ્યો. પણ ઈજ્જત હૈ કે કંટ્રોલ ઉદય જેવા ડાયલોગ પર કટાક્ષમય ભાર મુકવાની બારીકી સમજીને.
ક્રાંતિવીરનાં આઇકોનિક ક્લાઈમેક્સની કથા જાણીતી છે. મેહુલકુમારે ૩૫૦ જુનિયર આર્ટીસ્ટસને બોલાવી સેટ સજાવેલો પ્રતાપની ફાંસીનો. નાના હોસ્પિટલમાં. મેહુલકુમારે કહ્યું કે ચાલશે. કેન્સલ કરીશું. પણ નાનાને થયું કે આટલા જુનિયર આર્ટીસ્ટસ હાજર હોય ને હું નહિ જાઉં તો નુકસાનીમાં પ્રોડયુસર હોસ્પિટલભેગા થઇ જશે. ડોક્ટર સાથે પહોંચી ગયો જણ સેટ પર સીનના ડાયલોગ ત્યારે ભજવવાનું નક્કી નહોતું એટલે રેડી નહોતા તો નાનાએ કહ્યું કે ચાર કેમેરા રેડી કરો જેથી એક સીન ના આવે એવું ના થાય. હું મારી રીતે જે મનમાં આવે એ બોલું છું ને સિંગલ ટેકમાં સન્નાટો છવાઈ જાય એમ એ સીન પૂરો કરેલો !
એ ક્રાંતિવીર જોઈ દિલીપકુમારે કહેલું કે 'આ માણસ જીવશે ત્યાં સુધી આ રોલ માટે એને લોકો યાદ કરશે. આ ના હોય તો આ ફિલ્મ આવી રહે જ નહિ. એક એકટર વિના એક ફિલ્મની કલ્પના પણ ના કરી શકો એ સ્ટાર કહેવાય'. દિલીપકુમારના હાથે જ નાનાને ફિલ્મફેર મળ્યો. પછી દિલીપકુમારના પાળી હિલ ખાતેના બંગલે નાનાને જમવાનું આમંત્રણ મળ્યું. એ દિવસે ભારે વરસાદ. ભીંજાયેલા નાના પાટેકરને જોઈ દિલીપકુમાર પોતાનો ટુવાલ લઇ આવ્યા ને પોતાનો એક કોરો શર્ટ. અને ત્યારે સાયરા બાનુને નાનાએ કહ્યું 'હવે જીવનમાં બીજો કયો એવોર્ડ જોઈએ!'
તીખો હતો, પણ કટ્ટર નહિ. ક્રોધી હતો, પણ પાગલ નહિ એવો આ મસ્તમૌલા માણસ ૭૫ પછી પણ હજુ વધુ હોત તો દેશને જ ફાયદો હતો. પણ એક ભોળા માણસનો રોલ લાજવાબ ભજવેલો એવી ફિલ્મ 'યુગપુરુષ'માં નાના કહે છે એમ 'થાકેલો સુરજ અસ્ત નથી થતો, માની ગોદમાં જઈને આરામ કરે છે !' ( વધુ આવતા અનાવૃતમાં)
ઝિંગ થિંગ
'સુખી થવું હોય તો ભૂતકાળની ઉપલબ્ધિઓ ભૂલતા શીખો. અરીસા સામે ઉભા રહો ને ખુદની આંખમાં આંખ મિલાવી શકો એવા સત્કર્મો કર્યા હોય એવું લાગે તો તમે સુખી!'
(નાના પાટેકર)




