Shatdal

દિમાગી નક્સલ : ?

By GS Team
1 Sep 20264 mins read
દિમાગી નક્સલ : ?
  • શબ્દસંહિતા-પરેશ વ્યાસ
  • અર્બન નક્સલ કે દિમાગી નક્સલ પણ જો એ હિંસામાં માનતો નથી તો એ કોઈ પણ પ્રકારનો નક્સલ નથી, નથી અને નથી.

ઘણુંક ઘણું ભાંગવું,
ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું,
તું ફટકાર ઘા, ઓ ભુજા !

  • સુન્દરમ્
    પ્ર ધાનમંત્રીએ પોતાના સ્વાતંત્ર્ય દિવસના સંભાષણમાં 'દિમાગી નક્સલ' શબ્દો કહ્યા. ''હમને જંગલોમેં હથિયારોવાલે નક્સલિયોંકો તો ખતમ કર દિયા, લેકિન દિમાગી નક્સલી હિંસા ઔર અશાંતિ ફૈલાનેકે મૌકે ઢૂંઢ રહે હૈ…વે સમાજકો ગલત રાસ્તે ધકેલના ચાહતે હૈ. ઈન દિમાગી નક્સલિયોંકી પહેચાન કર ઉન્હે અલગ-થલગ કરના હોગા ઔર યુવાઓકો મુખ્ય ધારાસે જોડના હોગા''. આ તો સાચી વાત. હંગામા હૈ ક્યૂં બરપા? હિંસા અને અશાંતિ ફેલાવવા માટે યુવાનો ઉર્ફે જેન્ ઝીને સાવધાન કરવા માટે પ્રધાનમંત્રી પોતાનો નિર્ધાર જાહેર કરે તો બોલો એમાં ખોટું શું છે? પણ આ શબ્દ પ્રયોગ પર બબાલ મચી, વિરોધ થયો, હજી થઈ રહ્યો છે. એમ કે આ તો સરકાર સાથેની અસહમતી કે વિરોધને કલંક ગણવાનો પ્રયાસ છે. શું તમે દિમાગી નક્સલ છો? એવું કોઈ અમને પૂછે તો અમે કહીએ કે અમે તો ભાઈ એવા કે સરકાર સારું કરે તો અમે ભક્ત છીએ. પણ અંધભક્ત બિલકુલ નથી. સરકારની ખામી હોય તો અમે નિંદા પણ કરીએ પણ અમે અંધનિંદક બિલકુલ નથી. અમે શબ્દ તરાશીદન છીએ. આજે શબ્દ દિમાગી નક્સલ(Naxal)ને તરાશવો છે.
    નક્સલમાં આખો શબ્દ નક્સલાઇટ છે. નક્સલવાદમાં માનનારો. પશ્ચિમ બંગાળનાં દાર્જિલિંગ જિલ્લાનું નાનકડું ગામ નક્સલબારી. મે ૧૯૬૭માં, આ ગામમાં સ્થાનિક જમીનદારો સામે ડાબેરી સામ્યવાદી નેતાઓની આગેવાનીમાં એક મોટો હિંસક ખેડૂત બળવો થયો હતો અને નક્સલવાદ જન્મ્યો. નક્સલ ફાર લેફ્ટ (અતિ ડાબેરી) ગણાય. આ ડાબા જમણી વિચારસરણી વિશ્વભરમાં છે. સને ૧૭૮૯માં ફ્રેંચ ક્રાંતિ થઈ ત્યારે ફ્રાંસની સંસદમાં રાજાનું સમર્થન કરતાં સાંસદો જમણી બાજુ અને ક્રાંતિકારીઓનું સમર્થન કરનારા સંસદમાં ડાબી બાજુ બેસતા હતા. જમણેરી વિચારધારા રૂઢિચુસ્ત અને ડાબેરી વિચારધારા ઉદાર ગણાય. ડાબેરી માને કે વ્યક્તિગત સ્વતંત્રતા હોવી જોઈએ. વેપાર પર સરકારી નિયંત્રણ, અમીરો પર વધારે વેરો, ગરીબોને મદદ અને ધરમૂળથી બદલાવ ખૂબ જરૂરી છે. જમણેરી વિચારધારા મુક્ત બજારમાં માને. વેરો ઓછો હોય તો વેપાર વધે. પરંપરાનું રક્ષણ અને ધીમો બદલાવ તરફેણ કરે. આ બંને વિચારસરણી સાચી. પણ શરતો લાગુ! જ્યારે કોઈ પણ વિચારધારા અતિશય થઈ જાય ત્યારે હિંસાનો સહારો લઈને પોતાની વાત મનાવવાની કોશિશ થાય. નક્સલ આ રીતે અતિ ડાબેરી વિચારધારા. નક્સલ હિંસા હવે ખતમ થઈ ચૂકી છે પણ અર્બન નક્સલ અને દિમાગી નક્સલ હજી વિદ્યમાન છે, એવું ખુદ મોદી સાહેબ કહે છે. અમને એવું કાંઈ લાગતું નથી પણ મોદી સાહેબે કૂકરી ગાંડી કરી છે. ચોપાટની રમતમાં જ્યારે કોઈ કૂકરી નિયંત્રણ બહાર થઈને આખી રમતની બાજી બદલી નાખે, તેના પરથી આ રૂઢિપ્રયોગ બન્યો છે. રાજકારણી હોય કે જેન ઝી હોય, ટીવી ન્યૂઝ ચેનલ્સ હોય કે પોડકાસ્ટ હોય સૌ પોતપોતાની વ્યાખ્યા કરી રહ્યા છે. જબરું દિમાગી ગતકડું છે. ચર્ચા ચાલે છે. મૂળ મુદ્દા જેવા કે શિક્ષણ, નોકરી, મોંઘવારી, ભ્રષ્ટાચાર પર વાત નથી. કારણ કે એમાં કોઈ મજા આવતી નથી.
    રાજ ચલાવવું ખાવાના ખેલ નથી. આખા દેશમાં માળખાકીય વિકાસ જબ્બર ગતિથી ચાલે છે. વૈશ્વિક સ્તરની સપ્તધારા એટલે કે મેન્યુફેકચરિંગ, ખેતી અને ફૂડ પ્રોસેસિંગ, ટેકનોલોજી અને ઇનોવેશન, ગતિ શક્તિ (ઇન્ફ્રાસ્ટ્રકચર), રક્ષા શક્તિ(ડીફેન્સ), ગ્રીન અને બ્લૂ ઈકોનોમી(નવીનીકરણીય અને સમુદ્રી સંસાધનો) અને સોફ્ટ પાવર(ગેમિંગ, એનિમેશન, કલા સંસ્કૃતિ)નો સંકલ્પ લીધો છે તો કરવું તો પડશે જ. એને માટે પૈસા અને ઇચ્છાશક્તિ જોઈશે. અત્યારે તો ખનિજ તેલનાં ભાવમાં રોજ ડખ્ખો થાય છે. હવે યુદ્ધ સરહદ પર ખેલાતું નથી. ડ્રોન અંદર સુધી આવી જાય છે. આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવા સીધા હુમલા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ પર થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી કિરન રિજજુ અનુસાર દિમાગી નક્સલ એ જે નક્સલવાદીઓ/માઓવાદીઓનું સમર્થન કરે, ભારતીય બંધારણને નકારે, અલગતાવાદીઓ સાથે ઊભા રહે છે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ પાછી લાવવાની માંગ કરે અથવા પૂર્વોત્તર રાજ્યોને ભારતના બાકીના ભાગથી અલગ કરવા માટે 'ચિકન્સ નેક' (સિલીગુડી કોરિડોર) તોડવાની વાતો કરે. ઇંડિયન એક્સપ્રેસની ઓપિનિયન કોલમમાં કોંગ્રેસના પવન ખેરા લખે છે કે આ નક્સલ એવા છે જેની પાસે બંદૂક તો નથી પણ સરકારને પરેશાન કરે એવા પ્રશ્ન જરૂર છે અને એ તર્કને આગળ વધારીએ તો એવા દરેક જે અંધભક્ત નથી, એ તમામ દિમાગી નક્સલની વ્યાખ્યામાં આવી શકે. પછી પવન ખેરા જ્યોર્જ ઓરવેલની નવલકથા ૧૯૮૪નો ઉલ્લેખ કરીને કહે છે કે એકહથ્થુ સત્તાવાદી શાસક કોઈ પણ સ્વતંત્ર અથવા રાજકીય રીતે અસ્વીકાર્ય અભિપ્રાયને ગુનો માને છે. ટૂંકમાં જે દિમાગનો ઉપયોગ કરે છે એવા તમામ પ્રોફેસર, શિક્ષક, બૌદ્ધિક, આંદોલનકારી, કવિ, લેખક તમામ દિમાગી નક્સલ છે. આ મોદી સાહેબે દિમાગી નક્સલ શબ્દ કહીને સૌને લેફ્ટ અને રાઇટમાં વહેંચી દીધા છે. લેફ્ટ રાઇટ લઈ નાંખી, હેં ને?
    નક્સલવાદમાં હિંસા અનિવાર્ય છે. અર્બન નક્સલ કે દિમાગી નક્સલ પણ જો એ હિંસામાં માનતો નથી તો એ કોઈ પણ પ્રકારનો નક્સલ નથી, નથી અને નથી. નક્સલવાદ અતિ ડાબેરી ઉદ્દામવાદી વિચારધારા છે. એટલે સાદી ડાબેરી સામ્યવાદી વિચારધારા જેમાં સમાન હક્કોનું સમર્થન, ગરીબ અમીરનો ભેદ ઘટાડવો, સૌને સારી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવાની વાતમાં માનનારા લોકો પણ દિમાગી નક્સલ નથી. આવા લોકો લોકશાહીમાં જરૂરી છે. ભલે જમણેરી સરકારને તેઓ બાધા રૂપ લાગે. મને લાગે છે કે સપ્તધારામાં સરકાર શું કહે છે અને જે કહે છે એ કરે છે કે કેમ? એવો સવાલ દરેક દિમાગી વ્યક્તિઓએ સરકારને પૂછવો જોઈએ. પૂછતો રહેવો જોઈએ. દિમાગી નેશનાલિસ્ટ માટે એ ફરજિયાત છે.
    શબ્દ શેષ
    ''સો ફૂલોને ખીલવા દો, સેંકડો વિચારધારાઓને આપસમાં ચર્ચા દલીલ કરવા દો''. -માઓ ઝેડોંગ