Shatdal

યુધ્ધ દરમિયાન 'શહીદ'

By GS Team
1 Sep 20265 mins read
યુધ્ધ દરમિયાન 'શહીદ'
  • હરતાં ફરતાં-વિક્રમ વકીલ

થયેલા કબૂતરોના પણ સ્મારક!
ફ્રાંસમાં લિલી નામના શહેરમાં સુંદર કાપડ બને છે. ત્યાં સુધરાઇનો અક બગીચો છે. આ બગીચામાં બીજા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલાઓનું એક વિચિત્ર સ્મારક ઊભું છે. એ સ્મારક યુરોપ કે ભારતના બીજા શહીદ થયેલા સૈનિકોથી બિલકુલ જુદું નથી. જોકે એ ફ્રેન્ચ સ્મારક ઉપર શહીદ થયેલાઓનાં નામો કોતરાયેલાં નથી. એટલા માટે કે એ માનવીય સૈનિકોનું સ્મારક નથી પણ બીજા વિશ્વયુદ્ધમાં જાસૂસી સંદેશા લઈ જતાં કબૂતરો મરાઈ ગયાં હતાં તેનું સ્મારક છે! પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં યુદ્ધના સંદેશા લઈ જતાં લગભગ ૨૦,૦૦૦ કબૂતરો સેવા આપતાં મરી ગયાં હતાં. આ કબૂતરોની શહીદી માટેનું લિલી શહેરમાં સ્મારક છે. જેમ રણભૂમિ ઉપર કોઈ સૈનિક બહાદુરી કરે ત્યારે તેની શૌર્યગાથા લખાય છે તે રીતે સંદેશવાહક કબૂતરોની શૌર્યગાથા પણ આજેય કહેવાય છે. 'ચેર-અમી' નામનું એક કબૂતર જાસૂસી સંદેશો લઈને ઊડતું હતું ત્યારે દુશ્મનોએ ગોળીબાર કર્યો તેનાથી સાત વખત કબૂતર ઊડતું ઊડતું ઘવાયું પણ એ છતાંય કબૂતરે તેની ફરજ પ્રમાણે સંદેશો પહોંચાડયો, તેની શૌર્યગાથા લખાઈ છે. આ સંદેશો સમયસર મળી જતાં ન્યૂયોર્કની ૭૭મી ડિવિઝનની આખી ટુકડી બચી જવા પામી હતી. 'ચેર-અમી' નામનું કબૂતર પછી ઘાયલ થઈને મરી ગયું ત્યારે તે કબૂતરના શરીરમાં મસાલો ભરવામાં આવ્યો અને અત્યારે અમેરિકામાં વોશિંગ્ટન ખાતે સ્મિથસોનિયન ઇન્સ્ટિટયૂટના મ્યુઝિયમમાં તેને રાખવામાં આવ્યું છે!

બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈન્યની બહાદુરી
બીજા વિશ્વયુદ્ધે પૂર્વભારતની આખી રેલવે વ્યવસ્થાને બગાડી નાખી હતી. જંગલોમાં યુદ્ધ કરવા જવાનો અનુભવ ભારતીય અને ગોરા સૈનિકોને પહેલીવારનો હતો. ૧૯૪૩માં રણમોરચેથી બીમાર પડીને આવનારા સૈનિકોમાં દર ૧૨૧ સૈનિકોમાં ઘાયલ થયેલો એક જ સૈનિક હોય, પણ મલેરિયાના તાવથી પટકાયેલા ૧૨૦ સૈનિકો હોય. એમ કહેવાય છે કે દુશ્મનની ગોળીથી મરનારા કરતાં મચ્છરના ડંખથી મરનારાની સંખ્યા વધુ હતી. આવા કપરા સંયોગોમાં પણ ભારતીય સૈનિકોનો જુસ્સો જબરો હતો. સૈન્યનો પુરવઠો મોકલવા પ્રથમવાર વિમાનોનો ઉપયોગ થયો હતો. ઘણા ગોરા સૈનિકોને હૈદરાબાદથી રણમોરચે લઈ જવાતા હતા, ત્યાં રસ્તામાં જ બીમાર પડતાં તેને હૈદરાબાદ પાછા લાવવા પડતા. ડૉક્ટરોને ગૌરા સૈનિકો કહેતા કે બોમ્બ ગોળાના ધમાકાથી તેમને નર્વસ બ્રેક ડાઉન થઈ ગયું છે. માઉન્ટબેટનને પછીથી ખબર પડી કે ઘણા ગોરા સૈનિકો રણમોરચે ગયા જ નહોતા છતાં બોમ્બગોળાની કલ્પના કરીને તેનાથી 'શેલ-શોક' અનુભવીને પાગલ થઈ ગયા હતા. ભારતીય સૈનિકોને ખાતરી અપાઈ હતી કે દુશ્મનો વચ્ચે ઘેરાઈ જાય ત્યારે અન્ન અને શસ્ત્રોનાં પુરવઠો વિમાનમાંથી ફેંકાશે એટલે ઘેરાથી બચવા માટે પીછેહઠ કરવી નહીં. ભારતીય સૈનિકોમાં મરાયેલા કરતાં ઘાયલોની સંખ્યા ખૂબ વધી ગયેલી ત્યારે ખબર પડી કે કાનૂન પ્રમાણે સહેજ અંગૂઠો છોલાય તો પણ ઘાયલ ગણીને આવા સૈનિકને પેન્શન મળવાનું હતું.


વાળંદ સામે ખટલો
જુલી એન નામની બ્રિટનના ચિપનહામ ગામની એક ૩૧ વર્ષની સ્ત્રી સેક્રેટરી તરીકે નોકરી કરતી હતી. તે ચિપનહામની ન્યુ સ્ટ્રીટની વાળ કાપવાની દુકાને વાળ સેટ કરાવવા ગઈ અને બ્યુટી સલૂનમાંથી બહાર નીકળી ત્યારે તેણે જોયું કે વાળંદે તેના વાળ સાવ ભૂંદરી જેવા કરી નાખ્યા છે. ચિપનહામની સ્મોલ કોઝ કોર્ટમાં જુલીઅ તેના વાળંદ સામે તુરંત ફરિયાદ નોંધાવી : 'જજ સાહેબ, મારું મોઢું એવું દેખાય છે કે મારો બોસ મને નોકરીમાંથી કાઢી મૂકશે. મારો જીવ બળીને રાખ થઈ ગયો છે.' ન્યાયાધીશે તત્કાળ ચુકાદો આપીને જુલીનો જીવ બળી ગયો તેના વળતર તરીકે ૨૫૦ પાઉન્ડ વાળ કપાવવાની ફીનું ૧૦૦ પાઉન્ડનું રિફંડ અને ૭૦ પાઉન્ડ કોર્ટની ફીના વાળંદ પાસેથી અપાવ્યા.


ભારતના રાજાઓ વિદેશી સ્ત્રીને પરણતા પણ ખ્રિસ્તી ધર્મ સ્વિકારતા નહીં
આપણા દેશના રાજાઓ બહુ મોટેથી કે ઊંચે સાદે બોલતા નહીં. પણ જો પ્રજામાં કોઈ આડો ફાટે તો એ માણસ અદ્રશ્ય થઈ જતો. રાજા તેને ગુમ કરાવી દેતા. તેમ છતાં બધા જ રાજાઓ ખૂબ ધાર્મિક હતા. હિન્દુ રાજાઓ પણ મોગલ યોદ્ધા વિષે એવી રીતે ગૌરવથી વાત કરતા કે જાણે તે યોદ્ધાઓ તેમના સગા ભાઇના દીકરા હોય. એ જમાનો શાહી હિન્દુસ્તાનનો હતો. રાજાઓ પાંચ લાખ ચોરસ માઇલના વિસ્તાર પર રાજ કરતા હતા. બ્રિટિશરો આવ્યા પછી ઘણા રાજાઓને અમુક સંખ્યાની તોપની સલામી નક્કી કરેલી. અંગ્રેજાએ કેટલાકને મૂરખ બનાવવા માનઅકરામ અને શોભાના ચગદાં પહેરવાં આપ્યાં. કેટલાક રાજાના ટેકેદાર તરીકે તો વાંદરા, ઊંટ અને હાથી જ હતા. એક વાત કહેવી પડે કે ભાગ્યે જ કોઈ રાજાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઘણા યુરોપિયન કે અમેરિકન મેડમોને પરણ્યા હતા ખરા. ઘણા રાજાઓ બુદ્ધિશાળી હતા. વડોદરા, મેવાડ, ઉદયપુર, બિકાનેર, પતિયાલા, ભોપાલ, ગોંડલ અને ભાવનગરના નરેશો કે નવાબો પાસે દીર્ઘદ્રષ્ટિ હતી. કેટલાક મહેલમાંથી ઘુંઘટ કે બુરખા નાબૂદ કર્યા તો કોઇએ સતીપ્રથા નાબૂદ કરી. ભારતના રાજાઓએ અને ખાસ કરીને મુસ્લિમ સુલતાનો કે નવાબોએ બ્રિટિશરોને ઉત્તમ સૈનિકો પૂરા પાડયા. બ્રિટિશ લોર્ડ કિચનર ઘણા ભારતીય સૈનિકોને પરદેશ લઈ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધમાં હિન્દુસ્તાનના ૧,૨૧,૫૯૮ સૈનિકો અંગ્રેજો ખાતર મરી ગયા. જર્મનીના કૈઝર સામે આ લોકો લડયા હતા. લડાઈ પૂરી થયા પછી સૈનિકો અને ભારતના રાજાઓ શોખીન બની ગયા હતા. ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકામાં રાજકુંવરો પરદેશ જઈને શરાબ અને સુંદરીની સોબતમાં પડી ગયા.


ઊંઘમાં ચાલનારાઓ અને મનોવિજ્ઞાન
ઊંઘમાં ચાલવાની ટેવ કેટલાક બાળકોમાં હોય છે. ઊંઘમાં મન (મગજ)નો અમુક ભાગ સૂતો હોય અને અમુક ભાગ જાગતો હોય છે. તે બે ભાગ વચ્ચે વિસંવાદિતા થાય ત્યારે ઊંઘમાં ચાલવાની ટેવ પડે છે. મનની અંદર ઊંડે ઊંડે કોઈ પ્રશ્ન સતાવતો હોય ત્યારે પણ આવી વિસંવાદિતા ઊભી થાય છે. ઊંઘના કેટલાક તબક્કા હોય છે. તેમાં આર.ઇ.એમ. નામના તબક્કાના ચાર વિભાગ છે. 'રેપિડ આઇ મુવમેન્ટ' (આર.ઇ.ઍમ.) નામના તબક્કામાં સપનાં આવે છે. દરરોજ રાત્રે આ આર.ઇ.ઍમ.ના ત્રણથી છ ગાળા આવે છે. આ ગાળો ચાલે ત્યારે તેનું રેકોર્ડિંગ ઇ.ઇ.જી.ના મશીન પર થઈ શકે છે. ઊંઘમાં માણસ બોલે છે ત્યારે તેને કશીક માનસિક તકલીફ હોય છે. પણ દર્દી ઊંઘમાં ચાલવા માંડે ત્યારે જ ડૉક્ટર પાસે આવે છે. જેને ફિટ આવતી હોય તે પણ ઊંઘમાં બોલવા કે ચાલવા માંડે છે. વ્યક્તિને મોટી હતાશા હોય ત્યારે તે હતાશાને તે ઊંઘમાં વ્યક્ત કરે છે.