જગદંબાને કાર્યમાં રસ હોય છે, 'કાર્યક્રમો'માં નહીં

- એક જ દે ચિનગારી-શશિન્
- આદ્યશક્તિના સ્વરૂપ અને શક્તિઓનું વર્ણન કરતાં પ્રાચીન ગરબા હવે ભૂલાઈ ગયાં છે. અત્યારે તો કાનફોડ મ્યુઝીક, લાઈટોની ઝાકઝમાળ અને વિવિધ પ્રકારનાં ટ્રેડીશનલ પોશાકોની બોલબાલા છે
એ ક શિષ્યે સ્વામી રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું : 'જગતમાં તો કરોડો અબજોની સંખ્યામાં લોકો વસેલા છે. આપણે દેવીની ઉપાસના કરીએ તો દેવીને કેવી રીતે ખબર પડે કે આપણે તેને સાદ કરી રહ્યા છીએ ?'
રામકૃષ્ણ પરમહંસને હસવું આવ્યું અને એમણે શાંતિપૂર્વક કહ્યું : 'ભાઈ, તમે ઘરમાં જોયું હશે કે માતાને બે-ચાર સંતાનો હોય છે. એકને માતા-રમકડું આપે છે, તો બીજાને મિઠાઈ, ત્રીજાને વળી કોઈ ઘરેણું આપીને રિઝવે છે. બાળકને એ બધી ચીજ વસ્તુઓ મળી જાય છે, પછી માતાને ભૂલી રમતમાં મશગૂલ થઇ જાય છે. માતા પણ કામમાં પરોવાઇને બાળકની ચિંતા કરતી નથી.' … પણ કોઈ કારણસર બાળક ચીજ-વસ્તુને ફેંકીને માતાનું નામ લેતું રડવા લાગે છે, માતાને પોકારે છે કે તરત જ માતા પોતાનું કામ પડતું મૂકીને બાળક પાસે દોડી આવે છે, એને છાનું રાખે છે, એને મનાવે છે…
તેવી જ રીતે લોકો પણ સંસારના કારોબાર તથા ગર્વમાં ડૂબીને જગદંબાને, દેવીને ભૂલી જાય છે. પરંતુ જ્યારે તેઓ આકર્ષણોથી મુક્ત થઇ દેવીને પોકારે છે, ત્યારે દેવી તરત જ સંતાનના અવાજને પારખીને તેની પાસે હાજર થઇ જાય છે. અને પોતાની ગોદમાં બેસાડીને વહાલ કરીને મનાવી લે છે. સંસારમાં રહ્યા છતાં સંસારથી અલિપ્ત રહો, તો ઇશ કૃપાને તમે ઝીલી શકો.
નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. આંતરિક પવિત્રતા વગર શક્તિની આરાધના શક્ય ન બને. ભોગોપાસના અને બ્રહ્મોપાસના બન્ને એક સાથે શક્ય કેવી રીતે બને ? વિજય મેળવવો હોય તો 'રાત્રી' એ પણ સાવધાનીપૂર્વક 'જાગરણ' કરવું પડે. શ્રદ્ધાપૂર્વક જાગરણ જ સિધ્ધિદાયક બની શકે. મનમાં રાત્રિ રાખીને નવરાત્રિની ઉજવણી કરવી એ સાધના માટે અપેક્ષિત શાંતિનું અપમાન છે. શક્તિ કે દેવીના નામના રાગડા નહીં, પણ સમર્પણ સભર અનુરાગ જ આત્મવિજયની વિજયાદશમી દેખાડી શકે. પ્રચંડ ક્રોધ અને પ્રતિશોધનો મહિષાસુર સહેલાઇથી મરતો નથી.
નવરાત્રિ એટલે શક્તિની ભક્તિ અને શિવત્વ પ્રત્યેનો સમર્પણ ભાવ રામકૃષ્ણ પરમહંસ દેવીને સંબોધીને કહે છે : 'મા, હું યંત્ર છું, તું યંત્રી (યંત્રચલાવનારી)'
નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે. જેમાં દેવી શક્તિ (મા દુર્ગા)ના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આ નવ દિવસોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માન્ડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિધ્ધિદાત્રીની પૂજા થાય છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કાણાંવાળા ઘડામાં દીવો મૂકીને માતાજીની આસપાસ ગરબા ગાવાની પરંપરા છે. આ તહેવારમાં માટીના વાસણમાં જવારા વાવવામાં આવે છે અને તેની વિધિવત પૂજા થાય છે. શેરીઓ, સોસાયટીઓ અને પાર્ટીપ્લોટસમાં રાત્રે હજારો લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબે
ઘૂમે છે.
આદ્યશક્તિ દુર્ગા સામે પણ સીતા જેવો જ પડકાર હતો… એક રાક્ષસે લગ્ન કરવા પાઠવેલું ખુલ્લું નિમંત્રણ… પરંતુ આદ્યશક્તિ દુર્ગાએ સણસણતો જવાબ આપતાં રાક્ષસને કહ્યું હતું : 'જે મને યુદ્ધમાં જીતશે, જે મારા અહંકારને નષ્ટ કરશે, જે આ જગતમાં મારા કરતાં બળિયો હશે એ મારો પતિ થશે.'
અને દેવી તથા રાક્ષસનું યુદ્ધ થયું. દેવીએ રાક્ષસને 'નારી શક્તિ'ની પ્રબળતાનો પરિચય કરાવ્યો.
ડૉ. યોગેશ્વરે નોંધ લીધી છે કે આવી જ તાકાત એકલાં અટૂલાં હોવા છતાં સીતાજીએ રાવણને દેખાડી હતી. જ્યારે જ્યારે સ્ત્રીશક્તિનાં મૂલ્યાંકનમાં સમાજે થાપ ખાધી છે, ત્યારે ત્યારે કોઈક 'વીરાંગના'એ નારીશક્તિનો પરચો દેખાડયો છે. બહારથી અબળા લાગતી સ્ત્રી રણશૂરાનીયે જનની છે, પછી એને અબલા કેવી રીતે
કહેવાય ?
રાક્ષસ પ્રાચીનકાળનો હોય કે આધુનિક યુગનો એને મન તો સ્ત્રી કેવળ ભોગ્યા છે. પુરુષે નારીને આશ્રિતા બનાવીને તેનું હીર-ખમીર છીનવી લેવાની કોશિશ કરી છે, પણ જ્યારે સ્ત્રી પોતાના રક્ષણ માટે સંકલ્પબદ્ધ બને છે ત્યારે એ 'દુર્ગા' બની રાક્ષસોને કચડી શકે છે.
રાક્ષસ શબ્દ સાંભળતા વેંત જ ભયાનક શરીર, આગ ઝરતી આંખો, માનવભક્ષી ભૂખી દાઢ, માયાવી રૂપ ધારણ કરવાની શક્તિશાળી એક આકૃતિ આપણી સમક્ષ ખડી થઇ જાય છે. જેનાથી રક્ષણ કરવું પડે તે રાક્ષસ ! રામાયણ અને મહાભારત બન્નેમાં રાક્ષસોનો ઉલ્લેખ જોવા મળે છે.
શાસ્ત્રો અને પુરાણો અનુસાર મા દુર્ગાને તમામ દેવતાઓની શક્તિનું કેન્દ્ર અને બ્રહ્માંડની સર્વોચ્ચ આદિશક્તિ માનવામાં આવે છે. દેવતાઓની પ્રાર્થના પર અત્યાચારી રાક્ષસ મહિષાસુરનો વધ કરવા માટે માતા દુર્ગા પ્રગટ થયા હતા.તેથી તેમને વિજય અને યુદ્ધની દેવી પણ કહેવામાં આવે છે. દુર્ગા માતાનું વાહન વાઘ છે, જે સાહસ, શક્તિ અને દ્રઢ નિશ્ચયનું પ્રતીક છે. તે ભક્તોને આંતરિક અહંકાર અને નકારાત્મકતા પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે.
ભારતીય સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન 'વંદે માતરમ્' ગીતમાં ભારત માતાને દુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. દેવી દુર્ગાના સ્વયં ઘણાં રૂપો છે. એમનું મુખ્ય રૂપ ગૌરી છે.
વિભિન્ન રૂપોમાં દુર્ગા ભારત અને નેપાળમાં ઘણાં મંદિરોમાં અને તીર્થ સ્થાનોમાં પૂજાય છે.
શક્તિવાદના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો, દેવી માહાત્મ્ય, અને દેવી ભાગવત પુરાણ, દેવીને બ્રહ્માંડના આદિમ સર્જક તરીકે પૂજે છે.
મા દુર્ગાના અનેક સ્વરૂપો અને શક્તિની વંદના કરવા નવરાત્રિમાં ગરબા ગાવા અને રમવામાં આવે છે. ગરબા ગાવા પાછળ ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કારણો જોડાયેલા છે. ગરબા એ માત્ર મનોરંજન નથી. પરંતુ આદ્યશક્તિ મા અંબાની આરાધના કરવાની એક પવિત્ર રીત છે.
ગરબામાં માતાજીના વિવિધ સ્વરૂપો અને શક્તિઓનું વર્ણન દ્વારા ભક્તો એક પ્રકારની ભક્તિ વ્યક્ત કરે છે. અને તેમના આશીર્વાદ મેળવે છે. ગરબા ગોળાકારમાં રમવામાં આવે છે. આ ગોળાકાર દર્શાવે છે કે દુનિયાનું સમયચક્ર જન્મ, જીવન અને મરણ ગોળ ફરે છે. પણ કેન્દ્રમાં આદ્યશક્તિ હંમેશા સ્થિર અને શાશ્વત છે.
ધીરે ધીરે ગરબામાં આધુનિકતા ભળતી ગઈ. અત્યારે સીનેમાના ગીતોના ઢાળવાળા ગરબા ગવાય છે. ગરબે ઘૂમનાર વ્યક્તિ પોતાનામાં મસ્ત હોય છે. ગોળાકારમાં ગરબા ગાવાનું તો શહેરોમાં તો લગભગ અદ્રશ્ય થઇ ગયું છે. સૌ પોતપોતાના ગુ્રપમાં ગરબા ગાય છે. તેમાં ક્યાંય માતા પ્રત્યેની ભક્તિ જણાતી નથી. માત્ર એકશન અને વિવિધ પોશાકોનું વરવું પ્રદર્શન જોવા મળે છે. ગરબા ગવડાવનારનું પણ એડવાન્સ બુકીંગ કરાવવું પડે છે. ગરબા ગવડાવનાર મોટી ફી લઇને પોતાની ઓરકેસ્ટ્રા સાથે સ્ટેજ પર આવે છે. ગરબા ગાનારા યુવક યુવતીઓને ગરબાના શબ્દો સાથે કોઈ લેવાદેવા હોતી નથી. પોતાને મનમાં આવે તેવી એકશન સાથે ગરબા ગવાય છે.
હે ભગવાન, આદ્યશક્તિના સ્વરૂપ અને શક્તિઓના વર્ણન કરતાં પ્રાચીન ગરબા હવે તો વિસરાઈ ગયા છે. અત્યારે તો કાનફોડ મ્યુઝીક અને લાઇટોની ઝાકઝમાળ તથા વિવિધ પ્રકારના ટ્રેડીશનલ પોશાકોની બોલબાલા છે.
નવરાત્રિમાં કઇ પાંચ વસ્તુઓ યાદ રાખવી જોઇએ ?
૧. નવરાત્રિને વરવો ઉત્સવ નહીં પણ ગરવો ઉત્સવ બનાવો.
૨. પ્રદર્શનવૃત્તિને વશ થઇને પોતાને પોસાય નહીં તેવા વસ્ત્રો ખરીદવા કે ભાડે લાવવાનું ટાળો.
૩. તમારી વાણી, વર્તન, આચરણ વગેરેમાં દેવી અને દૈવી તત્વોનો પહેરો રાખો.
૪. ગરબા નિમિત્તે 'સસ્તા નાચ'ના મોહથી તમારી જાતને બચાવો.




