Shatdal

ઇઝરાયેલ : ૭૮ વર્ષના ઇતિહાસમાં કયારેય એક પક્ષને ૬૧ બેઠકની બહુમતી મળી નથી

By GS Team
3 Nov 20266 mins read
ઇઝરાયેલ : ૭૮ વર્ષના ઇતિહાસમાં કયારેય એક પક્ષને ૬૧ બેઠકની બહુમતી મળી નથી
  • મીડ વીક- હસમુખ ગજજર
  • ૧૯૪૮માં ઇઝરાયલની રચના પછી હંમેશા ગઠબંધન કે ટેકા સરકારો જ રચાઇ છે. ચૂંટણીમાં સામાજિક,ધાર્મિક અને જનજાતિઓના અલગ અલગ સમૂહની પણ ભૂમિકા હોય છે. ૨૦૧૯ યોજાયેલી ચૂંટણી પછી છેલ્લા ૭ વર્ષમાં ૬ વાર સામાન્ય ચૂંટણીઓ યોજવી પડી છે

તા જેતરમાં ઇઝરાયેલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોઇ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી નહી મળવાથી સત્તાનું કોકડું ગૂંચવાયું છે. ૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ પેલેસ્ટાઇનના રાજકીય અને અંતિમવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો થયા પછી પ્રથમ વાર ચૂંટણી યોજાઇ હોવાથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (બીબી) ના વડપણ હેઠળની લિકુડપાર્ટીના દેખાવ પર અમેરિકા સહિત દુનિયા આખીની નજર હતી. નેતન્યાહુએ પોતાને ઇઝરાયેલનો રક્ષક ગણાવીને ફરી સત્તા આપવા વિનંતી કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇઝરાયેલના હિતમાં વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે એવો પણ પ્રચાર કર્યો પરંતુ ચૂંટણી પરિણામ નિરાશ કરનારું રહયું છે. ઇઝરાયેલમાં સૌથી લાંબા સમય સુધી સત્તા પર રહેવાનો અનુભવ ધરાવતા નેતન્યાહુને પોતાની લોકપ્રિયતા અને કામગીરીના આધારે ફરી ચૂંટાવાની અપેક્ષા હતી જે ફળીભૂત થતી જણાતી નથી. નેતન્યાહુના ગઠબંધનને ૫૩ બેઠકો મળી છે જયારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગાડી આઇસેનકોટના ગઠબંધનને ૪૮ બેઠકો પ્રાપ્ત થઇ છે. નોંધવા જેવું એ છે કે વિપક્ષી ગઠબંધનો પણ સરકાર રચવાના ૬૧ બેઠકના જાદૂઇ આંકડા સુધી પહોંચી શકયા નથી.
ઇઝરાયલમાં અરબોની સંખ્યા ૨૦ ટકા છે જે ૧૦ ટકા વોટ જેટલો વોટ શેર ધરાવે છે. વર્તમાન ચૂંટણી પરિણામોમાં બે અરબ પાર્ટીઓના ગઠબંધન ધ જોઇન્ટ લિસ્ટ અને રાઆમે ધારણાથી વિપરીત સારુ પ્રદર્શન કરીને ૧૨૦ બેઠકોવાળી ઇઝરાયેલની સંસદમાં ૧૯ બેઠકો જીતીને કિંગ મેકર તરીકે ઉભરી છે. ઇઝરાયેલમાં ચૂંટણી પછી રાષ્ટ્રપતિ સૌથી મોટી પાર્ટીના નેતાને સરકાર બનાવવા આમંત્રણ આપે છે. ઇઝરાયેલના રાષ્ટ્પતિ આઇજેક હર્જાંગ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરીને સરકાર રચવા માટે કોને આમંત્રણ આપશે એ પ્રક્રિયામાં અનેક દિવસો પસાર થઇ જાય તેવી શકયતા છે. પાર્ટીના નેતા પાસે બહુમત સાબીત કરવા માટે ૨૮ દિવસ મળે છે જયારે રાષ્ટ્રપતિ વધારાના ૧૪ દિવસ પણ ફાળવી શકે છે. જો તેમાં પણ નિષ્ફળ જાય તો બીજા ગઠબંધનને તક મળે છે. ઇઝરાયેલ આમ તો યહુદીઓનો દેશ ગણાય છે. ૧૯૪૮માં દુનિયાના નકશા પર ઇઝરાયેલની રચના થઇ ત્યારથી અરબ લોકો સ્થળાંતરણ કરી ગયા હતા. સ્થળાંતરણ પછી પણ જે અરબોએ સ્વૈચ્છાએ ઇઝરાયેલમાં રહેવાનું પસંદ કર્યુ તેમને નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. ઇઝરાયેલમાં અરબ મૂળના લોકો જેમાંના મોટા ભાગના મુસ્લિમધર્મી છે જે ઇઝરાયેલનો સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે. ત્યાર બાદ ઇસાઇ અને ડૂજ સમુદાય ગણાય છે. ઇઝરાયેલનો અરબ સમુદાય ઇઝરાયેલના કબ્જાવાળા વેસ્ટ બેંક અને ગાજાપટ્ટીમાં રહેતા પેલેસ્ટાઇનીઓ કરતા અલગ પડતો હોવા છતાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક મતભેદો હંમેશા રહે છે. ઇઝરાયેલી આરબોની સૌથી વધુ વસ્તી ઉત્તરી ઇઝરાયેલમાં છે જેમાં નજરેથ, ઉમ્મ અલ-ફહમ અને સખનિન જેવા શહેરો મુખ્ય કેન્દ્રો છે. આ ઉપરાંત હાઇફા, જાફા અને એકર જેવા શહેરોમાં પણ છુટા છવાયા રહે છે. ઇઝરાયેલમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં અરબ પાર્ટીઓના દેખાવથી સૌને નવાઇ લાગી છે.
ઇઝરાયેલના જનરલ ઇલેકશનમાં પૂર્વ સૈન્ય પ્રમુખ ગાડી આઇસનકોટે પોતાની નવી સેંટ્રિસ્ટ પાર્ટી 'યાશર'સાથે નેતન્યાહુને પડકાર ફેંકયો હતો. આઇસનકોટે ૨૦૨૩માં ગાજામાં લડાઇ દરમિયાન પોતાના પુત્રને ગુમાવ્યો હતો .પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટ અને પૂર્વ કમાંડર અને નેતન્યાહુના એક સમયના સહયોગી યાયર લેપિડે ટુ ગેધર નામનું ગઠબંધન તૈયાર કરીને હાથ મિલાવ્યા હતા. ઇઝરાયલમાં પણ ભારતની જેમ લોકો દ્વારા ચુંટાયેલી લોકશાહી સરકારના શાસનની પ્રણાલી છે પરંતુ ભારત કરતા ઇઝરાયલની સિસ્ટમ જુદી છે. આપણે ત્યાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ લોકો દ્વારા ચુંટાઇને લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે.જયારે ઇઝરાયલમાં લોકો રાજકીય પક્ષને મત આપે છે અને મળેલા મતના આધારે રાજકીય પક્ષોને સંસદ (નેસેટ)માં પ્રતિનિધિત્વ મળે છે. ઉદાહરણ તરીકે જો કોઇ પાર્ટીને ૧૦ ટકા મત મળે તો ૧૨૦ બેઠકો ગણીએ તો ૧૦ ટકાના ધોરણે ૧૨ બેઠકો મળે છે. કોઇ પણ પાર્ટીએ નેસેટમાં પહોંચવા માટે કુલ મતદાનના ૩.૨૫ ટકા મત મેળવવા જરુરી બને છે. આ ઓછી ટકાવારીના લીધે નાની અને ક્ષેત્રીય પાર્ટીઓ સરળતાથી સંસદમાં સ્થાન મેળવી લે છે. ઇઝરાયલમાં દર ૪ વર્ષે ચૂંટણી થાય છે પરંતુ સરકાર વિશ્વાસ મત ખોઇ બેસે કે નેસેટ ખૂદ બહુમતીથી ભંગ થવાનો નિર્ણય લે તો ફરી ચૂંટણી આવે છે. ઇઝરાયેલના કેન્દ્રીય ચૂંટણી આયોગના આંકડા અનુસાર દેશમાં ૧૨ હજારથી જેટલા મતદાન કેન્દ્રો પર ૭૭.૭ ટકા લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો કુલ મતદારોની સંખ્યા ૭૩ લાખ જેટલી હતી. ઇઝરાયલની નેસેટમાં પણ કુલ ૧૨૦ બેઠકો છે જેમાંથી બહુમતીથી સરકાર રચવાનો જાદૂઇ આંક ૬૧ બેઠકોનો છે.
ઇઝરાયલ વિશે એક જાણવા જેવી વાત એ છે છેલ્લા ૭૮ વર્ષમાં એક પણ રાજકીય પક્ષને એકલા હાથે ૬૧ બેઠકોની બહુમતી મળી નથી આથી હંમેશા ગઠબંધન કે ટેકા સરકારો જ રચાઇ છે. ચૂંટણીમાં સામાજિક,ધાર્મિક અને જનજાતિઓના અલગ અલગ સમૂહની પણ ભૂમિકા હોય છે. યુરોપ મૂળના ઓર્થોડોકસ યહુદીઓની સંખ્યા ૧૦ લાખ છે જે મતદાન માટે રબીની સલાહ લેતા હોવાનું મનાય છે. ઇઝરાયલમાં મતદાન હંમેશા મંગળવારે જ થાય છે. મતદાન મથકે રાષ્ટ્રીય ઓળખપત્ર બતાવવું પડે છે. ઓછામાં ઓછા ૩ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ મતદાતાની ઓળખની તપાસ કરે છે. ત્યાર બાદ મતદાતાને એક કવર આપવામાં આવે છે જેમાં પોતાની પસંદગીની પાર્ટીના ચૂંટણી પ્રતિક વાળી સ્લિપ મતદાતા સિક્રિટ બેલેટ બોકસમાં નાખે છે ત્યાર પછી મતગણના શરુ થાય છે.
૨૦૧૯માં ઇઝરાયેલમાં ચૂંટણી યોજાઇ ત્યાર પછી ૭ મહિનામાં ૨ વાર ચૂંટણીઓ યોજાઇ હતી. તેમ છતાં સરકાર રચવાના ફાંફા પડયા હતા. ઇઝરાયેલમાં છેલ્લા ૭ વર્ષમાં ૬ વાર સામાન્ય ચૂંટણીઓ યોજાઇ છે જે રાજકીય અસ્થિરતાને સૂચવે છે. જૂન ૨૦૨૧માં નફતાલી બેનેટ અને યાયક લેપિડના નેતૃત્વમાં એક અનોખું ગઠબંધન સત્તામાં આવ્યું હતું જેને પરિવર્તન સરકાર નામ આપવામાં આવ્યું હતું. આ ગઠબંધનની સૌથી મોટી ઐતિહાસિક બાબત એ હતી કે મંસૂર અબ્બાસના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર અરબ પાર્ટી (રાઆમ) પણ જોડાઇ હતી. જયારે દેશ પર સંકટ કે વિશિષ્ટ પરિસ્થિતિ હોય ત્યારે ઇઝરાયેલમાં વિરોધી ધુ્રવો પર ચાલતા રાજકીય પક્ષો પણ સાથે મળીને રાષ્ટ્રીય સરકાર બનાવે છે એવું ઓકટોબર ૨૦૨૩માં ગાજા યુધ્ધ
દરમિયાન જોવા મળ્યું હતું. અનુભવી રાજનીતિજ્ઞા નેતન્યાહુએ પોતાના શાસન દરમિયાનની સૈન્ય કાર્યવાહીને ઇઝરાયેલના અસ્તિત્વ સાથે જોડીને ગ્લોબલ ઇમેજ ઉભી કરી પરંતુ તે ચૂંટણી પરિણામો પર ધારી અસર જન્માવી શકી નથી. બેન્જામિન નેતન્યાહુના વાયદા વચનો છતાં હમાસ અને હિજબુલ્લાહની સક્રિયતા, મોંઘવારી અને રક્ષા બજેટ, યહૂદીઓ માટે અનિવાર્ય સૈન્ય ભરતી જેવા મુદ્વાઓ વિપક્ષોએ ઉઠાવ્યા હતા. ઇઝરાયેલની રાજનીતિમાં નેતન્યાહુ છેલ્લા બે દાયકાથી વર્ચસ્વ ધરાવે છે. સમર્થકો આજે પણ માને છે કે તેઓ સૌથી મોટા ગઠબંધનના નેતા છે એટલું જ નહી તેઓ ચૂંટણીમાં નબળો દેખાવ છતાં હાર્યા નથી. નેતન્યાહુની લિકૂડ પાર્ટીએ અરબ પાર્ટીઓ પર લાંચ રુશ્વત, ધમકીઓ,હિંસા, વિશ્વાસઘાત અને પ્રતિબંધિત સોફટવેર ઉપયોગ કરીને ચૂંટણી પરિણામ આંચકી લેવાનો આરોપ મુકયો છે. આઇસેનકોટના નેતૃત્વ હેઠળના મધ્યમમાર્ગી ગઠબંધન અને અરબ પાર્ટીઓ વચ્ચે કોઇ સમજૂતી થાય તો તે દેશ હિતમાં નહી હોય એવો દક્ષિણપંથીઓ મત ધરાવે છે. નેતન્યાહુ પણ એક મજબૂત દક્ષિણપંથી રાષ્ટ્રીય સરકારની હિમાયત કરી રહયા છે તેઓ જાયોની -વિરોધી અરબ સંગઠનો પર નિર્ભર સરકારને ઇઝરાયેલના ખતરા સમાન ગણે છે. આવનારા સમયમાં અરબ પાર્ટીઓના નેતૃત્વમાં લિબરલ ગઠબંધન સત્તા પર આવશે તો તેની અસર માત્ર ઇઝરાયેલ જ નહી મધ્ય પૂર્વની રાજનીતિ પર થશે એટલું તો ચોકકસ છે.