ચંદ્રની સ્થિતિને અને બીમારીને કોઈ લેવા દેવા ખરી?

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
લંડનના એક ઝવેરી જેમની મેરિલેબોન હાઇ સ્ટ્રીમમાં ઝવેરાતની દુકાન છે, તેમણે આખા મહિનાનું ચંદ્રની સ્થિતિના પંચાંગવાળું ઘડિયાળ વેચવા કાઢયું હતું. તેમણે આપેલી જાહેરખબરમાં તેમણે કહ્યું છે કે શિકારીથી માંડીને ડૉક્ટરો અને દાણચોરો માટે આ ઘડિયાળ ઉપયોગી છે. શિકારી અને દાણચોરની વાત તો જાણે સમજ્યા પણ ચંદ્રના ઉદય-અસ્તની સ્થિતિ ડૉક્ટરો જાણીને શું કરે? આ બાબતમાં બ્રિટિશ મેડિકલ જર્નલ નામના પ્રતિષ્ઠિત મૅગેઝિનને પૂછવામાં આવ્યું તો નિષ્ણાતોએ કહ્યું કે ચંદ્રના ઉદય-અસ્તની સ્થિતિ ડૉક્ટરો અને ખાસ કરીને સર્જનો માટે મહત્ત્વની છે. સિઝોફેનિયાના દર્દી કે માનસિક દર્દીઓ પૂનમ આવવાની થાય ત્યારે વધુ આક્રમક અને ઘેલા બને છે. પૂનમ આવી રહી હોય ત્યારે ગર્ભવતી સ્ત્રીને પૂરા મહિના બેઠા હોય તો પ્રસવપીડા ઊપડે છે. જે સ્ત્રી ગર્ભવતી હોતી નથી તેમાંની મોટા ભાગની પૂનમ આવી રહી હોય ત્યારે માસિકસ્ત્રાવમાં બેસે છે. લંડનની સેન્ટ મેરી હૉસ્પિટલના સર્જનોએ પણ આ બાબતમાં અભ્યાસ કર્યો. તેમને માલૂમ પડયું કે ઉંમરે પહોંચેલા વૃદ્ધોને પૂનમ આજુબાજુ પેશાબમાં તકલીફ થાય છે. એ દિવસોમાં પેશાબ રોકાઈ જાય છે. બીજું એ માલૂમ પડયું છે કે શુક્રવારે અને શનિવારે પેશાબ રોકાઈ જવાના વધુ ચાન્સ છે.
કેન્સરનું નિદાન કરતો કૂતરો
પોલીસે કૂતરાઓ પાસે ચોરને પકડાવ્યા છે. નશીલા પદાર્થો અને ડ્રગ્સની પણ ભાળ મેળવી છે. શ્વાનની સેવાવૃત્તિમાં એક વધુ પ્રવૃત્તિ જોડાઈ છે. શ્વાન વધુ સારા ડૉક્ટરની ગરજ સારશે. અત્યંત ખર્ચાળ ટેસ્ટ દ્વારા જે પરિણામ જાણી શકાય તે શ્વાન માત્ર દરદીને સૂંઘીને જણાવી શકશે. અમેરિકાના ફલોરિડા રાજ્યમાં જ્યોર્જ નામનો શ્વાન આ ભૂમિકા કુશળતાપૂર્વક નિભાવી રહ્યો છે. ડૉ. અરમાન્ડ કોગ્નેટા અને ડોગ ટ્રેઇનર ડયુઆની પીકેલે શ્વાન જ્યોર્જને એવી તાલીમ આપી છે કે કોઈ પણ વ્યક્તિને ચામડીનું કૅન્સર છે કે નહીં તેનું જ્યોર્જ સો ટકા સાચું નિદાન કરી જાણે છે. ત્વચાના કેન્સરના જીવલેણ સ્વરૂપને અંગ્રેજીમાં મેલિગ્નન્ટ મેલાનોમાં કહે છે. જે રીતે વિસ્ફોટકો શોધી કાઢવાની જ્યોર્જને તાલીમ આપવામાં આવી હતી એ જ પદ્ધતિથી મેલિગ્નન્ટ મેલાનોમા પકડી પાડવાની તાલીમ અપાઈ છે. એક વખત ડૉ. કોગ્નેટાએ એક અહેવાલ વાંચ્યો. જેમાં પોલીસે તળાવમાં ફેંકાયેલી લાશ શોધી કાઢવા માટે તળાવ પર કૂતરા સાથેની હોડી ફેરવી હતી. એ કૂતરો હવા સૂંઘીને તળાવના તળિયે મૃતદેહ છે કે કેમ તે જાણી શકતો હતો. આ અહેવાલથી ડૉ. કૉન્ગેટાના મગજમાં ઘંટડી વાગવા માંડી. એમણે તબીબી સાહિત્યનો અભ્યાસ કરવા માંડયો લાન્સેટમાં છપાયેલાં એક આર્ટિકલ એમના હાથમાં આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ચુમાલીસ વરસની એક સ્ત્રીના શરીર પર ઘણી ગાંઠો હતી. પણ તેનો પાળેલો શ્વાન માત્ર કેન્સરવાળી ગાંઠ સૂંઘ્યા કરતો હતો. કૂતરો વારંવાર આમ કરતો હતો તેથી ચેતી જઇને એ સ્ત્રી નિદાન કરાવવા ગઇ તો ખરેખર પેલી ગાંઠ કેન્સરવાળી જણાઈ હતી. બીજી નિર્દોષ ગાંઠોને એ કૂતરો સૂંઘતો પણ ન હતો. લાન્સેટનો આ અહેવાલ વાચીને ડૉ. કોન્ગેટાએ પોતાની રીતે તેમાં વધુ સંશોધનો કરવાનું નક્કી કર્યું અને ૫૩ વરસના ડોગ ટ્રેઇનર ડયુઆને પિકેલનો સંપર્ક કર્યો. મેલાનોમા કેન્સરનું ટિસ્યુ સેમ્પલ (નમૂના) મેળવીને તેની વાસ પકડી પાડવાની પિકેલે શ્વાનને તાલીમ આપી.
જગતભરમાં કેટલી જાતના વીંછી છે?
જગતભરમાં ૧,૫૦૦ જાતના વીંછી છે તેમાં ૨૫ પ્રકારના વીંછી ઝેરી છે. મૅક્સિકો, બ્રાઝિલ, ઉત્તર આફ્રિકા અને ભારતમાં જ ઝેરી કે બિનઝેરી વીંછી થાય છે. ઝેર વગરના વીંછીના ડંખ મધમાખીના ડંખ કરતાં ઓછો પીડાવાળો હોય છે. ઘણા વીંછીઓ નાના સાપોલિયાને ખાઈ જાય છે. એક વીંછણ ૩૦થી ૧૦૦ બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં વીંછણની પીઠ ઉપર એક મહિનો ફર્યાં પછી પોતે ચાલી શકે છે.
ગંધ દ્વારા
ગુનેગારોની ઓળખ
હોલેન્ડની પોલીસે ગુનેગારોને પકડવા માટે હવે 'ઓડર લાઇબ્રેરી' રાખવા માંડી છે. ફિંગરપ્રિન્ટ થકી જ હવે ગુનેગારો પકડાતા નથી. ગુનેગારોના શરીરમાં કે કોઈના પણ શરીરમાં અમુક ચરબીનાં એસિડ હોય છે જેને ફેટ્ટી એસિડ્ઝ કહે છે. હોલેન્ડના રોટરડામ શહેરના પોલીસે હવે લોકોની ચામડીમાંથી નીકળતા આ ફેટ્ટી એસિડના નમૂના ભેગા કરવા માંડયા છે. આનાં સેમ્પલ હોલેન્ડની 'ગંધ લાઇબ્રેરી'માં રખાય છે. ગુનો પકડવા માટે જર્મન શેફર્ડ કૂતરા કે લેબ્રેડોર કૂતરા રખાય છે. તેને આ નમૂનાની ગંધની પરખ કરાવીને પછી શંકાસ્પદ વ્યક્તિને પકડવા છૂટા મુકાય છે. નવાઈની વાત એ છે કે માનવીને પોતાના શરીરમાંથી છૂટતા આ મેદના પ્રસ્વેદને પોતે જાણી શકતા નથી પણ કૂતરા જાણી શકે છે! રોટરડામના બેંકના એક લૂંટારાએ બેંકની તિજારીમાંથી નોટો લૂંટતી વખતે આવા મેદના પ્રસ્વેદ તિજારીમાં છોડયા હતા. તે પરથી તે લૂંટારો પકડાઈ ગયો.
અઘોરીઓ ક્યાં જોવા મળે ?
તંત્રના માર્ગે ચાલનારા અઘોરી - બિનઅઘોરી સાધકો સામે બે વિકલ્પો હોય છે : વામપંથ અને દક્ષિણપંથ. વામપંથીઓ એટલે ડાબેરીઓ અને દક્ષિણમાર્ગી એટલે જમણેરીઓ. દક્ષિણમાર્ગ પસંદ કરનારા સાધકો સ્થિર અને સતત પ્રગતિ સાધવા મથનારા સૌમ્ય મનુષ્યો હોય છે. જ્યારે વામપંથની તો વ્યાખ્યા જ એવી છે કે તે 'શીઘ્ર, ઉગ્ર અને તીવ્ર' માર્ગ છે. વામપંથ ભારે જોખમી છે. તેમાં શિષ્ન વડે સ્ત્રીયોનિનું દ્રવ્ય (કે પારો સુદ્ધાં) ચૂસી લેવાની તાલીમ અપાય. અઘોરીઓ જોવા ક્યાં મળે? તેનો એક જવાબ છે કે તમારા પડોશમાં રહેતો કોઈ સીધોસાદો નાગરિક અઘોરી કે તાંત્રિક હોઈ શકે. તે પોતાની જરૂરિયાત મુજબની કમાણી કરી લેતો હોય છતાં છાની રાતે તંત્રની સાધના કરતો હોય. તંત્રનાં કુલ ૬૪માંનું એક અવું કુલાર્ણવ તંત્ર કહે છે : 'આ માર્ગનો તાંત્રિક કોઈ પણ હોઈ શકે. તે ગમે તે ઉંમરનો હોઈ શકે. પણ કોઈ તેને ઓળખી શકતું નથી. કુલ-યોગના સાધક (કુલાર્ણવ તંત્રનો તાંત્રિક) ઘણાં રૂપોમાં આ સંસારમાં ઘૂમતા હોય છે. તેઓ લોકો સમક્ષ પોતાનું અમૂલ્ય જ્ઞાન છતું નથી કરતા. તેઓ અવું ઇચ્છે છે કે લોકો તેમને એક સાવ સામાન્ય, તુચ્છ માણસ ગણે.''









