ઇન્ડોક્ટ્રિનેશન : મતારોપણ

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- મારી લાઇક પરથી અલ્ગોરિધમ મને ઓળખી જાય પછી માત્ર ને માત્ર એ જ વિચારધારાના વિડીયો, પોસ્ટ અને ન્યૂઝ આવવા લાગે
*મદરેસા **બાજ
'સા રે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા..'- નાં સર્જક ફિલસૂફ અલ્લામા ઇકબાલનું પુસ્તક છે - બાલ-એ-જિબ્રીલ. 'બાલ' એટલે પીછું/પાંખ અને ઈસ્લામિક માન્યતા અનુસાર 'જિબ્રીલ' એટલે એ દેવદૂત જે પૃથ્વી પર જ્ઞાન લાવે છે. ઇકબાલ લખે છે કે આ મદરસાનાં મુલ્લાઓ સામે મારી ફરિયાદ છે કે જેઓએ જ્ઞાનની ઊડાન ભરવાની છે, એ બાજનાં બચ્ચાઓને ધૂળબાજી(કટ્ટરપંથી વિચારો)થી ભરી દેવાય છે. 'ફ્લાય દુબઈ' વિમાન ઘટના બાદ, બીબીસી અનુસાર, ઈઝરાયલનાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હૂમલાખોરનું 'રેડિકલ ઇસ્લામિસ્ટ ઇન્ડોક્ટ્રિનેશન' થયું હતું. 'રેડિકલ' એટલે કટ્ટરપંથી, 'ઇસ્લામિસ્ટ' એટલે ઇસ્લામવાદી અને ઇન્ડોક્ટ્રિનેશન(Indoctrination) એટલે…
ઇન્ડોક્ટ્રિનેશન શબ્દનાં મૂળમાં બે લેટિન શબ્દ છે. ઇન+દોસેરે. 'ઇન' એટલે અંદર અને 'દોસેરે' એટલે શીખવવું, જ્ઞાન આપવું. દોસેરે શબ્દ પરથી આવેલો શબ્દ 'ડૉક્ટર' એટલે મહાન શિક્ષક. 'ડોક્યુમેન્ટ' શબ્દનું મૂળ પણ દોસેરે છે. ઇન્ડોક્ટ્રિનેશન શબ્દ સને ૧૬૨૦માં ઇંગ્લિશ ભાષામાં દાખલ થયો ત્યારે એનો અર્થ 'ભણાવવું' કે 'દીક્ષા આપવી' જ થતો હતો. પણ પછીથી આ શબ્દનો અર્થ નકારાત્મક થઈ ગયો. હવે આર્વાચીન અર્થ છે : કોઈના મગજમાં એક ચોક્કસ કટ્ટર વિચારધારા એવી રીતે ભરી દેવાય કે તેની પોતાની વિચારવાની શક્તિ જ ખતમ થઈ જાય. આ મતચોરી નથી, મતારોપણ છે. ફલાય દુબઈ-ની ફ્લાઇટ એફઝેડ૧૭૦૩નાં પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદૂરીની ગાથા જેટલી ગવાય એટલે ઓછી છે. પણ આજે આપણે કો-પાયલોટ હમમ અલહમ્મામીની વાત કરવાની છે. અટક 'અલહમ્મામી' ફેમિલી બિઝનેસ પરથી આવી છે. હમામ એટલે 'સ્પા'. પણ એનું નામ છે હમમ. 'હમમ' એટલે કબૂતર. નિર્દોષ, ભોળું પક્ષી, શાંતિનું દૂત. ઓમાન દેશમાં ઉછેર પણ પછી ગયું સીરિયા અને ત્યાં એનું રેડિકલ ઇસ્લામિસ્ટ ઇન્ડોક્ટ્રિનેશન થઈ ગયું. ધર્મઝનૂનીઓએ એને એવું ઝનૂની બાજ બનાવી દીધું કે એણે પોતાની ફ્લાઇટને જ આંતકવાદનું હથિયાર બનાવી દેવાનું આયોજન કર્યું. આ ઇન્ડોક્ટ્રિનેશનમાં એવું તે શું થાય છે?
ગુજરાતી લેક્સિકન અનુસાર 'ઇન્ડોક્ટ્રિનેશન' એટલે 'વિશિષ્ટ સિદ્ધાંતનું શિક્ષણ આપવું તે અથવા કોઈ સવિશેષ સિદ્ધાંતવાદ વગેરેની મનમાં ઠસામણી કરવી તે'. ટૂંકમાં, આંખે પાટા બાંધવાથી લઈને કાન ભંભેરવા અને મગજનું ઘડામણ કરવું તે. 'બ્રેઈનવૉશિંગ' શબ્દ આપણે સાંભળીએ છીએ. ભૂરકી છાંટીને કોઈએ કંઈ એવું કરી નાંખ્યું કે એને બીજું કાંઇ સૂઝતું જ નથી. બ્રેઈનવૉશિંગ અને ઇન્ડોક્ટ્રિનેશન વચ્ચે તફાવત એ છે કે ઇન્ડોક્ટ્રિનેશન ધીમી અને માનસિક સ્તરે મજબૂત રીતે સ્વીકાર કરાવવાની પ્રક્રિયા છે, જ્યારે બ્રેઈનવૉશિંગ એ તાત્કાલિક, આક્રમક અને બળજબરીપૂર્વકની પ્રક્રિયા છે. ઇન્ડોક્ટ્રિનેશનમાં શિક્ષણ, પુનરાવર્તન અને સામાજિક પ્રભાવ દ્વારા લાંબા ગાળે વિચારો બદલવાની વાત હોય છે. આમાં કોઈ દેખીતી શારીરિક હિંસા કે જેલ જેવી સ્થિતિ હોતી નથી. વ્યક્તિ સ્વેચ્છાએ તે સ્વીકારે છે. પ્રક્રિયા ધીમી છે પણ છે મજબૂત અને એ શાળાઓ, રાજકીય પક્ષો, ધાર્મિક સંસ્થાઓ અથવા સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અહીં મનની સ્થિતિ… એમ કે વ્યક્તિને એમ જ લાગે છે કે પોતે પોતાના મનથી આવું વિચારી રહી છે, કોઈ દબાણ નથી. બીજા તે બધા મનનાં તરંગ છે, એક આ જ વાત સાચી! હકીકતમાં તેના મગજમાં આ વાત બહારથી ખૂબ જ ચતુરાઈપૂર્વક પ્લાન્ટ કરવામાં આવી હોય છે.
સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયા, ફેક ન્યૂઝ અને રાજકીય પ્રોપગેન્ડા દ્વારા ઇન્ડોક્ટ્રિનેશન થાય છે. ઇન્ડોક્ટ્રિનેશન ભાવનાત્મક હેકિંગ છે. મારા ગુસ્સા, ડર, નફરત અથવા અતિશય ગર્વનું કન્ડિશનિંગ થાય એટલે મારી પ્રશ્નો પૂછવાની આદત મરી પરવારે. હું પૂછું જ નહીં કે પુરાવા શું છે? શું આની પાછળ કોઈ છૂપો એજન્ડા છે? ના રે ના.. આમ મારી ઉપર કોઈ બળજબરી તો નથી પણ હું જ હોંશે હોંશે આ-બૈલ-મુઝે-માર કહી દઉં છું. અલ્ગોરિધમનો મુખ્ય હેતુ મને સ્ક્રીન પર વધુમાં વધુ સમય રોકી રાખવાનો છે. મારી લાઇક પરથી અલ્ગોરિધમ મને ઓળખી જાય પછી માત્ર ને માત્ર એ જ વિચારધારાના વિડીયો, પોસ્ટ અને ન્યૂઝ આવવા લાગે 'ને મને લાગે કે આખી દુનિયા આવું જ વિચારે છે. હજારો લોકોએ એક સરખી જ કોમેન્ટ્સ કરી હોય અને એટલે મને લાગે કે બધા લોકો આ વાતથી સહમત છે. આ ઇકો ચેમ્બર છે. મારા જ અવાજનો પડઘો. કોઈ વિરુદ્ધ વિચારધારાનો સારો મુદ્દો હોય તો પણ આ અલ્ગોરિધમ એને મારા સુધી પહોંચવા જ દેતો નથી. સિક્કાની એક જ બાજુ મને દેખાતી રહે છે. અને ધીમે ધીમે અતિઉગ્ર, કટ્ટર, ભડકાઉ કન્ટેન્ટ આવતું જાય. મનોરંજન માટે રીલ્સ જોતાં જોતાં હું થોડા મહિનામાં એ ચોક્કસ મુદ્દા પર કટ્ટર બની જાઉં..
આતંકવાદીઓ એવા યુવાનોને નિશાન બનાવે છે જેઓ અંગત જીવનમાં નિરાશ હોય, સમાજથી અલગ પડી ગયા હોય અથવા વંશીય કે ધાર્મિક અન્યાયનો ભોગ બન્યા હોય. આવા યુવાનોને પોતાના પરિવાર, જૂના મિત્રો અને સામાન્ય સમાજથી દૂર કરી દેવામાં આવે, જેથી તે માત્ર સંગઠનના કટ્ટર વિચારો જ સાંભળે અને કોઈ પ્રશ્ન ન ઉઠાવે. જે દેશ પર આતંકવાદી હૂમલો કરવાનો હોય એ દેશ રાક્ષસનો દેશ છે અને એને નેસ્તનાબૂત કરવો આપણો ધર્મ છે, એવું ઠસાવી દેવાય. અને યુવાનો માની ય લેય કે નિર્દોષ લોકો પર હિંસા કરવી, એ ગુનો નથી; પોતાના ધર્મ કે સમાજની રક્ષા માટે આ પગલું જરૂરી છે. અને શહાદત મળે તો જન્નતમાં હૂર મળશે! પછી એને લોન્ચ કરવામાં આવે અને એ પૈકી કોઈ એક ફ્લાય દુબઈનો કો-પાયલોટ બની જાય!
શબ્દશેષ
'આ માનસિક ગુલામી (વિચારોનું થોપાવું) એટલી ઊંડી છે કે શિક્ષિત લોકોને પણ લાગે છે કે તેઓ તટસ્થ રીતે વિચારી રહ્યા છે.'
- નોઆમ ચોમ્સ્કી




