સ્વાતંત્ર્ય પર્વ એ દેશ પ્રત્યેના ઋણ સ્મરણનું પવિત્ર ટાણું છે

- એક જ દે ચિનગારી-શશિન્
- આવો, પોતાનું સર્વસ્વ દેશને અર્પણ કરી સ્વર્ગે સીધાયેલા શહીદોને નમન કરી એમની યાદને આપણે અમર બનાવીએ
દે હનો ઉપયોગ દેવ માટે, દેહનો ઉપયોગ દેશ માટે. દેશ એ નકશો નથી, દેશ એ તેના નાગરિકોનાં અંત:કરણમાં અંકિત અમર ચિત્ર છે. દેશમાં માટી, હવા, પાણી, પ્રકાશ અને વાયુની કૃપાથી માણસની કાયા ઘડાઈ છે. એટલે માણસ પર દેશનો પહેલો અધિકાર છે. દેશની રક્ષાની પ્રતિજ્ઞા એ મહાવ્રત છે. દેશના ઋણની અદાયગી એ નાગરિક માત્રનું કર્તવ્ય છે.
ભારત પર વિદેશી આક્રમકો આવ્યા. એમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને નામે પગપેસારો કરી ભારતના શોષણને વેપાર અને સત્તાનું સાધન બનાવી દીધો. આઝાદીની ભાવના કચડી નાખી. અત્યાચાર અને સિતમના દોરને ખુલ્લો મુકવામાં આવ્યો. દેશભક્તો પર જૂઠ્ઠા આક્ષેપો મૂકી ન્યાયનું નાટક રચી આજીવન કેદ અથવા ફાંસી જેવી જઘન્ય સજાઓ ફરમાવવામાં આવી. એ જોઈ નવયુવકોનું લોહી ઊકળી ઊઠયું તેમણે 'શઠં પ્રતિ શાઠયં' જેવાની સાથે તેવાનો આદર્શ અપનાવી અંગ્રેજોને હાંકી કાઢવા પ્રતિજ્ઞા લીધી.
'જાન જાએ તો જાયે
પર હિન્દ આઝાદ હો જાયે'
એ ઈન્કલાબી ક્રાંતિવીરોનું
સૂત્ર હતું.
'મસ્તક છો રોળાય
નમવું કદાપિ નહીં'
એ કુરબાનીના આશિકોનું સૂત્ર હતું.
દેશભક્તનું જીવન કંટકભર્યું હતું. કદમ-કદમ પર અગ્નિ પરીક્ષાઓ થતી હતી. વેદનાઓ એમની સંગિની બની ગઈ હતી. જેલના સળિયા તેમને સાદ કરતા હતા. ફાંસીના ફંદા રડતી આંખે શૂરવીરોને આખરી વિદાય આપી 'શહીદ'નું ગૌરવ બક્ષતા હતા.
અનેક વીરો શહીદો અને કુરબાનીના આશિકોનાં બલિદાનથી આપણેને આઝાદી મળી. પોતાનું સર્વસ્વ દેશને અર્પણ કરી સ્વર્ગે સીધેવાલા શહીદોને નમન કરી એમની યાદને અમર બનાવીએ.
૧૯૪૭થી ૨૦૨૬ સુધીનો સમય હરણફાળે વહી ગયો. વીર શહીદોને યાદ કરવાનું કર્તવ્ય આપણે અદા કરીએ છીએ, રાષ્ટ્રીય પર્વ મનાવીને. રાષ્ટ્રીય પર્વો એ દેશ પ્રત્યેના ઋણ સ્મરણનું પવિત્ર ટાણું છે. સરકાર ભલે એને પોતાની ફરજના ભાગરૂપે ઊજવે, પણ પ્રજા માટે અને પ્રજા માથે તો એ ખૂબ જ કરજ-અદાયગીનું પર્વ છે.
દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ આવે છે… આપણે એની પ્રચારાત્મક ઉજવણી પણ કરીએ છીએ, બાળકો ત્રિરંગી ઝંડાની આન-શાનમાં ભાવપૂર્વક ગીતો ગાય છે. મહાનુભાવોના વરદ હસ્તે ધ્વજવંદન થાય છે, આઝાદીમાં 'વર્ષ' ઉમેરાય છે પણ વર્ષમાં આઝાદી ઉમેરાતી નથી. 'ગુલામી'ના સૂક્ષ્મ પ્રકારોથી આપણે પરિચિત નથી.
જેમણે દેશ માટે તન-મન-ધનથી ફનાગીરી વહોરી લીધી અને જેમના સુપ્રયત્નોના પરિણામે આપણું આઝાદીનું સ્વપ્ન સાકાર થયું, તેમને શ્રધ્ધાંજલિ અર્પવા તેમજ ઐતિહાસિક ઘટનાઓને લોકહૃદયમાં પેઢી દર પેઢી ચિરંજીવ બનાવી દેવા માટે આવા પર્વો આપણે ઊજવતા હોઈએ છીએ.
પરંતુ ધીરે ધીરે લોકો મહાપુરુષોના એવાં મહાન સમર્પણોને ભૂલવા લાગ્યા છે. 'સ્વ'માં રચ્યા પચ્યા રહેનારને સ્વાર્થની આગળ કશું વિચારવાની ફુરસદ પણ રહેતી નથી. વડીલો વ્યસ્ત છે, અને યુવાપેઢી એવા મહાપુરુષોના રાષ્ટ્રીય તથા સંસ્કારગત પ્રદાનથી બેખબર છે. પરિણામે રાષ્ટ્રીય પર્વોની ઉજવણીની ઉષ્મા ખતમ થઈ ગઈ છે. સરકાર એ બધું સરકારી રાહે કરે છે. એટલે ઘણીવાર રાષ્ટ્રીય પર્વ ગૌણ બની જાય છે. અને ઉચ્ચ આસન પર વિરાજીત વ્યક્તિની પૂજા, ખુશામત અને દંભ મહત્વનાં બની જાય છે. 'સ્વ' પ્રેમ કરતાં 'સ્વદેશ પ્રેમ'નું મૂલ્ય ઘટે ત્યારે આવું જ બને છે. રાષ્ટ્રીય પર્વોની ઉપેક્ષા એ એક પ્રકારનો રાષ્ટ્રીય દ્રોહ છે - અક્ષમ્ય અને શરમજનક.
રાષ્ટ્રીય પર્વોની ઉજવણી પાછળ એક આશય એ પણ હોય છે કે આપણો ગૌરવપૂર્ણ ઈતિહાસ, શ્રેષ્ઠ પરંપરાઓ અને અનેક મહાપુરુષોનાં અનુકરણીય જીવન અને કાર્યોનું આપણને સતત સ્મરણ રહે, જે આપણને જીવનનિર્માણમાં જીવન મૂલ્યોની હિફાજતમાં સહાયક નીવડે.
પણ આપણા દેશની કરુણતા એ પણ રહી છે કે જીવનમાં બાહ્યાચારે વધુ મહત્વનું સ્થાન લઈ લીધું છે. અને આંતરિક શુચિતાનું સ્થાન ગૌણ બની ગયું છે. પરિણામે જીવન મૂલ્યોની છડેચોક ઉપેક્ષા થાય છે. મૂલ્યોની વાત કરવામાં આપણે શૂરા સાબિત થઈએ છીએ અને એ મૂલ્યોને જીવનમાં આચરવામાં અધૂરા પૂરવાર થઈએ છીએ.
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આ આઝાદીનો સાચો અર્થ આપણે સમજીએ છીએ ખરા ?
આઝાદી એટલે જવાબદારી, આઝાદી એટલે કર્તવ્યનિષ્ઠા, આઝાદી એટલે સ્વાર્થત્યાગ. આ વાત જ્યાં સુધી આપણને નહિ સમજાય ત્યાં સુધી આપણે કરેલાં ધ્વજવંદન
એળે જશે.
ખરું પૂછો તો સ્વતંત્રતાનો અર્થ અને સ્વરૂપ સમજવામાં જ આપણે થાપ ખાઈ ગયા છીએ. ગાંધીજીએ 'સ્વતંત્રતા' અને 'સ્વાધીનતા' બન્ને વચ્ચેનો સૂક્ષ્મભેદ સરસ રીતે સમજાવ્યો હતો.
સ્વતંત્ર એટલે કોઈનું ય બંધન ન હોય તેવી સ્થિતિ. આ ખતરનાક પણ બની શકે. કારણ કે માણસ વિવેક અને સંયમ વીસરીને સ્વચ્છંદી બની શકે. પણ સ્વાધીન એટલે 'સ્વ'ને અધીન કોઈનું બંધન ન હોવા છતાં માણસનું પોતાનું પોતે પોતાની જાત પર મૂકેલું બંધન.
'સ્વ'નું બંધન ભૂલે તો માણસને જાનવર બની જતાં વાર ન લાગે.
એટલે દેશને સ્વતંત્રતામાં રાચતા નેતાઓ અને નાગરિકોની જરૂર નથી પણ સ્વાધીનતાની પાવનકારી ધૂળને માથે ચઢાવીને જીવનારા મોંઘેરા માનવીઓની જરૂર છે. સ્વતંત્રતા માણવા માટે સ્વાધીનતાને પચાવવાની જરૂર છે.
દર વર્ષે સ્વાતંત્ર્યદિને અને પ્રજાસત્તાક દિને લહેરાતો રાષ્ટ્રધ્વજ આપણને એક જ સવાલ પૂછે છે -
'બોલો તમને સ્વતંત્ર ભારત ખપે છે કે સ્વાધીન ?' વિજયી વિશ્વ ત્રિરંગાનો આ સાદ છે.
આઝાદીની ઈજ્જત તકસાધુ રાજકારણીઓ કે દંભી સમાજસેવકોના હાથમાં સલામત નથી રહેતી. પરંતુ કર્તવ્યનિષ્ઠ, ઈમાનદાર અને સમર્પણશીલ નાગરિકોના હાથમાં સલામત રહે છે. નાગરિક ધર્મ એ કાર્ય નથી વ્રત છે. આ વ્રતનું આપણે જાગૃતિપૂર્વક અનુપાલન કરવું જોઈએ. ભારતને 'શ્રેષ્ઠ' વિશ્વ વત્સલ બનાવવા માટે સૌથી મદદગાર બનશે આપણા હૃદયમાં 'ધધકતો' રાષ્ટ્રપ્રેમ. આપણે જવાબદાર, દેશપ્રેમી અને રાષ્ટ્રભક્ત નાગરિક ન બનીએ તો 'સારે જહાં સે અચ્છા'નું સ્વપ્ન કેવી રીતે સાકાર કરી શકીશું.




