ભાગવું છે, પણ પગ જમીન પરથી ઊંચકી શકાતો નથી...

- સ્વપ્નલોક
- આ સપનું આવે એટલે જાતને પૂછો: મને કઈ બાબત અટકાવી રહી છે? શું હું ખરેખર આગળ વધવામાં અસમર્થ છું, કે પછી આગળનું પગલું ભરતા મને ડર લાગે છે? શું મારે વધુ દ્રઢ નિશ્ચયની જરૂર છે, કે પછી મારે આરામ, મદદ અથવા એક નવા અભિગમની જરૂર છે?
ક લ્પના કરો કે કોઈ તમારી પાછળ પડયું છે. તમને ખબર છે કે તમારે બચવું જ પડશે અને તમે જીવ બચાવીને ભાગવાનો પૂરો પ્રયાસ કરો છો. પણ તમારા પગ અસહ્ય ભારે થઈ ગયા છે. પગ જમીન પરથી માંડ ઊંચકાઈ રહ્યા છે. તમે જાણે કાદવમાંથી દોડી રહ્યા હો અથવા તમારું શરીર એકદમ 'સ્લો મોશન'માં ફસાઈ ગયું હોય તેમ ચાલે છે. પીછો કરનાર વ્યક્તિ વધુ ને વધુ નજીક આવતી જાય છે, છતાં તમે ઝડપથી દોડી શકતા નથી. આ સપનું ડરાવી મૂકે તેવું હોય છે, કારણ કે તમારું મન જાણે છે કે તમારે શું કરવું છે, પણ તમારું શરીર સાથ આપવાની ના પાડી
દે છે.
આનો અર્થ શું થાય?
એક સંભવિત મનોવૈજ્ઞાનિક અર્થઘટન એ છે કે આ સપનું વાસ્તવિક જીવનમાં અનુભવાતી લાચારી, હતાશા કે કોઈ બાબતમાં અટવાઈ જવાના ભાવને દર્શાવે છે. બની શકે કે તમે કંઈક સિદ્ધ કરવા માંગતા હો પણ સતત અવરોધોનો સામનો કરવો પડતો હોય. કદાચ તમે અપેક્ષિત પરિણામો મેળવ્યા વગર સખત મહેનત કરી રહ્યા હો. તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા, કોઈ મહત્વનો નિર્ણય લેવા કે તમારું જીવન બદલવા માંગતા હો, પણ કંઈક એવું છે જે તમને આગળ વધતા અટકાવી રહ્યું છે.
તમારો પીછો કરી રહેલી વ્યક્તિ કે જોખમ એ કદાચ એવી સમસ્યાનું પ્રતીક હોઈ શકે જેને તમે ટાળી રહ્યા છો - જેમ કે નજીક આવી રહેલી કોઈ ડેડલાઇન, કોઈ મોટી જવાબદારી અથવા કોઈ એવો ડર જેનો તમે હજી સુધી સામનો નથી કર્યો. જોકે, તેનો આવો કોઈ ચોક્કસ અર્થ જ હોવો જરૂરી નથી. આ સપનું મહત્વાકાંક્ષા અને થાક વચ્ચેના સંઘર્ષને પણ પ્રતિબિંબિત કરી શકે છે. તમે આગળ ધપવા માંગો છો, પણ તમને લાગે છે કે તમારી અંદરની ઉર્જા હવે સાવ ખૂટી ગઈ છે.
જોકે, અહીં એક મહત્વનો તફાવત સમજવો જરૂરી છે - સપનામાં હલનચલન ન કરી શકવું અને 'સ્લીપ પેરાલિસિસ' બંને એક સરખા નથી. સ્લીપ પેરાલિસિસમાં વ્યક્તિ જાગૃત અવસ્થામાં આવી જાય છે પરંતુ કામચલાઉ રીતે હલનચલન કરી શકતી નથી, જ્યારે ધીમી ગતિએ દોડવાનું સપનું એક સાવ અલગ અનુભવ છે, ભલે ક્યારેક આ બંને વચ્ચે ગૂંચવણ થઈ જતી હોય.
ઘણીવાર આ સપનું ત્યારે પૂરું થાય છે જ્યારે તમે આખરે બચી નીકળો છો, તો કેટલીકવાર જોખમ તમને પકડી જ લેવાનું હોય બરાબર એ જ ક્ષણે તમારી આંખ ખૂલી જાય છે.
આપણે આમાંથી શું શીખી શકીએ?
કદાચ આમાંથી મળતો સૌથી ઉપયોગી સંદેશ આ છે: વધુ જોર લગાવવું અને આગળ વધવું - એ બંને હંમેશા એક જ વાત નથી હોતી.
જ્યારે આપણે જીવનમાં ક્યાંક અટવાયેલા અનુભવીએ છીએ, ત્યારે આપણો સહજ સ્વભાવ વધુ પડતું જોર લગાવવાનો હોય છે. આપણે વધુ કલાકો કામ કરીએ છીએ, વધુ ચિંતા કરીએ છીએ અને વધુ અધીરા બની જઈએ છીએ. છતાં, સમસ્યા કદાચ પ્રયત્નોના અભાવની ન પણ હોય. એ થાક, ડર, અવાસ્તવિક અપેક્ષાઓ અથવા એવી કોઈ દિશા હોઈ શકે જેના પર પુનવચાર કરવાની
જરૂર છે.
આ સપનું આપણને પોતાની જાતને પૂછવા પ્રેરિત કરી શકે છે- મને કઈ બાબત અટકાવી રહી છે? શું હું ખરેખર આગળ વધવામાં અસમર્થ છું, કે પછી આગળનું પગલું ભરતા મને ડર લાગે છે? શું મારે વધુ દ્રઢ નિશ્ચયની જરૂર છે, કે પછી મારે આરામ, મદદ અથવા એક નવા અભિગમની જરૂર છે?
આ સપનું આપણને એ પણ યાદ અપાવી શકે છે કે સમસ્યાથી મોં ફેરવી લેવાથી સમસ્યા ગાયબ થઈ જતી નથી. ક્યારેક સતત ભાગતા રહેવાને બદલે પાછળ વળીને જે બાબતનો ડર છે તેનો સામનો કરવાની જરૂર હોય છે.
આ સપનાને નિષ્ફળતાની ચેતવણી તરીકે જોવાની જરૂર નથી. તે આપણા પોતાના આંતરિક અવરોધો અને મર્યાદાઓને સમજવાનું એક નિમંત્રણ બની શકે છે.
કદાચ સાચો પાઠ એ નથી કે તમારે વધુ ઝડપથી દોડવું પડશે, પણ એ છે કે તમને આગળ વધતા કઈ બાબત રોકી રહી છે તે તમારે સમજવું પડશે.




