હું સાવ સાચ્ચી : બધો વાંક છે એમનો ફટવેલી દીકરી ને એનો કિસ્સો પ્રેમનો

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- આંખમાં ઝળઝળિયાં સાથે નિરાલી ઊભી થઈ. ભીની આંખે બાપના ચહેરા પરની લાચારી વાંચીને એ સડસડાટ એના રૂમમાં ગઈ અને રડવાનું શરૂ કર્યું.
ર વિવારે સવારે ઘરમાં યુદ્ધ પછીની શાંતિ પથરાઈ હતી. જસુભાઈ હાથમાં અખબાર પકડીને સોફા ઉપર બેઠા હતા. અઠ્ઠાવન વર્ષની ઉંમરે આંખોનું તેજ અડીખમ હતું, છતાં એકેય અક્ષર ઉકલતો નહોતો.
એમની પત્ની આરતી રસોડામાં હતી. ઝઘડાની દાઝ વાસણો ઉપર ઠાલવતી હોય એમ થોડી થોડી વારે ધડાધડ અવાજ આવતો હતો. એ અવાજ આવે ત્યારે જસુભાઈના હૈયામાં નાનકડો ધરતીકંપ સર્જાતો હતો. કોઈ સગુંવહાલું અત્યારે એકાદ કલાક માટે આવી જાય એવું એ મનોમન ઇચ્છતા હતા. ઘરમાં તલવારો વિંઝાતી હોય અને બહારની કોઈ વ્યક્તિ આવે ત્યારે જબરજસ્ત એક્ટિંગ કરીને બાજી સંભાળી લેવાની આવડત આરતી પાસે હતી. મહેમાન વિદાય લે ત્યાં સુધીમાં એનું મગજ શાંત થઈ જતું.
વાસણોની ધડાધડી સાથે ધીમા અવાજે એકલી એકલી બબડીને આરતી ગુસ્સો ઠાલવી રહી હતી. એ તરફથી નજર ફેરવીને જસુભાઈએ બેડરૂમના બારણાં સામે જોયું. અંદર જતી વખતે નિરાલીએ બારણું ખાલી બંધ કરેલું હતું. એમાંથી એના ડૂસકાંનો અવાજ સંભળાતો હતો. ચોવીસ વર્ષની દીકરીની રગેરગનો જશુભાઈને પરિચય હતો. પલંગમાં ઊંધી પડીને એ રડતી હશે, ડૂસકાં ભરતી હશે.. અંદર જઈને એની પીઠ ઉપર હાથ ફેરવીને છાની રાખવાની ઇચ્છા તો થતી હતી, પણ મામલો ગંભીર હતો. જો પોતે અંદર જાય તો આરતી દોડતી આવે અને ફરીથી મહાભારત શરૂ કરે એ બીકથી ભારે હૈયે એ બેસી રહ્યાં.
એમણે હવે ચિંતનની પ્રતીક્ષામાં મન પરોવ્યું નિરાલીથી બે વર્ષ નાનો ચિંતન સી.એ.ની તૈયારી કરી રહ્યો હતો. દીકરો કલાસમાંથી આવે એટલે એને જમાડવામાં આરતીનો જીવ પરોવાશે એ આશા સાથે એ પુત્રની રાહ જોઈ રહ્યા હતા. ત્રીસ વર્ષના લગ્નજીવનના અનુભવથી ઘટનાઓનું પૂર્વાનુમાન કરવાનું કામ જસુભાઈ માટે આસાન હતું.
ચિંતનની થાળી પીરસીને આરતી એની સામે બેસશે.. ''નાની હતી ત્યારથી જ તારા પપ્પાએ એને ફટવી મૂકી છે..'' એ વાક્ય સાથે આરતી બોલવાનું શરૂ કરશે અને મીઠું-મરચું ભભરાવીને કહેશે કે તારા પપ્પાના પ્રોત્સાહનથી નિરાલી ફાટીને ધુમાડે ગઈ છે.. ચિંતન જમશે ત્યાં સુધી આરતી બોલ્યા કરશે.
મા-દીકરીની નાની-મોટી કચકચમાં આરતી છેલ્લે તોપનું નાળચું જસુભાઈ તરફ ઘુમાવી દે…આ છોકરી મારી સામે બોલે છે એ તમારા પાપે. તમે એને માથે ચડાવી છે.
અલબત્ત, આજની વાત ઘણી ગંભીર હતી એટલે આરતીનો ગુસ્સો વાજબી છે એવું જસુભાઈને લાગતું હતું. શું બનેલું ?
મોબાઈલ ઉપર કોઈની સાથે વાત પૂરી કરીને નિરાલી બાલ્કનીમાંથી અંદર આવી. જસુભાઈ સોફા ઉપર હતા. આરતી નીચે બેસીને ભીંડા સમારી રહી હતી. નિરાલી મમ્મી પાસે
બેસી ગઈ.
''મારે એક વાત કહેવાની છે, પપ્પા તમે પણ સાંભળો…'' નીચું જોઈને એ કંપતા અવાજે બોલી ''મારા કલાસમાં એક છોકરો હતો. હોસ્ટેલમાં રહે છે. આ વર્ષે એ સી.એ. થઈ જશે. એનાં મા-બાપ આજે અમદાવાદ આવ્યાં છે. તમે હા પાડો તો એ બધા સાંજે ઘેર આવે…'' થોથવાતા અવાજે એણે ઉમેર્યું. ''છોકરામાં કંઈ કહેવાપણું નથી. તમને પહેલી નજરે જ ગમી જાય એવો સ્ટ્રેઈટ ફોરવર્ડ છે. વેલ ટુ ડુ સંસ્કારી ફેમિલી છે. ગારિયાધારમાં સોના-ચાંદીની દુકાન છે..'' લાંબી પાંપણ ઊંચી કરીને નિરાલીએ આશાભરી નજરે મા સામે જોયું. ''ફોન કરું ?''
''સોના-ચાંદીની દુકાન ?'' આરતીના અવાજમાં આઘાત સાથે આશ્ચર્ય હતું. ''છોકરો બ્રાહ્મણ નથી ?''
''એનું નામ સુકુમાર સોની છે.'' નિરાલીના ધૂ્રજતા અવાજમાં લગીર નિરાશા ભળી.'' એ લોકોને એકવાર મળો તો ખરાં. કોઈ ખામી લાગે તો ના પાડી દેવાની.''
''તારો મોબાઈલ આપ.'' સખ્તાઈથી આદેશ આપીને આરતીએ મોબાઈલ લઈ લીધો. '' કોઈ સોની-ફોનીને ઘેર બોલાવવાના નથી અને તું ય એ છોકરાને ભૂલી જજે.'' તીખાશ સાથે અવાજ મોટો થયો. '' પહેલીવાર ને છેલ્લી વાર કાન ખોલીને સાંભળી લે. બ્રાહ્મણ સિવાય કોઈ મુરતિયો નહીં ચાલે. નસીબમાં હશે તો આનાથી યે સારો છોકરો મળી જશે. સાંભળી લીધું ને ? હવે આ મોબાઈલ સાંજ સુધી મારી પાસે જ રહેશે. ન રહે બાંસ ન બજે બાંસુરી !''
આરતીએ મોબાઈલ સ્વીચઓફ કરી દીધો પછી તોપનું નાળચું જસુભાઈ સામે તાક્યું. '' તમે જ એને આઝાદ પંખી બનાવી દીધી છે ને ? આ તમારી લાડકીને ચોખ્ખું કહી દો કે કોઈ સોની મહાજન નહીં ચાલે. વાત આટલી વધી ગઈ છે તો બાપ તરીકે દીકરીને ધમકાવવાની તમારી ફરજ નથી ?''
''તારી મમ્મીની વાત સાચી છે… '' આરતી ઝઘડો ના કરે એ માટે તદ્દન અનિચ્છાએ જસુભાઈએ મોં ખોલ્યું. ચચરતા હૈયે બબડયા. '' અલગ જ્ઞાાતિના સાવ અજાણ્યા પરિવાર માટે અમારાથી સંમતિ ના અપાય.''
'' ધડ દઈને ચોખ્ખી ના પાડવાને બદલે સાવ ઢીલું કેમ બોલો છો ? કહી દો કે ના એટલે ના.''
'' મારા પર વિશ્વાસ નથી ? એક વાર મળો તો ખરા…'' દયામણી નજરે પપ્પા સામે જોયા પછી નિરાલી મમ્મીને કરગરી. '' મમ્મી, એ લોકોને જોયા પછી તારો અભિપ્રાય બદલાઈ જશે. મોબાઈલ આપ, પ્લીઝ…''
'' સાવ સોનાનો હોય તો ય સોનીનો છોકરો નહીં ચાલે. મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો છે. રિંગ મારી મારીને થાકી જશે એટલે જવાબ સમજી જશે…'' આરતીએ કડકાઈથી ઉમેર્યું. '' આ મુદ્દે કોઈ ચર્ચા નહીં. હવે મોબાઈલ માગીશ તો કાયમ માટે નહીં મળે. સમજણ પડી ?''
આંખમાં ઝળઝળિયાં સાથે નિરાલી ઊભી થઈ. ભીની આંખે બાપના ચહેરા પરની લાચારી વાંચીને એ સડસડાટ એના રૂમમાં ગઈ અને રડવાનું શરૂ કર્યું.
એના ગયા પછી આરતીએ પતિ સામે જોયું. '' તમે આ છોકરીને એવી ફટવી મૂકી છે કે ક્યારેક નામ બોળાવશે…'' નિરાલી નાની હતી ત્યારનો ઇતિહાસ યાદ કરીને એણે કાયમી તહોમતનામું સંભળાવવાનું શરૂ કર્યું. '' આઠમામાં હતી ત્યારે બાલારામના પ્રવાસમાં જવા માટે એણે ઘર માથે લીધું હતું. મેં ના પાડેલી, તોય મારી ઉપરવટ જઈને તમે પ્રવાસમાં મોકલેલી.'' વાંદરાવેડા કરવા ગઈ એમાં ઝાડ ઉપરથી પડી ને ટાંટિયો ભાંગી ગયેલો. મહિના સુધી પગ પ્લાસ્ટરમાં રાખવા પડેલો ને ખર્ચો થયો એ લટકામાં ! કોલેજમાં આવી ત્યારે બીજી ચાંપલીઓની વાદે એક્ટિવા માટે જીદ કરેલી. હું તો ના પાડતી હતી, પણ માને કોણ ? તમે સારા અને હું ખરાબ એવી છાપ તમે આ છોકરીના મનમાં ચિતરી દીધી છે ! અવાજમાં કડવાશ ઉમેરીને એણે આગળ કહ્યું. '' બાકી હતું તો તમારી લાડકીએ આજે પૂરું કર્યું. સોનીના છોકરાની વાત કહેતી વખતે એને કોઈ શરમ પણ ના આવી ! આ બધો વાંક તમારો !''
આરતીના મોટા ભાગના સંવાદો જસુભાઈને કંઠસ્થ થઈ ગયા હતા. આરતીની બીજી પણ એક ખાસિયત હતી. પોતાની અનિચ્છા હોય એ દોષનો ટોપલો એ ચાલાકીથી જસુભાઈના માથે ઓઢાડી દેતી. કોલેજમાંથી પાંચ દિવસનો રાજસ્થાનનો પ્રવાસ હતો. નિરાલીને ધમકાવીને આરતીએ ચોખ્ખી ના પાડી દીધી હતી. હેતલની મમ્મીએ ફોન કરીને આરતીને કહ્યું કે જો નિરાલી જવાની હોય, તો હેતલને મોકલું. ત્યારે શાણી સીતાની જેમ આરતી બોલી હતી કે દીકરી બહાર હરે ફરે ને કંઈક શીખે એમાં મને કંઈ વાંધો નથી, પણ એના પપ્પાએ ચોખ્ખી ના પાડીને કહ્યું કે જુવાન દીકરીને પાંચ દાડા બહાર ના મોકલાય. એમનો વટહુકમ હોય પછી મારાથી કંઈ ના બોલાય.
પોતાની હાજરીમાં જ આરતી આવો જવાબ આપતી હતી એ સાંભળીને જસુભાઈ સમસમી ઊઠયા હતા. આવું તો અનેકવાર બન્યું હતું. કોઈ પડોશી કંઈક ચીજવસ્તુ ઉછીની માગે ત્યારે બહુ આસાનીથી આરતી કહી દેતી કે ચિંતનના પપ્પાએ ના પાડી છે ! આવું બને ત્યારે અંદર કંઈક ચચરતું હોય એવું જસુભાઈને લાગે પણ વલોપાત વેઠીને એ શાંત રહેતા. ચાર વાગ્યા સુધી ભારેલા અગ્નિ જેવી દશામાં ડોરબેલનો અવાજ સાંભળીને આરતીએ બારણું ખોલ્યું, એની સાથે જ એ આશ્ચર્યથી ઉછળી પડી. '' ગાયત્રી ? કેટલા વર્ષે તને જોઈ ! જાડી થઈ ગઈ છે તોય એક ઝાટકે તને ઓળખી ગઈ ને ?''
એ બંનેની સામે જસુભાઈ તાકી રહ્યા હતા એટલે આરતીએ ઓળખાણ આપી. '' આ ગાયત્રી શુકલ. કોલેજના ચારેય વર્ષ એક જ બેન્ચ ઉપર બેસીને ભણેલા. એક થાળીમાં જમવા જેવી ફ્રેન્ડશીપ હતી અમારી !''
એણે ગાયત્રી સામે જોયું. '' ક્યાં છે તું ? કોલેજ છોડયા પછી તો આપણે મળ્યા જ નથી. મારા મેરેજની કંકોત્રી આપવા તારા ઘેર ગઈ ત્યારે વડીલ ચિડાયેલા હતા. કહે કે એ છોકરીએ અમારું નામ બોળ્યું. ભાગીને પ્રેમલગ્ન કર્યા એ દિવસથી એ અમારા માટે મરી પરવારી છે..તારું સરનામું પણ ખબર નથી એમ કહીને મને ભગાડી દીધેલી.''
''છ મહિનામાં જ બાપાનું મગજ ઠેકાણે આવી ગયેલું. અમને ઘેર બોલાવેલાં.''
ગાયત્રીએ હસીને ઉમેર્યું. '' તારા લગ્નની કંકોત્રી મોકલવા માટે તને મારું સરનામું નહોતું મળ્યું, પણ કંકોત્રી લખવા માટે આજે મેં તો તારો અતોપતો મેળવી લીધો.''
પોતાની સામે આશ્ચર્યથી તાકી રહેલી આરતીના બરડામાં ધબ્બો મારીને ગાયત્રીએ કહ્યું. '' તારી દીકરીએ હજુ ઘરમાં કંઈ વાત નથી કરી ? અમે તો ફોનની રાહ જોઈને બેઠાં હતાં. ફોન ના આવ્યો એટલે લાગ્યું કે કંઈક લોચો છે. સુકુમાર અને એના પપ્પાને કારમાં નીચે જ બેસવાનું કહીને હું ઉપર આવી અને તારા દર્શન થયા એટલે મારી ચિંતા ટળી. તારી દીકરી મારા ઘરમાં આવે એનાથી રૂડું શું ?''
આરતી હજુય વિસ્મયથી તાકી રહી હતી એટલે ગાયત્રીએ ફોડ પાડયો. '' ઘેરથી ભાગીને મેં સુકુમારના પપ્પા સાથે લગ્ન કર્યાં હતાં. અમારા ઘરની સામે જ એમના મામાનો બંગલો હતો. દરેક વેકેશનમાં એ ત્યાં આવે એમાં અમારી જોડી જામી ગઈ. બાપા સંમતિ નહીં આપે એ ખબર હતી એટલે ભાગીને લગ્ન કરેલાં…''
પર્સમાંથી મોબાઈલ કાઢીને એણે પતિને વધામણી આપી. '' ફટાફટ ત્રીજે માળ ત્રણસો બે નંબરના ફલેટમાં આવી જાવ. મીઠાઈના બોક્સમાં જ દાગીનાનું નાનું બોક્સ છે એ સાચવીને લેતા આવજો. કન્યાની મા તો મારી ખાસ બહેનપણી જ નીકળી. જલ્દી આવો પછી વાત કરું.''
એ વાત પતાવીને એણે આરતી સામે જોયું. '' ક્યાં છે તારી દીકરી ? મારા સુકુમારે કેવી હીરોઈન પસંદ કરી છે એ તો જોવા દે !''
આરતી અંદર જઈને નિરાલીને બોલાવી લાવી. નિરાલીએ ઝૂકીને ગાયત્રીનો ચરણસ્પર્શ કર્યો. એને ઊભી કરીને ગાયત્રી વહાલથી ભેટી પડી.
મીઠાઈનું બોક્સ લઈને બાપ-દીકરો ઉપર આવી ગયા હતા. સુકુમારને જોઈને આરતી અને જસુભાઈના ચહેરા ઉપર રાજીપો અને સંતોષ છલકાતો હતો. પરસ્પર પરિચય પછી એકબીજાને મીઠાઈ ખવડાવતી વખતે ઓરડામાં મીઠી મધુરી ખુશી છલકાતી હતી.
મહેમાનો સામે જોઈને આરતીએ ફોન માટે ખુલાસો કર્યો. '' નિરાલીએ કહ્યું ત્યારે ઝાટકો લાગેલો, પણ મારા ઉપર ગઈ છે એટલે એની પસંદગી કાચી ના હોય એટલી શ્રદ્ધા હતી. છોકરો એને ગમતો હોય અને પાણીદાર હોય એટલે ભયોભયો. એ સોની હોય કે સુથાર, નિરાલીને સાચવે એવો હોય એટલે ગંગા નાહ્યા… '' એણે જસુભાઈ સામે નજર કરી. ''બ્રાહ્મણ સિવાયના છોકરાની વાત સાંભળીને આ સાહેબ ભડક્યા. નિરાલીને તતડાવીને એમણે મોબાઈલ જપ્ત કરી લીધો, એટલે અમે મા-દીકરી લાચાર હતા ! ''
પોતાને આગળ ધરીને આરતી બિન્દાસ બનીને જુઠ્ઠું બોલી રહી હતી. એ છતાં, હૈયામાં ચચરાટને બદલે સુખડના શીતળ લેપની અનુભૂતિ અત્યારે જસુભાઈને થતી હતી.
(શીર્ષક પંક્તિ : લેખક)




