લુંટારા સામે જીતી ગઈ માનવતા

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'દવા શરીરને બચાવે છે, પરંતુ માનવતા આત્માને બચાવે છે.'
રા ત્રિના અગિયાર વાગ્યા હતા. અમાસની કાળી રાત હતી. આકાશમાં ચંદ્રનો અણસાર પણ નહોતો. હાઇવે પર ક્યારેક કોઈ ટ્રક કે કાર પસાર થતી ત્યારે જ થોડી ક્ષણો માટે પ્રકાશ ફેલાતો અને ફરી ચારે તરફ ઘોર અંધકાર છવાઈ જતો. શહેરનાં પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાત ડૉ. અશોક શાહ અને તેમના પત્ની અનીતાબેન હાઇવેની બાજુમાં વાહનની રાહ જોઈ રહ્યા હતા. અનિતાબેનના પિતાને ગામમાં અચાનક ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. ગામમાં કોઈ નિષ્ણાત ડૉક્ટર નહોતો, તેથી સમાચાર મળતા જ ડૉ. શાહ દવાની બેગ લઈને નીકળી પડયા હતા.
તેમની કાર રસ્તામાં જ બગડી ગઈ. ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કાર ચાલુ ન થઈ. સમય જતો હતો અને દર્દીની દરેક મિનિટ કિંમતી હતી. બંનેએ નક્કી કર્યું કે જે વાહન મળે તેમાં લિફ્ટ લઈને ગામ પહોંચવું.
તે દિવસે સાંજે તેમના શહેરમાં મિત્રના દીકરાના લગ્ન હતા. સહુ લગ્નની મજા માણી રહ્યા હતા, ત્યાં અનીતાની મમ્મીનો મોબાઈલ રણકી ઉઠયો, 'બેટા, તારા પપ્પાને છાતીમાં દુખાવો ઉપાડયો છે અને બેભાન થઇ પડી ગયા છે, તમે બંને જલ્દી આવો.'
અનિતાબેન લગ્ન પ્રસંગમાંથી સીધા જ નીકળ્યા હોવાથી તેમણે હીરા અને સોનાના કિંમતી દાગીના પહેર્યા હતાં. તેમને બદલવાનો સમય પણ મળ્યો નહોતો. બંને સીધા જ ગાડીમાં બેસી નીકળી ગયા. ડૉ. અશોકની મેડીકલ બેગ ગાડીમાં જ હતી.
થોડી વાર પછી દૂરથી એક મોટી કાળી એસયુવી આવતી દેખાઈ. ડૉ. શાહે હાથ ઊંચો કરીને સંકેત આપ્યો. કાર તેમની પાસે આવીને ઊભી રહી. અંદર ત્રણ યુવાનો બેઠા હતા.
'શું વાત છે સાહેબ?' ડ્રાઇવરે પૂછયું. ડૉ. શાહે પરિસ્થિતિ સમજાવી. 'અમને અહી નજીકમાં જ અમારું ગામ છે, ત્યાં સુધી લઈ જશો? મારા સસરાને હાર્ટ એટેક આવ્યો છે. તરત જ પહોંચવું જરૂરી છે.'
'બેસી જાઓ, અમે એ જ તરફ જઈ રહ્યા છીએ.' બંનેએ ભગવાનનો આભાર માન્યો અને કારમાં બેસી ગયા. થોડા સમય સુધી સામાન્ય વાતચીત ચાલી. પરંતુ પાછળ બેઠેલા બે યુવાનોની નજર વારંવાર અનિતાબેનના દાગીના પર જતી હતી. તેમની આંખોમાં લુંટવાની લાલચ સ્પષ્ટ દેખાતી હતી.
એકે ધીમેથી બીજાને કહ્યું, 'આજે તો મોટો માલ હાથમાં આવ્યો છે.'
થોડીવારમાં કાર હાઇવે છોડીને એક સૂમસામ કાચા રસ્તા પર વળી ગઈ.
ડૉ. શાહે પૂછયું, 'અરે, આ રસ્તો તો અમારા ગામ તરફ નથી જતો.'
ડ્રાઇવરે ખોટું સ્મિત કરીને કહ્યું, 'સાહેબ, ચિંતા ના કરશો, આ શોર્ટકટ રસ્તો છે.'
થોડું આગળ જઈને કાર એકદમ એકાંત જગ્યાએ ઊભી રહી. અચાનક પાછળ બેઠેલો એક માણસ એકદમ આગળ આવી છરી કાઢીને બોલ્યો, 'જે કંઈ દાગીના અને પૈસા હોય તે શાંતિથી આપી દો. અવાજ કર્યો તો બંનેને જીવતા નહીં છોડીએ.' અચાનક લુંટારાનાં હુમલાથી બંને હેબતાઈ ગયા.
અનિતાબેનનો ચહેરો પીળો પડી ગયો. તેમના હાથ કંપવા લાગ્યા. ડૉ. શાહ શાંત રહ્યા. 'ભાઈ, જે જોઈએ તે લઈ લો. પણ અમને જવા દો. એક દર્દી જીવ અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો છે.' પણ ગુંડાઓ પર તેમની વિનંતીની કોઈ અસર ન થઈ. તેઓ દાગીના ઉતારવા આગળ વધ્યા.
એવામાં અચાનક એક ગુંડાને છાતીમાં દુખાવો થતા પોતાની છાતી પકડી બુમો પાડવા લાગ્યો.
'અરે… બચાવો… મારી છાતી… બહુ દુખે છે…' તે જમીન પર પડી ગયો. તેના ચહેરા પર પરસેવો વળી ગયો. શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. બાકીના બે ગુંડા ગભરાઈ ગયા. 'અરે રવિને આ શું થયું?' રવિ પીડાથી ચીસો પાડી રહ્યો હતો.
ડૉ. શાહે એક નજર કરતાં જ સમજી લીધું કે ગંભીર હાર્ટ એટેક અથવા જીવલેણ હૃદયની કોઈ તકલીફ હોઈ શકે. એક ક્ષણ માટે અનિતાબેને ધીમેથી કહ્યું, 'આ લોકો આપણને લૂંટવા આવ્યા છે. તેમને એમના હાલ પર છોડી દો.'
ડૉ. શાહ થોડી ક્ષણ મૌન રહ્યા. પછી ખૂબ શાંતિથી બોલ્યા, 'આ ક્ષણે તે ગુંડો નથી, દર્દી છે. અને હું પહેલા ડૉક્ટર છું.' તેઓ તરત જ પોતાની દવાની બેગ લીધી. ગુંડાઓ આશ્ચર્યથી જોતાં રહ્યા. આમને લુંટવાનું વિચારતા હતા પણ આ તો આપણો મદદગાર બનીને રવિની સારવાર કરી રહ્યા છે.
ડૉ. શાહે ઝડપથી નાડી તપાસી, બ્લડ પ્રેશર જોયું અને જરૂરી દવા આપી. ઓક્સિજનની સગવડ ન હતી, પરંતુ ઇમરજન્સીની જીભ નીચે રાખવાની ગોળી આપી અને અન્ય જરૂરી સારવાર શરૂ કરી.
થોડી મિનિટોમાં રવિનો શ્વાસ ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યો. છાતીનો દુખાવો ઓછો થવા લાગ્યો. તે ધીમેથી બેઠો થઈ ગયો. ત્રણેય ગુંડાઓને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો.
જે માણસને તેઓ થોડીવાર પહેલાં મારી નાખવાની તૈયારીમાં હતા, એ જ માણસે પોતાના જીવની પરવા કર્યા વગર તેમના સાથીનો જીવ બચાવ્યો હતો.
રવિની આંખોમાં આંસુ આવી ગયા. તે ડૉ. શાહના પગમાં પડી ગયો. 'સાહેબ… અમે પાપી છીએ. અમને માફ કરો.'
બીજા બંને સાથી પણ રડમસ થઇ પગે પડી ગયા. 'આજે સમજાયું કે સાચો ડોક્ટર કોણ હોય છે.'
ડૉ. શાહે તેમને ઊભા કર્યા. 'પગે ન પડો. જીવનમાં ભૂલ કોઈથી પણ થાય. પરંતુ એમાંથી શીખવું એ જ સાચી બહાદુરી છે.'
એક ગુંડાએ રડતા રડતા કહ્યું, 'સાહેબ, અમે ગરીબીમાં ખોટા રસ્તે ચડી ગયા. આજે તમે રવિનો જીવ બચાવ્યો છે. આજથી અમે આ ગુનાની દુનિયા છોડી દઈશું.'
ડૉ. શાહે કહ્યું, 'વચન આપો કે આજ પછી કોઈ નિર્દોષ માણસને ક્યારેય હેરાન નહીં કરો.'
ત્રણેયે હાથ જોડીને કહ્યું, 'ભગવાનને સાક્ષી રાખીને વચન આપીએ છીએ.' પછી તેમણે તમામ દાગીના અને સામાન પાછો આપી દીધો. એટલું જ નહીં, પોતાની જ કારમાં ડૉ. શાહ અને અનિતાબેનને ઝડપથી ગામ સુધી પહોંચાડયા.
ગામ પહોંચતા જ ડૉ. શાહે પોતાના સસરાની સારવાર શરૂ કરી. સમયસર સારવાર મળતાં તેમનો જીવ પણ બચી ગયો. બહાર ઊભેલા ત્રણેય યુવાનો શાંતિથી આ બધું જોતા રહ્યા.જતાં પહેલાં તેમણે ફરી એકવાર ડૉ. શાહના ચરણ સ્પર્શ કર્યા. રવિ બોલ્યો, 'સાહેબ, આજે તમે માત્ર મારો જીવ જ નથી બચાવ્યો; અમારો અંતરાત્મા પણ જીવંત કરી દીધો.'
ડૉ. શાહ હસીને બોલ્યા, 'દવા શરીરને બચાવે છે, પરંતુ માનવતા આત્માને બચાવે છે.'
ત્રણેય યુવાનો એ દિવસ પછી ખરેખર ગુનાની દુનિયા છોડીને મહેનતની કમાણી કરવા લાગ્યા. વર્ષો પછી તેઓ સમાજસેવામાં જોડાયા અને અનેક ગરીબ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ કરવા લાગ્યા.
ડૉ. શાહને જ્યારે પણ તેઓ મળતા, ત્યારે એક જ વાત કહેતા- 'સાહેબ, તે કાળી રાત અમારા જીવનની સૌથી ઉજળી સવાર બની ગઈ.'
લાસ્ટ સ્ટ્રોક :
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. સાચો ડૉક્ટર દર્દીનો ચહેરો નથી જોતો, તેની પીડા જુએ છે. જે આપણું અહિત કરવા આવ્યો હોય, તેના પ્રત્યે પણ કરુણા રાખી શકાય તો એ જ સાચી મહાનતા છે. ક્ષમા, કરુણા અને ફરજનિષ્ઠા ઘણી વખત એવા હૃદયને પણ બદલી નાખે છે, જેને કાયદો કે ડર ક્યારેય બદલી શકતા નથી.




