Shatdal

બરતરફી માટે સેક્ડ શબ્દ કઈ રીતે પ્રચલિત થયો?

By GS Team
24 Nov 20265 mins read
બરતરફી માટે સેક્ડ શબ્દ કઈ રીતે પ્રચલિત થયો?
  • હરતાં ફરતાં-વિક્રમ વકીલ

બરતરફ કરાતી વ્યક્તિ માટે અંગ્રેજીમાં 'સેક્ડ' (SACKED) શબ્દ વપરાય છે. આ સેક્ડ શબ્દ કેમ વપરાતો હશે? સેક એટલે તો કોથળો એવો અર્થ થાય છે. ચીનના અમુક પ્રદેશમાં નાનીથી મોટી સાઇઝના કોથળા વપરાતા હતા. કેટલીક વખત પુરાણા ચીનમાં પત્ની બહુ કકળાટ કરે તો તેને કોથળામાં બાંધીને નદીમાં ફેંકી દેવાતી હતી. તે ઉપરથી સેક્ડ શબ્દ આવ્યો. તુર્કીમાં એક બોસ્ફોરસ નામનો જળમાર્ગ હતો તેમાં તુર્કી લોકો વણગમતી સ્ત્રીને કોથળામાં બાંધીને ફેંકી દેતા. યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં મજૂરોની તંગી હતી. ખેતીવાડીમા મજૂરોને એક વર્ષ માટે કોન્ટ્રેક્ટથી રાખતા. પછી જ્યારે તેમને નોકરીમાંથી કાઢી મુકાય ત્યારે ખેડૂત-માલિક તરફથી મજૂરને એક કોથળો ભરીને તેની ઘરવખરી કે સામાન પાછો અપાતો. એટલે યુરોપમાં એ રીતે કોઈને રુખસદ અપાય ત્યારે સેક્ડ શબ્દ વપરાય છે.


ફક્ત બોફોર્સ નહીં, સમાજવાદી કાનૂન માટે પણ જાણીતો દેશ સ્વીડન
સ્વીડનને બોફોર્સના દેશ તરીકે આપણે જાણીએ છીએ. સ્વીડન તેના સમાજવાદી કાનૂન માટે જાણીતો છે. કામદાર બેકારો થાય કે વૃદ્ધ થાય ત્યારે તેને બેનમૂન સગવડો મળે છે. પેન્શનર કે અપંગ માણસ ટેક્સીમાં ફરે તે સરકારી ખર્ચે ફરે છે. એક વૃદ્ધાને તેની પુત્રીને મળવા વિમાનમાં જવું હતું તો સરકારે વિમાનની ટિકિટ અપાવી. કામદાર બીમાર પડે તો સરકારી ઇન્શ્યોરન્સ કંપનીને ફોન કરી દે છે. 'હું આજે ઑફિસે જતો નથી.' કામદારને ઘેર બેઠાં પગાર મળી જાય છે. કોઈ પેન્શનર વૃદ્ધા સાથે તેનો પતિ જાય તો તેને પણ વિમાન કે ટેક્સીનો ખર્ચ મળે છે. આવી એક વૃદ્ધાનો પતિ ચોરેલી મોટરનો વેપાર કરતો હતો. પતિ પકડાઈ ગયા પછી જેલમાં તેની મુલાકાતે જવાનો ખર્ચ વૃદ્ધાને સરકાર આપે છે.


યીસ્ટથી પણ રોગોની સારવાર શક્ય
લીલી વનસ્પતિની ઓળખ અને તેના દ્વારા રોગોની સારવારની વાતથી તો અનેક લોકો પરિચીત હશે, પરંતુ ફૂગ જેવી વનસ્પતિથી સારવાર થાય તેવું યીસ્ટનો ઇતિહાસ એવો છે કે એકવાર એક જાપાની બાઈ ચીનનાં કોઈ ગામમાં ગઈ હતી. ત્યાં તેણે જોયું કે ગામના ૪૦ ટકા લોકો ૯૦-૧૦૦ વર્ષના હતા. બાઇએ લોકોની ખાણીપીણી વિશે પૂછપરછ કરી તો તેને કંઈ વિશેષ લાગ્યુ નહીં, પરંતુ એક દિવસ સવારના તે ફરવા નીકળી તો મોટાભાગના ઘરોમાં કાળી ચ્હા જેવું કોઈ પીણું બધા પીતાં હતાં. તેણે એ લોકોને પૂછયું કે તે શું પીવે છે ત્યારે લોકોએ કહ્યું કે યીસ્ટની ચ્હા પીએ છીએ. એ જાપાનીઝ મહિલાને આ વાત કંઈક નવી લાગી એટલે તેણે પણ એ ચ્હા પીધી અને યીસ્ટ પર સંશોધન કરાવી જાપાનમાં જઈ તેનો પ્રયોગ કર્યો. તેના સંબંધી મિત્રોને યીસ્ટના ટુકડાઓ આપીને કહ્યું કે આ ટુકડાને એક કાચના વાસણમાં મૂકીને તેમાં ખાંડ નાખેલું કાળી ચ્હાનું પાણી નાખીને રાતભર મૂકી રાખજો અને બીજા દિવસે સવારે નયણા કોઠે એ પી લેજો. તમને એ ચ્હા કેવી લાગે છે અને તેની અસર શું જણાય છે તે મને કહેજો. ત્રીજા જ દિવસથી એ મહિલા પર મિત્રોના ફોન આવવા લાગ્યા. કોઈ કહે મને એનજી વધી હોય તેવું લાગે છે તો કોઈ કહે મારી કબજિયાત ઓછી થઈ રહી હોય તેવું લાગે છે. ત્યારબાદ તો ડાયાબીટીસ, બ્લડપ્રેશરની ફરિયાદ ધરાવતા લોકોને પણ તેમના રોગમાં સુધારો લાગવા માંડયો. એટલે એ મહિલાને વિશ્વાસ બેઠો કે આ વનસ્પતિમાં કંઈક ફાયદાકારક જરૂર છે. ત્યારબાદ તેમણે લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા તો જાણવા મળ્યું કે યીસ્ટમાંથી વીટામીન બી ઉપરાંત બીજાં ચાર વિટામીનો મળી રહે છે.


મહાન સંશોધકોની તરંગી હરકતો
દૂધને પેશ્ચોરાઇઝ કરીને તેને ટકાઉ બનાવવાની વિધિ શોધનારા લૂઇ પેશ્ચયોર દૂધને જંતુમુક્ત કરી શક્યા પણ પોતે જંતુઓથી બહુ ડરતા કોઈ સાથે હસ્તધૂનન કરતા નહીં અને જમવા બેસે ત્યારે વારંવાર ડિશ અને કાચનાં ગ્લાસને લૂછયા કરતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ ડરપોક હતા. તેઓ વિજ્ઞાન સિવાયની બાબતોથી મૂંઝાતા. આઇન્સ્ટાઇનને ઈઝરાયેલનું પ્રમુખપદ ઑફર થયું ત્યારે તેમણે કહ્યું, 'હું વિજ્ઞાનના પ્રોબ્લેમ ઉકેલી શકું, રાજકારણનો નહીં.' ગ્રેહામ ગ્રીન, થૉમસ આલ્વા ઍડિસન, જે.કે. ગેલબૅથ, બોબ ગેલડૉફ, એચ.જી. વૅલ્સ અને પી.જી. વૂડહાઉસ-ઍ તમામ મહાનુભાવો નોબેલ પ્રાઇઝને લાયક હતા છતાં તેમના તરંગી સ્વભાવને કારણે તેમને નોબેલ પારિતોષિક મળ્યાં નથી.


રોમન છાપ સિક્કા
એક જમાનો હતો જ્યારે દર ત્રીજો વ્યક્તિ દેશવિદેશની ટપાલટિકિટો કે સિક્કાઓનો સંગ્રહ કરતો. માત્ર સિક્કા સંગ્રાહકોને જ નહીં, પણ ઇતિહાસમાં થોડોઘણો રસ ધરાવતા હોય તેવા લોકોને પણ રસ પડે તેવા આ સમાચાર છે. ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ નગર નજીક એક ખેતરમાં બ્રાયન મેલિન નામનો માણસ ખોદકામ કરી રહ્યો હતો. અચાનક જ તેના હાથમાં, બાળવાર્તાઓમાં વાંચવા મળતું હોય છે તેમ, સિક્કાઓનો ચરુ હાથ લાગ્યો. પૂરા ૫૦૦૦ સિક્કા હતા. તે અલબત્ત, તાંબાના હતા, પણ સોના કરતાંય વધારે મૂલ્યવાન હતા. બ્રાયનને નવાઈ એ જોઈને લાગી કે બધા સિક્કા એકબીજા સાથે ચોંટી ગયા હતા. તે ખૂબ જૂના છે એ તો પહેલી જ નજરે દેખાઈ આવતું હતું. બ્રાયને આંખેઆખો ઘડો પુરાતત્ત્વવિદોને સોંપી દીધો. સિક્કાઓના બારીક પરીક્ષણ પછી જે તારણ સામે આવ્યું એનાથી તેમની આંખો પહોળી થઈ ગઈ. આ સિક્કા પોણા બે હજાર વર્ષ જૂના છે. ચોક્કસ સાલ કહીએ તો ઇસવી સન ૨૫૦ થી ૨૭૦ વચ્ચેના છે. સિક્કા પર જેનો ભેદી ચહેરો અકાયેલો છે તે 'રોમન સમ્રાટ' ડોમિશિઅન્સનો છે. ઇતિહાસકારોની થિયરી પ્રમાણે ડોમિશિઅન્સે બ્રિટન અને ફ્રાન્સ પર તે જમાનામાં 'રાજ' કર્યું હતું. આવો જ સિક્કો ૧૦૦ વર્ષ અગાઉ કોઈ ફ્રેન્ચ માણસને મળી આવ્યો હતો, પણ એને બનાવટી ગણી લેવામાં આવેલો. ઇંગ્લેન્ડમાંથી મળી આવેલા આ સિક્કા પરથી ફલિત થઈ ગયું છે કે ફ્રેન્ચ માણસે જેન્યુઇન સિક્કો જ પેશ કરેલો. કહે છે કે ડોમિશિઅન્સ ખૂબ ઘમંડી અને વિદ્રોહી હતો. પોતાને સમ્રાટ ગણાવીને એણે આવા સિક્કા બનાવડાવ્યા હતા. રાજદ્રોહ કરવા બદલ તેનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. ઇસવી સન ૨૫૦થી ૨૭૦ દરમિયાન રોમન સામ્રાજ્યમાં ઘણી ઉથલપાથલ થઈ હતી અને એક પછી એક પાંચેક સમ્રાટો ગાદી પર બેઠા હતા. બ્રાયને શોધી કાઢેલા ડોમિશિઅન્સના સિક્કા અત્યારે બ્રિટિશ મ્યુઝિમમાં મૂકવામાં આવ્યા છે.