Shatdal

કુર્ગીઓ કઈ રીતે દ્રવિડોથી અલગ છે?

By GS Team
13 Oct 20264 mins read
કુર્ગીઓ કઈ રીતે દ્રવિડોથી અલગ છે?
  • હરતાં ફરતાં-વિક્રમ વકીલ

કુર્ગીઓ કે જેમને કોડાવા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનો ઇતિહાસ રોમાંચિત કરે તેવો છે. પોશાક અને પ્રણાલિની રીતે કુર્ગીઓ દક્ષિણ ભારતની અન્ય પ્રજાથી સાવ અલગ પડે છે. તેઓ કુર્ગમાં ક્યાંથી ઊતરી આવ્યા અને તેમની ઉત્પત્તિનું સ્થળ કયું તે એક મોટું રહસ્ય છે. તેમનો ગૌર વર્ણ, ઊંચી કદાવર દેહયષ્ટિ તેમને દક્ષિણના દ્રવિડોથી અલગ પાડે છે. કેટલાક નૃવંશશાસ્ત્રી કહે છે કે કોંડાવા લોકો આર્યન પ્રજા છે જે ઉત્તર ભારતમાંથી સ્થળાંતર કરીને કુર્ગમાં પહોંચી હતી. એ થિયરી આગળ કહે છે કે તેઓ ઇસવીસન પૂર્વે ૩૨૭માં ભારત પર યુદ્ધ કરવા આવેલા સમ્રાટ સિકંદરના લશ્કરના વંશજો છે. સિકંદરનું લશ્કર લાંબો સમય યુદ્ધ કર્યા બાદ થાક્યું હતું અને તેના સિપાઇઓ પોતાના વતન ગ્રીસમાં પાછા ફરવાને બદલે ભારતમાં જ સ્થાયી થયા, અને કેટલાકે સ્થાનિક જાતિની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. ધીમેધીમે આ જૂથો દક્ષિણ તરફ વળ્યાં અને સમુદ્રના કિનારા પર છેક કુર્ગ સુધી સ્થાયી થયાં. બાકીની પ્રજા ભારતની પ્રજામાં ભળી ગઈ, પણ કુર્ગના પવર્તીય પ્રદેશોમાં જેઓ સ્થાયી થયા તેઓ બાકીના પ્રદેશોથી વિખૂટા પડી ગયા અને પોતાની અલગ ઓળખ જાળવી શક્યા. આજે પણ એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે કુર્ગ હજી બહારની દુનિયાથી અલગ રહ્યું છે.

વધુ પડતું વિટામિન પણ હાનિકારક
શું તમને વિટામિનની ગોળીઓ ગળવાની આદત છે? ચેતી જાઓ. ઇંગ્લેન્ડના ટાઇમ્સ અખબારે બ્રિટિશ ફૂડ સ્ટાન્ડર્ડ અજન્સી (ઍફઍસઍ)ને ટાંકીને એક અહેવાલ હતો જેનું મથાળું હતું : 'વિટામિન્સ કેન ડેમેજ યોર હેલ્થ' મીન્સ કે વિટામિન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. બીટા કેરોટીન, નિકોટિનીક ઍસિડ, ઝિન્ક, મેંગેનીઝ, ફોસ્ફરસ અને બી સિક્સ વગેરે ડાયેટરી સપ્લીમેન્ટ્સ લીવરને નુકસાન પહોંચાડી શકે છે, હાડકાં નબળાં પાડી શકે છે અને પેટમાં તાણ પેદા કરી શકે છે. વિટામિન 'સી' પણ પેડુના દુખાવા અને ઝાડાનું કારણ બની શકે છે. વિટામિનના ડોઝ વધુ પડતા પ્રમાણમાં લેવાતા હોય તો જ નુકસાન થાય છે, અન્યથા નહીં. જેમ કે, દિવસમાં માત્ર ૧૦ મિલીગ્રામ બી સિક્સ જ પેટમાં જવી જોઇએ. જો રોજ બસ્સો-બસ્સો મિલીગ્રામની ટેબ્લેટ ગળતા હો તો હાથ અને પગની સંવેદનશીલતાને ગંભીર નુકસાન થયું જ સમજો.


ડબલ લાઇફ જીવવાની વેદના
ડબલ લાઇફ, સ્પ્લીટ પર્સનાલિટી કે મલ્ટિપલ પર્સનાલિટી જેવાં વર્ણનો ઉત્તમ માનવીની વિચિત્ર વર્તણૂક માટે કરાય છે. મલ્ટિપલ પર્સનાલિટી ઘણી વખત માનસિક રોગનું લક્ષણ બને છે. મલ્ટિપલ પર્સનાલિટી એક રોગ બને છે ત્યારે એ હાલતમાં માણસ અઘટિત વર્તણૂક કરે તેનું તેને ભાન રહેતું નથી. શરૂના તબક્કામાં તેનું વિરોધાભાસી વ્યક્તિત્વ હોય છે. મલ્ટિપલ પર્સનાલિટી પેદા થવાના ઘણાં કારણ છે. સૌ પ્રથમ તો મગજના ચોક્કસ બે ભાગ છે અને દરેક ભાગની કામગીરી અલગ અલગ છે. મગજનો એક ભાગ ઇમ્પલઝીવ એટલે કે આવેગથી કામ કરનારો જંગલી જેવો હોય. સ્વાર્થી હોય છે. બીજા ભાગ સર્જનશીલ કે સારું કામ કરનારો હોય છે. એક યુવાન બે નંબરી ધંધો કરે છે. લાખો રૂપિયા કમાય પણ તેને ડંખ રહે છે કે હજારો ગરીબ લોકોનાં નાણાં જુગારમાં મુકાય છે એ તેની આવક બને છે. આ અપરાધભાવથી પીડાઇને તે મંદિરોમાં જાય. ધરમાદો કરે. સોમવારે શંકર, મંગળવારે ગણેશ, બુધવારે માહિમનાં ચર્ચમાં, ગુરુવારે સાંઇબાબા, શુક્રવારે સંતોષી મા, શનિવારે હનુમાન અને રવિવારે કોઈ પણ ચર્ચમાં જાય, પરંતુ સાંજ પડે એટલે મટકાના અડ્ડામાં ચાલ્યા જ જાય. જૂની ફિલ્મ રાત ઔર દિનમાં નરગિસની આવી ડબલ પર્સનાલિટી દર્શાવી છે. દિવસે તે સુલક્ષણા હોય છે પણ રાત્રે તેના અપલક્ષણ બહાર આવે છે. માણસ કમ્પલઝીવલી એટલે કે ન ઇચ્છે છતાં ખરાબ વર્તણૂકમાં ફસાય ત્યારે જ તેને રોગ કહેવાય છે. બાકી તો સમાજમાં દરેક વ્યક્તિ ઓછે-વત્તે અંશે ડબલ લાઇફ જીવે છે.


મલેશિયા અને ઇસ્લામ
મલયેશિયાનો સત્તાવાર ધર્મ ઇસ્લામ છે. તેના કેલાંન્તન્ રાજ્યમાં શેરિયાનો (શરિયતનો) કડક કાનૂન ચાલે છે. આ રાજ્યના કોટાભારુ શહેરમાં એક મુસ્લિમ યુવતી તેના ચીની બોયફ્રેન્ડ સાથે તેના ઘરમાં બેસીને ટેલિવિઝન જોતી હતી. બન્ને પ્રેમમાં પડેલાં એટલે અકબીજાની કમરમાં હાથ પરોવીને ટી.વી. જોતાં હતાં. રાજ્યની ધાર્મિક કાઉન્સિલના ચાર સભ્યોેએ આ ઘર પર છાપો માર્યો અને મુસ્લિમ છોકરી ઉપર 'ખલાવત'નો અપરાધ મૂક્યો. ખલાવત એટલે અપરણિત અવસ્થામાં કોઈ પુરુષને સ્પર્શ કરવાનો ગુનો.


સ્પર્ધામાં હળવી
બાઇસિકલનું તરખડ
જગતની સૌથી મોટી સાઇકલ સ્પર્ધા ટૂર-'દ-ફ્રાંસની હોય છે. એમાં આખા ફ્રાંસના નકશાને ભેદવાનો હોય છે. આલ્પસ અને પીરેની પર્વતો વીંધીને સાઇકલિસ્ટોએ જવાનું હોય છે. ગ્રેગ લેમોન્ડ નામનો અમેરિકન આ રેસને ૮૭ કલાક ૩૮ મિનિટ અને ૩૫ સેકન્ડમાં પૂરી કરીને જીત્યો હતો. તેની સરેરાશ ઝડપ કલાકની ૩૭.૧૪ કિલોમીટરની હતી. એટલે કે ભારતની ઘણી બાપુગાડી કરતાં વધુ ઝડપી હતી. નવાઇની વાત એ છે કે તેના પછી બીજે નંબરે આવનારા ફ્રેન્ચ યુવાન કરતાં આ અમેરિકન સાઇકલિસ્ટ માત્ર ૮ સેકન્ડ જ આગળ હતો. ટૂર 'દ ફ્રાંસની સ્પર્ધા વર્ષોથી ચાલે છે. તેમાં કયારેય આટલા સાંકડી તફાવતથી કોઈ જીત્યું નથી. જીતના સમયનો તફાવત સાંકડો થયો છે, કારણ કે સ્પર્ધકો નવી નવી ટેક્નોલોજીવાળી હળવામાં હળવી સાઇકલ બનાવીને વાપરે છે. 'બાઇસિકલ સાયન્સ' નામનું પુસ્તક પણ પ્રગટ થયું છે. તેમાં તારણ નીકળ્યું છે કે બાઇસિકલનું વજન વધુ હોય તેનાથી માત્ર પગ ઉપર આવતા જોરમાં એક ટકાનો જ ફેર પડે છે, પરંતુ મોટે ભાગે સાઇકલિસ્ટોએ પવનનો સામનો કરવો પડે છે. આમ છતાં સ્પર્ધામાં વપરાતી સાઇકલની ફ્રેમો લોખંડ કે ઍલ્યુમિનિયમને બદલે હવે મેગ્નેશિયમ ઍલોયની બનવા માંડી છે.