Shatdal

વર્તમાનને પારણે ઝૂલતા નવા વર્ષ તને નમસ્કાર

By GS Team
9 Nov 20265 mins read
વર્તમાનને પારણે ઝૂલતા નવા વર્ષ તને નમસ્કાર
  • એક જ દે ચિનગારી-શશિન્
  • નવું વર્ષ માણસને પોતાનું વાસીપણું ત્યજવાનો પેગામ લઇને આપણી સમક્ષ હાજર થાય છે.

વી તેલા વર્ષને અતીતના ખોળે સૂતેલાં વર્ષોની પંક્તિમાં બેસાડીને આપણે આરંભીએ છીએ આશા, ઉલ્લાસ, અને પ્રસન્નતાનું પાથેય લઇને જીવનની નૂતન યાત્રા.
નવું વર્ષ કે નવું પર્વ માણસને પોતાનું વાસીપણું ત્યજવાનો પેગામ લઇને આપણી સમક્ષ હાજર થાય છે.
જર્જરિત માયન્તાઓ ને રુઢિઓ જૂનવાણી અને સંકુચિત વિચારો, આંતરિક જડતા અને સ્વાર્થની બેડીઓમાં જકડાઈને કુંડાળા ફર્યા કરવાની વૃત્તિ આ બધું માણસના જીવનને બંધિયાર અને મલીન બનાવે છે. માણસ અંધકારને વરદાન માને તો પ્રકાશના કિરણના સ્વાગતની વૃત્તિ એનામાં ક્યાંથી ટકે ? અંદર નવો પ્રકાશ અને પમરાટ પ્રગટાવવાના કોડ વગર જલાવાતાં ઢગલાબંધ કોડિયાં અને કૃત્રિમ પ્રકાશની રોશની એ બાહ્ય ઉપક્રમ સાબિત થવાનાં. કશુંક નવા જન્માવવા માટે માણસમાં સાહસ, મર્દાનગી, સંકલ્પબધ્ધતા, અને એ માટેની દાનત જોઇએ.
સદીઓ વીતી ગઈ, યુગો ય આળસ મરડીને નામશેષ થઇ ગયા, તોય આદમજાતને આદમીની જેમ જીવતાં ન આવડયું, એમાં દોષ કોનો ? કાળનો પડકાર આપણે ઝીલી શકીશું ખરા ? ખીલવાના મોકાને અભાવે અકાળે મૂરઝાતાં ફૂલોને આપણે બચાવી શકીશું ખરા ?
નૂતન વર્ષ શક્તિ અને સામર્થ્યનું વર્ષ બને, સ્નેહની શરતહીન લહાણીનું વર્ષ બને, આત્મવિશ્લેષણ અને આત્મ જાગૃતિનું વર્ષ બને, અને જીવનની પ્રત્યેક ક્ષણને નવીનતાના અનુભવથી છલકાતું મલકાતું બનાવે, એથી રૂડી કામના શી હોઈ શકે ? વર્તમાનને પારણે ઝૂલતા વર્ષ તને નમસ્કાર. ભાવિની આંખે ભળતાં વર્ષ તને નમસ્કાર !
નવું વર્ષ એ શબ્દ કાળગ્રસ્ત છે. આજનું નવું વર્ષ આવતા વર્ષે જૂનું થઇ જશે. એટલે તરોતાજા અને નવા માનવી તરીકે આપણે જીવનની સજ્જતા કેળવવાની છે. નૂતન વર્ષે આપણે ઇશ્વરને પ્રાર્થના કરતી વખતે ઘણું બધું માગીએ છીએ આપણી પણ ફરજ છે કે નૂતન વર્ષને આપણા તરફથી કોઈ ભેટ આપીએ.
નવા વર્ષને તમે કઇ કઇ ભેટ આપશો ?
૧. પવિત્રતા, નેકી, સદાચાર અને પ્રેમ તથા સેવા.
૨. કોઇની કૂથળી કે નિંદા કરવી નહીં, તમારું બૂરું કરનારને પણ ક્ષમા આપજો. ૩. તમારી આવકમાંથી અનુકૂળ હિસ્સો ગુપ્તદાન તરીકે આપજો.
૪. ઇશ્વર તમારો પ્રેમાળ પિતા છે તેવું માનજો.
૫. તમારી પત્ની, પરિવાર, મિત્ર અને સમગ્ર વિશ્વને ઇજ્જત, લાગણી અને માનવતાભર્યા વ્યવહારની ભેટ આપજો.
નૂતન વર્ષે કયા કયા સંકલ્પ લેશો ?
૧. હું સત્યનિષ્ઠ રહીશ.
૨. મન-વચન-કર્મથી હું પવિત્ર રહીશ.
૩. હું હંમેસા સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીશ.
૪. મારું ચારિત્ર્ય શુધ્ધ રાખીશ.
૫. હું સર્વધર્મો પ્રત્યે સમભાવ રાખીશ.
૬. હું ભ્રષ્ટાચાર કરીશ નહીં.
૬. હું વાતો ઓછી કરીશ અને કામ વધારે કરીશ.
૮. હું ભગવાન સમક્ષ ગરીબડો નહીં પણ સમર્થ પુત્ર તરીકે ઉપસ્થિત રહીશ.
૯. જીવનમાં નિરાશા, હતાશા અને પરાજયને પ્રવેશવા નહીં દઉં.
૧૦. હું ઇર્ષ્યા, અને દ્વેષ ને બદલે પ્રેમ અને સેવાને જીવનમાં સર્વોપરી સ્થાન આપીશ.
૧૧. હું વાસી નહીં, પણ દરરોજ મારામાં એક નવા તાજા માણસને જન્માવીશ.
૧૨. કઠોરતાને બદલે મૃદુતા અને મધુરતાથી બીજાને પ્રસન્ન રાખીશ.
૧૩. માણસાઈ લજવાય, એવું એક પણ કામ નહીં કરું.
૧૪. હું લાભ અને લોભને બદલે શુભ અને ન્યાયને મહત્વ આપીશ.
૧૫. વિકટ સંજોગોમાં પણ જીવન પ્રત્યે નફરતનો ભાવ મારા મનમાં પેદા નહીં થવા દઉં. શ્રધ્ધા, વિશ્વાસ અને સકારાત્મક ભાવ મારું જીવનબળ હશે.
માણસના જીવનમાં અર્થનું સ્થાન બીજા નંબરનું છે. અર્થ એટલે લક્ષ્મી. માણસ સુખસંપત્તિ, સમૃદ્ધિ, આયુષ્ય આરોગ્ય, પુત્ર-પૌત્રાદિક પરિવાર, ધનધાન્ય વિપુલતા વગેરે માટે લક્ષ્મીની ઉપાસના કરે છે. લક્ષ્મી અથવા ધન એ ધર્મ એટલે કે નૈતિકતા, પવિત્રતા, સદાચારનું સાધન બનવી જોઇએ. શુધ્ધતા એટલે લક્ષ્મી અને અશુધ્ધતા એટલે અલક્ષ્મી આજે સર્વત્ર અલક્ષ્મી ધારી એટલે કે ચારિત્ર્યભ્રષ્ટ, નીતિભ્રષ્ટ અને માનવતાભ્રષ્ટ લોકોની બોલબાલા છે.
નૂતન વર્ષમાં શુધ્ધ લક્ષ્મી પ્રાપ્તિની બાબતમાં કઇ પાંચ બાબતો યાદ રાખવી જોઇએ ?
૧. પરસેવાથી રળેલી લક્ષ્મીમાં સુગંધનો આનંદ હોય છે. અશુધ્ધિ રાહે મેળવેલી લક્ષ્મીમાં અશાંતિની દુર્ગંધ. સન્માર્ગે વાપરી શકાય એ શુધ્ધ લક્ષ્મી.
૨. કહેવામાં આવ્યું છે કે માણસ પોતાના માટે વાપરે તે લક્ષ્મી અને બીજા માટે વાપરે તે મહાલક્ષ્મી.
૩. કસોટીની પળે પણ લક્ષ્મીની નિંદા ન કરવી.
૪. ધનનો નહીં ધર્મ અને સત્યનો વિજય મારે શિરે લખાય એવું માનવું એ જ સાચી પ્રાર્થના. એજ વિજયલક્ષ્મી.
૫. લક્ષ્મીને માથે બેસાડશો, તો એ બુધ્ધિ બગાડશે. અને હૃદયમાં બેસાડશો તો તમને ઉગારશે એ વિવેકલક્ષ્મી.
નવા વર્ષને ઉજ્જવળ બનાવવા માટે યાદ રાખવા જેવા છ બોધપાઠો
૧. જીવન પ્રત્યેના સકારાત્મક દ્રષ્ટિકોણ કદી ન છોડશો.
૨. જીવનની પાઠશાળાના વિદ્યાર્થી બની દરેક અનુભવમાંથી કશુંક શીખવાનો પ્રયત્ન કરો.
૩. વિપરિત પરિસ્થિતિમાં જાત, જગત કે જગન્નિયાતની નિંદા કરવાને બદલે પડકારો ઝીલવા જાતને મજબૂત બનાવો.
૪. મન અને હૃદયને વિશાળ બનાવી પ્રેમની ગંગાને અબાધ ગતિએ વહેવાનો મોકો આપો.
૫. સ્વજનો, પરિવારજનો, મિત્રો કે સમાજ સાથે લેણદારનો નહીં, દેણદારનો સંબંધ રાખી સંબંધનું ઋણ અદા કરો.
૬. જીવનમાં શ્રધ્ધા અને આધ્યાત્મિકતા વધારી ત્યાગ અને સમર્પણ દ્વારા જીવનને ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કરો.
નવા વર્ષે કોને કોને થેન્ક યુ કહેવું જોઇએ ?
૧. જીવનનું વરદાન આપનાર પરમાત્માને.
૨. પાલનહાર માતા-પિતા અને ઘરમાં અન્ય વડીલોને.
૩. તમારી સેવા કરનાર નોકર, રસોઇયો, ડ્રાઈવર, માળી તમારા વાળંદ અને ધોબીને.
૪. તમારા સ્વીપર અને રસ્તા પરનો કચરો દૂર કરનાર સફાઈ કામદારને.
૫. તમારા શિક્ષક, પવિત્ર ધર્મગુરુ, પવિત્ર ભૂદેવ, પવિત્ર સંતને, કાગળ, બોલપેન, પુસ્તકો અને પુસ્તક વિક્રેતાઓને.
૬. તમારાં સઘળાં સ્વજનો અને પડોશીઓને.
૭. તમને દૂધ પૂરું પાડનાર દૂધ-વિક્રેતા અને ગાય-ભેંસને.
૮. તમને અખબાર પૂરું પાડનાર ફેરિયાને, અખબાર માલિકોને.
૯. તમને વિવિધ સેવાઓ પૂરી પાડનાર મેયર, સરપંચ અને રાજ્યના રાજ્યપાલશ્રી, તથા રાજ્યના શાસકને.
૧૦. બગીચાના વૃક્ષો અને ફૂલોને.
૧૧. દિવસ ઉજાળનાર સૂરજને અને શીતળ કિરણો રેલાવનાર ચંદ્રને.
૧૨. અણીના સમયે મદદરૂપ થનાર મિત્રોને.
૧૩. પાણી આપનાર નદીઓ, તળાવોને. ૧૪. તમારી આસ્થાનાં કેન્દ્ર દેવસ્થાનો અને પ્રેરક ધર્મગ્રંથને.
૧૫. તમારા દેશ અને રક્ષક સૈનિકોને પોલિસદળને, માનવકલ્યાણલક્ષી શોધો કરનાર વૈજ્ઞાાનિકોને તથા દેશ માટે કુરબાન થનાર શહીદોને વંદન.
૧૬. બિમારીમાં તમારી સારવાર કરનાર ડૉક્ટર્સ અને નર્સને.
નૂતન વર્ષ હર્ષ, ઉલ્લાસનું વર્ષ બને.