Shatdal

ગ્રે ડિવોર્સ : આખી જિંદગી પરિવાર માટે જીવેલો પુરુષ અંતે એકલો કેમ પડી જાય છે?

By GS Team
18 Aug 20267 mins read
ગ્રે ડિવોર્સ : આખી જિંદગી પરિવાર માટે જીવેલો પુરુષ અંતે એકલો કેમ પડી જાય છે?
  • વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
  • પતિ કે પિતા નહીં… માત્ર એ.ટી.એમ. મશીન બની ગયેલા પુરુષોની આ કરુણ કથા છે. આ લેખ એ લાખ્ખો પુરુષોની વાત કરે છે, જેઓ આખી જિંદગી પરિવાર માટે જીવ્યા, પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમનું પોતાનું જ ઘર તેમના માટે અજાણ્યું બની ગયું.

છૂ ટાછેડા પહેલાં યુવાન દંપતિઓમાં થતા હતા. આજે એક નવો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે-ગ્રે ડિવોર્સ (Grey Divorce) એટલે કે સફેદ વાળના દંપતીના થતા એટલે કે પચાસ વર્ષ કે તેથી વધુ ઉંમરે થતા છૂટાછેડા. જોકે કેટલાક ઘરોમાં વાત છુટાછેડા સુધી નથી પહોંચતી પણ પત્ની અને બાળકો પતિથી અલગ થઇ જાય છે. આજકાલ આવા કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. માત્ર અમેરિકા, બ્રિટન કે અન્ય વિકસિત દેશોમાં જ નહિ ભારતમાં પણ મોટી ઉંમરના દંપતીઓના છુટાછેડા કે જુદા પડવાનાના કેસીસ મનોચિકિત્સકોના કલીનીક અને ફેમીલી કોર્ટોમાં વધતા જાય છે. આ ગંભીર સમસ્યાની થોડીક વાતો આજે કરીશું.
સમાજમાં જ્યારે પણ ગ્રે ડિવોર્સની ચર્ચા થાય છે ત્યારે મોટાભાગે સ્ત્રીની પીડા, તેના પર આખી જીંદગી થયેલા દમન અને તેની સ્વતંત્રતાની વાત થાય છે. આ ચર્ચા જરૂરી છે. પરંતુ એક બીજું સત્ય પણ છે, જેના વિશે બહુ ઓછું બોલાય છે તે છે વૃદ્ધાવસ્થામાં પુરુષની એકલતા.
આ લેખ એ લાખ્ખો પુરુષોની વાત કરે છે, જેઓ આખી જિંદગી પરિવાર માટે જીવ્યા, પરંતુ વૃદ્ધાવસ્થામાં પોતાનું જ ઘર તેમના માટે અજાણ્યું બની ગયું.
પિતૃસત્તાક સમાજમાં પુરુષની ભૂમિકા
ભારતીય સમાજમાં વર્ષોથી પુરુષને એવું શીખવવામાં આવ્યું છે કે 'તું કમાઈને લાવ, બાકીનું બધું ગૃહલક્ષ્મી સંભાળી લેશે.' આમ પુરુષની કિંમત તેના પ્રેમથી નહીં, પરંતુ તેના પગારથી માપવામાં આવતી હતી. તે સવારે સૌથી વહેલો નીકળે, રાત્રે સૌથી મોડો ઘરે આવે, ઓફિસનો તણાવ, બેંકની EMI, બાળકોની ફી, ઘરની લોન, માતા-પિતાની જવાબદારી. આ બધું તેના ખભા પર હોય છે. ઘરમાં તેની હાજરી ઓછી હોય છે. પણ તેની કમાણીથી જ આખું ઘર ચાલતું હોય છે. દુર્ભાગ્ય એ છે કે બાળકોને પિતાનો પરિશ્રમ દેખાતો નથી… માત્ર તેમની ગેરહાજરી દેખાય છે. જોકે અત્યારે સમય બદલાયો છે. સ્ત્રીઓ પણ કમાય છે તેવા કિસ્સાઓમાં થતા ગ્રે ડિવોર્સની ચર્ચા પણ કરીશું. આજે જનરેશન બેબી બુમર જે અત્યારે સિનીઅર સીટીઝન થઇ ચુકી છે તેની વાત કરીશું.
બાળપણથી જ પિતાની છબી કેવી બનાવવામાં આવે છે?
આપણે અજાણતાં જ બાળકોના મનમાં પિતાની એક ખાસ છબી ઊભી કરીએ છીએ.
'પપ્પા આવશે તો તારી ધુળ કાઢી નાખશે.'
'પપ્પાને કહી દઈશ.'
'પપ્પા બહુ ગુસ્સે થશે.'
આ કારણે, બાળક માટે પિતા પ્રેમનું નહીં… પણ સજાનું પ્રતિક બની જાય છે.
જ્યારે મમ્મી દિવસભર સાથે હોય છે. તે પ્રેમ અને હૂફ આપનાર વ્યક્તિ બની જાય છે.
અને પિતા માત્ર નિયમ બનાવનાર અને સજા આપનાર વ્યક્તિ બની જાય છે. વર્ષો સુધી આ સંદેશ બાળકના મનમાં ઊંડો ને ઊંડો ઉતરતો રહે છે.
પત્નીની વેદના બાળકો સુધી પહોંચે છે કે પોતે પહોંચાડે છે.
ઘણી વખત પત્ની પોતાની પીડા બાળકો સાથે વહેંચે છે.
'તમારા પપ્પા મને સમય આપતા નથી.'
'મારી કોઈ કિંમત જ નથી.'
'બધું પૈસા માટે જ છે.'
'મારી સાથે ક્યારેય બહાર ફરવા નથી આવતા.'
બાળકો એક જ પક્ષ સાંભળે છે. તેમને પિતાને ઓફિસમાં મળતા અપમાન, વ્યવસાયનું દબાણ, લોનની ચિંતા, રાત્રે ઊંઘ વગર પસાર કરેલી રાતો. આ બધું ક્યારેય દેખાતું નથી. તેમના મનમાં ધીમે ધીમે એક જ છબી બને છે- 'પપ્પા ખરાબ માણસ છે.'
પિતા પ્રેમ વ્યક્ત કરી શકતો નથી
ભારતીય પુરુષને બાળપણથી જ શીખવવામાં આવે છે- 'પુરુષ રડતો નથી.' 'લાગણી બતાવવી નબળાઈ છે.' તે પ્રેમ કરે છે, પણ વ્યક્ત કરી શકતો નથી. તે રમકડાં ખરીદી આપે છે, પણ રમવા બેસી શકતો નથી. તે વિદેશ ફરવા લઈ જાય છે, પણ ફોટામાં સ્મિત ઓછું હોય છે. આ બધું જોઈ બાળકોને લાગે છે-
'પપ્પાને અમારી કાળજી જ નથી.' જ્યારે હકીકત એથી વિરુદ્ધ હોય છે.
નિવૃત્તિ પછી બધું બદલાઈ જાય છે
સાઠ-પાંસઠ વર્ષની ઉંમરે… બાળકો કમાવા લાગે છે. પિતાની આર્થિક જરૂરિયાત ઘટી જાય છે. જે વ્યક્તિ વર્ષો સુધી ઘરના કેન્દ્રમાં હતી…તે અચાનક બિનજરૂરી બની જાય છે. હવે ઘરમાં નવા વાક્યો સંભળાય છે.
'હવે તમારી જરૂર નથી.'
'તમે આખી જિંદગી અમને કંટ્રોલ જ કર્યા.'
'હવે અમે અમારી રીતે જીવીશું.'
પત્ની પણ વર્ષોનો દબાયેલો અસંતોષ બહાર કાઢે છે. ઘણી વખત બાળકો માતાના પક્ષમાં ઊભા રહે છે.
પુરુષને લાગે છે-
'આખી જિંદગી જેમના માટે જીવ્યો… એ જ લોકો આજે મારી સામે ઊભા છે.'
કેટલાક સત્ય ઉદાહરણો આપું છું.બાંસઠ વર્ષના તરુણભાઈએ ૩૫ વર્ષ સુધી દરરોજ ૧૨ કલાક સહકારી બેન્કમાં નોકરી કરી અને મેનેજર તરીકે નિવૃત્ત થયા. તેમણે બે દીકરાઓને વિદેશ ભણાવ્યા. પોતે ક્યારેય બ્રાન્ડેડ કપડાં પણ ખરીદ્યા નહીં. પણ દીકરાઓને જે જોઈતું હતું તે આપ્યું.
તેમની નિવૃત્તિ પછી પત્નીએ કહ્યું-
'હવે મારી જિંદગી હું મારી રીતે જીવવા માંગું છું.'
બંને દીકરાઓએ માતાનો સાથ આપ્યો.
આજે તેઓ ભાડાના ફ્લેટમાં એકલા રહે છે.
તરુણભાઈનો એક માત્ર પ્રશ્ન હતો, 'હું આખી જિંદગી કોના માટે જીવ્યો?'
પાંસઠ વર્ષના સુમેશભાઈ એક સફળ ઉદ્યોગપતિ હતા વ્યવસાય ઉભો કરવામાં તેમને ચાલીસ વર્ષ આકરો સંઘર્ષ કર્યો. રવિવારે પણ ઓફિસમાં કામ કરતા. તેમની પત્ની હંમેશા બાળકો સાથે જ રહેતા. બાળકોને પિતાનો સંઘર્ષ ક્યારેય ન સમજાયો. તેમણે તો એટલું જ જોયું કે મમ્મી અમારી ખુબ જ સંભાળ રાખે છે અને પપ્પાને અમારી પડી જ નથી. બાળકો મોટા થયા પછી તેઓ એવું દ્રઢ પણે માનતા હતા કે 'પપ્પાએ અમને ક્યારેય સમય આપ્યો નથી.' જ્યારે સંપત્તિ વહેંચવાની વાત આવી ત્યારે પિતા માત્ર ATM મશીન બની ગયા. મમ્મી અને બાળકો છુટા થયા. પતિ પત્ની એક બીજાથી અલગ થઇ ગયાં. થોડા મહિનામાં છૂટાછેડા થયા. વ્યવસાય બચી ગયો પણ પરિવાર તૂટી ગયો.
બકુલભાઈ એક સરકારી અધિકારી હતા. તેમની વારંવાર બદલી થતી. છોકરાંઓના ભણતરનો સવાલ હતો. એટલે પરિવાર એક શહેરમાં અને પિતા બીજા શહેરમાં રહેતા. તેમણે વર્ષો સુધી ફરજને પ્રાથમિકતા આપી. નિવૃત્તિ પછી ઘરે આવ્યા. પણ પોતાના જ ઘરમાં તેઓ પોતે મહેમાન હોય એવો એમને અનુભવ થયો. બાળકો સાથે કોઈ ભાવનાત્મક જોડાણ નહોતું. પત્ની સાથે વર્ષોની ફરિયાદો અને ઊંડા મતભેદો હતા. છેવટે અલગ રહેવાનું નક્કી થયું.
જીગ્નેશભાઈ એન. આર. આઈ. પિતા હતા વિદેશમાં તેમને ૨૫ વર્ષ તનતોડ મહેનત કરી. તેમણે પરિવારને મોંઘું ઘર, લક્ઝરી કાર, વિદેશ પ્રવાસો એમ દરેક સુવિધા આપી. પણ દીકરીએ એક વાર કહ્યું 'અમને પિતા નહીં… માત્ર પૈસા મળ્યા છે.' દીકરી પરણી ગઈ. તેની પહેલી સુવાવડ પછી માતા ત્યાં જ રહી ગઈ. પુત્રી અને પત્નીએ ભેગા થઈ છૂટાછેડા માંગ્યા. જીગ્નેશભાઈ કહેતા હતા કે 'મેં પૈસા કમાવામાં એટલો સમય આપ્યો કે… જે લોકો માટે કમાયો… તેમને જ ગુમાવી દીધા.'
પરિમલભાઈ એક સફળ ડોક્ટર હતા. દિવસ-રાત દર્દીઓ માટે ઉપલબ્ધ. પરિવાર માટે દરેક સુવિધા. બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ. પણ પત્ની અને બાળકોને લાગ્યું- 'તમે ક્યારેય અમારા માટે હાજર નહોતા.' ૬૫ વર્ષની ઉંમરે પત્નીએ છૂટાછેડાની માંગણી કરી. ડૉક્ટરે કહ્યું કે 'હું હજારો દર્દીઓને બચાવતો રહ્યો… પણ પોતાનો પરિવાર બચાવી શક્યો નહીં.'
અહી મેં પાંચ સત્ય ઉદાહરણો ટુંકમાં દર્શાવ્યા છે. પ્રશ્ન એ છે કે શું દરેક પુરુષ નિર્દોષ હોય છે? ના. ઘણા પુરુષો ખરેખર નિયંત્રણવાદી હોય છે. ઘરેલુ હિંસા કરે છે. દારૂ, વ્યભિચાર અને અપમાનજનક વર્તન કરે છે. એવા સંબંધોમાં છૂટાછેડા યોગ્ય અને જરૂરી બની શકે છે.પરંતુ એટલું જ સાચું એ પણ છે કે… દરેક મોટી ઉંમરના છૂટાછેડામાં પુરુષ જ ખલનાયક હોય છે એવું માનવું પણ અન્યાય છે. ઘણા પુરુષોએ લાગણી વ્યક્ત કરવાનું શીખ્યું જ નહોતું, કારણ કે કુટુંબ અને સમાજે તેમને માત્ર કમાણીનું સાધન જ બનાવ્યા હતા.
જીંદગી આખી સિંહની જેમ ગર્જના કરતા અને ખુમારીથી જીવેલા સેકડો પુરુષો આજે એકલા છે તેમને યોગ્ય કમ્પેનિયનની તલાશ છે. પણ પુરુષોને પાછલી ઉમરે એકલા પડતા અટકાવવા હવે શું બદલવાની જરૂર છે? પ્રથમ તો બાળકોને શીખવાડવું પડશે કે, પિતા માત્ર પૈસા કમાનાર નથી. પિતા પણ થાકે છે. પિતા પણ ડરે છે. પિતા પણ રડે છે. ફરક એટલો કે તેઓ ઘણી વખત એકલા રડે છે. પત્નીએ પોતાની પીડા વ્યક્ત કરવી જોઈએ, પરંતુ બાળકોને પતિ-પત્નીના સંઘર્ષમાં હથિયાર ન બનાવવાં જોઈએ.
પિતાએ પણ માત્ર કમાણી નહીં, સંબંધોમાં સમયનું રોકાણ કરવું જોઈએ. બાળકો સાથે રમવું, લાગણી વ્યક્ત કરવી, પત્નીને સાંભળવી, આ પણ એટલું જ જરૂરી છે જેટલું કમાવવું તથા કાર અને ઘર ખરીદવું કે વિદેશ યાત્રા પ્રવાસ કરવા.
ઘર માત્ર પૈસાથી નથી ટકતું અને માત્ર પ્રેમથી પણ નથી ટકતું. બંને જોઈએ છે. પરંતુ યાદ રાખજો, જે પુરુષ આખી જિંદગી પરિવાર માટે પોતાની ઇચ્છાઓનું બલિદાન આપે છે, તેની વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી જરૂરિયાત પૈસા નથી પણ માન, લાગણી અને સાથ છે.