લક્ષ્ય પ્રાપ્તિ

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'શેખર, તું કેમ સપનાં મેડમની ખેંચખેંચ કરે છે. તારે ને એને શું સંબંધ છે?'
'સ પના, તારે તો ગ્રેજ્યુએટ થઈને પણ ઘર જ ચાલાવવાનું છે, તો પછી આગળ ભણવાની શું જરૂર છે ?' સપનાના સસરા મહેશભાઈએ કહ્યું.
'પપ્પા, મારે તો બહુ જ ભણીગણીને આઈ.પી.એસ. ઓફિસર થવું છે.' સપનાએ જવાબ આપ્યો. 'પછીથી મહિલાઓની સુરક્ષા માટે સેવા કરવી છે.'
'તો અહીં ઘરનું ધ્યાન કોણ રાખશે ? ભણવાનું બંધ કરવું જ પડશે.' મહેશભાઈ મક્કમ હતા.
સપના હોશિયાર અને મહત્ત્વાકાંક્ષી છોકરી હતી. ગ્રેજ્યુએટ થતાં તેના માબાપે તેના લગ્ન શેખર સાથે કરી નાખ્યા. શેખર અને સપના લગ્ન પછી એકબીજાના પ્રેમમાં તરબોળ હતા, પણ શેખરના માબાપ રૂઢીચુસ્ત અને જુનવાણી વિચારધારાના હતા.
સસરા અને વહુના વાદવિવાદમાં શેખર શું બોલે? સપનાએ શેખર સામે જોયું, પણ તે તેના પપ્પા સામે થવા માંગતો નહોતો. સપના મૂંઝાઈ, હવે કરવું શું ? તેને શેખરના પ્રેમમાં કોઈ શંકા ન હતી, પણ આ બાબતે તેણે ટેકો તો આપવો જોઈએ ને !
અંતે સપનાએ છુટા થવાનું નક્કી કરી, ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી દીધી.
પોતાને પિયર પહોચી સપના પોતાના લક્ષ્ય માટે તડામાર તૈયારી કરવા લાગી. એકધારી મહેનત અને હોંશિયારી રંગ લાવી. સપના અંતે આઈ.પી.એસ.માં સફળ થઇ ગઈ અને તેનું પોસ્ટીંગ અમદાવાદ - વેસ્ટઝોનમાં એ.સી.પી. તરીકે થયું.
શેખરને ગ્રેજ્યુએટ થયા પછી માંડમાંડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર - પી.એસ.આઈ.ની નોકરી અમદાવાદમાં મળી. તેનું પોસ્ટીંગ પણ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં થયું.
નવા મહિલા એ.સી.પી. સપના મેડમ બહુ જ કડક અને લાંચરૂશ્વત વગરના શુધ્ધ હતા. આખો પોલીસ સ્ટાફ તેમનાથી ડરતો રહેતો. બધા જ પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેક્ટરો અને સબઇન્સ્પેક્ટરો નવા એ.સી.પી. મેડમને મળી સલામી મારી આવ્યા, પણ શેખર ત્યાં ગયો જ નહીં. બધા સ્ટાફના તેને પુછવા લાગ્યા, 'શેખર, તમે કેમ નવા મેડમને મળવા ન ગયા.' શેખરે કોઈ જવાબ ન આપ્યો. કોઈને ખબર નહોતી કે ત્રણ વરસ પહેલા મેડમ સપનાના લગ્ન શેખર સાથે જ થયેલા હતા. બન્ને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હતો, પણ હજી ફેંસલો આવ્યો ન હતો, શેખરે હજી તેમાં સહી કરી નહોતી. તેને મનમાં હજી પણ સપના માટે એટલો જ પ્રેમ ઉભરાતો
રહેતો હતો.
આખા વિસ્તારમાં દારુ અને જુગારના અડ્ડા ખુલ્લે આમ ચાલતા રહેતા. તેના હપ્તા આખા પોલીસ સ્ટાફ અને છેક એ.સી.પી. સાહેબ સુધી પહોચી જતા. સહુ આ ઉપલી આવકથી ખુશ હતા.
નવા મેડમે કોઇપણ લાંચ કે હપ્તો લેવાની સખત શબ્દોમાં ના પાડી દીધી. દારૂ અને જુગારની બદીથી કુટુંબમાં મહિલાઓ કેટલી બધી હેરાન થાય છે, તેનો તો વિચાર કરો. બધા પોલીસ સ્ટાફ ચિંતામાં પડી ગયા.
ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબે મેડમની બુરાઈ કરતા કહ્યું 'આ બધા ઢોંગ છે, મેડમ નખરા કરે છે.'
શેખર આ સાંભળી રહ્યો હતો. બીજા હવાલદારે કહ્યું. 'હવે શું કરવું છે ?'
વાઘેલા સાહેબે કહ્યું, 'તેને વધારે હપ્તો જોઈતો લાગે છે, હજુ નવી જ પોસ્ટીંગ છે, એટલે લાલચ વધારે છે.'
શેખર ચિડાયો, 'સાહેબ, મેડમ વિષે એલફેલ ના બોલો. તે બિલકુલ શુધ્ધ વિચારો ધરાવતી મહિલા અધિકારી છે.'
કોઈને તેમના જુના પતિપત્નીના સંબંધોની ખબર ન હતી, છૂટાછેડાનો કેસ ચાલુ હતો, પણ હજુ કોર્ટમાં છુટા થયા નહોતા.
તરત જ વાઘેલા સાહેબે ગુસ્સે થઈને કહ્યું 'શેખર, તું કેમ સપનાં મેડમની ખેંચખેંચ કરે છે. તારે ને એને શું સંબંધ છે?'
હવે શેખર બગડયો, 'તમારે એ જાણીને શું કામ છે ?' તેને અને ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબ અને બીજા પોલીસ સ્ટાફને જબરજસ્ત બોલાચાલી અને વિવાદ થઇ ગયો.
વાત વહેતી વહેતી સપના મેડમ સુધી પહોચી, તેમણે તરત જ શેખરને મોબાઈલ જોડયો, 'શેખર, તું મારા માટે શા માટે લડાઈ કરે છે, હવે આપણે તો છૂટા થઇ રહ્યા છીએ.'
'સપના, ભલે આપણે મારા માબાપને કારણે છુટા થયા, પણ મને હજુ તારા પ્રત્યે એટલો જ પ્રેમ, લાગણી છે, અને રહેશે.' કહેતાં કહેતાં શેખર ભાવુક થઇ ગયો. પોલીસ સ્ટેશનના સ્ટાફે અને વાઘેલા સાહેબે ઉપલી આવક બંધ થતા શેખરને સીધો કરવાનું કામ ચીમનચાકુને સોંપી દીધું. સાંજે શેખર ઘેર જતો હતો, ત્યાં ચીમનચાકુનાં ગુંડાઓએ તેને ઘેરીને હોકીથી ફ્રેકચર કરી દીધું. ચાર રસ્તા પર શેખર લંગડાતા પડયો હતો. એ ખબર સપના મેડમને મળતાં તરત જ તેના ડ્રાઈવર અને બોડીગાર્ડને બોલાવી જીપ કાઢી અને તત્કાલ દાખલ કરાવી દીધો. બધા જોતા રહી ગયા.
આખી રાત મેડમ તેની સાથે જ રહ્યા, ઓપરેશન પછી તેને વોર્ડમાં લાવતા મેડમ તેની બાજુમાં બેસી રહ્યા.
આખા પોલીસબેડામાં વાત ફેલાઈ ગઈ. બધા નવાઈ પામ્યા. એ.સી.પી. મેડમ એક પી.એસ.આઈ.ની સેવામાં કેમ લાગેલા છે, એ રહસ્ય કોઈને ના સમજાયું. સવારે શેખરે આંખ ખોલતા સામે સપનાને જોઈ શરમાઈ ગયો.
'શેખર, તારા બીબી બચ્ચા કેમ દેખાતા નથી ?' સપનામેડમે પુછયું.
'સપના, હું તો તારા પ્યારમાં જ ડૂબેલો હતો, તેથી બીજા લગ્નનું વિચાર્યું જ નથી.' શેખરે નીચી મૂંડીએ જવાબ આપ્યો.
'પણ તારા માબાપ પણ કેમ દેખાતા નથી ?'
'તારી સાથે મારા માબાપે કરેલ ખરાબ વર્તાવને લીધે મેં મારા માબાપને છોડી દીધા છે. હવે હું એકલો જ રહું છું.' શેખરે રડમસ અવાજે કહ્યું. આ સાંભળીને સપનાની આંખો ભરાઈ ગઈ. 'શેખર, મેં પણ તારી યાદમાં હજુ લગ્ન કરેલ નથી, હું પણ એકલી જ રહું છું.'
બન્ને એકબીજા સામે જોતા જ રહ્યા. એકબીજાનો હાથ પકડીને અંતે પ્રેમમાં ડૂબી ગયા.
સપનાએ સામેથી શેખર સાથે ફરીથી રહેવા છૂટાછેડાની ફાઈલ પરત કરી દીધી. સપનાની કડકાઈને લીધે તેમના આખા સ્ટાફે લાંચ રૂશ્વતનો બહિષ્કાર કર્યો. આખા વિસ્તારમાં દારૂ, જુગાર અને લુખ્ખાગીરી બંધ થતાં મહિલાઓ અને બાળકોમાં આનંદ ફેલાઈ ગયો.
સપના અને શેખર આનંદથી જીવન પસાર કરી રહ્યા છે.




