Shatdal

ગૌરાંગ વ્યાસ, એટલાન્ટાની સાંજ અને મગ ભરીને પ્રેમ!

By GS Team
13 Oct 20263 mins read
ગૌરાંગ વ્યાસ, એટલાન્ટાની સાંજ અને મગ ભરીને પ્રેમ!
  • ગેસ્ટ પોસ્ટ
  • ગૌરાંગ વ્યાસની રચનાઓમાં એક અલગ જ જાદુ હતો. એક જ ગીતમાં તમને પ્રેમ પણ કરાવી દે અને એ જ ગીતમાં પાછા વિરહમાં આંસુ પણ પડાવી દે! હવે આવા મહાન સંગીતકારનાં યાદગાર ગીતોને ત્રણ કલાકમાં સમાવવા એટલે હિમાલય ચડવા જેવું અઘરું કામ

વા ત એવી છે કે ૩ ઓક્ટોબરે અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં સ્થિત એટલાન્ટા શહેરમાં કંઈક એવું થઈ ગયું જેને આપણે ગુજ્જુ ભાષામાં 'સાચો જામો પડી ગયો' કહીએ!
સામાન્ય રીતે શનિવારની સાંજે આપણે ગુજરાતીઓ કાં તો કોઈ રેસ્ટોરન્ટમાં ઢોંસા કે પિઝા દાબીને આવતા હોઈએ, કાં ઘરે ટીવી સામે બેઠા હોઈએ. પણ આ શનિવાર કઈંક અલગ જ હતો. ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી ઓફ એટલાન્ટા (IGCSA)ના નેજા હેઠળ એક એવી સાંજ જામી, જેણે આપણને બધાને સીધા જૂના અમીચંદના ઝાડ નીચે કે પછી અમદાવાદની કોઈ ચાઈનીઝ લારીએ બેસીને રેડિયો પર વાગતા ગીતોની યાદ અપાવી દીધી!
કાર્યક્રમનું નામ હતું - 'સા'ત સૂરોના સરનામે - મુકામ પોસ્ટ ગૌરાંગ વ્યાસ.'
આ વર્ષની ૩ સપ્ટેમ્બરે સંગીતકાર ગૌરાંગ વ્યાસે આપણી વચ્ચેથી અલવિદા કહી દીધી. પણ સાચું કહું? કલાકાર ક્યારેય જતો નથી, એ તો પોતાના સૂર મૂકીને અમર થઈ જાય છે… અને ભારત બહાર, સાત સમુંદર પાર એટલાન્ટામાં એમની આ પહેલી સત્તાવાર સુરાંજલિ યોજાઈ.
વાત કરીએ ગૌરાંગભાઈની સંગીત યાત્રાની, તો ૧૯૭૬માં 'લાખો ફુલાણી' ફિલ્મથી એમણે જે સંગીતનો ધમાકો શરૂ કરેલો, એ પછી તો એમણે આપણને એવાં એવાં ગીતો આપ્યા કે આજે પણ કોઈ લગ્નપ્રસંગ હોય કે ગરબા, ગૌરાંગ વ્યાસના કમ્પોઝ કરેલાં ગીતો વગર આપણી ગાડી આગળ વધે જ નહીં!
એમની રચનાઓમાં એક અલગ જ જાદુ હતો. એક જ ગીતમાં તમને પ્રેમ પણ કરાવી દે અને એ જ ગીતમાં પાછા વિરહમાં આંસુ પણ પડાવી દે! હવે આવા મહાન સંગીતકારનાં યાદગાર ગીતોને ત્રણ કલાકમાં સમાવવા એટલે હિમાલય ચડવા જેવું અઘરું કામ. પણ આપણી એટલાન્ટાની કલાકારોની દેશી ટીમે વિદેશમાં બેસીને એવો ઉપાડ કર્યો કે પૂછો જ નહીં. કોઈએ સૂર ન ચૂક્યો અને શ્રોતાઓએ તાળીઓ પાડવામાં કંજૂસી ન કરી!
હોલમાં ૧૨૦થી વધુ સંગીતપ્રેમીઓ હાજર હતા. ગુજરાતી શ્રોતાઓની એક ખાસિયત છે - જો ગીત મજાનું હોય તો એ મનમાં ન ગાય, આખો હોલ એકસૂરે ગણગણવા માંડે! ત્રણ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી. વચ્ચે તો એવો માહોલ થઈ ગયો કે લાગ્યું જ નહીં કે આપણે યુએસએના એટલાન્ટામાં બેઠા છીએ, એવું જ લાગ્યું કે અમદાવાદના ટાઉન હોલમાં જ મહેફિલ જામી છે! ૧૨૦થી વધુ આ સંગીતપ્રેમી ગુજ્જુઓનું આ મેજિક ત્રણ કલાક નોન-સ્ટોપ ચાલ્યું.
અને આ આઈજીસીએસએવાળા પણ ચાલાક નીકળ્યા! કાર્યક્રમ પૂરો થયો એટલે બધાને એક સરસ મજાનો કોફી મગ સ્મૃતિ ભેટ તરીકે આપ્યો. એટલે હવે સ્થિતિ એ છે કે સવારે ઉઠીને ચા કે કોફી પીતી વખતે પણ ગૌરાંગ વ્યાસનાં ગીતો અને આ સાંજ જ યાદ આવવાની છે! (મતલબ, પ્રેમ પણ આપ્યો અને ચા પીવાનું બહાનુ
પણ આપ્યું!)
આ આખી સાંજની મનોહર પળોને બબ્બે ડિજિટલ કેમેરામેન સાગર શાહ અને મલય દેસાઈએ પોતાના લેન્સમાં એવી કંડારી છે કે ફોટો જુઓ તો પણ કાનમાં સંગીત વાગવા માંડે!
ટૂંકમાં, ગૌરાંગ વ્યાસના સૂરો અમર હતા, અમર છે અને એટલાન્ટાના ગુજરાતીઓએ મળીને એને ફરી એકવાર જીવંત કરી બતાવ્યા.
આભાર એટલાન્ટા! તમે સાચે જ સંગીતના પારખુ છો!

  • ભૂષણ નિરૂ મહેતા