ગેસ્ટ્રીક અલ્સર : તકેદારી અને ઉપાય

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- ભોજન દરમ્યાન અને ભોજન પછી તરત વધુ પડતું પાણી ન પીવું.
ચાંદુ (ULCER)
કેવી રીતે થાય ?
ખોરાક જ્યારે હોજરીમાં જાય ત્યારે પેપ્સીન અને હાઈડ્રોક્લોરીક એસિડ (HCL) જેવાં પાચક રસો સક્રિય થાય. એમાં HCL તો એટલો જલદ છે કે તેમાં રાખી મૂકેલી બ્લેડ ચૌદથી અઢાર કલાકમાં લગભગ ઓગળવા જેવી થઈ જાય. તો શું આવા જલદ અને ઉગ્ર એવા પાચક રસોની આડઅસર હોજરી પર થતી નહિ હોય ? એમ ન થાય એટલા માટે આંતરિક અવયવો પર એક પ્રકારનું રક્ષણાત્મક આવરણ (MUCOUS MEMBRANE) આવેલું હોય છે. એમાંથી ઝરતા ક્ષારિક (ALCALINE) રસોથી જલદ એવા અમ્લ (ACIDIC) પાચક રસોની અસર ઓછી થાય પણ જો આમ ન થાય તો ? એટલે કે, જલદ પાચક રસોના આક્રમણ સામે ક્ષારિય રસોથકી થતું રક્ષણનું તંત્ર ખોરવાઈ જાય તો અલ્સર થાય. ક્યારેક આવું રક્ષણાત્મક આવરણ ખૂબ જ પાતળું હોય અથવા હોય જ નહિ તો પણ અલ્સર થઈ શકે. અન્નનળી (OESOPHAGUS) ગ્રહણી (DUODENUM) અથવા હોજરી (STOMACH) જેવાં સ્થાનો પર અલ્સર થવાની સંભાવના રહેલી હોય છે.
અલ્સર થવાના કારણો
ગેસ્ટ્રોનોમા જેવી ગાંઠ (TUMOR), દાંતના સડાના રોગાણુ પેટમાં જવાથી, એડ્રિનેલિન કે ગેસ્ટ્રીન જેવા હોર્મોનની વધુ પડતી સક્રિયતા, ડાયાબીટીસ, વિટામીન B12 ની ઉણપ, વધુ પડતો પરિશ્રમ અને ઉજાગરા, વધુ પડતા ખાટા અને તીખા પદાર્થો તથા કૃત્રિમ રંગ અને સુગંધવાળા પદાર્થોનું સેવન જેવાં ઘણા કારણો અલ્સર થવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.
લક્ષણો
જે જગ્યાએ અલ્સર થયું હોય એ ભાગ પર વિશેષ કરીને છાતીની મધ્યમાં, પાંસળીની નીચે ડાબી કે જમણી બાજુ અસહ્ય દુ:ખાવો અને બળતરા થાય. સામાન્ય રીતે ભોજન કર્યાના અડધો-એક કલાક પછી આમ થતં્ જોવા મળે. ક્યારેક બેચેની, માથાના દુ:ખાવો પછી ખાટી ઉલટી કે ઝાડા જેવાં લક્ષણો ઓછે-વત્તે અંશે અલ્સર થવાની શક્યતા સાથે જોડાયેલા છે જે શરીરમાં વધતી અમ્લતા (ACIDITY) ના સૂચક છે. લાંબા સમયથી થયેલાં, ઊંડા ઊતરી ગયેલા અલ્સરમાં ઝાડા કે ઉલટી વાટે લોહી પડવા જેવાં ગંભીર લક્ષણો દેખાઈ શકે છે.
ઉપચાર સંદર્ભે નીચે જણાવેલ વિગતોનું ત્રીસ દિવસ સુધી પાલન કરવું. એમ કરવાથી અવશ્ય ફાયદો થશે.
(૧) ભોજન દરમ્યાન અને ભોજન પછી તરત વધુ પડતું પાણી ન પીવું. એકાગ્ર ચિત્તે, શાંતિપૂર્વક અને આનંદપૂર્વક ભોજન કરવું. વાતો કરતાં, ટીવી જોતાં-જોતાં અને મનમાં વિચારો ચાલતાં હોય ત્યારે ભોજન કરવું ઇષ્ટ નથી. અન્નનો કોળિયો ગળવા માટે નહિ પણ ચાવવા માટે હોય છે. ચવર્ણા દરમ્યાન લાળમાં રહેલો ટાયસીન જેવો પાચક રસ ખોરાકને યોગ્ય રીતે પચાવવાનું કામ કરતો હોય છે. આત્મનિરિક્ષણ કરી ઉપર જણાવેલી કુટેવોમાંથી પોતાને લાગુ પડતી કુટેવોનો ત્વરિત ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા કરવા નહિ.
(૨) દહીં, આમલી, અથાણાં, ટામેટાં, ખૂબ ખાટાં ફળો, બ્રેડ, ઢોકળાં, ખમણ જેવી આથાવાળી વાનગીઓ, વિશેષ કરીને લાલ-લીલું મરચું, લસણ, મરી, તજ, લવિંગ, હિંગ, રીંગણ, બાજરી જેવાં ગરમ અને ઉષ્ણ પદાર્થો સંપૂર્ણ ત્યાગવા. ઉપરાંત પાન-ગુટખા, મદીરા જેવા વ્યસનો ત્યાગવા.
(૩) દિવસ દરમ્યાન ખોરાકમાં ઓછી ખાંડની ચા અથવા દૂધ અને મમરા - બે વખત, ગાયના ઓછા ઘીની વઘારેલી ફાડાની ખીચડી એક વાટકી - એક વખત, પાકું કેળું - એક વખત, તાજી કાળી દ્રાક્ષના વીસ દાણા - બે વખત લેવું જો વધુ ભૂખ લાગે તો મમરા, પૌંઆ, બાફેલા મગનું પાણી, જુવાર અથવા જવની ભાખરી જેવો હલકો ખોરાક લઈ શકાય. એક ટંક ભરપૂર ખાવા કરતાં ટુકડે ટુકડે લીધેલું હલકું ભોજન યોગ્ય છે.
(૪) ક્યારેક માનસિક ચિંતા અને વધુ પડતા પરિશ્રમથી જલદ એવા પાચક રસોનું પ્રમાણ હોજરીમાં વધી જાય છે. તેથી વધુ પડતો પરિશ્રમ અને ચિંતાઓથી દૂર રહેવું.
(૫) એક ચમચી ઇસબગુલ એક કપ ગાયના ગરમ દૂધમાં મેળવી સવારે પેટ સાફ થયા પછી લેવું. એક ગ્લાસ ગાયના અથવા બકરીના દૂધમાં એક ચમચી જેઠીમધ, એક ચમચી ગળો અને અડધી ચમચી ખડી સાકર ઉમેરી, ઉકાળી, ગાળીને ઠંડુ કરેલું દૂધ દિવસમાં બે વખત લેવું. આ બંને પ્રયોગ ત્રણ મહિના સુધી કરી શકાય.
સંશોધન અનુસાર 'ઓ' બ્લડગુ્રપવાળી વ્યક્તિઓને અલ્સર થવાની સંભાવના રહેલી હોય છે અને ડાયાબીટીસના દર્દીઓના અલ્સર સરળતાથી રૂઝાતા નથી તેથી આવી વ્યક્તિઓએ વિશેષ તકેદારી લેવી જોઈએ.
- વિસ્મય ઠાકર




