એક્સ-રેની શોધથી એમઆરઆઈ સુધી...

- શરીરની અંદર ડોકિયું કરતી વિજ્ઞાનની અદભુત સફર
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- શરીરની અંદર શું ચાલી રહ્યું છે તે જાણવાની સાથે સાથે અંગો કેવી રીતે કામ કરી રહ્યાં છે તેની માહિતી મેળવવાની દિશામાં પણ વિજ્ઞાને મોટી છલાંગ લગાવી. આ જરૂરિયાતમાંથી વિકસ્યું પેટ સ્કેન.
- ૮ નવેમ્બર
- વિશ્વ રેડિયોગ્રાફી દિવસ
ક લ્પના કરો કે કોઈ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થાય અને તેના હાથ કે પગનું હાડકું તૂટી ગયું હોવાની શંકા હોય. આજે તો ગણતરીની મિનિટોમાં એક્સ-રે કરાવીને હાડકું ક્યાંથી તૂટયું છે તે જાણી શકાય છે. પરંતુ એક જમાનામાં આવું શક્ય નહોતું. એક્સ-રેની શોધ પહેલાં તબીબો માટે શરીરની અંદર શું ચાલી રહ્યું છે તે જાણવું મોટો પડકાર હતો. દર્દીના દુખાવા, સોજા, શરીરના આકાર અને સ્પર્શ દ્વારા હાડકું તૂટયું છે કે નહીં તેનો અંદાજ લગાવવામાં આવતો. ફેફસાંની તકલીફ હોય તો સ્ટેથોસ્કોપથી અવાજ સાંભળવામાં આવતો, છાતી અને પેટ પર આંગળીઓથી ટકોર કરીને અંદરની સ્થિતિનો અંદાજ મેળવાતો. વર્ષ ૧૮૧૬માં ફ્રેન્ચ તબીબ રેને લાએનેકે સ્ટેથોસ્કોપની શોધ કરી હતી, જેનાથી હૃદય અને ફેફસાંના અવાજ સાંભળીને નિદાન કરવું સરળ બન્યું. પેટમાં ગાંઠ કે અન્ય અસામાન્યતા હોય તો હાથથી તપાસ કરવામાં આવતી. કેટલીક જટિલ બીમારીઓમાં ચોક્કસ નિદાન માટે શસ્ત્રક્રિયા કરવી પડતી અથવા મૃત્યુ પછી મૃતદેહપરીક્ષણનો સહારો લેવાતો. એટલે કે દર્દીના શરીરની અંદર ડોકિયું કરવું તબીબો માટે લગભગ અશક્ય હતું. આવા સમયમાં વિજ્ઞાનની એક આકસ્મિક શોધે તબીબી જગતમાં જાણે અંધારામાં અજવાળું પાથરી દીધું.
વર્ષ ૧૮૯૫ની વાત છે. જર્મનીની વુર્ઝબર્ગ યુનિવસટીમાં ભૌતિકશાસ્ત્રી વિલ્હેમ કોનરાડ રોન્ટજન કેથોડ રે ટયુબ સાથે પ્રયોગ કરી રહ્યા હતા. આ ટયુબમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરતી વખતે તેમણે જોયું કે નજીકમાં રાખેલી બેરિયમ પ્લેટિનાસાયનાઇડ નામના રસાયણથી કોટ કરેલી પડદી અજવાળવા લાગી હતી. આશ્ચર્યની વાત એ હતી કે ટયુબને કાળા કાગળથી ઢાંકી હોવા છતાં આ અસર જોવા મળતી હતી. એટલે ટયુબમાંથી એવા અજાણ્યા કિરણો નીકળી રહ્યા હતા, જે કાગળને પાર કરીને પડદા સુધી પહોંચી શકતા હતા. રોન્ટજને આ અજાણ્યા કિરણોને 'એક્સ-રે' નામ આપ્યું. વિજ્ઞાનમાં 'એક્સ'નો અર્થ અજ્ઞાત થાય છે. એટલે કે જે કિરણો વિશે તે સમયે કોઈ જાણકારી નહોતી, તેમને એક્સ-રે તરીકે ઓળખવામાં આવ્યા.
આ શોધને વધુ રસપ્રદ બનાવતો પ્રસંગ તેમની પત્ની અન્ના બર્થા સાથે જોડાયેલો છે. રોન્ટજને તેમની પત્નીના હાથનો એક્સ-રે લીધો હતો. તેમાં હાથનાં હાડકાંની સાથે આંગળીમાં પહેરેલી વીંટી પણ સ્પષ્ટ દેખાતી હતી. જીવંત વ્યક્તિના શરીરની અંદરનાં હાડકાંની તસવીર બહારથી જોઈ શકાતી હોવાની આ ઘટના તે સમયના લોકો માટે ચમત્કારથી ઓછી નહોતી. ૨૮ ડિસેમ્બર, ૧૮૯૫ના રોજ રોન્ટજને આ શોધ અંગે પોતાનો વૈજ્ઞાનિક અહેવાલ રજૂ કર્યો હતો. આ શોધ બદલ તેમને વર્ષ ૧૯૦૧માં ભૌતિકશાસ્ત્રનું પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ રીતે એક પ્રયોગશાળામાં શરૂ થયેલી જિજ્ઞાસાએ તબીબી વિજ્ઞાનનો આખો ચહેરો બદલી નાખ્યો.
એક્સ-રેની શોધ પછી તબીબી ક્ષેત્રમાં જાણે નવી બારી ખૂલી ગઈ. જોકે, એક્સ-રેની પોતાની મર્યાદા પણ હતી. તેમાં હાડકાં અને શરીરના કેટલાક ગાઢ ભાગો સારી રીતે દેખાતા હતા, પરંતુ શરીરના નરમ અંગો, મગજ અને અન્ય આંતરિક રચનાઓની વિગતવાર માહિતી મેળવવી મુશ્કેલ હતી. આ મર્યાદા દૂર કરવા વિજ્ઞાનીઓએ એવી ટેક્નોલોજી વિકસાવવાની દિશામાં કામ શરૂ કર્યુંં, જેમાં શરીરના એક જ ભાગને અલગ અલગ ખૂણેથી જોઈ શકાય અને તેની અંદરની રચનાની વધુ સ્પષ્ટ તસવીર મેળવી શકાય. આ પ્રયાસમાંથી જન્મ થયો સીટી સ્કેનનો.
સીટી સ્કેનનું પૂરું નામ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી છે. આ ટેક્નોલોજી પાછળ બ્રિટિશ એન્જિનિયર ગોડફ્રે હાઉન્સફિલ્ડ અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ભૌતિકશાસ્ત્રી એલન કોર્મેકનું મહત્ત્વનું યોગદાન છે. બંનેએ અલગ અલગ રીતે એવી પદ્ધતિ વિકસાવવા પ્રયાસ કર્યો, જેમાં એક્સ-રેના અનેક ખૂણેથી મેળવેલા ચિત્રોને કમ્પ્યુટરની મદદથી જોડીને શરીરના અંદરના ભાગની આડી કાપ જેવી તસવીર તૈયાર કરી શકાય. વર્ષ ૧૯૭૧માં લંડનની એટકિન્સન મોર્લી હોસ્પિટલમાં સૌપ્રથમ વખત જીવંત દર્દીના મગજનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. દર્દીના મગજમાં ગાંઠ હોવાની શંકા હતી. આ સ્કેનથી મગજની અંદરની ગાંઠની ઓળખ શક્ય બની. શરૂઆતના સીટી સ્કેનમાં તસવીર મેળવ્યા પછી તેને કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં લાંબો સમય લાગતો હતો. આજે અત્યાધુનિક મશીનો થોડી જ મિનિટોમાં શરીરના અનેક સ્તરોની તસવીરો તૈયાર કરી આપે છે. વર્ષ ૧૯૭૯માં હાઉન્સફિલ્ડ અને કોર્મેકને કમ્પ્યુટર આધારિત ટોમોગ્રાફીના વિકાસ બદલ તબીબી ક્ષેત્રનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
પરંતુ વિજ્ઞાનની સફર અહીં અટકી નહોતી. એક્સ-રે અને સીટી સ્કેનમાં રેડિયેશનનો ઉપયોગ થતો હોવાથી એવી પદ્ધતિની જરૂરિયાત પણ અનુભવાતી હતી, જે ચુંબકીય ક્ષેત્ર અને રેડિયો તરંગોની મદદથી શરીરની અંદરની તસવીર મેળવી શકે. આ વિચારમાંથી જન્મ થયો એમઆરઆઈનો. મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે એમઆરઆઈમાં શક્તિશાળી ચુંબક અને રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે. માનવ શરીરમાં મોટા પ્રમાણમાં પાણી હોય છે અને પાણીમાં હાઇડ્રોજનના પરમાણુઓ હોય છે. એમઆરઆઈ મશીનનું ચુંબકીય ક્ષેત્ર આ પરમાણુઓના વર્તનમાં ફેરફાર કરે છે. ત્યારબાદ રેડિયો તરંગોના સંકેતોના આધારે કમ્પ્યુટર શરીરની અંદરની અત્યંત વિગતવાર તસવીરો તૈયાર કરે છે. આ ટેક્નોલોજીમાં આયનાઇઝિંગ રેડિયેશનનો ઉપયોગ થતો નથી, જે તેને એક્સ-રે અને સીટી સ્કેનથી અલગ બનાવે છે.
એમઆરઆઈના વિકાસની કહાની પણ રસપ્રદ છે. વર્ષ ૧૯૪૬માં ભૌતિકશાસ્ત્રીઓ ફેલિક્સ બ્લોચ અને એડવર્ડ પર્સેલે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સની શોધ કરી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૭૩માં અમેરિકન વૈજ્ઞાનિક પોલ લોટરબરએ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને શરીરના અંદરના ભાગની દ્વિપરિમાણીય તસવીર તૈયાર કરવાની પદ્ધતિ રજૂ કરી. રેમન્ડ ડેમેડિયન સહિત અનેક સંશોધકોએ પણ આ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપ્યું. વર્ષ ૧૯૭૭માં ડેમેડિયન અને તેમની ટીમે 'ઇન્ડોમિટેબલ' નામનું પ્રથમ સંપૂર્ણ શરીરનું એમઆરઆઈ સ્કેનર તૈયાર કર્યુંં. એમઆરઆઈનો સૌથી મોટો ફાયદો એ છે કે મગજ, કરોડરજ્જુ, સ્નાયુઓ, સાંધા અને શરીરના નરમ અંગોની બારીક વિગતો પણ મેળવી શકાય છે. ખાસ કરીને મગજની ગાંઠ, સ્ટ્રોક, કરોડરજ્જુની તકલીફ અને સાંધાની ઇજાઓના નિદાનમાં આ ટેક્નોલોજી અત્યંત ઉપયોગી બની છે.
શરીરની અંદર શું ચાલી રહ્યું છે તે જાણવાની સાથે સાથે અંગો કેવી રીતે કામ કરી રહ્યાં છે તેની માહિતી મેળવવાની દિશામાં પણ વિજ્ઞાને મોટી છલાંગ લગાવી. આ જરૂરિયાતમાંથી વિકસ્યું પેટ સ્કેન. પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી એટલે કે પોઝિટ્રોન ઉત્સર્જન આધારિત ચિત્રણ પદ્ધતિમાં શરીરમાં ખાસ પ્રકારનું રેડિયોઅક્ટિવ ટ્રેસર આપવામાં આવે છે. આ ટ્રેસર સામાન્ય રીતે ગ્લુકોઝ જેવા પદાર્થ સાથે જોડાયેલું હોય છે. શરીરના જે ભાગમાં કોષો વધુ સક્રિય હોય છે ત્યાં આ પદાર્થનો વપરાશ વધુ થાય છે. પેટ સ્કેન આ પ્રવૃત્તિને ઓળખીને તસવીર તૈયાર કરે છે. એટલે કે એક્સ-રે અને સીટી સ્કેન મુખ્યત્વે શરીરની રચના બતાવે છે, જ્યારે પેટ સ્કેન કોષોની ચયાપચયની પ્રવૃત્તિ અંગે માહિતી આપે છે. આ જ કારણથી કેન્સરની ગાંઠ ક્યાં છે, શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ છે કે નહીં અને સારવારની અસર થઈ રહી છે કે નહીં તે જાણવા પેટ સ્કેનનો ઉપયોગ થાય છે.
પેટ સ્કેનનો વિકાસ વીસમી સદીના મધ્યભાગમાં શરૂ થયો હતો. વર્ષ ૧૯૫૦ના દાયકામાં બુ્રકહેવન નેશનલ લેબોરેટરીમાં ગોર્ડન બ્રાઉનેલ અને વિલિયમ સ્વીટ સહિતના વૈજ્ઞાનિકોએ આ ટેક્નોલોજીના પ્રારંભિક વિકાસમાં યોગદાન આપ્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૭૦ના દાયકામાં આધુનિક પેટ ઇમેજિંગની પદ્ધતિઓ વિકસતી ગઈ. આજે પેટ-સીટી સ્કેનના સંયોજનથી શરીરની રચના અને કોષોની પ્રવૃત્તિ બંનેની માહિતી એક જ તપાસમાં મેળવી શકાય છે. કેન્સર ઉપરાંત હૃદયના સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ અને મગજની કેટલીક ન્યુરોલોજિકલ સમસ્યાઓના મૂલ્યાંકનમાં પણ તેનો ઉપયોગ થાય છે. જોકે, પેટ સ્કેનમાં રેડિયો એક્ટિવ ટ્રેસરનો ઉપયોગ થતો હોવાથી ડોક્ટરની સલાહ અને યોગ્ય કારણ વિના આ તપાસ કરાવવી યોગ્ય નથી.
આધુનિક તબીબી વિજ્ઞાનની બીજી એક અદભુત શોધ છે સોનોગ્રાફી, જેને અલ્ટ્રાસાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેક્નોલોજીની કહાની પણ યુદ્ધ સાથે જોડાયેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમુદ્રમાં સબમરીન અને અન્ય વસ્તુઓની ભાળ મેળવવા માટે સોનાર ટેક્નોલોજીનો ઉપયોગ થતો હતો. પાણીની અંદર અવાજના તરંગો મોકલીને તેના પરાવર્તનના આધારે વસ્તુનું સ્થાન શોધવામાં આવતું હતું. સ્કોટલેન્ડના પ્રસૂતિ નિષ્ણાત ડો. ઇયાન ડોનાલ્ડને વિચાર આવ્યો કે આ જ સિદ્ધાંતનો ઉપયોગ માનવ શરીરની અંદરની સ્થિતિ જાણવા માટે કેમ ન થઈ શકે? તેમણે એન્જિનિયર ટોમ બ્રાઉન અને અન્ય સહયોગીઓ સાથે આ દિશામાં સંશોધન શરૂ કર્યું. આખરે ૮ જૂન, ૧૯૫૮ના રોજ તબીબી જર્નલ ધ લેન્સેટમાં તેમના સંશોધનનો અહેવાલ પ્રકાશિત થયો. આ સંશોધનને આધુનિક તબીબી સોનોગ્રાફીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે.
સોનોગ્રાફીમાં ઊંચી આવૃત્તિના ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે. આ તરંગો શરીરની અંદર જઈ જુદા જુદા અંગો સાથે અથડાઈને પાછા ફરે છે. આ પરાવર્તિત તરંગોના આધારે મશીન તસવીર તૈયાર કરે છે. આ ટેક્નોલોજીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં એક્સ-રે જેવું આયનાઇઝિંગ રેડિયેશન વપરાતું નથી. ગર્ભવતી મહિલાના ગર્ભમાં વિકસી રહેલા બાળકની સ્થિતિ, હૃદયના ધબકારા, બાળકની વૃદ્ધિ અને ગર્ભાશયની સ્થિતિ જાણવા સોનોગ્રાફી અત્યંત ઉપયોગી બની છે. એટલું જ નહીં, કિડનીમાં પથરી, પિત્તાશયની તકલીફ, લીવર, કિડની અને અન્ય આંતરિક અંગોની તપાસમાં પણ તેનો ઉપયોગ થાય છે.
સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને ખાસ કરીને સ્તન કેન્સરની વહેલી ઓળખ માટે ઉપયોગમાં લેવાતી મેમોગ્રાફી પણ એક્સ-રેની જ એક વિશેષ પદ્ધતિ છે. વર્ષ ૧૯૧૩માં જર્મન સર્જન આલ્બર્ટ સાલોમોને સ્તન દૂર કરવાની શસ્ત્રક્રિયા દરમિયાન કાઢવામાં આવેલા લગભગ ત્રણ હજાર સ્તનના નમૂનાઓના એક્સ-રે અભ્યાસ કર્યા હતા. વર્ષ ૧૯૩૦માં અમેરિકન રેડિયોલોજિસ્ટ સ્ટેફર્ડ વૉરેનએ જીવંત મહિલાઓના સ્તનના એક્સ-રે લેવાના પ્રયોગો કર્યા હતા. વર્ષ ૧૯૬૦માં રોબર્ટ ઇગને મેમોગ્રાફીની ટેક્નિકમાં સુધારા કરીને સ્તનની અંદરની નાની અસામાન્યતાઓ ઓળખવાનું વધુ સરળ બનાવ્યું. ધીમે ધીમે આ ટેક્નોલોજી સ્તન કેન્સરની વહેલી તપાસ માટે મહત્ત્વપૂર્ણ સાધન બની ગઈ.
મેમોગ્રાફીમાં વિશેષ પ્રકારના એક્સ-રે મશીનનો ઉપયોગ કરીને સ્તનની તસવીરો લેવામાં આવે છે. તપાસ દરમિયાન સ્તનને બે પ્લેટ વચ્ચે થોડી ક્ષણો માટે દબાવવામાં આવે છે, જેથી પેશીઓ ફેલાય અને વધુ સ્પષ્ટ તસવીર મેળવી શકાય. આ પ્રક્રિયા થોડી અસ્વસ્થતા કે પીડા આપી શકે છે, પરંતુ તેનાથી મળતી માહિતી ઘણી વખત અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને સ્તનમાં ગાંઠ હાથમાં આવે તે પહેલાં જ નાનાં કેલ્શિયમના કણો એટલે કે માઇક્રોકેલ્સિફિકેશન અથવા અન્ય અસામાન્ય ફેરફારો ઓળખવામાં મેમોગ્રાફી મદદરૂપ બને છે. સ્તન કેન્સરની વહેલી ઓળખથી સમયસર સારવાર શરૂ કરી શકાય છે અને દર્દીના જીવન બચાવવાની શક્યતા વધી શકે છે.
આ તમામ ટેક્નોલોજીનો વિકાસ જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે તબીબી વિજ્ઞાનમાં નિદાન હવે માત્ર શરીરની બહાર દેખાતાં લક્ષણો પૂરતું મર્યાદિત રહ્યું નથી. એક્સ-રે હાડકાંની તસવીર આપે છે, સીટી સ્કેન શરીરના અંદરના ભાગોની સ્તરવાર રચના બતાવે છે, એમઆરઆઈ નરમ પેશીઓની બારીક વિગતો આપે છે, પેટ સ્કેન કોષોની પ્રવૃત્તિ દર્શાવે છે, સોનોગ્રાફી ધ્વનિ તરંગો દ્વારા આંતરિક અંગોની સ્થિતિ બતાવે છે અને મેમોગ્રાફી સ્તન કેન્સરની વહેલી ઓળખમાં મદદ કરે છે. દરેક ટેક્નોલોજીનો પોતાનો ઉપયોગ અને મર્યાદા છે. એટલે દરેક દર્દીને દરેક તપાસની જરૂર પડતી નથી. કઈ તપાસ કરાવવી તે ડોક્ટર દર્દીની તકલીફ અને તબીબી જરૂરિયાતના આધારે નક્કી કરે છે.
૮ નવેમ્બરે ઉજવાતા વિશ્વ રેડિયોગ્રાફી દિવસની સાચી ઉજવણી પણ આ જ છે. એક્સ-રેની શોધ કરનાર રોન્ટજનથી લઈને આધુનિક ઇમેજિંગ ટેક્નોલોજી વિકસાવનારા વિજ્ઞાનીઓ સુધી સૌના યોગદાનને યાદ કરવાની સાથે રેડિયોલોજિસ્ટ અને રેડિયોગ્રાફર્સની મહેનતને પણ બિરદાવવી જોઈએ. ક્યારેક મશીનની અંદર થોડી મિનિટોનો સમય દર્દીના જીવનનો આખો માર્ગ બદલી નાખે છે. ૧૮૯૫માં પ્રયોગશાળામાં થયેલી એક આકસ્મિક શોધ આજે માનવજાત માટે જીવન બચાવતી ટેક્નોલોજીઓની વિશાળ દુનિયા બની ગઈ છે. ખરેખર, વિજ્ઞાને માનવ શરીરની અંદર ડોકિયું કરવાની આંખો આપી છે અને આ આંખો અનેક દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની રહી છે.




