Shatdal
ઇથેરિક ડબલ-ડોપેલગેન્ગર : આપણું રહસ્યમય અદ્રશ્ય પ્રતિરૂપ
By GS Team
29 Sep 20266 mins read

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- ભારતીય આધ્યાત્મિક જ્ઞાન અને દર્શનશાસ્ત્ર પ્રમાણે માનવ શરીરને પાંચ સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે. તેને 'પંચકોશ' કહેવાય છે. આ સિદ્ધાંત સીધો પ્રાણમયકોષ અને સૂક્ષ્મ શરીરના એક ભાગ સાથે જોડાયેલો છે. 'The etheric double is the exact counterpart of the physical body, the vehicle of prana and the bridge between, the dense physical and the astral world.
વ્યક્તિનું આ પ્રતિરૂપ (ઇથેરિક ડબલ) ભૌતિક શરીરની બરાબર પ્રતિકૃતિ છે, જે પ્રાણનું વાહન છે અને સ્થૂળ ભૌતિક જગત તથા સૂક્ષ્મ (એસ્ટ્રલ) જગત વચ્ચેના પુલ
સમાન છે. - Major Arthur E. Powell (મેજર આર્થર પોવેલ), Etherie Double and Allied Phenomena.
‘Every cell of our physical body is held together and sustained by its unseen etheric counterpart.
આપણા ભૌતિક શરીરની દરેક કોશિકા તેના અદ્રશ્ય પ્રતિરૂપ (પ્રાણમય શરીર) દ્વારા એકબીજા સાથે જોડાયેલી અને જીવંત રહે છે.'
‘When the physical body sleeps, the etheric double remains close, recharging the dense from with vital cosmic energy.
જ્યારે ભૌતિક શરીર ઊંઘે છે (અથવા વિશ્રાંતિમય હોય છે) ત્યારે આ સૂક્ષ્મ પ્રતિરૂપ તેની નજીક જ રહે છે અને ભૌતિક શરીરને બ્રહ્માંડીય ઊર્જાથી ફરીથી રીચાર્જ કરે છે.' - C.W.Leadbeater
(સી.ડબલ્યૂ લેડબીટર)
આધ્યાત્મિક વિજ્ઞાનમાં 'ઇથેરિક ડબલ' એ આત્મા નથી, પરંતુ ભૌતિક શરીરનું એક અદ્રશ્ય ઊર્જા માળખું (બ્લુપ્રિન્ટ) છે. તેને ભારતીય યોગ શાસ્ત્રોમાં પ્રાણમયકોશ અથવા સૂક્ષ્મ શરીરના એક ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તે શરીર માટે એક બીબા (સાંચા) જેવું કામ કરે છે. તેના વગર ભૌતિકશરીરનું અસ્તિત્વ શક્ય નથી. આપણું ભૌતિક શરીર જે હાડકા અને માંસનું બનેલું છે એ એક માત્ર શરીર નથી. એની બરાબર પાછળ અને એની અંદર અદ્રશ્ય ઊર્જાનું બનેલું આબેહૂબ પ્રતિરૂપ (કાર્બન કોબી) રહેલું હોય છે.
ભારતીય આધ્યાત્મિક જ્ઞાન અને દર્શનશાસ્ત્ર પ્રમાણે માનવ શરીરને પાંચ સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે. તેને 'પંચકોશ' કહેવાય છે. આ સિદ્ધાંત સીધો પ્રાણમયકોષ અને સૂક્ષ્મ શરીરના એક ભાગ સાથે જોડાયેલો છે. તે ભૌતિક શરીર (અન્નમય કોષ) અને મન (મનોમન કોષ) વચ્ચે એક કડી તરીકે કામ કરે છે. થિયોસોફિકલ સોસાયટીના સિદ્ધાંત પ્રમાણે જેમ એક મકાન બનાવતા પહેલાં તેનો કાગળ પર એક નકશો (Blueprint) તૈયાર થાય છે તેમ ભૌતિક શરીરને ટકાવી રાખવા માટે 'ઇથેરિક ડબલ' એ કુદરતે બનાવેલ ઊર્જાનો નકશો છે.
આપણા ભૌતિક શરીરમાં લોહી વહેવા માટે જેમ નસો હોય છે તેમ ઇથેરિક શરીરમાં ઊર્જા વહેવા માટે આશરે ૭૨,૦૦૦ જેટલી નાડીઓ હોય છે. જ્યાં આ નાડીઓ એકબીજાને મળે છે ત્યાં ઊર્જાના કેન્દ્રો બને છે જેને આપણે ચક્રો કહીએ છીએ. આ સાત મુખ્ય ચક્રો ઇથેરિક ડબલની સપાટી પર આવેલા છે. તે બ્રહ્માંડમાંથી પ્રાણ ઊર્જાને શોષીને ભૌતિક શરીરના અલગ અલગ અંગો એ અંત:સ્ત્રાવી ગ્રંથિઓ સુધી પહોંચાડે છે. જો ચક્રો બ્લોક થઇ જાય તો ઇથેરિક ડબલ નબળું પડે છે અને ભૌતિક શરીર બીમાર થાય છે. મેડમ બ્લેવેટ્સ્કી કહે છે કે જેને એની બેસન્ટ અને લેડબીટરે 'ઇથેરિક ડબલ' નામ આપ્યું છે તે ભારતીય યોગશાસ્ત્ર પ્રમાણે આપણું 'છાયા શરીર' છે. તે ભૌતિક તત્ત્વોથી બનેલું હોવા છતાં અત્યંત સૂક્ષ્મ છે. તેના વિના ભૌતિક શરીરનો કોઈ આકાર કે જીવન શક્ય નથી કારણ કે તે જ સાચું ચુંબકીય માળખું છે જે ભૌતિક અણુઓને એકસાથે પકડી રાખે છે.
પાશ્ચાત્ય લોકકથાઓ અને મનોવિજ્ઞાનમાં જ્યારે કોઈ જીવિત વ્યક્તિનું બિલકુલ તેવું જ પ્રતિરૂપ દેખાય છે એટલે કે તેનું હમશકલ રૂપ કે કાર્બન કોપી દેખાય છે તો તેને ડોપેલગેન્ગર (Doppelganger) કહેવામાં આવે છે. ઇતિહાસમાં ઇથેરિક ડબલ, ભૂતિયા હમશકલ, છાયા શરીર, ડોપેલગેન્ગરને લગતી અનેક વિસ્મયકારી ઘટનાઓ નોંધાયેલી છે.
એમિલી સેગી (Emilie Sagee) નો કિસ્સો સૌથી મજબૂત ઐતિહાસિક પ્રમાણ માનવામાં આવે છે. આ ઘટના ૧૮૪૫માં બની હતી. એમિલી સેગી ફ્રાંસની એક ૩૨ વર્ષીય શિક્ષિકા હતી જે લાતવિયાની એક પ્રસિદ્ધ સ્કૂલમાં ભણાવતી હતી. તે સ્કૂલનું નામ હતું - પેન્સોનેટ વોન ન્યૂવેલ્કે (Pensionnat von Newwelcke). તે સ્વભાવની સાલસ, શાંત, હસમુખી બુદ્ધિમાન અને અનુભવી શિક્ષિકા હતી પણ કોઈ સ્કૂલવાળા તેને લાંબો સમય રાખતા નહોતા. આ બોર્ડિંગ સ્કૂલમાં આવતાં પહેલાં તે ૧૬ વર્ષમાં ૧૮ વાર નોકરી બદલી ચૂકી હતી. તેની પાછળનું કારણ આ જ હતું. અવારનવાર તેનું ઇથરિક ડબલ/છાયા શરીર પ્રગટ થઇ જતું જેનાથી કેટલાક બાળકો ડરી જતા.
એક દિવસ એમિલી આ બોર્ડિંગ સ્કૂલમાં ૧૩ વિદ્યાર્થીનીઓને ભણાવી રહી હતી અને બ્લેકબોર્ડ પર ચોકથી કંઇક લખી રહી હતી, બરાબર તે જ સમયેતેની બાજુમાં બિલકુલ તેના જેવી જ દેખાતી આકૃતિ, તેનું જ પ્રતિરૂપ પ્રગટ થઇ ગયું. તે પણ જાણે એમિલીની ક્રિયાની નકલ કરતી હોય તેમ, બ્લેકબોર્ડ પર લખવાનો પ્રયત્ન કરતી હોય તેવી દેખાતી હતી. ફરક એટલો હતો કે સાચી એમિલીના હાથમાં ચોક સ્ટીક હતી જ્યારે તેના પ્રતિરૂપના હાથમાં ચોક સ્ટીક નહોતી. વર્ગની બધી વિદ્યાર્થિનીઓ આ જોઇને વિસ્મિત થઇ ગઇ હતી.
આવી એક બીજી ઘટના ત્યારે બની જ્યારે એમિલી ભોજન કરવામાં વ્યસ્ત હતી. બરાબર તે સમયે તેની પાછળ તેનું પ્રતિરૂપ આવીને ઊભું રહી ગયું. તે પણ ભોજન કરી રહી હોય એવો અભિનય કરી રહી હતી. જાણે એમિલીનું હૂબહૂ અનુકરણ કરતી હોય તે રીતે વર્તતી હતી. જો કે તેના હાથમાં કોઈ ચમચી, છરી-કાંટો કે ભોજન નહોતું. ત્રીજી ઘટના તો વધારે અચરજભરી છે કેમ કે તેનું પ્રતિરૂપ તેની બાજુમાં નહીં, પણ તેનાથી ઘણું દૂર પ્રગટ થયું હતું. આને 'બાઈલોકેશન ડોપેલગેન્ગર (Bilocation Doppelganger) કહેવાય છે. એક દિવસ સ્કૂલની બધી જ ૪૨ વિદ્યાર્થિનીઓ એક મોટા હોલમાં બેસીને કોઈ કલા-કારીગરીનું પ્રશિક્ષણ લઇ રહી હતી. તેમની આર્ટ-ટીચર તેમની સામે ખુરશી પર બેઠેલી હતી. તે સમયે હોલની મોટી બારીમાંથી બહારનો બગીચો સાફ દેખાતો હતો. ત્યાં એમિલી સેગી ફૂલો ચૂંટવાનું કામ કરી રહી હતી. તે સમયે પેલી આર્ટ ટીચર કોઈ કામથી બહાર ગઇ અને તે બેઠી હતી તે ખુરશી ખાલી પડી. બીજી જ પળે તે બધી જ વિદ્યાર્થીનીઓએ જોયું તો એમિલી ખુરશી પર બેઠેલી છે, બારીની બહાર જોયું તો ત્યાં એમિલી છોડવા/વૃક્ષો પરથી ફૂલ ચૂંટી રહી છે ! આ ઘટના સ્કૂલની વિદ્યાર્થીની જૂલી વોન ગુલ્ડેનસ્ટુબે (Julie vaon Guldenstubbe) એ વિસ્તારથી તેની ડાયરીમાં લખી હતી. પછી ૧૮૬૦માં પ્રસિદ્ધ લેખક રોબર્ટ ડેલ ઓવેને જૂલી અને વર્ગની બીજી વિદ્યાર્થીનીઓ, શિક્ષકો વગેરેની મુલાકાત લઇ તેની વિસ્તૃત માહિતી તેમના પુસ્તક ફુટફોલ્સ ઓન ધ બાઉન્ડ્રી'ઑફ અનધર વર્લ્ડ (Footfalls on the Boundary of Another World) માં રજૂ કરી હતી.
ઇતિહાસના પૃષ્ઠો પર આવી બીજી અનેક ઘટનાઓ નોંધાયેલી છે. યૂરોપના શાહી પરિવારોમાં સેક્સનીના રાજા જ્હોન (King John of Saxony) ની ઇથેરિક ડબલની ઘટના લેખિત પ્રમાણ સાથે આલેખિત છે. રાજા જ્હોન એમના મંત્રીઓ સાથે મહેલના એક ભાગમાં મહત્વપૂર્ણ બેઠકમાં વાતો કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે મહેલમાં કામ કરનારા અનેક નોકરો અને પહેરેદારોએ એમને એમના શયનકક્ષ તરફ જતા જોયા હતા અને તેમણે રાજાને સલામ પણ કરી હતી. રાજાને આ વાતની જાણી કરી તો તેમણે જણાવ્યું કે તે તો તે સમય પછી પણ કલાકો સુધી મિટિંગમાં વ્યસ્ત હતા અને ત્યાંથી એક પળવાર માટે પણ ઊભા થયા નહોતા. બધા મંત્રીઓ તેના સાક્ષી હતા. રાજાએ આના પર સ્વયં જણાવ્યું કે તે તેમના ઇથેરિક બોડીનું અનાયાસ પ્રક્ષેપણ (Spontaneous Projection) હશે.
સત્તરમી સદીના સંત જોસેફ ઑફ કુપરટિનો (St. Joseph of Cupertino) ના પણ એવા દસ્તાવેજી પુરાવા છે કે તે ઇથેરિક ડબલથી બે સ્થળે હાજર હોય એવું (Bilocation) નોંધાયેલું છે. તે તેમની કોટેજમાં ગાઢ ધ્યાનની સ્થિતિ (Deep Trance) માં બેઠેલા જોવા મળતા, બરાબર તે સમયે સેંકડો માઇલ દૂર બીમાર વ્યક્તિની સારવાર કરતા પણ જોવા મળતા.'
ગુજરાતના સંત પૂજ્ય મોટા (ચુનીલાલ ભગત)ના જીવનમાં પણ આવી ઘટના બનતી. એમના માતા સૂરજબાની અંતિમ ઇચ્છા હતી કે તેમના જીવનની અંતિમ ઘડીઓમાં તેમનો દીકરો (ચુનીલાલ) તેમની પાસે હાજર હોય. માતાની આ ઇચ્છા અને પોકારને પૂ. મોટાએ સેંકડો કિલોમીટર દૂરથી પોતાની આંતરશક્તિથી જાણી લીધી. તેમણે પોતાના સ્થૂળ શરીરને આશ્રમમાં જ રાખીને સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણથી એસ્ટ્રલ ટ્રાવેલ કરી ઇથેરિક ડબલના બીજા રૂપથી માતા પાસે જઇ તેમના માથે હાથ મૂકી તેમની ઇચ્છા પૂરી કરી હતી. માતા સૂરજબાએ તેમને જોઈ તેમના હાથનો સ્પર્શ અનુભવ કરી સંતોષથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. એક જ સમયે જુદા જુદા સ્થળોએ હાજર હોવાના આવા પ્રસંગો તેમના જીવનમાં બનેલા છે.




