Shatdal

પ્રકૃતિ અનુસાર ભોજન અને રોગમુક્તિ

By GS Team
13 Oct 20263 mins read
પ્રકૃતિ અનુસાર ભોજન અને રોગમુક્તિ
  • આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
  • ખસ-ખસ, તલ, અંજીર, ચારોળી અને પિસ્તા જેવો સૂકો મેવો પણ કફવર્ધક હોઇ કફજન્ય સમસ્યામાં ત્યાગવા લાયક છે

આ પણે જે ખોરાક ખાઈએ છીએ, તે તમામને પોતાના ગુણ અને દોષ હોય છે. જેથી કરીને આહાર લીધા પછી તેની સારી કે ખરાબ અસર શરીર પર વર્તાતી હોય છે. અન્નમાં રહેલા ભૌતિક ગુણ અને ઔષધીય કર્મના પ્રભાવથી જ સારા થતા હોય છે. તો ક્યારેક અયોગ્ય આહાર- (દેશ કાળ અને પ્રકૃતિ સમજ વગર લેવાયેલો આહાર) મોટાભાગના રોગોનું કારણ બને છે. કઈ પ્રકૃતિ અનુસાર શું ખાવું ?, કેટલું ખાવું ? અને ક્યારે ખાવું ? એમ પસંદગીપૂર્વક કરેલા આહારથી સ્વાસ્થ્યનું શ્રેય રહેલું છે.
ખોરાકની પસંદગી કરવાની બાબતમાં વ્યકિતના શરીરની પ્રકૃતિ એને થતાં રોગો અનુસાર નીચે કેટલાક લક્ષણોની સૂચિ જણાવું છું તે અનુસાર ખોરાક ત્યાગવો. તેમ કરવાથી મહદઅંશે રોગો થવાની સંભાવના ઘટી જશે.
સૌ પ્રથમ, વાયુના વધવાથી થતી સમસ્યાઓ પર નજર નાખીએ. વાયુ પ્રકોપ પામે ત્યારે અપચો, પેટ ફૂલી જવું, પેટમાં ચૂંક, મૂંઝારો, ગભરામણ, હેડકી, છીંકો, ધુ્રજારી, શરીરના વિવિધ ભાગોનો દુ:ખાવો, અંગ જકડાઈ જવું, બહેરાપણું હાથે-પગે ખાલી ચઢવી, અનિંદ્રા, શરીરનું દુબળાપણું, હાથે-પગે વાઢિયા, ચામડી ફાટવી, નાડીના ધબકારાની વધ-ઘટ, હિસ્ટીરીઆ (વાઈ) જેવી સમસ્યા તથા સાયટિકા, કબજિયાત અને મસા જેવા દરદો જોવા મળે છે.
ઉપર જણાવેલ વાયુ વધવાથી થતી સમસ્યાઓમાં નીચે જણાવેલ વાયુવર્ધક પદાર્થો આહારમાંથી ત્યાગવા જેમાં બાજરી, મકાઈ, નાચણી (રાગી), કોદરી જેવા ધાન્ય, ચણા, તુવેર, મઠ, વાલ, વટાણા અને ચોળા જેવા કઠોળ, કારેલા, કોબી, ગુવાર, તુરિયા, પાલખ, બટાકા અને ભીંડા જેવા શાક તથા જાંબુ, ફણસ, કાચી કેરી, પાકુ પપૈયુ, પાકા બીલી, સીતાફળ, કોકમ, મગફળીનું તેલ અને વિશેષ કરીને વધુ પડતાં તળેલા અને તીખા પદાર્થો મુખ્ય છે.
હવે, પિત્ત વધવાથી થતી અસરો મુજબ જો મોઢું ખાટુ કે કડવું રહે, પેટ કે છાતીમાં બળતરા થાય, મૂત્રમાર્ગે દાહ થાય, વધુ પડતો પીળો પેશાબ આવે, આંખે અંધારા, ચક્કર તથા સુસ્તી અને આળસ વધે એવા લક્ષણો દેખાય, વાળ અકાળે સફેદ થવા માંડે. જીભ અને ગલોફામાં વારંવાર ચાંદા પડે, એસીડીટી, ઊલટી વારંવાર થતી હોય, આંતરડામાં ચાંદા પડે. મસામાંથી લોહી પડે. વારંવાર નસકોરી ફૂટે તો તુરંત પિત્ત વધે એવો ખોરાક ત્યાગી દેવો.
પિત્ત વધારે એવા પદાર્થોની સૂચિમાં બ્રેડ, ઢોકળા, હાંડવો, ઈડલી જેવા તમામ આથાવાળા પદાર્થો અગ્રેસર છે. આ ઉપરાંત ટામેટા, રીંગણ, રતાળુ, મોગરી, સૂરણ, મૂળા, મેથીની ભાજી, ગાજર, પાઇનેપલ, કીવી તથા ધાન્યમાં બાજરી, મકાઈ અને નવા ચોખા અને કઠોળમાં અડદ, ચોળા અને વાલ શરીરમાં પિત્તનો પ્રકોપ કરે છે. વિશેષ કરીને અજમો, આદુ, તુલસી, મરી, તજ, જેવાં ગરમ મસાલા પણ પિત્તનો પ્રકોપ કરે છે. વિશેષ કરીને લાલ અને લીલુ મરચું, લસણ, રાઈ અને હિંગ જેવા ઉષ્ણ પદાર્થો પિત્ત વધવાના કેટલાક કારણોમાંનું એક મહત્ત્વનું કારણ છે. સરસિયાનું તેલ અને જૂનું મધ પણ પિત્તજન્ય સમસ્યાઓ કરતા હોઈ ત્યાગવા યોગ્ય છે.
કફ દોષ વધવાથી વધુ પડતી ઊંઘ, શરીર ભારે લાગવું, આળસ વધવી, અવાજ ખોખરો થવો, વારંવાર શરીર ઠંડુ પડી જવું અને ઝાડો તથા પેશાબ સફેદ રંગના આવે એવા લક્ષણો દેખાય છે. વળી, કફનું પ્રમાણ શરીરમાં વધતાં ત્વચા પરની ખંજવાળ, ગૂમડા, ફોડલી જેવી સમસ્યા થઇ આવે છે. આ ઉપરાંત શરદી, સાયનસ, હાઇ કોલેસ્ટેરોલ, મેદસ્વીતા અને ડાયાબીટીસ જેવી સમસ્યાઓને પણ કફના વધવા સાથે સંબંધ છે.
આવી સમસ્યાઓ જણાતા નીચે જણાવેલા તમામ કફવર્ધક પદાર્થો ત્યાગવા.
ખાંડ, ગોળ, મીઠાઈ, આઈસક્રીમ, કેક, પેસ્ટ્રી, ઠંડા પીણા જેવાં ગળ્યા પદાર્થો અને તેલ, ઘી, માખણ, મલાઇ જેવાં તમામ ચીકણા પદાર્થો કફ વધારનાર છે. ઘઉં, મકાઈ, અડદ અને ચોળાથી પણ કફ પ્રકોપ પામે છે. શાકભાજીમાં પાકી કાકડી, ગુવાર, ડુંગળી, તુરિયા, બટાકા, ભીંડા, કોળુ, રતાળુ અને દૂધી કફ વધારવામાં અગ્રેસર છે. કેળા, જમરૂખ, રાયણ, નાળિયેર (કોપરુ અને એનું તેલ), મોસંબી, સીતાફળ, બોર, શીંગોડા અને શેરડીથી કફ વધે છે. દૂધ (વિશેષ કરીને ભેંસનું દૂધ), દહીં અને દહીંની બનાવટો કફ વધારે છે. ઉપરાંત ખસ-ખસ, તલ, અંજીર, ચારોળી અને પિસ્તા જેવો સૂકો મેવો પણ કફવર્ધક હોઇ કફજન્ય સમસ્યામાં ત્યાગવા લાયક છે.
વાચક મિત્રો, ઉપર જણાવેલી સૂચિમાંથી જે આહાર પ્રતિકૂળ જણાય તે ત્યાગવાથી દોષજન્ય રોગાવસ્થામાં રાહત મળશે.