મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે...

- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ક્યારેક મનની બીમારીને ભૂત-પ્રેતનો વળગાડ માનવામાં આવતો, દર્દીને સાંકળોથી બાંધવામાં આવતો, આજે એ જ મનની સારવાર દવા, વાતચીત, પરામર્શ અને આધુનિક તબીબી પદ્ધતિથી થાય છે
મ ન દેખાતું નથી, પણ માણસનું આખું જીવન ચલાવે છે. શરીર પર ઘા પડે તો આંખે દેખાય, તાવ આવે તો થર્મોમીટર તાપમાન બતાવે, હૃદય ધબકે તો મશીન તેની ગતિ માપી લે, પરંતુ મન થાકી જાય, ડરી જાય, તૂટી જાય કે અંદરથી અંધારું થઈ જાય ત્યારે તેની પીડા માપવાનું કોઈ સરળ સાધન નથી. કદાચ એટલા માટે જ માનવજાતના સૌથી જૂના પ્રશ્નોમાંનો એક પ્રશ્ન રહ્યો છે - માણસના મનમાં આવું કેમ થાય છે અને તેને સાજું કેવી રીતે કરવું?
આજના સમયમાં હતાશા, અતિ ચિંતા, દ્વિધુ્રવી વિકાર, મનોભ્રમ, વ્યસન અને અનેક માનસિક સમસ્યાઓને તબીબી દ્રષ્ટિએ સમજવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પ્રમાણે દુનિયાની લગભગ દર સાતમાંથી એક વ્યક્તિ કોઈ ને કોઈ માનસિક વિકાર સાથે જીવતી હતી - અંદાજે ૧.૨ અબજ લોકો. છતાં અસરકારક સારવારની પહોંચ હજુ પણ મોટો પડકાર છે.
માનસિક આરોગ્યની કહાની માત્ર આધુનિક હોસ્પિટલોથી શરૂ થતી નથી. પ્રાચીન ભારતના આયુર્વેદિક ગ્રંથોમાં મન, શરીર અને વર્તન વચ્ચેના સંબંધની ચર્ચા જોવા મળે છે. ચરક સંહિતામાં માનસિક સ્થિતિઓ, વર્તન અને ચેતનાના વિવિધ પાસાં અંગે વિચાર જોવા મળે છે. બીજી તરફ પ્રાચીન ગ્રીસમાં હિપોક્રેટીસે માનસિક બીમારીને અલૌકિક શક્તિઓ કે દેવદંડ સાથે જોડવાને બદલે કુદરતી અને શારીરિક કારણોથી સમજવાનો પ્રયાસ કર્યો. એટલે માનસિક આરોગ્યની સમજણનો પહેલો મોટો ફેરફાર કદાચ એ હતો કે ''આ માણસ પર કંઈક ચઢયું છે'' માંથી ''આ માણસ બીમાર હોઈ શકે છે''તરફ વિચાર આગળ વધ્યો.
મધ્યયુગમાં દુનિયાના કેટલાક ભાગોમાં માનસિક બીમારી ધરાવતા લોકો માટે અલગ આશ્રયસ્થાનો ઊભાં થયા. ઇસ્લામિક વિશ્વમાં બિમારિસ્તાન જેવી સંસ્થાઓમાં માનસિક દર્દીઓની સંભાળના ઉલ્લેખ મળે છે. યુરોપમાં બાદમાં આવા આશ્રયસ્થાનો ઊભાં થયા, પરંતુ ત્યાંની વ્યવસ્થા ઘણી વખત સારવાર કરતાં વધુ કેદ જેવી હતી. લંડનની બેથલેમ હોસ્પિટલ - જે પછી 'બેડલેમ' નામથી જાણીતી બની - માનસિક દર્દીઓ સાથેના અમાનવીય વર્તનના ઐતિહાસિક પ્રતીક તરીકે પણ યાદ કરવામાં આવે છે.
આધુનિક મનોચિકિત્સાનો સૂર જોકે ૧૮મી અને ૧૯મી સદીમાં સ્પષ્ટ બનવા લાગ્યો. ફ્રાન્સના ફિલિપ પિનેલનું નામ અહીં વારંવાર લેવામાં આવે છે. તેમને ''આધુનિક મનોચિકિત્સાના પિતા'' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે માનસિક દર્દીઓને સાંકળોથી બાંધવાની પ્રથાનો વિરોધ કર્યો અને માનવીય વ્યવહાર તથા વ્યવસ્થિત નિરીક્ષણ પર ભાર મૂક્યો. એટલે વિશ્વના ''પ્રથમ મનોચિકિત્સક'' તરીકે એક જ વ્યક્તિનું નામ આપવું ઐતિહાસિક રીતે યોગ્ય નથી, પરંતુ આધુનિક મનોચિકિત્સાને માનવીય અને તબીબી દિશા આપનારા મહત્ત્વના પાયોનિયરોમાં પિનેલનું સ્થાન ઊંચું છે.
ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાં પણ માનસિક બીમારી અંગેની પોતાની સમજ અને સારવારની પરંપરા હતી, પરંતુ આધુનિક અર્થમાં માનસિક આશ્રયગૃહોની વ્યવસ્થા બ્રિટિશ શાસન દરમિયાન વિકસવા લાગી. શરૂઆતમાં તેનો હેતુ દર્દીને સમાજથી અલગ રાખવાનો હતો. ભારતમાં કોલકાતા, મદ્રાસ, મુંબઈ અને અન્ય શહેરોમાં ધીમે ધીમે આવી સંસ્થાઓ ઊભી થઈ. ૧૮૫૮ના ભારતીય માનસિક રોગ આશ્રયગૃહ કાયદા પછી આવા આશ્રયસ્થાનો સ્થાપવા અને દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયાને કાયદાકીય માળખું મળ્યું.
અહીં ''હોસ્પિટલ'' શબ્દ વાંચીને આજની હોસ્પિટલની કલ્પના ન કરવી જોઈએ. એ સમયના અનેક આશ્રયસ્થાનોમાં સારવાર કરતાં રખેવાળી અને દેખરેખ એટલે કે દર્દીને સુરક્ષિત રીતે રાખવો, તેની દેખરેખ કરવી અને સમાજથી દૂર રાખવો એ મુખ્ય હેતુ હતો. ભારતની અનેક જૂની સંસ્થાઓમાં ગંદકી, ભીડ અને સંસાધનોની અછતની ફરિયાદો પણ જોવા મળે છે. એટલે મનોચિકિત્સાનો ઇતિહાસ માત્ર દવાઓ અને શોધનો ઇતિહાસ નથી, તે માણસને માણસ તરીકે જોવાનું શીખવાની સફર પણ છે.
ભારતના શરૂઆતના માનસિક આરોગ્ય કેન્દ્રોમાં આગ્રાનું નામ ખાસ યાદ આવે છે. ઉપલબ્ધ ઐતિહાસિક સંશોધન મુજબ આગ્રાનું આશ્રયગૃહ ૧૮૫૯માં શરૂ થયું હતું. તેની શરૂઆતની કહાની પણ તે સમયની માનસિક આરોગ્ય વ્યવસ્થાની વાસ્તવિકતા બતાવે છે. ૯ સપ્ટેમ્બર ૧૮૫૯ના રોજ અનિગા નામની એક મહિલા ભિખારીને પ્રથમ દર્દી તરીકે દાખલ કરવામાં આવી હતી. પ્રથમ જ વર્ષમાં ૩૯ દર્દીઓ દાખલ થયા, જેમાં ૨૫ના મૃત્યુ થયા, ૬ સાજા થયા, ૭માં સુધારો નોંધાયો અને એક દર્દી ભાગી ગયો હતો. સારવાર કરતાં રખેવાળી આધારિત વ્યવસ્થા વધુ હતી અને શરૂઆતના વર્ષોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ તથા અસ્વચ્છ હોવાનું ઐતિહાસિક વર્ણન મળે છે.
આગ્રા હોસ્પિટલની કહાનીમાં આગળ જઈને એક મોટો વળાંક આવ્યો. ડૉ. બનારસી દાસ ૧૯૩૫થી ૧૯૪૩ દરમિયાન આ સંસ્થાના વડા બન્યા અને તેમને અહીંના પ્રથમ ભારતીય મૂળના મનોચિકિત્સક તરીકે નોંધવામાં આવે છે.
આ તબક્કે માનસિક દર્દીને માત્ર ''રાખવાના'' નહીં, પરંતુ તેની બીમારીને તબીબી રીતે સમજવાનો અભિગમ મજબૂત બનવા લાગ્યો.
ભારતમાં આધુનિક મનોચિકિત્સાને વૈજ્ઞાનિક અને શૈક્ષણિક દિશા આપનારાઓમાં ગિરીન્દ્રશેખર બોઝનું નામ અત્યંત મહત્વનું છે. ૧૯૨૨માં તેમણે ભારતીય મનોવિશ્લેષણ મંડળની સ્થાપના કરી અને ૧ મે ૧૯૩૩ના રોજ કલકત્તાની કાર્માઇકલ મેડિકલ કોલેજ, હાલની આર.જી. કર મેડિકલ કોલેજ, ખાતે ભારતનું પ્રથમ સામાન્ય હોસ્પિટલ આધારિત મનોચિકિત્સા વિભાગ શરૂ કર્યું. આ એક ક્રાંતિકારી વિચાર હતો - માનસિક દર્દીને અલગ ''પાગલખાનામાં'' નહીં, પરંતુ સામાન્ય હોસ્પિટલની અંદર પણ સારવાર મળી શકે. આગળ જતાં આવા વિભાગો ભારતની માનસિક આરોગ્ય વ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ બન્યા.
એ પછી સારવારની દુનિયા પણ બદલાતી ગઈ. શરૂઆતમાં દર્દીને શાંત રાખવા માટે ઊંઘ લાવતી દવાઓ અને વિવિધ શારીરિક પદ્ધતિઓનો ઉપયોગ થતો. ૧૯૩૦-૪૦ના દાયકામાં ભારતમાં વિવિધ પ્રકારની આંચકા આધારિત સારવાર, ઇન્સ્યુલિનથી બેભાન કરવાની પદ્ધતિ અને અન્ય સારવાર અજમાવવામાં આવી. કેટલીક પદ્ધતિઓ આજે વૈજ્ઞાનિક તથા નૈતિક માપદંડોથી જૂની અને અસ્વીકાર્ય લાગે છે. પરંતુ એ સમયના સંશોધનોએ આગળની સારવાર માટેનો રસ્તો પણ ખોલ્યો.
ગુજરાતની વાત કરીએ તો માનસિક આરોગ્યની આ સફરમાં અમદાવાદનું સ્થાન ખૂબ જૂનું છે. ૬ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ અમદાવાદમાં પ્રથમ માનસિક આશ્રયગૃહ શરૂ થયું હતું. શરૂઆતમાં તેમાં ૫૦ પથારીઓની વ્યવસ્થા હતી અને મેજર પી. પિરાઈ તેના પ્રથમ અધીક્ષક હતા. ૧૮૭૨ સુધીમાં પથારીઓની સંખ્યા વધારીને ૧૮૦ કરવામાં આવી હતી. આ જૂની ઇમારતની રચના પણ જેલ જેવી હતી - મધ્યમાં દેખરેખ અને આસપાસ વોર્ડ. આજે આ વાત વાંચીએ ત્યારે અચંબો થાય, પરંતુ તે સમયની માનસિક આરોગ્ય અંગેની સમજણનો એ જીવંત પુરાવો હતો.
અમદાવાદની આ સંસ્થામાં એક સમય એવો પણ હતો જ્યારે ગરમ અને ઠંડા પાણીના સ્નાનનો ઉપયોગ સારવારના ભાગરૂપે થતો હતો. ૧૯૮૦ના દાયકામાં પણ તેના અવશેષો જોવા મળતા હતા, જોકે આવી પદ્ધતિઓ ૧૯૫૦ના દાયકામાં આધુનિક દવાઓ આવ્યા પછી બંધ થઈ ગઈ હતી. અમદાવાદના માનસિક રોગોની હોસ્પિટલમાં ૧૯૫૦થી ૧૯૫૪ દરમિયાન ડૉ. મેજર સી. બી. મિલરને પ્રથમ મનોચિકિત્સક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અહીં એક વાત ખાસ નોંધવી જરૂરી છે - મેજર પી. પિરાઈ પ્રથમ અધીક્ષક હતા, જ્યારે ડૉ. સી. બી. મિલરને પ્રથમ મનોચિકિત્સક તરીકે નોંધવામાં આવે છે.
સમય આગળ વધ્યો અને ''આશ્રયગૃહ'' શબ્દની પાછળ છુપાયેલી માનસિકતામાં પણ ફેરફાર આવ્યો. ૨૦મી સદીમાં અનેક સંસ્થાઓને ''માનસિક હોસ્પિટલ'' તરીકે ઓળખાવા લાગી. દર્દી હવે માત્ર બંધ દરવાજા પાછળ રાખવાની વ્યક્તિ નહોતો, તે સારવારનો અધિકાર ધરાવતો દર્દી બનવા લાગ્યો. ભારતની આ સફરમાં ૧૯૮૨માં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ અને ત્યારબાદ ૧૯૮૭નો માનસિક આરોગ્ય કાયદો તથા ૨૦૧૭નો માનસિક આરોગ્ય સંભાળ કાયદો જેવા કાયદાકીય પરિવર્તનોએ માનસિક આરોગ્યને અધિકાર અને જાહેર આરોગ્યના મુદ્દા તરીકે વધુ મજબૂત બનાવ્યું.
આજે તો માનસિક સારવારની તસવીર જ બદલાઈ ગઈ છે. કોઈ દર્દીને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રાખવો એ એકમાત્ર રસ્તો રહ્યો નથી. મનોચિકિત્સક દવા આપે છે, તબીબી મનોવિજ્ઞાની વાતચીત અને મનોવૈજ્ઞાનિક સારવાર કરે છે, માનસિક આરોગ્ય સામાજિક કાર્યકર સામાજિક અને પરિવાર આધારિત પુનર્વસન સાથે જોડાય છે. ગંભીર દર્દીઓ માટે હોસ્પિટલની સારવાર છે, જ્યારે અન્ય ઘણા દર્દીઓ બાહ્ય દર્દી વિભાગ, પરામર્શ, દિવસ દરમિયાન ચાલતી સારવાર અને સમુદાય આધારિત સેવાઓથી સારવાર લઈ શકે છે.
હતાશા માટે મનોવૈજ્ઞાનિક સારવાર અને જરૂરિયાત મુજબ દવાઓ, અતિચિંતા માટે વાતચીત આધારિત સારવાર, મનોભ્રમ માટે દવા સાથે પરિવાર આધારિત અને સામાજિક પુનર્વસનની પદ્ધતિઓ આજે ઉપલબ્ધ છે. એટલે માનસિક બીમારી હવે જીવનભરની સજા નથી, યોગ્ય નિદાન અને યોગ્ય સારવારથી અનેક લોકો સામાન્ય જીવન જીવી શકે છે.
અને હવે તો માનસિક સારવાર મોબાઇલ ફોન સુધી આવી પહોંચી છે. ભારત સરકારે ૧૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ટેલિ-માનસ સેવા શરૂ કરી. તેના માધ્યમથી ચોવીસ કલાક માનસિક આરોગ્ય અંગે પરામર્શ, નિષ્ણાત સાથે વાતચીત અને જરૂરિયાત મુજબ આગળની સારવાર સાથે જોડાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે ૧૮૬૩ના અમદાવાદના જેલ જેવી દીવાલોવાળા માનસિક આશ્રયગૃહથી ૨૦૨૬ના મોબાઇલ ફોન સુધીની આ સફર ખરેખર અદભુત છે.
પરંતુ સવાલ હજુ પણ ઊભો છે - આજે કેટલા લોકો સારવાર લઈ રહ્યા છે? તેનો એક જ તાજો રાષ્ટ્રીય આંકડો આપવો મુશ્કેલ છે, કારણ કે સારવાર લેતા લોકોની સંખ્યા અને માનસિક સમસ્યાઓ ધરાવતા લોકોની સંખ્યા બે અલગ બાબતો છે. ભારતના રાષ્ટ્રીય માનસિક આરોગ્ય સર્વેક્ષણ ૨૦૧૫-૧૬ મુજબ દેશની ૧૩.૭ ટકા વસ્તીમાં જીવનકાળ દરમિયાન કોઈ ને કોઈ માનસિક વિકાર અને ૧૦.૬ ટકામાં વર્તમાન માનસિક વિકારનું પ્રમાણ અંદાજવામાં આવ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે વિવિધ માનસિક વિકારોમાં સારવારનો અભાવ ૭૦થી ૯૨ ટકા સુધી હતો અને કોઈપણ માનસિક સમસ્યા માટે કુલ સારવારનો અભાવ ૮૩ ટકા હતો.
એટલે લાખો નહીં, કરોડો લોકો સુધી સારવારની જરૂરિયાત હોવા છતાં તેઓ નિષ્ણાત સુધી પહોંચી રહ્યા નહોતા. આજે પરિસ્થિતિમાં ટેકનોલોજી, પરામર્શ, દવાઓ અને કાયદાકીય અધિકારોના કારણે મોટો બદલાવ આવ્યો છે, પરંતુ કલંકની દીવાલ હજુ સંપૂર્ણ તૂટી નથી. ''મને હતાશા છે'' કહેવામાં હજુ ઘણા લોકો શરમ અનુભવે છેત ''મને અતિ ચિંતા થાય છે'' કહેનારને હજુ ક્યારેક ''વધારે વિચારવાનું બંધ કર'' એવી સલાહ મળે છે. માનસિક બીમારીને નબળાઈ માનવાની આ માનસિકતા જ કદાચ આજના યુગનું સૌથી મોટું ''પાગલખાનું''છે.
એક સદી પહેલાં માણસને સાંકળથી બાંધીને શાંત રાખવાનો પ્રયાસ થતો હતો, આજે માણસની વાત સાંભળીને તેને સમજવાનો પ્રયાસ થાય છે. એક સમયે માનસિક દર્દી માટે દરવાજો બંધ થતો હતો, આજે સારવારનો દરવાજો ખોલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને કદાચ માનસિક આરોગ્યની આખી સફરનો સૌથી સુંદર અર્થ પણ એ જ છે -
મનને કેદ કરવાની નહીં, મનને સમજવાની શરૂઆત…..
(શીર્ષક પંક્તિ : રાજેન્દ્ર શુક્લ)




