Shatdal

મા-બાપને ભૂલશો નહીં

By GS Team
29 Sep 20264 mins read
મા-બાપને ભૂલશો નહીં
  • એક જ દે ચિનગારી-શશિન્
  • આપણું નાનકડું કામ કરી આપનારને પણ જો આપણે 'થેન્કયુ'થી નવાજવાનું ભૂલતા ન હોઈએ, તો મા-બાપના ઉપકારોની તો વાત જ શી કરવી?

વૃ ધ્ધત્વ એ યૌવનનું ભવિષ્ય છે અને યૌવન એ વૃધ્ધત્વનો ભૂતકાળ છે. ગમે તેવો શક્તિશાળી માણસ પણ ઉંમરજન્ય પ્રભાવો સામે કમજોર બને છે. આવાં શારીરિક પરિવર્તનોને લઈને જ નિવૃત્તિ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
'આશ્રમવ્યવસ્થા'માં 'વાનપ્રસ્થ'નો ખ્યાલ પણ ઉંમરના વિભાજન સાથે જ સંકળાયેલો છે. સ્નેહ, સદ્ભાવ, સહિષ્ણુતા, સમાદર અને સેવાભાવના એ પારિવારિક સંબંધોની સુદ્રઢતા, મધુરતા અને નિર્મળતાનો પાયો છે. સંયુક્ત પરિવારમાં ત્યાગ અને સમર્પણની ભાવના કેન્દ્રમાં હતી. આવક પણ સહિયારી અને ખર્ચ પણ સહિયારો. એટલે અશક્તો, વૃદ્ધો, બીમારોને પણ એ વ્યવસ્થામાં રક્ષણ મળી રહેતું. પણ શહેરીકરણ, મોંઘવારી, ભૌતિકતાવાદ અને માણસમાં વકરેલી માણસ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યાં. સહિષ્ણુતાની સરવાણી સુકાઈ. સેવાવૃત્તિમાં ઓટ આવી. પ્રામાણિકપણે જીવતા માણસ માટે બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું. પરિણામે ધન અને ભાવના બન્નેનું એણે 'બજેટ' કરવું પડયું. ક્યારેક માણસે પોતાની લાગણીઓ પર નિયંત્રણ મૂકવું પડયું, ઈચ્છા હોય કે ન હોય.
બીજી તરફ જેમની પાસે ધન છે, પણ જીવનમાંથી સ્વત: ઉદ્ભવેલી ધર્મનિષ્ઠા અથવા કર્તવ્યપરાયણતાની જીવનદ્રષ્ટિ નથી, એવા લોકોનાં મન સાંકડા થયાં. ઐહિક ભૂખોની વિવેકહીન ભૂખે તેમની પાસેથી ઔદાર્ય છીનવી લીધું. વયોવૃદ્ધ મા-બાપની ડખલ વગરનું મુક્ત જીવન પણ કેટલાંક પરિણીત સંતાનોનું જીવન લક્ષ્ય બન્યું. રૂપિયા-પૈસા સમક્ષ રક્તની ઉષ્માને ગૌણ ગણનારે લોહીનો રંગ 'લાલ' ગણાવાને બદલે સફેદ ગણાય એની પણ પરવા ના કરી. આને કારણે કુટુંબજીવન વેરણછેરણ થઈ ગયું. જેના માઠાં પરિણામો વૃદ્ધત્વની ઘોર ઉપેક્ષા, અનાદર, અપમાન અને એમના પ્રત્યેની અંતરભીની લાગણીના સદંતર અભાવરૂપે જોવા મળે છે.
આર્થિક કારણોસર કે જવાબદારી લેવાની ને આદરપૂર્વક વહન કરવાની તૈયારીને અભાવે સંતાનો મા-બાપ પ્રત્યે 'પરાયા' જેવું વર્તન દાખવે છે. માતા-પિતાની સેવાને સુઅવસર ગણવાને બદલે 'બોજ' ગણવાની વૃત્તિએ વૃધ્ધાશ્રમો કે ઘરડાંના ઘરની સંખ્યામાં વધારો કરવાની સ્થિતિ જન્માવી છે. પરિણામે વૃદ્ધોની સમસ્યા ગંભીર બની છે.
મા-બાપના ઋણનું સ્મરણ કરી એમના પ્રત્યેનાં કર્તવ્યો પ્રત્યે ઉદાસીન રહેવાનું કોઈ પણ સંતાન માટે યોગ્ય ન જ કહેવાય. વૃદ્ધત્વમાં પતિ-પત્ની એકબીજાનો મહત્વનો જીવનાધાર હોય છે. ત્યારે એકબીજાથી અલગ રહેવાનો વારો આવે તો તેઓ ભાંગી પડે છે. અને એમની લાચારી, વ્યથા અને ચિંતા એમને વહેલાં મોતના મોઢામાં ધકેલે છે. એટલે મા-બાપને પરસ્પરથી અલગ રાખવાની વ્યવસ્થા ઉચિત, આવકાર્ય કે ક્ષમ્ય નથી.
હકીકતમાં માતા-પિતાના અગણિત ઉપકારોનું મનોમન સ્મરણ કરી તેમના પ્રત્યે વંદનનો ભાવ સહજ રીતે જ પ્રગટવો જોઈએ. પરંતુ મોટાભાગના સંતાનો મા-બાપ પ્રત્યેના આદરની અભિવ્યક્તિને ઔપચારિકતાનો વિષય બનાવી દે છે અને તેમને ઉપેક્ષા પાત્રની શ્રેણીમાં બેસાડી દે છે. નિકટતાને લીધે તેમને માતા-પિતાએ કરેલા ઉપકારો દેખાતા નથી. વડીલોને વંદન કરવાની ભાવનાને 'જુનવાણી' ગણીને પણ સંતાનો તેમ કરતા ખચકાય છે. નહીં નમવાની વૃત્તિનો પણ ફેશનમાં સમાવેશ થાય છે.
ભૌતિક સુખો તરફની અપેક્ષાઓએ માણસને સ્વાર્થના સમીકરણોમાં પણ પાવરધો બનાવી દીધો છે. ઓફિસના અધિકારી પાસેથી સુવિધાઓ, પદોન્નતિની તકો, જેવા અનેક લાભો અધીનસ્થ કર્મચારીઓ મેળવી શકે એટલા માટે તેઓ તેમને સલામ કરીને રીઝવવાની કોશિશ કરતાં હોય છે.
મા-બાપ તરફના લાભો તો રક્તસંબંધ - લાગણી સંબંધ અને વાત્સલ્યભાવે મળવાના જ છે. એવું સંતાનો માનતા હોય છે. અને જે વસ્તુ સહેલાઈથી મળે, માણસને તેનું મૂલ્ય ઓછું આંકવાની ટેવ છે. એટલે જ સારાની ઉપેક્ષા સમાજમાં થતી રહી છે. મા-બાપ તરફથી લાગણી અને લાભ, સહજ રીતે મળે છે એટલે ાૃસંતાનો એને કદરદાનીનો વિષય બનાવતા નથી.
પોતાના માતા-પિતા માટે તમે
શું આટલું ન કરી શકો ?
૧.પ્રણામ કરવાં.
૨. કોઈપણ કાર્ય માટે ઘરેથી બહાર જતી વખતે માતા-પિતાની રજા લઈને જવું.
૩. માતા-પિતા કોઈપણ કાર્ય સોંપે તો તેનો ઈન્કાર ન કરવો. પ્રતિકૂળતા હોય તો વિનયપૂર્વક કારણ જણાવો.
૪. અનુકૂળતા મુજબ માતા-પિતાને નાના-મોટા કામમાં મદદ કરવી.
૫. માતા-પિતાની સામે ન બોલવું, ઉદ્ધત વર્તન ન કરવું. ૬. માતા-પિતાની વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરવી. ૭. માતાપિતાની બેઠક ઘરમાં ગૌરવવાળા સ્થાનમાં રાખવી. ૮. એટલું યાદ રાખો કે માણસ થવાના પહેલા સંસ્કાર મા આપે છે. પહેલી સંસ્કારપીઠ માતાની કૂખ છે અને બીજી સંસ્કાર પીઠ પિતાનું કુળ છે. ૯. મમતાને સાકાર રૂપ આપવા માટે પ્રભુએ મા બનાવી છે. ૧૦. માની મમતાને કોઈ મોસમ કે વધઘટ નથી હોતી. મા તો મા છે. ૧૧. માતા-પિતાને ઉપનિષદોએ ભગવાન કરતાં પણ આગળ રાખ્યા છે. 'માતૃદેવો ભવ', 'પિતૃદેવો ભવ'
૧૨. તમે જ્યારે ધરતી પર પ્રથમ શ્વાસ લીધો ત્યારે તમારા માતા-પિતા તમારી પાસે હતા. માતા-પિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તમે તેમની પાસે રહેજો.