Shatdal

જ્ઞાનીને દાન અપાય નહીં

By GS Team
18 Aug 20262 mins read
જ્ઞાનીને દાન અપાય નહીં
  • ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

પિ તા વિશ્વનાથનું અવસાન થતાં ભૂદેવ મુખોપાધ્યાયને ઊંડો આઘાત લાગ્યો. પિતાની પાસેથી થોડી સંપત્તિ તો મળી હતી, પરંતુ એથીય વિશેષ ઉચ્ચ ભાવનાઓનો ઉજ્જવળ વારસો પ્રાપ્ત થયો હતો.
ભૂદેવ મુખોપાધ્યાય વિચાર કરવા લાગ્યા કે પિતાની સ્મૃતિને કઇ રીતે જાળવી શકાય ? એમના પિતાને જ્ઞાન તરફ અગાધ પ્રીતિ હતી અને જ્ઞાનીઓ પ્રત્યે ઊંડો આદર હતો. આથી મુખોપાધ્યાયે પિતાની સ્મૃતિમાં 'વિશ્વનાથ સ્કૉલરશિપ' શરૂ કરી. આને માટે એક લાખ અને સાઠ હજારની સંપત્તિ એ ફંડમાં મૂકી.
આ ફંડ દ્વારા વિદ્વાનોને આર્થિક સહાય આપવામાં આવતી હતી. આમાંથી સહાય મેળવવા માટે કોઈ વિદ્વાનને અરજી કરવી પડતી નહીં કે ન તો સંસ્થાના કાર્યાલયમાં આવવું પડતું. માત્ર મનીઑર્ડર દ્વારા એ રકમ વિદ્વાનોને ત્યાં પહોંચી જતી.
જે વિદ્વાને સમાજને જ્ઞાન અને સંસ્કાર આપ્યા હોય એને યાચના કરવી પડે એ તો સમાજ માટે લાંછનરૂપ ગણાય, આથી જ ભૂદેવ મુખોપાધ્યાયે વિદ્વાનોનાં આંદર-સન્માન જળવાય એવી રીતે સમગ્ર આયોજન કર્યું.
એક વાર એમના એક કર્મચારીએ 'એજ્યુકેશન ગૅઝેટ'માં આપવા માટે વિશ્વનાથ સ્કૉલરશિપ મેળવનાર વિદ્વાનોની યાદી તૈયાર કરી. આ યાદી પર શીર્ષક લખ્યું છે કે, 'આ વર્ષે જે અધ્યાપકો અનેવિદ્વાનોને વિશ્વનાથ સ્કૉલરશિપ આપવામાં આવી છે તેની નામાવલિ.' શ્રી ભૂદેવ મુખોપાધ્યાયે આ યાદી જોઈ. એના પરનું શીર્ષક વાંચ્યું અને અત્યંત નારાજ થઇને કર્મચારીને કહ્યું, 'અરે, તેં આ શું લખ્યું છે ? આવું લખાતું હશે ? એને બદલે આ યાદી પર આ પ્રમાણે લખ.'
'આ વર્ષે જે અધ્યાપકો અને વિદ્વાનોએ વિશ્વનાથ સ્કૉલરશિપ સ્વીકારવાની કૃપા કરી છે તેમની નામાવલિ.'
આજે સમાજમાં ધનને આદર મળે છે અને જ્ઞાનને ઉપેક્ષા અને અવગણના મળે છે. એક સમયે એમ કહેવાતું કે, 'વિદ્વાન સર્વત્ર પૂજ્યતે' એને બદલે આજે 'ધનવાન સર્વત્ર પૂજ્યતે' એવી પરિસ્થિતિ જોવા મળે છે. જ્ઞાનીનું સન્માન થાય છે, ત્યારે એને દાન આપતા હોઇએ, એવો ભાવ જોવા મળે છે.
જ્ઞાનીએ સમાજને જે આપ્યું એનો કોઈ ઋણભાવ નજરે પડતો નથી. જ્ઞાન એ પ્રકાશ છે, સમાજ અને જીવનનો માર્ગદર્શક છે. એ જ્ઞાનની ઉપેક્ષા થાય, એ જ્ઞાનીની અવગણના થાય, તો સમાજ સંસ્કારિતાથી વિમુખ બનતો જાય છે, આથી જ્ઞાનીને આપતી વખતે દાનનો ભાવ નહીં, કિંતુ ઋણભાવ પ્રગટ થવો જોઈએ.