ન્યૂયોર્કની નિશાળોમાં ક્રિએટિવિટી વર્સિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

- મીડ વીક- હસમુખ ગજજર
- ન્યૂયોર્કમાં પ્રી- કિડર ગાર્ટનથી લઇને ધોરણ ૮ સુધીની સરકારી સ્કૂલોમાં એઆઇ એજયુકેશન પર એક વર્ષ માટે પ્રતિબંધ મુકાતા હલચલ મચી ગઇ છે. આ અંદાજે ૬ લાખ જેટલા સ્ટુડન્ટસને જનરેટિવ એઆઇથી બચાવીને પરંપરાગત અને માનવીય રીતથી શિક્ષણ આપવાનો પ્રયાસ માનવામાં આવે છે
આ ર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ દરેક ક્ષેત્રમાં પગપેસારો કરી રહયું છે પરંતુ અમેરિકામાં ન્યૂયોર્કની પ્રી- કિડરગાર્ટનથી લઇને ધોરણ ૮ સુધીની સરકારી સ્કૂલોમાં એઆઇ પર એક વર્ષ માટે પ્રતિબંધ મુકાતા હલચલ મચી ગઇ છે. અંદાજે ૬ લાખ જેટલા સ્ટુડન્ટસને જનરેટિવ એઆઇથી બચાવીને પરંપરાગત અને માનવીય રીતથી શિક્ષણ આપવાની દિશાનો આ પ્રયાસ માનવામાં આવે છે. ન્યૂયોર્કના ચર્ચાસ્પદ મેયર ૅજોહરાન મમદાની અને સ્કૂલ ચાન્સેલર કામર સેમ્યુઅલ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ક્રિટિકલ થિકિંગ એટલે કે ખુદની વિચારવાની અને સમજવાની ક્ષમતા જાળવી રાખવાનો છે. શિક્ષકો તેમજ વિધાર્થીઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો છે. આ નિયમ હેઠળ ૨૦૨૬-૨૭માં કલાસરુમ પ્રોગ્રામ્સના ૩૮થી વધુ સ્વસંચાલિત (ઓટોમેટેડ) ફીચર્સ સંપૂર્ણ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત ચેટજીપીટી અને કલોડ જેવા પબ્લિક ચેટબોટ તમામ પ્રકારની સ્કૂલોમાં સંપૂર્ણ રીતે બ્લોક રહેશે એટલું જ નહી સ્ક્રિન ટાઇમ મર્યાદિત કરવાની ભલામણ કરવામાં આવી છે. જો કે આ પ્રતિબંધમાં હાઇસ્કૂલના વિધાર્થીઓ માટે રાહત એ છે કે ડિજિટલ સાક્ષરતા માટે વર્ષમાં બે વાર ટૂંકા સત્ર હેઠળ કેટલાક પસંદ કરેલા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવાની છુટ આપવામાં આવશે. કેટલીક હાઇસ્કૂલોમાં પાયલટ કાર્યક્રમ શરુ થશે જેમાં છાત્રોને શિક્ષકોની દેખરેખમાં અમૂક પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ છે કે તમામ કક્ષાઓમાં કમ્પેનિયન ચેટબોટ્સનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ ચાલુ રાખવામાં આવશે. શિક્ષકોને લેશન પ્લાનિંગ અને વહિવટી કામગીરી માટે એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. આમાં પણ શિક્ષકોને છાત્રોના ગ્રેડિંગ કે કોઇ પણ પ્રકારના ઔપચારિક મૂલ્યાંકનમાં એઆઇનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહી. ન્યૂયોર્કમાં ત્રીજા થી પાંચમા ધોરણના છાત્રો માટે રોજ વધુને વધુ ૩૦ મિનિટ અને છઠ થી આઠમા ધોરણ માટે ૪૫ મિનિટની સ્ક્રિન મર્યાદા સુચવવામાં આવી છે. જો કે આમાં દિવ્યાંગ વિધાર્થીઓ અને અંગ્રેજી ભાષા શિખનારા બાળકોને નિયમોમાં વિશેષ છુટ આપવામાં આવશે. અમેરિકાની સૌથી મોટી સ્કૂલ સિટી લોસ એન્જેલસમાં પણ જનરેટિવ એઆઇને લઇને આ પ્રકારના પગલા ભરવામાં આવ્યા છે. લોસ એન્જેલસની યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિકટે જાહેરાત કરી હતી કે વિધાર્થીઓને શિક્ષણ ઉપકરણોમાં જનરેટિવ એઆઇ ટૂલ્સથી બહાર રાખવામાં આવશે. ગત જૂનમાં લોસ એન્જેલ્સ સ્કૂલ ડિસ્ટ્રીકટના નાના બાળકોના સ્ક્રિન ટાઇમ અંગે વ્યાપક નીતિ લાગુ પાડી તમામ ધોરણો માટે સ્ક્રિન ટાઇમ નકકી કરવામાં આવ્યો હતો આમાં યુ ટયૂબ તથા અન્ય સોશિયલ મીડિયા સાઇટો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
એઆઇ ટેકનીકનો ઉપયોગ કોર્પોરેટ કંપનીઓ અને સરકારી વિભાગોથી માંડીને અત્ર તત્ર સર્વત્ર જોવા મળી રહયો છે. એઆઇનો ઉપયોગ મોર્ડન જમાનાનું પ્રતિક બની ગયું છે તે જોતા લાંબા ગાળે સામાજીક અને આર્થિક ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તનો લાવશે. એ આઇ ટેકનીક રોજગારી છીનવે છે અને કયાંક પોતાની રીતની રોજગારી ઉભી પણ કરે છે. જો કે એઆઇની માત્ર આર્થિક માપદંડના આધારે નફા નુકસાનથી મૂલવણી કરવાના સ્થાને તેના માનવીય જીવન પર પડનારા પ્રભાવ અંગે પણ વિચારવાનું શરુ થયું છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં પરંપરાગત મૂલ્યાંકનો,કસોટી, ગ્રહણશકિત, ક્રિએટિવિટીને એઆઇ પડકારી રહયું છે. એઆઇ ચેટબોટસમાં બાળકોને દરેક સવાલનો જવાબ અમૂક સેકંડોમાં મળી જાય છે. આનાથી પોતે જાતે તર્ક કરવાનું, સમસ્યાનું વિશ્લેષણ કરવાનું અને મગજ કસવાનું છોડી દે છે. નિબંધ, કવિતાઓ અને પ્રોજેકટ ખૂદ તૈયાર કરવાના સ્થાને બાળકો એઆઇનો સહારો લેવા માંડયા છે આથી તેમની ભાષા શૈલી, કલ્પનાશકિત અને ખુદને અભિવ્યકત કરવાની પ્રાકૃતિક કળા ધીરે ધીરે નષ્ટ થઇ રહી છે. ચેટબોટ્સ કયારેક ખોટા, ભ્રામક તથ્યોને ખૂબ પ્રમાણિક અને આત્મવિશ્વાસથી ભરેલી રીતથી પ્રગટ કરે છે. એઆઇના જવાબો પારખવા કેવી રીતે તેનો ઉપયોગ કયાં કરવાનો તે શીખવવું પણ જરુરી છે.કૂમળી વય ધરાવતા બાળકો આ ભ્રામક માહિતીને સાચી માની લેતા હોવાથી પાયાનું ઘડતર જ ખોટી માહિતી પર થાય છે.
જયારે ગુ્રપ ડિસ્કશન થાય ત્યારે શિક્ષકોને સવાલ કરવાના સ્થાને સ્ક્રિન જોયા કરે છે આનાથી બાળકોનો સંવાદ અને સામાજિક કૌશલ્યનો વિકાસ અટકી જાય છે. એક શિક્ષક બાળકની માનસિક સ્થિતિ, તેની નબળાઇ અને કમજોરી સમજીને વ્યકિતગત માર્ગદર્શન આપે છે. દરેક સમસ્યા માટે મશીનો પર નિર્ભરતાના રાખવાના સ્થાને ભાવનાત્મક જોડાણ અને પ્રેરણા વધુ મહત્વની હોય છે. ન્યૂયોર્ક શહેરના શિક્ષણ અધિકારીઓએ પ્રેસ બ્રિફિંગમાં એઆઇ શિક્ષણ માટે અનિવાર્ય હોવાના તર્કને ફગાવી દીધો હતો. સ્કૂલોનું કામ બાળકોને સવાલ પુછવાનું અને સારા નરસાને પરખવાની શકિત વિકસાવવાનું છે. તમામ વ્યવસાયિક સોફટવેર્સનો આંખો બંધ કરીને ભરોસો કરી શકાય નહી.
ઓઇસીડી ડિજિટલ એજયુકેશન આઉટલૂક-૨૦૨૬ જેવા અનેક અહેવાલો મુજબ એઆઇ પર વિધાર્થીઓની અતિ નિર્ભરતા વિચાર અને શિખવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. દરેક સવાલનો તરત જ જવાબ મળવાથી સ્વયં સમસ્યા હલ કરવાના સ્થાને એઆઇ પર નિર્ભર રહેવા લાગે છે. આ કોગ્નિટિવ ઓફ લોડિંગ એટલે કે વિચારવાનું કામ ટેકનિકને સોંપી દેવું એવું કહી શકાય છે. યુનેસ્કો પણ બાળકોને એઆઇનો ઉપયોગ ઉંમર અને જરુરિયાત મુજબ કરવાની સલાહ આપે છે. એઆઇને શિક્ષણમાંથી બહાર કરવાની નહી પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરુર છે. એઆઇની ક્ષમતા અને તિવ્ર વિકાસ એ મોડ પર પહોંચ્યો છે જેમાં મશીનોની બુધ્ધિમત્તા માણસની બુદ્ધિને પછાડવાનું શરુ કરી રહી છે. માણસ દ્વારા ડિઝાઇન કરવામાં આવે તેના કરતા લાર્જ સ્કેલ પર જે પરિણામો મળે છે તે ચોંકાવનારા છે. આધુનિક એઆઇ સિસ્ટમોને નિયંત્રિત કરવી ઘણી જ મુશ્કેલ છે. માણસની બુધ્ધિક્ષમતાને પાર કર્યા પછી જો એઆઇ પોતાના ક્રિએટરનું ના સાંભળે તો આ ટાળવા માટેનો કોઇ પાકો પ્લાન નથી એવી ટેકનો દુનિયામાં ચર્ચા થવા લાગી છે. એઆઇની મદદથી હેકિંગની ઘટનાઓ વધી રહી છે. હાલમાં ડેવલપર અને યુઝર્સ, એઆઇ મોડેલ્સ સાથે પોતાની ભાષામાં કામ કરે છે. તેઓ એઆઇને કમાંડ આપે છે અને તેના કમાંડ કે પ્રોમ્પ્ટના આધાર પર એઆઇ કામ કરે છે. ખતરો એવો પણ છે કે જો એઆઇ એજન્ટોએ પોતાની ખુફિયા ભાષા વિકસિત કરી લીધી તો પછી શું થશે ? ભવિષ્યમાં એઆઇ ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય સમન્વય, દુનિયા ભરની સરકારોની સૌથી મોટી પ્રાથમિકતા હશે. હવે પછીના સમયમાં વિશ્વના નેતાઓ મળશે ત્યારે એઆઇ ટેકનીક સૌથી મહત્વનો વિષય રહેશે. એઆઇ અને ડિજિટિલાઇઝેશનથી નોકરીઓને ખતરો છે એવું ઘણા સમયથી કહેવામાં આવે છે પરંતુ બીજું બાળ માનસ પર કેવી રીતે અસર કરે છે તે જાણવું જરુરી છે ત્યારે ન્યૂયોર્કની સરકારી સ્કૂલોમાં એઆઇનો પ્રતિબંધ કેટલો ઉપયોગી બનશે તે મહત્વનું છે. એક વર્ષના પ્રતિબંધ પછી શું ? એવા પણ સવાલો થવા લાગ્યા છે.જો કે એક વર્ષના પ્રતિબંધ પછી શું ? એઆઇ તો વર્ષો સુધી ચાલવાનું છે અને ટેકનીક સતત અપડેટ થતી જ રહેવાની છે. સ્કૂલમાં એઆઇ પર પ્રતિબંધ મુકાયા પછી પણ સૌથી મોટો પડકાર બાળકો સ્કૂલ ઉપરાંતના સમયમાં હોમવર્કમાં,મોબાઇલ, ઇન્ટરનેટ કે ચેટબોટનો ઉપયોગ કરતા રોકવા શકય નથી એ છે. બાળકોની ડિજિટલ આદતોને સુધારવા માટે સ્કૂલ જ નહી વાલીઓની પણ મદદ મળવી જરુરી છે નહિંતર પ્રતિબંધનો કોઇ જ હેતું સરતો નથી.




