Shatdal

આવો..નવા વર્ષને ઉમંગ અને ઉલ્લાસ સાથે વધાવીએ

By GS Team
9 Nov 20267 mins read
આવો..નવા વર્ષને ઉમંગ અને ઉલ્લાસ સાથે વધાવીએ
  • ભલે કૃત્રિમ બુદ્ધિ વિશ્વ પર રાજ કરે પણ આખરે જીતશે તો સાચુકલા હૃદયનો ધબકાર
  • વિવિધા-ભવેન કચ્છી
  • મોબાઇલ એપ્લિકેશન પસંદ ન પડે તો પળવારમાં અનઇન્સ્ટોલ કરી નાખીએ. સબંધો જોડે તેવું કરતા પહેલા વિચારજો
    સુંદર સમાજ એ છે જ્યાં અસહમતી હોવા છતાં સંવાદના દરવાજા બંધ ન થાય.

કે લેન્ડરનું એક પાનું બદલાય, તારીખ બદલાય, વર્ષ બદલાય અને આપણે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ. ઘરના ઉંબરા પર રંગોળી રચાય, મંદિરોમાં દર્શન માટે ભીડ ઉમટે, વેપારીઓ નવા ચોપડાની શરૂઆત કરે અને સગાંસંબંધીઓ વચ્ચે 'સાલ મુબારક'ની આપ-લે થાય. વિક્રમ સંવતના નવા વર્ષનો દિવસ આપણા માટે માત્ર એક નવા વર્ષનો પ્રારંભ નથી, પરંતુ પાછલા વર્ષના અનુભવોમાંથી કંઈક શીખીને આવતીકાલને વધુ સારી બનાવવાની તક પણ છે. જોકે આ વખતે નવા વર્ષના ઉંબરે ઊભા રહીને આજુબાજુ નજર કરીએ તો એક વિચાર જરૂર આવે કે આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ? વિજ્ઞાાન અને ટેક્નોલોજીની અભૂતપૂર્વ પ્રગતિ વચ્ચે માનવજાત ક્યાં પહોંચી છે? માણસે આટલી બધી સુવિધાઓ મેળવી હોવા છતાં તે વધુ સુખી થયો છે કે વધુ વ્યસ્ત અને એકલો? કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવીના જીવનમાં પ્રવેશી રહી છે ત્યારે માણસની પોતાની બુદ્ધિ, સર્જનાત્મકતા અને સંવેદનાનું શું થશે? અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન, આવનારા સમયમાં માણસ માણસ સાથેનો સંબંધ કેટલો સાચવી શકશે?
એક અવસર
નવું વર્ષ એટલે ભવિષ્ય તરફ નજર કરવાનો અવસર. પરંતુ ભવિષ્યની વાત કરતાં પહેલાં વર્તમાનને સમજવો જરૂરી છે. આજની દુનિયા અગાઉની કોઈપણ પેઢીએ કલ્પના પણ ન કરી હોય એટલી ઝડપથી બદલાઈ રહી છે. એક સમયે જે કામ માટે કલાકો કે દિવસો લાગતા તે આજે થોડી મિનિટોમાં થઈ શકે છે. દુનિયાના એક છેડેથી બીજા છેડે બેઠેલી વ્યક્તિ સાથે ક્ષણવારમાં વાત થઈ શકે છે. જ્ઞાાન મેળવવા માટે પુસ્તકાલયો કે નિષ્ણાતો પર જ આધાર રાખવો પડતો નથી. મોબાઇલ ફોનમાં જ આખી દુનિયા સમાઈ ગઈ છે. તબીબી વિજ્ઞાાન, અવકાશ સંશોધન, સંદેશાવ્યવહાર, પરિવહન, શિક્ષણ અને વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં માનવીએ અદભુત પ્રગતિ કરી છે. ચંદ્ર અને મંગળ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતો માણસ હવે પોતાની આસપાસના માણસ સુધી પહોંચવામાં કેમ મુશ્કેલી અનુભવે છે, એ આજના સમયનો સૌથી રસપ્રદ વિરોધાભાસ છે.
એક જ ઘરમાં રહેતા ચાર સભ્યોના હાથમાં ચાર મોબાઇલ હોય છે, પરંતુ તેમની વચ્ચે વાતચીત માટે સમય નથી. ભોજનના ટેબલ પર પરિવાર ભેગો હોય છે, પરંતુ દરેકની નજર પોતાની સ્ક્રીન પર હોય છે. કોઈના જન્મદિવસે સોશિયલ મીડિયા પર સો શુભેચ્છાઓ મળે છે, પરંતુ કદાચ ખરેખર મળવા આવનાર એકાદ વ્યક્તિ જ હોય છે. આપણે હજારો વર્ચ્યુઅલ મિત્રો બનાવ્યા છે, પરંતુ મુશ્કેલીના સમયે રાત્રે બે વાગ્યે ફોન કરી શકાય તેવા મિત્રો કેટલા છે? ટેક્નોલોજીએ આપણને એકબીજાની નજીક લાવ્યા છે, પરંતુ શું તેણે લાગણીની નિકટતા પણ વધારી છે?
હકારાત્મક દ્રષ્ટિ
આ પરિવર્તનને માત્ર નકારાત્મક કહી શકાય નહીં. વ્યક્તિગત સ્વતંત્રતા, શિક્ષણ અને રોજગારની નવી તકો પણ વધી છે. સ્ત્રીઓ માટે પણ પોતાના સપનાં સાકાર કરવાની શક્યતાઓ વિસ્તરી છે. પરંતુ આ બધાની વચ્ચે પરિવારના સભ્યો વચ્ચે સંવાદ અને પરસ્પર જવાબદારી જળવાઈ રહે તે જરૂરી છે.
માનવસંબંધોમાં એક બીજી સમસ્યા પણ ઊભી થઈ છે. આપણે દરેક સંબંધમાંથી અપેક્ષાઓ રાખીએ છીએ, પરંતુ સામેની વ્યક્તિની મર્યાદાઓ સમજવા તૈયાર નથી. મિત્ર હંમેશાં ઉપલબ્ધ હોવો જોઈએ, સંતાન માતા-પિતાની દરેક ઇચ્છા પૂરી કરે, માતા-પિતા સંતાનની દરેક પસંદગી સ્વીકારે, જીવનસાથી હંમેશાં આપણી અપેક્ષા પ્રમાણે વર્તે અને સહકર્મચારી દરેક વખતે સહકાર આપે એવી અપેક્ષાઓ રહે છે. સંબંધોમાં પ્રેમ કરતાં હિસાબ અને લાગણી કરતાં અપેક્ષાઓનું પ્રમાણ વધી જાય ત્યારે નાની બાબતો પણ અણબનાવનું કારણ બને છે. સંબંધો કોઈ મોબાઇલ એપ્લિકેશન નથી કે પસંદ ન પડે તો અનઇન્સ્ટોલ કરી નાખીએ. સંબંધોને જાળવવા સમય, ધીરજ, સમજૂતી અને ક્યારેક માફી માગવાની તૈયારી પણ જોઈએ. નવા વર્ષમાં એકબીજાને ભેટ આપવાની સાથે થોડો વધુ સમય અને સમજણ આપવાનો સંકલ્પ કરીએ તો કદાચ સંબંધોની ગુણવત્તા સુધરી શકે.હકારાત્મક અભિગમની અત્યંત જરૂર છે.
વધતું જતું અંતર
આજના સમાજનું બીજું એક ચિંતાજનક પાસું છે વધતું ધુ્રવીકરણ. રાજકીય વિચારધારા, ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ અને આર્થિક સ્થિતિના આધારે સમાજમાં અંતર વધતું જોવા મળે છે. એક જ ઘટના અંગે બે અલગ અભિપ્રાય હોવા સ્વાભાવિક છે. લોકશાહીમાં અસંમતિનું પણ મહત્ત્વ છે. પરંતુ અસંમતિને દુશ્મનાવટ તરીકે જોવી તે સમાજની બદનસીબી
સમાન છે.
સમાજની સાચી તાકાત બધા લોકો એકસરખું વિચારે તેમાં નથી, પરંતુ જુદા જુદા વિચારો ધરાવતા લોકો સાથે રહી શકે તેમાં છે. એક સુંદર સમાજ એ છે જ્યાં અસહમતી હોવા છતાં સંવાદના દરવાજા બંધ ન થાય.
વૈશ્વિક પડકાર
દુનિયાની વર્તમાન પરિસ્થિતિ પણ ઓછી પડકારજનક નથી. ઇકોનોમિક ફોરમના ૨૦૨૬ના ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટમાં ભૌગોલિક-આર્થિક સંઘર્ષ, આંતરરાષ્ટ્રીય યુદ્ધો, સામાજિક ધુ્રવીકરણ અને ખોટી માહિતીના ફેલાવાને નજીકના ભવિષ્યના મોટા જોખમો ગણાવવામાં આવ્યા છે. આ જ અહેવાલમાં કૃત્રિમ બુદ્ધિના સંભવિત નકારાત્મક પરિણામોને આગામી દાયકાના મહત્ત્વના જોખમોમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે દુનિયા પાસે પ્રગતિની તકો છે, પરંતુ તેની સાથે જવાબદારી અને સાવચેતીની જરૂરિયાત પણ વધી રહી છે.ટેક્નોલોજી આપણને અનેક બાબતોમાં મદદ કરી શકે છે, પરંતુ માણસાઈની જવાબદારી માણસે જ નિભાવવાની છે
આ પડકારોમાં પર્યાવરણનો પ્રશ્ન સૌથી મહત્ત્વનો છે. તુચક્રમાં થતા ફેરફારો, અસામાન્ય ગરમી, અનિયમિત વરસાદ, પૂર, દુષ્કાળ, જંગલોમાં લાગતી આગ અને પાણીની અછત હવે માત્ર ભવિષ્યની ચેતવણીઓ નથી. અનેક વિસ્તારોમાં લોકો તેનો અનુભવ કરી રહ્યા છે. આવનારી પેઢી માટે માત્ર મિલકત અને સંપત્તિ જ નહીં, પરંતુ સ્વચ્છ હવા, પીવાનું પાણી અને રહેવા યોગ્ય ધરતી પણ છોડવાની છે. નવા વર્ષના નિમિત્તે એક વૃક્ષ વાવવું, પાણીનો બગાડ અટકાવવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને સામાજિક સંસ્થાની મુલાકાત લેવી તે લક્ષ્ય રાખવા જેવું છે.
ટેક્નોલોજી આપણને અનેક બાબતોમાં મદદ કરી શકે છે, પરંતુ માણસાઈની જવાબદારી માણસે જ નિભાવવાની છે.
આર્થિક અને સામાજિક અસમાનતાનો પ્રશ્ન પણ ભૂલવા જેવો નથી. એક તરફ ટેક્નોલોજી અને સંપત્તિનો લાભ મેળવનાર લોકો ઝડપથી આગળ વધી રહ્યા છે તો બીજી તરફ હજુ વીજળી માંડ મળતી હોય તેવું ભારત છે. જો એ. આઈ. અને નવી ટેક્નોલોજીનો લાભ માત્ર સક્ષમ વર્ગ સુધી જ સીમિત રહેશે તો સમાજમાં અંતર વધવાની શક્યતા છે.
સામાજિક પડકાર
આપણા પોતાના સમાજમાં પણ કેટલાક પ્રશ્નો પર નવેસરથી વિચારવાની જરૂર છે. વૃદ્ધોની સંભાળ, યુવાનોની રોજગારની ચિંતા, બાળકો પર વધતું શૈક્ષણિક દબાણ, મહિલાઓની સુરક્ષા, ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરો તરફ થતું સ્થળાંતર અને શહેરોમાં વધતી ભીડ જેવા પ્રશ્નો સતત સામે આવે છે. દરેક સમસ્યાનો ઉકેલ સરકાર કે કોઈ એક સંસ્થા પાસે જ હોય એવું નથી. સમાજના દરેક નાગરિકની ભૂમિકા છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, જાહેર જગ્યાઓ સ્વચ્છ રાખવી, પાણી અને વીજળીનો બગાડ અટકાવવો, વૃદ્ધોને માન આપવું, સ્ત્રીઓ અને બાળકો પ્રત્યે સંવેદનશીલ રહેવું અને જરૂરિયાતમંદને મદદ કરવી એ નાગરિક તરીકેની નાની પણ મહત્ત્વની જવાબદારીઓ છે. સમાજ માત્ર કાયદા અને વ્યવસ્થાથી નથી ચાલતો; પરસ્પર વિશ્વાસ અને જવાબદારીથી પણ ચાલે છે.
આત્મચિંતનની જરૂર
નવા વર્ષની ઉજવણીમાં વેપાર, ખરીદી, ભેટસોગાદો અને સામાજિક મેળાવડાનું મહત્ત્વ છે જ, પરંતુ આ દિવસને આત્મચિંતનનો અવસર પણ બનાવી શકાય. પાછલા વર્ષમાં આપણે શું મેળવ્યું તેની સાથે શું ગુમાવ્યું તે પણ વિચારીએ. કેટલા નવા સંબંધો બનાવ્યા અને કેટલા જૂના સંબંધો જાળવી શક્યા? કેટલું નવું શીખ્યા અને કેટલા પૂર્વગ્રહો છોડયા? કેટલો સમય બીજાની ટીકા કરવામાં વીતાવ્યો અને કેટલો સમય કોઈની મદદ કરવામાં આપ્યો? કેટલું ધન એકઠું કર્યું તેની સાથે કેટલો સંતોષ મેળવ્યો? આવા પ્રશ્નો કદાચ આપણને નવા વર્ષ માટે વધુ અર્થપૂર્ણ દિશા આપી શકે.
માનવીનું જીવન માત્ર સફળતા, સંપત્તિ અને સુવિધાઓનું સરવૈયું નથી. તેમાં પ્રેમ, વિશ્વાસ, સહકાર, સ્વમાન અને સંતોષનો પણ સમાવેશ થાય છે. એક બાળકના ચહેરા પરનું હાસ્ય, વૃદ્ધ માતા-પિતાના ચહેરા પરનો સંતોષ, મુશ્કેલીના સમયે મિત્રનો સાથ, અજાણ્યા માણસની મદદ બદલ મળેલો આભાર અને પરિવાર સાથે વિતાવેલી નિરાંતની સાંજ - આ બધું પણ જીવનની કમાણી છે. આ કમાણીનો હિસાબ કોઈ બેંક ખાતામાં નથી દેખાતો, પરંતુ જીવનના અંતે કદાચ એ જ સૌથી મૂલ્યવાન સાબિત થાય છે.
શુભ લાભનો ચોપડો
વિક્રમ સંવતના નવા વર્ષની પરંપરામાં 'શુભ' અને 'લાભ'નો વિચાર ખૂબ સુંદર છે. વેપારીઓ નવા ચોપડામાં શુભ અને લાભ લખીને વ્યવસાયની શરૂઆત કરે છે. પરંતુ આ બે શબ્દોને જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ કરી શકાય. લાભ મેળવવો જરૂરી છે, પરંતુ તે શુભ માર્ગે મેળવવો જોઈએ. સફળતા મેળવવી જરૂરી છે, પરંતુ બીજાને નીચે પછાડીને નહીં. ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે, પરંતુ માનવતાને ભૂલીને નહીં. પોતાના પરિવારનું સુખ જોવું જરૂરી છે, પરંતુ સમાજની જવાબદારીથી મોં ફેરવીને નહીં. વ્યક્તિગત પ્રગતિ અને સામૂહિક કલ્યાણ વચ્ચે સંતુલન જાળવવું એ જ નવા યુગનું સાચું 'શુભ-લાભ' છે.
જ્ઞાાન પોસ્ટ
આપણાં ઘરો વધુ મોટાં થાય કે ન થાય, પરંતુ તેમાં પ્રેમ વધે; આપણી આવક વધે કે ન વધે, પરંતુ સંતોષ વધે; આપણી પાસે વધુ સાધનો આવે કે ન આવે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવાની સમજણ વધે; આપણાં સંપર્કો વધે કે ન વધે, પરંતુ સાચા સંબંધો મજબૂત બને. દુનિયા વધુ આધુનિક બને, પરંતુ માણસનું હૃદય વધુ સંવેદનશીલ બને.