બથુકમ્મા : 'મા જીવંત હો જાઓ'ની લાગણી વ્યકત કરતો અનોખો ઉત્સવ

- મીડ વીક- હસમુખ ગજજર
- ભારતમાં નવરાત્રિ પર્વમાં અખંડ દીવો, અનુષ્ઠાન અને પૂજા અર્ચનાનો મહિમા છે. તેલંગાણાની મહિલાઓ નવ દિવસ બથુકમ્મા નામનો વિશિષ્ટ તહેવાર ઉજવે છે. દેવી ગૌરીને સમર્પિત ઉત્સવને પુષ્પ મહોત્સવ પણ કહેવામાં આવે છે
ગુ જરાતમાં નવરાત્રિ દરમિયાન જગદંબાની આરાધના સાથે ગરબા અને દાંડિયા રમવાની વિશિષ્ટ પરંપરા છે. શકિતની ભકિતના પર્વ દરમિયાન નવ દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરુપોની પૂજા થાય છે. ચોમાસાની લાંબી- ભેજવાળી ઋતુ વિદાય લે તેની સાથે જ જન જીવનમાં ઉત્સાહનો સંચાર જોવા મળે છે. રોગોની માતા ગણાતી શરદ ઋતુમાં પોતાના પ્રિયજનો સહિત સમગ્ર જીવ જગતનું કલ્યાણ ઇચ્છવામાં આવે છે. જીવનમાં સારુ થશે એવો આશાવાદ સૌને ભકિતમાં લીન કરી દે છે. માટીના ઘડામાં જે દીવો પ્રગટાવવામાં આવે છે જે બ્રહ્માંડ અને આત્માના પ્રકાશનું પ્રતીક છે. આમ તો ભારતના મોટા ભાગના રાજયોમાં નવરાત્રિ પર્વમાં અખંડ દીવો, અનુષ્ઠાન અને પૂજા અર્ચનાનો મહિમા છે પરંતુ તેલંગાણા રાજયની મહિલાઓ નવ દિવસ બથુકમ્મા નામનો વિશિષ્ટ તહેવાર ઉજવે છે. બથુકમ્મા દેવી ગૌરીને સમર્પિત ઉત્સવ છે જેને પુષ્પ મહોત્સવ પણ કહેવામાં આવે છે. બથુકમ્માનો અર્થ 'દેવી મા જીવંત હો જાઓ કે જાગૃત થાવ' એવો છે' આ ભાવ જે દૈવી શકિત પ્રત્યેના ઉંડા સ્નેહને દર્શાવે છે એટલું જ નહી પ્રકૃતિ-પૂજાને દેવી ભકિત સાથે જોડવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ઘરના આંગણામાં ગાયના ગોબરમાંથી નાના નાના ગોપુરમ તૈયાર કરીને ફૂલોથી સજાવે છે.
બથુકમ્મા સાથે અનેક પ્રકારની મૌખિક લોકકથાઓ જોડાયેલી છે. એક માન્યતા મુજબ દેવી ગૌરીએ મહિષાસુર નામના દૈત્યનો વધ કર્યા પછી ભીષણ યુધ્ધનો થાક ઉતારવા વિશ્રામ કર્યો હતો. આ દરમિયાન તેવો ગાંઢ નિદ્વામાં સરી પડતા દેવી માતાને જગાડવા માટે અનેક દિવસો સુધી પ્રાર્થના કરી હતી. કહેવાય છે કે દશમીના દિવસે દેવી નિદ્રામાંથી જાગ્યા તે દિનને સદુલા બથુકમ્મા કહેવામાં આવે છે. દૈવીશકિત તો હંમેશા જાગૃ્રત જ હોય છે પરંતુ આમાં જીવનદાયિની માતાના સ્વરુપને સ્નેહપૂર્વક પોકારવાનો ભાવ સમાયેલો છે. બીજી એક કથા મુજબ ચોલ શાસક ધર્માગદ અને તેમની પત્ની સત્યવતી એક યુધ્ધમાં પોતાના ૧૦૦ પુત્રોને ગુમાવ્યા હતા. ત્યાર પછી બંનેએ દેવી લક્ષ્મી પાસે તેમના ઘરમાં પુત્રી તરીકે જન્મ લેવા પ્રાર્થના કરી હતી. કથા છે કે થોડાક દિવસમાં ઘરમાં પુત્રીનો જન્મ થયો હતો. કન્યાના જન્મ પછી દૂર દૂરથી સાધુ સંત રાજાના મહેલમાં પધાર્યા હતા અને રાજા કી બેટીને દેવી બથુકમ્મા કહી હતી. ત્યારથી આ ભૂભાગમાં પ્રત્યેક વર્ષ બથુકમ્માની પૂજા ધૂમ ધામથી થવા લાગી હતી. એક કથા અનુસાર કોઇ રાણીએ દેવી ગૌરીને સંતાન હેતું ગહન પ્રાર્થના કરી હતી તેથી તેજસ્વી પુત્રનો આશિર્વાદ મળ્યો હતો. ઐતિહાસિક રીતે કાકતીય રાજવંશે બથુકમ્માને સ્ત્રી શકિત અને કૃષિ સમૃધ્ધિના ઉત્સવ તરીકે મહત્વ આપ્યું હતું. નવ દિવસ સુધી દરેક સંધ્યાએ મહિલાઓ અને યુવતીઓ પોતાના ઘરના આંગણા અને ખુલ્લા સ્થાનોમાં એકત્ર થઇને તેંગેડુ, ગુનુકા અને ગેંદા જેવા મૌસમી ફૂલોને પીતળની થાળીમાં ગોળાકાર સ્તરે સજાવીને એક સુંદર શંકુ આકાર બનાવે છે જે મંદિરમાં ગોપુરમ જેવું પ્રતીત થાય છે. સામાન્ય રીતે તેમાં સાત સ્તર હોય છે. આ પુષ્પ રચનાને દેવી સ્વરુપ માનીને પૂજા કરવામાં આવે છે. ડિઝાઇન ઉપર હળદર,સિંદૂર અને નાના દીવા મુકવામાં આવે છે. મહિલાઓ પરંપરાગત પરિધાન પહેરીને બથુકમ્માની ચારે તરફ એકઠી થાય છે, પરંપરાગત લોક ગીતો ગાય છે અને સામૂહિક નૃત્ય કરે છે. મહિલાઓ તાળીઓ વગાડીને પુષ્પોની સંરચનાની આસપાસ લયબધ્ધ રીતે ફરે ત્યારે ગરબાની ઝલક મળે છે. બથુકમ્માની પૂજા-આરાધનામાં શ્રધ્ધાપૂર્વક ભાગ લેવાથી યુવતીઓ મનગમતો જીવનસાથી અને વિવાહિત મહિલાઓ જીવનમાં સુખ અને સમૃધ્ધિની કામના વ્યકત કરે છે. બથુકમ્માના લોક ગીતો અને પ્રાર્થનાઓમાં સરેરાશ આ પ્રકારની લાગણીઓ પ્રગટ થતી રહે છે. લોક ગીતોની સામૂહિક અભિવ્યકિત સમુદાયના ગઠબંધનને વધારે મજબૂત બનાવે છે. ભકતજન બથુકમ્માને દેવીના પોષણ સ્વરુપ સાથે જોડવામાં આવે છે જે વર્ષા ઋતુમાં ધરતીનું પાલન પોષણ કરે છે ત્યાર પછી જ ખેતી પાકોને દેવીના આશિર્વાદ મળે છે. મૂળ કથા જે હોય તે પરંતુ આ પર્વ પેઢી દર પેઢી મહિલાઓ દ્વારા જીવંત રાખવામાં આવતી ભકિત બની ગયો છે.
ભાદરવાની અમાસથી શરુ થતો બથુકમ્મા ઉત્સવ દુર્ગાષ્ટમીએ અંતિમ પડાવે પહોંચે છે. ઠેર ઠેર ફૂલોથી સજેલા બથુકમ્માની શોભાયાત્રાઓ નિકળે છે. સાંજના સમયે નજીકના તળાવ,નદી કે જળાશયોમાં વિસર્જીત કરવામાં આવે છે. આ પરંપરાગત રીતમાં કંઇક અંશે ગણેશ મૂર્તિ વિસર્જનની ઝલક મળે છે. એ સમયે લોકોના ચહેરા પર લાગણી ભીની પ્રસન્નતા અને દિવ્ય માતૃશકિતની વિદાયનો વિરહ મિશ્રિત હર્ષ જોવા મળે છે. બથુકમ્મા એક અનુષ્ઠાનથી આગળ વધીને એકત્ર મહિલાઓમાં દેવી સ્વરુપ જોવાનું શિખવે છે. બથુકમ્મા ઉત્સવમાં પુરુષો પણ ખૂબ સહયોગ કરે છે. આયોજનની તૈયારીઓથી માંડીને અંતિમ દિનની ધાર્મિક પરંપરા સુધી સાથ નિભાવે છે. ફેસ્ટિવલ ઓફ ફલાવર તેલંગાણા ઉપરાંત આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ મનાવવામાં આવે છે. લાંબા આંદોલન પછી ૨૦૧૪માં તેલંગાણા બન્યું ત્યાર પછી બથુકમ્માને રાજય પર્વનો દરજજો મળ્યો હતો. તેલંગાણાના પુષ્પોત્સવ બથુકમ્મામાં જન સામાન્યની મોટી ભાગીદારી હોય છે. હાલના વર્ષોમાં વિશાળ સાર્વજનિક સ્તરે પણ મનાવવામાં આવે છે જેમાં સાંસ્કૃતિક સંસ્થાઓ પણ મદદ કરે છે.
વર્ષ ૨૦૨૫માં તેલંગાણામાં બથુકમ્મા પર્વમાં હૈદરાબાદના સરુરનગર સ્ટેડિયમ ખાતે સાત ટન ફૂલોનો શણગાર સજવાનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. ૩૦૦ શ્રમિકોએ ધાતુ, વાંસ અને ફૂલોની મદદથી ૭૨ કલાકમાં બથુકમ્મા ડિઝાઇન તૈયાર કરી હતી. તેલંગાણા મૂળના લોકો જયાં પણ રહે છે ત્યાં બથુકમ્મા ઉજવીને પોતાની સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરે છે. અમેરિકા, ઇગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા, ડેનમાર્ક અને મેલબોર્ન જેવા દેશોમાં પણ તેલુગુ ભાષીઓ પોતાનો લોકપર્વ ઉત્સાહ અને ઉંમગ સાથે મનાવે છે. આ તહેવાર વર્ષાઋતુના સમાપન અને શીતઋતુના આરંભનો પણ સંકેત આપે છે. ઋતુઓને અનુરુપ તહેવાર ઉજવવાની ભારતીય પરંપરામાં તેલગાણાનો બથુકમ્મા સિરમોર છે જેનો ઇતિહાસ એક હજાર વર્ષ કરતા પણ વધારે જૂનો છે. ગુજરાતની નવરાત્રિની જેમ બથુકમ્મા ઉત્સવ તેલંગાણાની ખાસ સાંસ્કૃતિક ઓળખ, સમૃધ્ધ પરંપરા અને પ્રાકૃતિક વિરાસતનું પ્રતિક બની ગયો છે.




