Shatdal

મનના મહિષાસુર પર વિજયનો અવસર

By GS Team
13 Oct 20267 mins read
મનના મહિષાસુર પર વિજયનો અવસર
  • જ્યારે દુનિયા ગરબાના શોરમાં મગ્ન હોય છે, ત્યારે એક સાચો સાધક મૌન રહીને પોતાની ભીતરની નવરાત્રી ઉજવે છે
  • વિવિધા-ભવેન કચ્છી
  • નવદુર્ગા બાહ્ય દેવી સ્વરૂપ તો છે જ પણ તેને માનવ શરીર અને ચેતનાના વિકાસના નવ ક્રમિક સ્તરોની રીતે પણ જોઈ શકાય

ન વરાત્રી એ માત્ર ઉત્સવ નથી, પરંતુ આંતરિક શુદ્ધિ, આધ્યાત્મિક જાગૃતિ અને પ્રકૃતિની ઉપાસનાનો પવિત્ર અવસર છે. આ નવ દિવસો દરમિયાન પૃથ્વી પર દૈવી શક્તિઓનું અવતરણ થાય છે તેવી ભાવકોને શ્રદ્ધા છે અને સાધક પોતાની ભક્તિથી માં અંબાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે
શ્રદ્ધાની વિવિધતા
ગુજરાતમાં નવરાત્રિ એટલે ગરબા, રાસ, માતાજીની આરતી અને ઉપવાસ. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા વિશાળ સામાજિક અને સાંસ્કૃતિક ઉત્સવનું સ્વરૂપ ધારણ કરે છે. ઉત્તર ભારતમાં રામલીલા અને દશેરાની પરંપરા તેની સાથે જોડાય છે. દક્ષિણ ભારતમાં ગોલુ કે બોમ્માઈ ગોલુ તરીકે ઓળખાતી પરંપરામાં પૂતળાં અને પ્રતિમાઓની ગોઠવણી કરીને દેવીપૂજા કરવામાં આવે છે. એક જ પર્વ દેશના જુદા જુદા પ્રદેશોમાં જુદાં સ્વરૂપે ખીલે છે, પરંતુ શક્તિ, ભક્તિ અને અનિષ્ટ પર શુભના વિજયનો ભાવ તેમાં જળવાય છે.
ઋતુગત આધાર
હિન્દુ તહેવારો માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે. શરદ અને ચૈત્ર નવરાત્રી એ બે ઋતુઓનું સંધિકાળ છે (એક ઋતુ પૂરી થાય છે અને બીજી શરૂ થાય છે). આ સમયગાળામાં વાતાવરણમાં પરિવર્તન આવે છે, જેના કારણે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને મન તથા શરીરમાં અસ્થિરતા આવી શકે છે.
આ શારીરિક અને માનસિક અસંતુલનને દૂર કરવા માટે ઋષિમુનિઓએ ઉપવાસ (વ્રત), સાત્વિક આહાર, ધ્યાન અને શક્તિ ઉપાસનાનો નિયમ બનાવ્યો. નવ દિવસના ઉપવાસથી પાચનતંત્ર શુદ્ધ થાય છે અને માનસિક એકાગ્રતા
વધે છે.
લોકવાયકા મુજબ આપણે નવ દુર્ગાને અલગ-અલગ દેવીઓ તરીકે માનીએ છીએ. પરંતુ તાંત્રિક અને વેદાંત દર્શનમાં નવદુર્ગા બાહ્ય દેવી સ્વરૂપ તો છે જ પ્રત્યેક દેવી સાથે કોઈ મર્મ કે તત્ત્વ જ્ઞાન જોડાયેલું છે. માનવ શરીર અને ચેતનાના વિકાસના નવ ક્રમિક સ્તરો છે.
ચેતનાના તબક્કા
જ્યારે કોઈ સાધક પોતાની ભીતર પ્રયાણ કરે છે, ત્યારે ચેતના આ નવ તબક્કામાંથી પસાર થાય છે.
શૈલપુત્રી (સ્થિરતા અને આધાર): પર્વત એટલે અડગતા. મનની ચંચળતા છોડીને ચેતના જ્યારે પર્વત જેવી સ્થિર બને છે, ત્યારે શૈલપુત્રી પ્રગટે છે.
બ્રહ્મચારિણી (સંયમ અને તપ) : ઊર્જા જ્યારે વિખેરાઈ જવાને બદલે એકાગ્ર બને છે, ત્યારે તે બ્રહ્મચારિણીનું તપરૂપ ધારણ કરે છે.
ચંદ્રઘંટા (નાદ અને સ્પંદન) : મસ્તક પર અર્ધચંદ્ર અને ઘંટડીનો અર્થ છે -બ્રહ્માંડનો પ્રથમ આંતરિક અવાજ (નાદ) સાંભળવો.
કુષ્માન્ડા (બ્રહ્માંડની ઉર્જા) : પોતાની મુક્ત પ્રસન્ના કે તેજથી સમગ્ર સૃષ્ટિને ઉર્જા આપનારું બિંદુ, જે આપણા ભીતર છુપાયેલી સર્જનશક્તિ છે.
સ્કંદમાતા (બીજ મંત્રની શક્તિ): ચેતના જ્યારે બીજ મંત્રને ધારણ કરે છે અને માતૃત્વ કે રક્ષણભાવ
પ્રગટે છે.
કાત્યાયની (શૌર્ય અને અહંકારનો નાશ) : ભીતરના તમામ પશુવૃત્તિઓ અને અહંકાર સામે લડવાની તાકાત.
કાલરાત્રી (અંધકાર અને શૂન્યતા) : ભય અને અજ્ઞાનના અંધકારને ચીરીને નીકળતી મહાકાળીનું સ્વરૂપ, જ્યાં તમામ ભ્રમો તૂટી જાય છે.
મહાગૌરી (પવિત્રતા અને શુદ્ધ પ્રકાશ) : અહંકાર અને મલિનતા ધોવાયા પછી પ્રગટ થતો નિર્મળ આંતરિક પ્રકાશ.
સિદ્ધિદાત્રી (પૂર્ણતા અને અનંતતા) : નવ આંકડાની જેમ અહીં સાધના પૂર્ણ થાય છે અને સાધક સીમિતતામાંથી અનંતતામાં પ્રવેશ
કરે છે.
પ્રતિકાત્મક યાત્રા
આ નવ સ્વરૂપોને માનવીના આંતરિક વિકાસની પ્રતીકાત્મક યાત્રા તરીકે પણ સમજી શકાય. જીવનમાં શ્રદ્ધાથી શરૂઆત થાય, તપ અને શિસ્તનો વિકાસ થાય, પડકારોનો સામનો કરવાની શક્તિ મળે, અજ્ઞાન અને ભય સામે લડવાની હિંમત કેળવાય અને અંતે જ્ઞાન તથા આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય. આ આધુનિક અર્થઘટન છે, કોઈ એક ગ્રંંથમાં આપેલી અનિવાર્ય વ્યાખ્યા નહીં; છતાં નવરાત્રિના આધ્યાત્મિક ભાવને સમજવામાં તે મદદરૂપ બને છે. નવરાત્રિની નવ રાતો અંધકારનું મહિમાગાન નથી કરતી, પરંતુ અંધકાર વચ્ચે પ્રકાશની શોધનો સંદેશ આપે છે. શક્તિની ઉપાસના અહીં માત્ર બાહ્ય વિધિ પૂરતી મર્યાદિત રહેતી નથી. વ્યક્તિની અંદર રહેલા ભય, આળસ, અહંકાર અને નકારાત્મક વૃત્તિઓ સામે લડવાની પ્રેરણા પણ તેમાં રહેલી છે.
નારી સન્માન
દેવીનાં નવ સ્વરૂપોની આરાધના કરતા હોઈએ ત્યારે સ્ત્રીઓ પ્રત્યેનું સન્માન, તેમની સુરક્ષા, શિક્ષણ અને સ્વતંત્રતાને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. જો માતૃશક્તિની પૂજા કરીએ પરંતુ રોજિંદા જીવનમાં સ્ત્રીનું અપમાન થતું રહે, તો ઉપાસના અને વ્યવહાર વચ્ચે અંતર રહી
જાય છે.
મનોવૈજ્ઞાનિક વિકારો
નવરાત્રી દરમિયાન વંચાતો 'દુર્ગા સપ્તશતી' (દેવી માહાત્મ્ય) ગ્રંથ આપણને રાક્ષસોના વધની કથાઓ કહે છે. પરંતુ ગૂઢ દ્રષ્ટિકોણ એ છે કે આ અસુરો વાસ્તવમાં માનવ મનના મનોવૈજ્ઞાનિક વિકારો અને ર્કર્મોના સંસ્કારો છે. ખરા અનિષ્ટ સમજવા જરૂરી છે જે આ પ્રમાણે છે.
મધુ અને કૈટભ (જ્ઞાન અને અજ્ઞાનના અતિરેક) : આ બંને ચેતનાની એ અવસ્થા છે જ્યાં મોહ અને આસક્તિ વ્યક્તિને જકડી
રાખે છે.
મહિષાસુર (હઠ, ક્રોધ અને પશુવૃત્તિ) : મહિષ એટલે પાડો, જે જડતા અને અશ્રેષ્ઠ ક્રોધનું પ્રતીક છે. જ્યારે ક્રોધ અને વાસના અનિયંત્રિત બને છે, ત્યારે તે મહિષાસુર બને છે.
રક્તબીજ (અંતહીન ઇચ્છાઓ): રક્તબીજની વિશેષતા એ હતી કે તેના લોહીનું ટીપું જમીન પડે એટલે નવો રાક્ષસ પેદા થાય. આ આપણા મનની 'ઇચ્છાઓ' છે- એક ઇચ્છા પૂરી થાય ત્યાં બીજી હજાર ઇચ્છાઓ જન્મે છે. દેવી દ્વારા કાળીજીની જીભ ફેલાવવી એ દર્શાવે છે કે ઇચ્છાઓના મૂળને જ શોષી લેવું પડે છે, માત્ર ડાળીઓ કાપવાથી કામ નથી ચાલતું.
રી- બુટ સિસ્ટમ
નવરાત્રી માત્ર નવ દિવસનો તહેવાર નથી, પરંતુ તે માનવ માત્ર માટે પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી એક એવી રિ-બૂટ (ઇી-ર્ર્મા) સિસ્ટમ છે, જે આપણને બાહ્ય દોડધામથી રોકીને ભીતર તરફ વળવાની તક આપે છે. જ્યારે દુનિયા ગરબાના શોરમાં મગ્ન હોય છે, ત્યારે એક સાચો સાધક મૌન રહીને પોતાની ભીતરની 'ગુપ્ત નવરાત્રી' ઉજવે છે.
આ નવરાત્રી આપણે પણ બાહ્ય ઉપાસનાની સાથે-સાથે આપણા અંદરના મહોલ્લામાં ડોકિયું કરીએ, મનના મહિષાસુર અને રક્તબીજ જેવી વાસનાઓને ઓળખીને તેને દૈવી ચેતનામાં રૂપાંતરિત કરીએ - દુર્ગાપૂજાનો આ જ સૌથી મોટો અને અકથિત સંદેશ છે.
બીજનો વિકાસ
ઘટસ્થાપના અથવા કળશસ્થાપન સાથે બીજ વાવવામાં આવે છે. દિવસો દરમિયાન તેમનો વિકાસ જોવામાં આવે છે અને ઉગેલા અંકુરોને શુભતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ પરંપરામાં પ્રેકૃતિ, કૃષિ, જીવનની વૃદ્ધિ અને દેવીશક્તિ વચ્ચેનો સંબંધ દેખાય છે.
ભારતીય સંસ્કૃતિમાં અનાજ માત્ર ખોરાક નથી; તે સમૃદ્ધિ, જીવનનિર્વાહ અને પ્રકૃતિની કૃપાનું પ્રતીક પણ છે. વરસાદ, જમીન, બીજ અને ખેડૂતના પરિશ્રમ વિના જીવન શક્ય નથી. નવરાત્રિમાં નવધાન્યની પરંપરાને આ દ્રષ્ટિએ જોઈએ તો તે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો માર્ર્ગ પણ બંને છે.
આધુનિક સમયમાં પર્યાવરણની ચર્ચા વધતી જાય છે ત્યારે આ પરંપરામાંથી એક વ્યવહારુ સંદેશ મેળવી શકાય : પ્રકૃતિને માત્ર ઉપયોગમાં લેવાની વસ્તુ નહીં, પરંતુ જીવનના આધાર તરીકે જોવી જોઈએ.
હવનનું વિજ્ઞાન
નવરાત્રીના ઉત્સવમાં મહાઅષ્ટમી અને મહાનવમીનું સ્થાન સર્વોપરી છે. શાસ્ત્રોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે નવ દિવસના ઉપવાસ, જપ અને દેવી ભાગવત અથવા દુર્ગા સપ્તશતીના પાઠનું ફળ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે અષ્ટમી કે નવમીના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી હવન (યજ્ઞા) કરવામાં આવે.
દેવી ભાગવત પુરાણ અને અગ્નિ પુરાણ અનુસાર, અગ્નિ એ દેવોનું મુખ છે. હવનકુંડમાં મંત્રોચ્ચાર સાથે આપવામાં આવતી આહુતિઓ સીધી દેવી-દેવતાઓ સુધી પહોંચે છે.
દુર્ગા સપ્તશતીના 'પ્રાધાન્ય રહસ્ય' અને 'વૈકૃતિક રહસ્ય'માં હવન માટેની વિધિઓ જણાવવામાં આવી છે. દેવીને પ્રસન્ન કરવા માટે મધ, ઘી, તલ, જવ, સાકર અને પવિત્ર સમિધાઓ (આંબો, પીપળો વગેરેના લાકડા)ની આહુતિ અપાવાય છે.
હવન માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પરંતુ તે અત્યંત શક્તિશાળી વાતાવરણીય અને શારીરિક શુદ્ધિકરણની વૈજ્ઞાનિક પદ્ધતિ છે :
વાતાવરણની શુદ્ધિ : ઘી, કપૂર, ગૂગળ, ચંદન અને ઔષધિઓ (હવન સામગ્રી) જ્યારે અગ્નિમાં પ્રજ્વલિત થાય છે, ત્યારે તેમાંથી નિકળતો ધુમાડો હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને ફંગસનો નાશ કરે છે. તે વાતાવરણને એન્ટિસેપ્ટિક બનાવે છે.
શારીરિક સ્વાસ્થ્ય અને ન્યૂરોલોજીકલ અસરો : હવન કુંડની આસપાસ બેસીને મંત્રોચ્ચાર સાથે શ્વાસ લેવાથી નાસિકા માર્ર્ગ શુદ્ધ થાય છે અને ફેફસાં પર હકારાત્મક અસર પડે છે. મંત્રોના ધ્વનિ તરંગો અને અગ્નિની ઉર્જા માનસિક તનાવ દૂર કરીને મનને ગાઢ શાંતિ પ્રદાન કરે છે. ઊર્જાનું સંતુલન : નવરાત્રીના નવ દિવસ દરમિયાન શરીરમાં જે આધ્યાત્મિક ઉર્જા જાગૃત થઈ હોય છે, હવનના માધ્યમથી તે ઉર્જા સમગ્ર શરીરમાં સંતુલિત અને સ્થિર થાય છે. અષ્ટમીનો હવન એ સાધનાની પૂર્ણાહુતિ અને દેવી કૃતાજ્ઞાતા વ્યક્ત કરવાનો પરમ અવસર છે.
કર્મનો સમય
નવરાત્રિની નવ રાતો પૂરી થાય છે અને દશેરાનો દિવસ આવે છે. આ ક્રમમાં પણ એક સુંદર પ્રતીક જોઈ શકાય છે ઉપાસના પછી કર્મનો સમય આવે છે. શ્રદ્ધા પછી વ્યવહારની કસોટી આવે છે. દીવો પ્રગટાવવો સહેલો છે, પરંતુ જીવનમાં પ્રકાશ જાળવી રાખવો વધુ મહત્ત્વનો છે.
ભારતીય સંસ્કૃતિની સાચી સમૃદ્ધિ માત્ર તેની પ્રાચીન પરંપરાઓની સંખ્યામાં નથી, પરંતુ એ પરંપરાઓમાંથી આજના જીવન માટે કેટલું જ્ઞાન, કરુણા અને સમજણ મેળવી શકીએ તેમાં છે.
નવ રાતની ઉપાસના અંતે જો આપણા જીવનમાં થોડી વધુ સંવેદના, થોડો વધુ સંયમ અને બીજાને સમજવાની થોડી વધુ શક્તિ ઉમેરાય, તો નવરાત્રિની ઉજવણીના અર્થ વધુ ગહન બને. નવરાત્રી માત્ર ધાર્મિક તહેવાર નહીં , પરંતુ જીવનને અનેક દ્રષ્ટિકોણથી જોવાની ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાનું પ્રતીક બની રહે છે.