Shatdal

અપશબ્દોનો મહાકોશ !

By GS Team
15 Sep 20262 mins read
અપશબ્દોનો મહાકોશ !
  • ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

દુ ષ્ટ માનવીને સૌથી વધુ અકળાવનારી બાબત હોય તો તે છે સુંદર વિચાર. કોઈ ઉત્તમ વિચાર આવતાં અધમ માનવી એને જાકારો આપવા તત્પર બની જાય છે. ભગવાન બુદ્ધના વિચારોએ ભારતવર્ષમાં નવી ચેતનાનું સર્જન કર્યું; પરંતુ ઉત્કૃષ્ટ કાર્યો કરનારને નિકૃષ્ટ માનવીઓનો સૌથી વધુ સામનો કરવાનો હોય છે.
ભગવાન બુદ્ધના વિચારો સાંભળીને એક અભદ્ર યુવક અકળાઈ ઊઠયો. એના ક્રોધનો પાર ન રહ્યો અને ખબર પડી કે પોતાના ગામની સીમમાંથી ભગવાન બુદ્ધ પસાર થવાના છે, ત્યારે એનો ક્રોધ મર્યાદાની સઘળી સીમાઓ ઓળંગી ગયો.
એ ધસમસતો ભગવાન બુદ્ધ પાસે આવ્યો અને તંગ ચહેરા સાથે મોટે મોટેથી અપશબ્દો કહેવા લાગ્યો. ગંદામાં ગંદી ગાળ બોલવા લાગ્યો. ભગવાન બુદ્ધના શિષ્યો અકળાઈ ઊઠયા, પરંતુ ગુરુની શાંત મુદ્રા જોઇને ઊભા રહ્યા. ભગવાન બુદ્ધ અત્યંત શાંતિપૂર્વક બધુ સાંભળતા અને સહન કરતા હતા.
અંતે એ યુવક થાક્યો. એણે અપશબ્દો બોલવાનું બંધ કર્યું; પરંતુ ક્રોધના અગ્નિ પછીનો ધુમાડો તો એના હૃદયમાં ઘૂઘવતો જ હતો.
ભગવાન બુદ્ધે પ્રશ્ન કર્યો, 'હે યુવાન ! એ તો કહે કે કોઈ વ્યક્તિ તમે આપેલી ભેટનો સ્વીકાર ન કરે, તો એ વસ્તુ કોની માનવામાં આવે ?'
યુવાને કહ્યું, 'ભેટનો અસ્વીકાર થાય તો પછી એ ભેટ જેણે આપી હોય તેની પાસે જ રહે.'
ભગવાન બુદ્ધે કહ્યું, 'તમારી ભેટનો હું અસ્વીકાર કરું છું. તમારા અપશબ્દોનો મહાકોશ તમારી જ પાસે રાખો. મારે એની કશી જરૂર નથી. પ્રતિધ્વનિ જેમ ધ્વનિનું અનુગમન કરે છે અને પડછાયો પદાર્થની સાથે ચાલે છે એ રીતે દુ:ખ હંમેશાં અપરાધીની સાથે જોડાયેલું હોય છે. જેનું અંત:કરણ પવિત્ર છે, એને તમે દુર્વચનોથી દૂષિત કરી શકશો નહીં.'
ગુસ્સાથી ઘેરાયેલો યુવાન ભગવાન બુદ્ધનાં વચનોથી શાંત થયો. એમની સાધુતા અને ઉપદેશથી પ્રભાવિત બન્યો. યુવકને મનોમન પશ્ચાત્તાપ થયો.
અભદ્રતા ઉપર હંમેશાં ભદ્રતા વિજય પામતી હોય છે, પરંતુ એ પહેલાં ભદ્રતાની ભારે કસોટી થતી હોય છે. જગતમાં સત્ય સ્થાપનારાઓએ અસત્ય પાસેથી ઘણું ઘણું સહન કર્યું છે અને અંતે સત્યને ઉજમાળ કર્યું છે. ઉશ્કેરાયેલા યુવાનના અપશબ્દો નિષ્ફળ ગયા અને ભગવાન બુદ્ધની પરમ શાંતિનો વિજય થયો.