Shatdal

21 લાખ ફોલોઅર્સ, પણ મત મળ્યા માત્ર 33 !

By GS Team
3 Nov 20267 mins read
21 લાખ ફોલોઅર્સ, પણ મત મળ્યા માત્ર 33 !
  • સોશિયલ મીડિયાનું અંક ગણિત પણ સરવાળા, ગુણાકાર અને ભાગાકારના પ્રકરણ ધરાવે છે
  • વિવિધા-ભવેન કચ્છી
  • સંખ્યા ધ્યાન ખેંચી શકે છે, પરંતુ વિશ્વાસ કમાવો પડે છે. લોકપ્રિયતા દેખાઈ શકે છે, પરંતુ લોકસ્વીકૃતિને સાબિત કરવા માટે વાસ્તવિક જીવનમાં તેની અસર જોવી પડે છે

એ ક વ્યક્તિના સોશિયલ મીડિયા પર ૨૧ લાખથી વધુ ફોલોઅર્સ હોય, તેના વીડિયો હજારો-લાખો લોકો સુધી પહોંચતા હોય, તેની પોસ્ટ પર લોકો પ્રતિભાવ આપતા હોય અને તેને લોકો ચૂંટણી લડવાની સલાહ પણ આપતા હોય, તો સ્વાભાવિક રીતે તેને એવું લાગે કે લોકોમાં તેની ભારે લોકપ્રિયતા છે. હવે આટલી લોકપ્રિયતા ધરાવતી વ્યક્તિ પોતાના જ ગામમાં સરપંચની ચૂંટણી લડે તો કેટલા મત મળે? પાંચસો, હજાર કે કદાચ તેનાથી પણ વધારે! પરંતુ રાજસ્થાનમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ લોકપ્રિયતાની આપણી આખી ગણતરીને જ પડકાર
ફેંક્યો છે.
૧૧ મત પરિવારના
સોશિયલ મીડિયા પર ૨૧ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઓમપ્રકાશ બિશ્નોઈને સરપંચની ચૂંટણીમાં માત્ર ૩૩ મત મળ્યા!
જોધપુર જિલ્લાના ઓસિયાં તાલુકાની ઇન્દોન કી ધાણી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ પરિણામ આવ્યું હતું. આશરે ૧,૬૦૦ મતદારો ધરાવતા ગામમાં બિશ્નોઈ જ્યોતિષી, ફેસ રીડર અને યુટયુબર તરીકે ઓળખ ધરાવે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર આશરે ૧૪ લાખ, ફેસબુક પર બે લાખથી વધુ અને યુટયુબ પર સાડા પાંચ લાખ જેટલા અનુયાયીઓ હતા. તેઓ ગૌશાળા સાથે પણ સંકળાયેલા છે. ચૂંટણીમાં તેમણે શિક્ષણ, નિરાધાર પશુઓની સંભાળ અને સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા જેવા મુદ્દા રજૂ કર્યા હતા. તેમ છતાં તેમને માત્ર ૩૩ મત મળ્યા. તેમના પોતાના નિવેદન અનુસાર, આમાંથી ૧૧ મત પરિવારના સભ્યોના હતા. બીજી તરફ, અન્ય એક ઉમેદવાર શિક્ષકને ૫૨૭ મત મળ્યા હતા અને વિજયી ઉમેદવાર કારના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમની સોશિયલ મીડિયા પર હાજરી નહિવત છે.
ડિજિટલ નેતાઓ
આજે પ્રત્યેક રાજકીય પક્ષના હાઈ કમાન્ડ દ્વારા તેમના નેતાઓને સૂચના આપવામાં આવી છે કે રોજેરોજ શક્ય એટલી વધુ પોસ્ટ મુકતા રહો. તમારા ફોલોઅર્સ, વ્યુઅર્સની સંખ્યા પર પક્ષની નજર રહેશે. આમ કરવામાં જરાપણ ખોટું નથી પણ નેતાએ સમજવું જોઈએ કે પક્ષના લાખો કાર્યકરો જે તે નેતાને ખુશ રાખવા, તેનું ધ્યાન ખેંચવા 'લાઈક' કરે છે અને ફોલો કરે છે. જેમ નેતા મોટો તેમ તેની લાઈક વધુ.નેતા ભૂતપૂર્વ બને તે સાથે જ રાતોરાત તેની લાઈક કે ફોલોઅર્સની સંખ્યામાં કડાકો બોલી જતો હોય છે. નેતા કે તેના પક્ષની વિરુદ્ધમાં પણ અસંખ્ય ફરિયાદ અને વેદના દર્શાવતી પોસ્ટ હોય છે તે પણ આખરે તો વ્યુઅર્સની સંખ્યામાં જ ગણાઈ જતી હોય છે.
કહેવાનું તાતપર્ય એટલું જ કે સોશિયલ મીડિયાની લાઈક ધારેલ લક્ષ્ય કે પરિણામમાં હંમેશા પરિવર્તિત નથી થતી.
ફોલોઅર્સ એટલે..
સરપંચની ચૂંટણીના પરિણામ પરથી એ સમજી લેવાની જરૂર છે કે સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો તમને અનુસરતા હોય એટલે તેઓ તમને પસંદ કરે છે તેવું માનવું નહીં. કોઈના લાખો ફોલોઅર્સ હોય તો તે વ્યક્તિ વિશ્વસનીય, લોકપ્રિય, પ્રતિભાશાળી કે પ્રભાવશાળી છે એવું માની ન લેવું જોઈએ. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ સંખ્યાઓમાંથી ખરેખર કેટલા લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખે છે, તમારી સલાહ સ્વીકારે છે અથવા તમારા માટે કોઈ પગલું ભરવા તૈયાર છે.
ફોલોઅર્સની સંખ્યા
સોશિયલ મીડિયાએ લોકપ્રિયતાની વ્યાખ્યા બદલી નાખી છે. એક સમયે કોઈ લેખકનાં પુસ્તકો કેટલાં વેચાય છે, ગાયકના કાર્યક્રમમાં કેટલા લોકો આવે છે, વક્તાને સાંભળવા કેટલા લોકો એકત્ર થાય છે કે કોઈ નેતાની સભામાં કેટલી ભીડ ઊમટે છે તેના પરથી તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવવામાં આવતો હતો. આજે આ બધાની સાથે એક નવો માપદંડ ઉમેરાયો છે - ફોલોઅર્સની સંખ્યા.
કોઈની પ્રોફાઇલ પર પાંચ લાખ ફોલોઅર્સ હોય તો તે જાણે સફળતાનું પ્રમાણપત્ર બની જાય છે. દસ લાખ હોય તો તેની વાતને વિશેષ મહત્ત્વ મળે છે અને કરોડો ફોલોઅર્સ હોય તો તેની દરેક પોસ્ટ જાણે કોઈ મોટો સામાજિક સંદેશ બની ગઈ હોય એવું વાતાવરણ ઊભું થાય છે. જાહેરાત આપતી કંપનીઓ, કાર્યક્રમોના આયોજકો અને ક્યારેક સામાન્ય લોકો પણ આ સંખ્યાથી પ્રભાવિત થાય છે.
બે જુદી બાબત
વધુ સંખ્યા એટલે વધુ ચાહના તેવી ગણતરીમાં એક મૂળભૂત ગૂંચવણ છે. કોઈને અનુસરવું અને કોઈને પસંદ કરવું બે જુદી બાબતો છે. કોઈનો વીડિયો મનોરંજક લાગે એટલે આપણે તેને અનુસરવા લાગીએ, પરંતુ તેનો દરેક વિચાર સ્વીકારીએ એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિની એક પોસ્ટ ગમી જાય એટલે તેના જીવનનાં તમામ નિર્ણયો યોગ્ય લાગે એવું પણ નથી. કોઈનો વીડિયો વારંવાર જોવા મળે એટલે તેની વાત પર વિશ્વાસ હોય જ એવું નથી.
કોઈને તેના રમૂજી વીડિયો માટે અનુસરતું હોઈ શકે, કોઈને જ્યોતિષની માહિતી માટે, કોઈને વિવાદાસ્પદ નિવેદનો જોવા માટે, કોઈને તેના દ્વારા વખતવખત મુકાતા સેક્સી ફોટો માટે, કોઈને માત્ર એટલા માટે કે તે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. કોઈને એટલા માટે લાઈક મળે છે કે તે રોજેરોજ નિયમિત રીતે પોસ્ટ મુકતા જ રહે છે જેથી અલગોરિધમ પ્રમાણે પોસ્ટ ફોલોઅર્સની નજરમાં ટકરાતી જ રહે. સોશિયલ મીડિયા પરના આ બધા અનુયાયીઓને એક જ પ્રકારના સમર્થક ગણવા એ ભૂલ છે.
ક્લિકની કિંમત
સોશિયલ મીડિયા પર અનુસરવાની કિંમત એક ક્લિક છે. ચૂંટણીમાં મત આપવો એ એક અલગ નિર્ણય છે. કોઈ વ્યક્તિનો વીડિયો જોવામાં અને તેને ગામના વહીવટની જવાબદારી સોંપવામાં મોટો તફાવત છે. વીડિયોમાં રસ પડે એટલે વ્યક્તિનો સ્વભાવ, નિર્ણયશક્તિ, જવાબદારી નિભાવવાની ક્ષમતા અને સ્થાનિક પ્રશ્નો પ્રત્યેની સમજ આપમેળે સાબિત થઈ જતાં નથી.
તમારા ફોલોઅર્સ ક્યાં છે અને તમારે પહોંચવું ક્યાં છે? તે આ ઘટનાનું બીજું મહત્ત્વનું પાસું છે. 'ફોલોઅર્સની સંખ્યા કરતાં તેમની પ્રાસંગિકતા. કોઈ ગુજરાતી લેખકને સમગ્ર વિશ્વમાંથી લાખો અનુયાયીઓ મળતા હોય, પરંતુ તેની પુસ્તકવિમોચનની બેઠક યોજાય ત્યારે કેટલા લોકો હાજર રહે? કોઈ ફિટનેસ નિષ્ણાતને લાખો લોકો અનુસરતા હોય, પરંતુ તેની તાલીમ લેવા માટે ખરેખર કેટલા લોકો તૈયાર થાય? કોઈ વ્યવસાયિક વ્યક્તિના લાખો અનુયાયીઓ હોય, પરંતુ તેના ઉત્પાદનની ખરીદી કરવા કેટલા લોકો આગળ આવે?
આ બધા પ્રશ્નોના જવાબ જુદા હોઈ શકે છે. લાખો લોકો સુધી પહોંચવું અને એમાંથી કોઈ ચોક્કસ હેતુ માટે લોકોની ભાગીદારી મેળવવીએ બે અલગ સફળતાઓ છે.
માનો કે કોઈ કંપનીના સોશિયલ મીડિયા પર દસ લાખ ફોલોઅર્સ છે. તેની જાહેરાત જોઈને માત્ર એક હજાર લોકો ખરીદી કરે તો જાહેરાતની સફળતાનું મૂલ્યાંકન માત્ર દસ લાખની સંખ્યા પરથી થઈ શકે નહીં. બીજી કંપની પાસે માત્ર પચાસ હજાર અનુયાયીઓ હોય, પરંતુ તેના પાંચ હજાર લોકો ખરીદી કરતા હોય તો તેના માટે આ નાનું નેટવર્ક પણ વધુ ઉપયોગી બની શકે છે. અલબત્ત, બંનેની કિંમત, ખર્ચ, ગ્રાહકોનો પ્રકાર અને વ્યવસાયના હેતુને ધ્યાનમાં લીધા વિના અંતિમ નિર્ણય લઈ શકાય નહીં.
ફોલોઅર્સની મહત્તા
જો કે ફોલોઅર્સની સંખ્યાની મહત્તા છે જ નહીં તેમ કહેવાનો આશય નથી. આજે ફોલોઅર્સની સંખ્યા માત્ર વ્યક્તિની લોકપ્રિયતાનું પ્રતીક નથી રહી; તે એક આર્થિક સંપત્તિ પણ બની ગઈ છે. જાહેરાતો મેળવવા, બ્રાન્ડ સાથે કરાર કરવા, કાર્યક્રમોમાં આમંત્રણ મેળવવા અને પોતાની સેવાઓનું વેચાણ કરવા માટે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપયોગી બની શકે છે. પરિણામે, સંખ્યાને વધારવા માટેનું આકર્ષણ પણ વધ્યું છે.
પરંતુ લોકપ્રિયતા દેખાડવી અને લોકપ્રિયતા ઊભી કરવી બે જુદી બાબતો છે. ફોલોઅર્સ ખરીદવાની કે કૃત્રિમ રીતે એન્ગેજમેન્ટ વધારવાની શક્યતાઓ ડિજિટલ જગતમાં જાણીતી છે. ક્યારેક એકાઉન્ટને અનુસરતા લોકો નિષ્ક્રિય હોય છે, ક્યારેક તેઓ જુદા દેશોમાંથી આવતા હોય છે અને ક્યારેક તેમની રુચિ એ વ્યક્તિના વાસ્તવિક કાર્યક્ષેત્ર સાથે મેળ ખાતી નથી. આ ઉપરાંત, પ્લેટફોર્મના અલ્ગોરિધમને કારણે કોઈ એક વીડિયો અચાનક લાખો લોકો સુધી પહોંચી શકે છે, જ્યારે એ જ વ્યક્તિની બીજી પોસ્ટ બહુ ઓછા લોકો સુધી પહોંચે છે.
'વાઈરલ'ની દુનિયા
સોશિયલ મીડિયાના પ્રચલિત શબ્દ 'વાયરલ'ને પણ સમજીએ. 'વાઈરલ' એટલે સાચું કે સારું?
સોશિયલ મીડિયાની એક ખાસિયત છે - વિવાદ અને આશ્ચર્ય ઝડપથી ફેલાય છે. કોઈ વ્યક્તિનું નિવેદન વિવાદાસ્પદ હોય, કોઈ વીડિયો વિચિત્ર હોય અથવા કોઈ ઘટના લોકોને ચોંકાવી દે તેવી હોય તો તે ખૂબ ઝડપથી વાયરલ થઈ શકે છે. પરંતુ વાયરલ થવાનું કારણ ઘણી વાર લોકોનો ગુસ્સો, મજાક, કુતૂહલ કે અસહમતિ પણ હોય છે.
કોઈ વ્યક્તિનો વીડિયો લાખો લોકોએ જોયો હોય તો એ લાખો લોકો તેના પ્રશંસક છે એવું માની શકાય નહીં. કેટલાક લોકોએ તેને વખોડવા માટે જોયો હોય, કેટલાકે મિત્રને મોકલવા માટે, તો કેટલાકે માત્ર ઘટનાની મજા લેવા માટે જોયો હોય. જો કોઈ વ્યક્તિને સતત ટ્રોલ કરવામાં આવતી હોય તો પણ તેના એકાઉન્ટની ચર્ચા વધી શકે છે. તેથી લોકપ્રિયતા અને સકારાત્મક લોકસ્વીકૃતિને એક જ ગણતરીમાં મૂકવી જોખમી છે.
ઓછા ફોલોઅર્સ
આ વિષયનો બીજો છેડો પણ એટલો જ મહત્ત્વનો છે. જો મોટા ફોલોઅર્સ વ્યક્તિની શ્રેષ્ઠતાનો પુરાવો નથી, તો ઓછા ફોલોઅર્સ વ્યક્તિની ઓછી ક્ષમતાનો પુરાવો પણ નથી. આપણા સમાજમાં અનેક એવા શિક્ષકો છે જેઓ હજારો વિદ્યાર્થીઓનું જીવન બદલી નાખે છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની હાજરી મર્યાદિત છે. અનેક ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, લેખકો, કારીગરો અને સમાજસેવકો પોતાના ક્ષેત્રમાં મહત્ત્વનું કામ કરે છે, પરંતુ તેમને લાખો અનુયાયીઓ મળતા નથી કે પછી તેઓ સોશિયલ મીડિયામાં સહેજ પણ સક્રિય નથી.
સોશિયલ મીડિયાને લીધે વિશ્વનો પ્રત્યેક નાગરિક તેની અભિવ્યક્તિ રજુ કરી શકે છે તે રીતે તેને જોવાની જરૂર છે.
જ્ઞાન પોસ્ટ
લોકોનું ધ્યાન ખેંચવું એક કળા છેત પણ 'ઓફ લાઈન' તેઓનો વિશ્વાસ જીતવો તે બીજી વાત છે સાતત્યતા સાથે કેવું હેતુપૂર્ણ જીવન જીવો છો તે મહત્વનું છે.