Science & Technology

શું ફેસબુક-ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી મેટા કંપની દેવાળું ફૂંકશે? 1.4 ટ્રિલિયન ડોલરના દંડની માગે ખળભળાટ મચાવ્યો

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના 30 રાજ્યોએ મેટા સામે બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા બદલ 1.4 ટ્રિલિયન ડોલરના દંડની માંગણી સાથે કેસ કર્યો છે. સેન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં આ અઠવાડિયે સુનાવણી શરૂ થઈ રહી છે. મેટા પર બાળકોને વ્યસની બનાવવા માટે પ્લેટફોર્મ ડિઝાઇન કરવાનો આરોપ છે. CEO માર્ક ઝકરબર્ગ મુખ્ય સાક્ષી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું ફેસબુક-ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી મેટા કંપની દેવાળું ફૂંકશે? 1.4 ટ્રિલિયન ડોલરના દંડની માગે ખળભળાટ મચાવ્યો
AI Image

Meta Faces Big Youth Trial: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’ એકવાર ફરી બાળકોની સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયા એડિક્શનના ગંભીર કેસમાં કાયદાકીય કટોકટીનો સામનો કરી રહી છે. આ અઠવાડિયે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો નજીક ઓકલેન્ડ સ્થિત ફેડરલ કોર્ટમાં જૂરીની પસંદગી સાથે એક મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી શરૂ થઈ રહી છે. અમેરિકાના આશરે 30 રાજ્યોના એટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મેટાએ નાના બાળકો અને કિશોરોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.

બાળકોને એડિક્ટેડ બનાવવા માટે પ્લેટફોર્મ ડિઝાઇન કર્યાનો આક્ષેપ

કેલિફોર્નિયા, કોલોરાડો, કેન્ટુકી અને ન્યૂ જર્સી જેવા મુખ્ય રાજ્યોના એટર્ની જનરલે મેટા પર જાણીજોઈને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને એવા કન્સેપ્ટ પર ડિઝાઇન કરવાનો આક્ષેપ મૂક્યો છે જેથી બાળકોને તેની લત લાગી જાય.

  • નિયંત્રણોની માંગ: રાજ્યો દ્વારા માગ કરવામાં આવી છે કે સગીરો માટે આ પ્લેટફોર્મના વપરાશ પર કડક નિયંત્રણો લાદવામાં આવે.
  • 1.4 ટ્રિલિયન ડોલરનો દંડ: આ રાજ્યોએ મેટા સામે 1.4 ટ્રિલિયન ડોલર સુધીના દંડની માંગ કરી છે, જે મેટાની માર્કેટ કેપ (જે શુક્રવારે $1.5 trillion કરતાં વધુ હતી)ની લગભગ બરાબર છે. જોકે અમેરિકાના કાયદાકીય રીતે કોર્ટ એવો દંડ ફટકારી શકતી નથી જે કંપનીને સંપૂર્ણપણે નાદાર કે બંધ કરી દે.

માર્ક ઝકરબર્ગ બનશે મુખ્ય સાક્ષી

મેટાના સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગ આ કેસમાં મુખ્ય સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ રજૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પહેલાં પણ છ મહિના અગાઉ લોસ એન્જલસની એક કોર્ટમાં તેમણે અન્ય કેસમાં જુબાની આપી હતી. ઝકરબર્ગ પોતાના હવાઈ સ્થિત નિવાસસ્થાને વધુ સમય વિતાવતા હોવા છતાં, મેનલો પાર્કમાં આવેલું કંપનીનું હેડક્વાર્ટર ઓકલેન્ડ કોર્ટહાઉસથી માત્ર એક કલાકના અંતરે જ છે.

'ફેસબુક ફાઇલ્સ' લીકથી શરૂ થયો વિવાદ

આ સમગ્ર વિવાદ વર્ષ 2021ના અંતમાં શરૂ થયો હતો, જ્યારે મેટાની જ ભૂતપૂર્વ કર્મચારી ફ્રાન્સિસ હોગને હજારો પાનાના આંતરિક સંશોધનો લીક કર્યા હતા, જેને "Facebook Files" નામ આપવામાં આવ્યું હતું.

  • આ દસ્તાવેજો પરથી સ્પષ્ટ થયું હતું કે ઇન્સ્ટાગ્રામની કિશોરીઓ પર પડતી નકારાત્મક અસરો વિશે મેટા પાસે આંતરિક ડેટા અને સંશોધન ઉપલબ્ધ હતાં, છતાં કંપનીએ જાહેર સમક્ષ આ અસરોને છુપાવી હતી.
  • આ બાબત ઉજાગર થયા બાદ દઝન જેટલા રાજ્યોએ સંયુક્ત તપાસ શરૂ કરી હતી, જે બે વર્ષ બાદ 30 જેટલા રાજ્યોની સંયુક્ત ફરિયાદમાં પરિણમી હતી.

અગાઉ પણ મેટા સામે દંડ અને સજાના આદેશ

અગાઉ પણ આવા જ કેસોમાં દોષિત ઠરતાં મેટા પર લગભગ 1 અબજ ડોલર જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે:

  • લોસ એન્જલસ કેસ: માર્ચ મહિનામાં પૂરા થયેલા કેસમાં લોસ એન્જલસની જૂરીએ એક કિશોરની સોશિયલ મીડિયા લત માટે મેટા અને યૂટ્યુબને જવાબદાર ઠેરવીને $6 million ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
  • ન્યૂ મેક્સિકો કેસ: આ પહેલાં ન્યૂ મેક્સિકોની જૂરીએ મેટાને બાળકોને ઓનલાઇન પીછો કરનારાઓના જોખમમાં મૂકવા બદલ $375 million ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

મેટાનો બચાવ અને દલીલ

આ તમામ કાયદાકીય પડકારો સામે મેટાએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે,

"અમે ઓનલાઇન કિશોરોની સુરક્ષા બાબતે અમારા ટ્રેક રેકોર્ડ અંગે આત્મવિશ્વાસ ધરાવીએ છીએ અને તથ્યોને ખોટી રીતે રજૂ કરતા દાવાઓ સામે કાનૂની લડાઈ ચાલુ રાખીશું."

કંપની કોર્ટમાં દલીલ કરવાની યોજના બનાવી રહી છે કે માનસિક સ્વાસ્થ્ય એ માત્ર કોઈ એક પ્લેટફોર્મ પૂરતો નહીં પરંતુ સમગ્ર ઉદ્યોગ-વ્યાપી પ્રશ્ન છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોના આક્ષેપો વાણી સ્વાતંત્ર્યના કાયદાઓથી સુરક્ષિત છે. જોકે, ચાર મુખ્ય રાજ્યોએ મેટા પર ગ્રાહક સુરક્ષા કાયદા અને સગીરોના ડેટાની સુરક્ષા માટેના ફેડરલ કાયદા COPPA (Children's Online Privacy Protection Act)નો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.