Science & Technology

એક જ સ્થળ માટે અલગ અલગ વ્યક્તિને જુદા જુદા રુટ કેમ ?

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
ઘરના સભ્યોને ગૂગલ મેપ્સમાં અલગ-અલગ રસ્તા સૂચવાતા હોવાનું રહસ્ય સામે આવ્યું છે. ગૂગલ મેપ્સ હવે ઇંધણ બચત અને ટોલ ટેક્સ ટાળવાના વિકલ્પોને પ્રાધાન્ય આપે છે. જો કોઈ યુઝરે મેપ્સ સેટિંગ્સમાં આ વિકલ્પો બદલ્યા હોય, તો તેને અલગ રસ્તો દેખાય છે. વાહનના પ્રકાર (ગેસ, ડીઝલ, ઇલેક્ટ્રિક) મુજબ પણ રૂટ બદલાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક જ સ્થળ માટે અલગ અલગ વ્યક્તિને જુદા જુદા રુટ કેમ ?

તમે ક્યારેક આવો અનુભવ કર્યો હશે - તમે તમારા ઘરેથી કોઈ સ્થળે જવા માટે નીકળો ત્યારે પરિવારના બે-ચાર સભ્યો કયા રસ્તે જવું સારું રહેશે એ ગૂગલ મેપ્સમાં તપાસવાનો પ્રયાસ કરે. બને એવું કે આ બધા સભ્યો એક જ સ્થળે હોય અને ત્યાંથી જ્યાં પહોંચવું હોય એ ડેસ્ટિનેશન પણ એક જ હોય, તેમ છતાં બધા સભ્યોને પોતપોતાના ગૂગલ મેપ એપમાં થોડા થોડા જુદા રસ્તા સૂચવવામાં આવે!
આમ તો આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ગૂગલ મેપ્સ એ માટે હંમેશાં બે-ત્રણ રસ્તા સૂચવે છે. તેમાંથી આપણે માટે ક્યો રસ્તો સૌથી સારો રહેશે એ પણ તે સૂચવે છે. એ રસ્તો ડાર્ક બ્લ્યુ કલરનો દેખાય, જ્યારે અન્ય રસ્તા આછા બ્લ્યૂ કલરના દેખાય. આપણે માટે બેસ્ટ રૂટ પર અને અન્ય રસ્તે કેટલો સમય લાગશે અને કેટલો ટોલ ટેક્સ (જો ડેસ્ટિનેશન બહારગામનું હોય તો) ચૂકવવાનો થશે એ પણ જોવા મળે.
સવાલ એ થાય કે એક જ જગ્યાએથી એક જ જગ્યાએ જવા માટે ડેસ્ટિનેશનની ડિરેકશન સર્ચ કરવામાં આવે ત્યારે બધી અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ ‘બેસ્ટ’ રૂટ કેમ બતાવવામાં આવે છે?
આપણે ગૂગલ મેપ્સના સેટિંગ્સમાં થોડા ઊંડા ઉતરીએ તો આનું કારણ સમજાય.
હવે ગૂગલ મેપ્સ આપણને ઇંધણની વધુમાં વધુ બચત કરે તેવા વિકલ્પ બતાવે છે. આ ઓપ્શન સૌ માટે ઇનેબલ્ડ હોય છે. પરંતુ કોઈ યૂઝરે તેને ડિસેબલ કર્યો હોય તો તેને અને બીજા યૂઝરને ગૂગલ અલગ અલગ રસ્તો બતાવી શકે છે. એ જ રીતે કોઈ યૂઝરે પોતાના મેપ્સ સેટિંગ્સમાં ટોલ ટેક્સ કે હાઇવે એવોઇડ કરવાનું સેટિંગ ઓન રાખ્યું હોય તો પણ એ યૂઝર અને અન્ય યૂઝરના રૂટ અલગ અલગ બતાવવામાં આવી શકે.
તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ગૂગલ મેપ્સને પોતાનું વાહન કેવા પ્રકારનું છે એ જણાવ્યું હોય તો આપણને રૂટ સજેસ્ટ કરતી વખતે એ વાત પણ ધ્યાને લેવામાં આવે છે. જેમ કે આપણે સેટિંગ્સમાં પોતાનું વાહન ગેસ, ડિઝલ, હાઇબ્રિડ કે ઇલેક્ટ્રિક છે એવું જણાવ્યું હોય તો એ મુજબ આપણને સૂચવવામાં આવતો રૂટ બદલાઈ શકે છે!
આપણા ફોનમાંની લગભગ બધી જ એપ પર્સનલાઇઝેશન પર ફોકસ કરે છે - કદાચ વધુ પડતું!